રાષ્ટ્રીયપ્રવાહમાં કચ્છ હંમેશાં આત્મત્યાગી રહ્યું છે!

Published: 5th May, 2020 16:42 IST | Kishor Vyas | Mumbai

તો ‘જ્યારે કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય હતું ત્યારે ભાષાવાર રાજ્યની રચના માટે પણીકકર પંચ કચ્છ આવ્યું હતું ત્યારે તેમનો સવાલ એ હતો કે કચ્છ શું ઇચ્છે છે?

નગરસભાઓની આપણે જ્યારે વાત કરી ત્યારે કચ્છ લોકલ બોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એ લોકલ બોર્ડના પ્રથમ અધ્યક્ષ સન્માનનીય હીરજીભાઈ રણછોડદાસ કોટકની કાર્યદક્ષ વહીવટકાર તરીકે કચ્છમાં ઊપસેલી છાપનું આછું શબ્દચિત્ર રજુ કર્યું હતું. એ હીરજીભાઈએ ૧૯૯૭માં ‘ધ લૅન્ડ ધેટ ઑલ ડિઝાયર’ નામથી, રાજાશાહીથી માંડી સ્વતંત્રતા અને ત્યાર પછીના ‘ક’ વર્ગના રાજ્ય અને કચ્છને પ્રથમ ‘મુંબઈ રાજ્ય’ અને ત્યાર પછી સાડાત્રણ વર્ષે ‘ગુજરાત રાજ્ય’માં વિલીન કરવા સુધીમાં, કચ્છ શું હતું અને એના માટે જરૂરી શું હતું, શું સાચું અને શું ખોટું થતું હતું એની કેટલીક નોંધો ટપકાવીને કચ્છની તત્કાલીન નેતાગીરી અને વહીવટીતંત્રને અરીસો બતાવ્યો છે.

તેમની એ વાતો કચ્છના છેલ્લા મહારાઓ શ્રી મદનસિંહજી કે જેમણે કચ્છને કેન્દ્રમાં ભેળવી દેવાનો સરદાર પટેલ સાથે કરાર કર્યો હતો, તેમણે હીરજીભાઈએ કરેલી નોંધો વિશે કહ્યું હતું કે ‘એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નથી કે માત્ર કચ્છી વ્યક્તિ જ લોકોની જરૂરિયાત અને કચ્છના સમગ્ર વિકાસની સાચી દિશા ચીંધી શકે અને એ પ્રયાસ હીરજીભાઈએ સચોટ રીતે તેમની એ નોંધપોથીમાં કર્યો છે. તેમના શબ્દોમાં કચ્છની ધરતી અને કચ્છી માણસોના વિકાસ માટેની વેદના ટપકે છે. મને, તેમના જેવી સમજ, વ્યવહારું જ્ઞાન ઉપરાંત રચનાત્મક દૂરંદેશીપણું આજના સમયમાં કોઈ કચ્છી નેતામાં જોવા નથી મળતાં!’તેમણે કહેલી વાતો મારી પણ નોંધમાં રહી અને આજે અહીં તેમનું સ્મરણ કરીને કચ્છી નેતાઓ અને સેવાભાવી કાર્યકરોને પ્રેરણા મળે એ માટે અહીં ટપકાવવાનો પ્રયાસ કરું છું.

તેમના શબ્દો મારી રીતે ગોઠવું તો ‘જ્યારે કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય હતું ત્યારે ભાષાવાર રાજ્યની રચના માટે પણીકકર પંચ કચ્છ આવ્યું હતું ત્યારે તેમનો સવાલ એ હતો કે કચ્છ શું ઇચ્છે છે? જેમ છે એમ એટલે કે ‘ક’ વર્ગના રાજ્ય તરીકે રહેવું છે કે જે નવી ભાંજગડ થાય એમાં પાડોશી રાજ્ય તરીકે ભળી જવું છે? પાડોશી રાજ્યનો સંદર્ભ મુંબઈ સાથેનો હતો.

એ વખતે કચ્છના મોવડીઓએ કચ્છને મુંબઈ સાથે ભેળવવાનું પંચ સમક્ષ એટલે રજૂ કર્યું હતું કે કચ્છ જેટલી જ વસ્તી કચ્છ બહાર અને મોટા ભાગની મુંબઈમાં વસે છે. તેમના સામાજિક અને આર્થિક સંબંધો અને વ્યવહારો અને સંપર્ક નિયમિત રીતે કચ્છ સાથે રહ્યા છે. રાજ્યની રીતે મુંબઈવાસી કચ્છીઓ પોતાને ‘પર રાજ્ય’માં હોય એવું અનુભવી રહ્યા હતા. કચ્છનો મુંબઈ સાથે ભળવાનો યોગ થતો હતો એ તેમને ગમતું હતું. તેઓ એમ જ વિચારી રહ્યા હતા કે મુંબઈમાં કચ્છની વગ વધશે અને કચ્છને એનો મોટો ફાયદો મળશે. હીરજીભાઈએ મને કહ્યું હતું, એક રીતે તે લોકો ખોટા નહોતા એટલે તેમણે કચ્છને મુંબઈ સાથે ભેળવી દેવાની વાત પંચ સમક્ષ મૂકી હતી અને એમ ઇચ્છનારો વર્ગ મોટો હતો. એ રીતે તે લોકો ‘ક’ વર્ગના રાજ્યને જ ચાલુ રાખવાની મજબૂત રજૂઆત કરવાનું ચૂકી ગયા હતા. એ દરજ્જા સાથે કચ્છના વિકાસ માટે બંધારણમાં જોગવાઈઓ કરવાનું પણ તેઓ પંચને કહી શક્યા હોત. પંચે પોતાનું કામ પૂરું કર્યું અને તેની ભલામણ મુજબ કચ્છ મુંબઈમાં ભળ્યું. હીરજીભાઈએ તેમની વાત આગળ વધારતાં એમ પણ કહ્યું હોવાનું યાદ છે કે ‘એક પંચવર્ષીય યોજનાનો થોડો જ સમય વીત્યો હતો ત્યાં સંજોગોએ પાછી કરવટ બદલી અને કચ્છ મુંબઈથી વિખૂટું પડ્યું. આ ઊથલો કચ્છીઓની ઇચ્છા મુજબનો નહોતો, નછૂટકે હતો. કચ્છી પ્રજાને એમ કરતાં પહેલાં પૂછવામાં પણ નહોતું આવ્યું!’ વાત કરતાં હીરજીભાઈ ભૂતકાળમાં તેમની આંખે ઝાંખપ હોવા છતાં કંઈક શોધી રહ્યા હતા એવું મને સ્મરણ થાય છે.

તેમણે એક વાત એવી કહી હતી કે ‘બીજી તરફ મહાગુજરાત રચાતું હતું અને એમાં તેમને કચ્છની જરૂર હતી. મુંબઈ સહિતના મહારાષ્ટ્ર રાજ્યની વાત આકાર પામ્યે જ છૂટકો હતો. મરાઠાઓને એમાં કોઈ ઘાલમેલ મંજૂર નહોતી, કારણ કે તેમની ઉગ્રતાનો પારો કેટલો ઊંચો જઈ શકે એ તેમણે બતાવી આપ્યું હતું. મહાગુજરાત માટે ગુજરાતના આગેવાનો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસની એ વિશેની એક ખાસ બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. કચ્છના પ્રતિનિધિઓને સમયસર પહોંચવા ખાસ વિમાનનો પ્રબંધ કરવો પડ્યો હતો એટલી તાકીદની એ બેઠક હતી. ત્યાં અમદાવાદમાં એ જ દિવસે યોજાયેલી મોરારજી દેસાઈની જાહેર સભાનો લોકોએ બહિષ્કાર જાહેર કર્યો હતો. અમદાવાદ જનતા કરફ્યુ હેઠળ સ્તબ્ધ હતું. કૉન્ગ્રેસ હાઉસને લોકોએ ઘેરાવ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસની એ બેઠક ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી બની ગઈ હતી. ગુજરાત કૉન્ગ્રેસના મોવડી મોરારજી દેસાઈ ભારે માનસિક દબાણ હેઠળ હતા અને તે એવી કોઈ ક્ષણનો અનુભવ કરી રહ્યા હતા કે જેમાં મહાગુજરાત બાબતે કોઈ બાંધછોડને અવકાશ દેખાતો નહોતો. તેમનું એ મનોમંથન સભામાં દ્રવતું હતું. તેમણે કરેલા વિસ્ફોટના કારણે સભામાં ઉપસ્થિત સૌની આંખોમાં ચોધાર આંસુ હતાં, કારણ કે તેમણે અનસન પર ઊતરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. સભા દિગ્મૂઢ બની ગઈ હતી. ઉપસ્થિત સભ્યોનું ભારે રક્ષણ હેઠળ મજૂર મહાજન ખાતે સ્થળાંતર કરીને પોતપોતાને ત્યાં પાછા જવા કહેવાઈ રહ્યું હતું અને મોરારજી દેસાઈના અનસન ચાલુ રહ્યા હતા. જો કચ્છ ગુજરાત રાજ્યમાં ભળવાની ના પાડે તો એના અંદાજનો કોઈ પણ વિચાર કરી શકે એમ હતું. કચ્છ રાષ્ટ્રીય સ્તરે નેતાઓની નજરમાંથી ઊતરી જાય એવા સંજોગો ઊભા થાય એમ હતા. ભારતના મહાન રાષ્ટ્ર નેતાઓ પ્રત્યે કચ્છના લોકોને આદર હતો અને તે નેતાઓ પર કચ્છી લોકોને વિશ્વાસ પણ ભારોભાર હતો. આવા કચ્છને ગુજરાત સાથે જોડવાનું એ વખતના મહારાઓ શ્રી મદનસિંહજીને પણ ગમ્યું નહોતું, તે કચ્છને ‘ક’ વર્ગના રાજ્ય જેવા ખુશ હાલમાં જ જોવા માગતા હતા! તેમ છતાં, ઊંડા વિશ્વાસ અને શ્રદ્ધાના પાયા પર સહી લેવામાં આવ્યું હતું. એટલે જ ભારતીય રાષ્ટ્રીયપ્રવાહમાં કચ્છ હંમેશાં આત્મત્યાગી ભાવનાઓથી સભર રહ્યું છે! અમે સૌ જોઈ રહ્યા છીએ કે જેમ સમય જાય છે એમ ગુજરાતમાં કચ્છ ‘ગૌણતમ-ગૌણ’ બનતું ચાલ્યું છે!

અહીં હીરજીભાઈ કોટકની વાતોને વિરામ આપીને અન્ય વિચારધારા અને પરિસ્થિતિ પર નજર નાખીએ. બંધારણ ઘડાયું ત્યારે કૉન્ગ્રેસનું કેન્દ્ર અને રાજ્યોમાં એકચક્રી રાજ હતું અને પછી કેવા દિવસો આવી ગયા? કેન્દ્રમાં અને રાજ્યોમાં જુદા-જુદા પક્ષો રાજ કરતા થઈ ગયા. પક્ષપલટા  થતા રહ્યા. કૉન્ગ્રેસના પણ ભાગલા પડ્યા! આવી સત્તાની સાઠમારીમાં કોણ હિંમતથી કહી શકે કે કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય રહ્યું હોત તો સરદાર પટેલે કચ્છની પ્રજાને આપેલાં વચન મુજબ કેન્દ્ર તરફથી કાયમ મદદ મળતી રહેશે? સરદાર પટેલે જ ભાવનગરનું રજવાડું જ્યારે મુખ્ય પ્રવાહમાં વિલીન થઈ રહ્યું હતું ત્યારે ૧૯૪૮માં કહ્યું હતું કે ‘પાણીનાં નાનાં ખાબોચિયાં એક દિવસ બંધિયાર થઈ જાય, પણ એ ભેગાં થઈ સરોવરમાં ભળે તો વાતાવરણ પ્રશાંત થઈ જાય અને સૌને લાભકર્તા નીવડે’. એનો અર્થ એવો જ થતો હતો કે કચ્છને અપાયેલો ‘ક’ વર્ગનો દરજ્જો પણ કાયમ નહીં રહે! અને એવું જ થયું! કચ્છ જેવો સંવેદનશીલ પ્રદેશ ફુટબૉલના બૉલની માફક અહીંથી તહીં કૂટાતો રહ્યો! વખત વીતે છે એ સાથે ઘણું વીતે છે, એવું કચ્છ માથે પણ વીતતું રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK