Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિદ્રોહી પત્રકાર કોરસીબાપા

વિદ્રોહી પત્રકાર કોરસીબાપા

05 May, 2020 04:50 PM IST | Mumbai
Vasant Maru

વિદ્રોહી પત્રકાર કોરસીબાપા

વિદ્રોહી પત્રકાર કોરસીબાપા


સમય હમણાંનો હોય કે પહેલાંનો, અખબાર કે સામાયિક, મૅગેઝિન ચલાવવા એ તલવારની ધાર પર ચાલવા જેવી પ્રવૃત્તિ છે. પત્રકાર કે તંત્રી પોતાનું લોહી બાળી તેજપૂંજ પાથરવાનું કાર્ય કરે છે. વર્ષો પહેલાં માત્ર પહેલું ધોરણ ભણીને પોતાની કલમથી સમાજના કુરિવાજો, પ્રથાઓ અને સ્થાપિત હિતો સામે લડાઈ કરી એક મુઠ્ઠી અજવાળું પાથરવાનું કાર્ય કરનાર વાગડના કોરસી રાઘવજી ખીરાણીએ ‘સ્વબળ’ નામનું માસિક ચલાવ્યું એ પણ પૂરાં ૫૦-૫૦ વર્ષ સુધી એકલેહાથે! છેવટે તેમના સર્જન સમા ખીરાણી પ્રકાશનને ‘લિમ્કા બુક ઑફ રેકૉર્ડ’માં સ્થાન મળ્યું. એ સંભવિત ગુજરાતી સમાજનો પ્રથમ કિસ્સો છે. આજે વાગડના એકેક ઘરમાં આ પુસ્તક હશે જ હશે. આ રેકૉર્ડવીર કોરસીબાપાનો જન્મ કચ્છ વાગડના લાકડિયા ગામમાં ૧૯૩૦માં ખેડૂત રાઘવજીબાપા અને લખમાબાને ઘરે થયો હતો.

લાકડિયા અને આસપાસનાં ગામોમાં ઓસવાળ ખેતી અને મોલ (મજૂરી) કરીને જીવનનિર્વાહ કરતા. કોરસીભાને બીજા છ ભાઈઓ હતા એમાં મોટા ભાઈ ખીમજીભા દરબારી નિશાળમાં શિક્ષક અને સંગીતકાર હતા, પણ કોરસીબાપા ભણવાને બદલે અધા (બાપુજી) સાથે ખેતરના કામમાં જોડાયા. એક દિવસ ગાડું લઈ ખેતરે જતા હતા ત્યાં ગામના ઠાકોરોએ ગાડાને રોકી, ગાડામાં પોતાના મહેલ માટે પથ્થરો લઈ આવવા કોરસીભાને આદેશ આપ્યો, પણ વિદ્રોહી અને હિંમતવાળા કોરસીભાએ સાફ ના પાડતાં એક ઠાકોરે તેમને ધક્કો માર્યો. આ અપમાનથી ખિન્ન થઈ કોરસીભાએ ઠાકોરને ઘેરો (પથ્થર) માર્યો. ઠાકોર લોહીલુહાણ થઈ ગયો. ગામમાં હાહાકાર મચી ગયો, નક્કી ઠાકોર આજે કોરસીની વલે કરશે એવી વાતો થવા માંડી પણ કોરસીભાના પિતાએ ઠાકોરના પગે પડી માફી માગી અને તેમના ખેતરમાં વેઠ (મજૂરી) કરવાનું કબૂલ કરી મામલો થાળે પાડ્યો. એક હરિજન મિત્રે કોરસીભાને મોંભઈ (મુંબઈ) ચાલી જવા આજીજી કરી જેથી જીવ બચી જાય. છેવટે મિત્રની વાત માની કોરસીભાએ મુંબઈની વાટ પકડી ત્યારે તેમની ઉંમર હતી ૧૩ વર્ષની!



એ જમાનામાં કચ્છ અને વાગડથી ઘણા લોકો આજીવિકા માટે નાની વયે મુંબઈ આવી જતા. એ સમયે મુંબઈમાં ચોખાની સખત અછત હતી. ચોખા કાળાબજારમાં વેચાતા, ઘણા કચ્છીઓ છેક મુંબઈ બહાર કલ્યાણ જઈ ચોખા લઈ આવતા અને મુંબઈની દુકાનોમાં વેચી થોડા પૈસા કમાતા. કોરસીભાએ પણ કલ્યાણથી ચોખાની ફેરી શરૂ કરીને પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. ઘણા કચ્છીઓ છેક રંગુનથી ચોખાનો વેપાર કરતા. કોરસીભાએ પણ એક વાર રંગુન જઈ ચોખાના વેપાર માટે પ્રયત્ન કર્યો, પણ વિદ્રોહી માનસ અને કંઈક નવું કરવાનો ભાવ મનમાં ઘૂંટાતો હોવાથી રંગુનમાં સ્થિર રહી ન શક્યા.


કોરસીભાના ઘણા મિત્રો ફોર્ટમાં રદ્દીનો કારોબાર કરતા. કોરસીભા ત્યાં અવાર-નવાર જતા. પૂરું ભણતર નહોતું, પણ જ્ઞાનની ભૂખને કારણે ફોર્ટના આ મિત્રોની દુકાને આવતાં રદ્દી છાપાં અને મૅગેઝિનો ઇત્યાદિ ઊથલાવી વાર્તારસનો વૈભવ માણતા. તેમના એક ઓળખીતા પાંચાલાલ, લદ્યા કારિયાનો વેસ્ટેજનો બહુ મોટો કારોબાર હતો. આ પાંચાલાલભા એટલે પ્રસિદ્ધ નાટ્યકાર લતેશ શાહના ફાધર. પાંચાલાલભા પાસે વેસ્ટેજમાં આવેલા કવર (પરબિડિયાં) ખરીદીને વણવપરાયેલા કવરને અલગ કરી, એકસરખી સાઇઝના બંડલ બનાવી નાના કારોબારીઓને સસ્તામાં વેચતા. તો મુંબઈની મોટી-મોટી મિલોમાં ડોક્યુમેન્ટ અને બિલોની ડુબ્લિકેટ કૉપી માટે કાર્બન પેપર વપરાતા. આવા વપરાયેલાં કાર્બન પેપર જથ્થાબંધ ખરીદી ગાડામાં નાખી (ત્યારે ટેમ્પોનું ચલણ નહોતું) લઈ આવતાં. કાર્બન પેપરની વણવપરાયેલી સાઇડ કટિંગ કરાવી રૅશનિંગની દુકાનોમાં સસ્તા ભાવે વેચતા. આમ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આવડત ખીલી ઊઠી.

વેલજીબાપા અને ઍડ્વોકેટ કે. પી. ગાલા દ્વારા કચ્છી સમાજની વિચારવંત સંસ્થા સેવાસમાજ પોતાનું સામાયિક ‘પગદંડી’ પ્રકાશિત કરતી. કોરસીબાપા આ પગદંડીના કારોબાર માટે સેવાસમાજમાં જોડાયા. પગદંડીમાં પ્રકાશિત થતા સમાજસુધારણા અને જાગૃતિના લેખોથી ખૂબ પ્રભાવિત થયા. એ જમાનામાં અખબારો અને મૅગેઝિનોનું મોટા ભાગે સ્ટૉલ પર છૂટક વેચાણ નોતું થતું, પણ વાર્ષિક લવાજમની પ્રથા હતી. જ્ઞાન અને સાહિત્યના ભૂખ્યા કોરસીભાએ જાણીતાં અનેક અખબારો અને મૅગેઝિનોનું લવાજમ ઉઘરાવવાનું શરૂ કર્યું જેથી વિનામૂલ્યે વાંચન મળી રહે અને સાથે-સાથે કમિશન પેટે થોડાક પૈસા મળી રહે. વાગડના જ્ઞાતિજનોને જ્ઞાનની સમજણ આપી છાપાં અને મૅગેઝિનોનું મહત્ત્વ સમજાવતા અને લવાજમ ઊઘરાવતા. એમાંથી જ્ઞાતિ માટે એક મૅગેઝિન શરૂ કરવાનો વિચાર આવ્યો અને વાગડના પ્રથમ માસિક ‘સ્વબળ’નો જન્મ આપી પત્રકાર અને તંત્રી તરીકે કાર્ય આરંભ્યું.


કોઈની આર્થિક મદદ વગર લેખ લખવા, લવાજમ ઊઘરાવવા, જાતે પ્રુફ જોવા, અંકોને પોસ્ટ કરવાનું કામ એકલા હાથે શરૂ કર્યું. સ્વબળે શરૂ થયેલા મૅગેઝિનનું નામ પડ્યું “સ્વબળ”. પ્રથમ અંક પ્રગટ કરતી વખતે તેમને ક્યાં ખબર હતી કે આ ‘સ્વબળ’ અડધી સદીની મંજિલ કાપી સમાજની ત્રણ પેઢીના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપશે!

કોરસીભા પાસે અન્યાય સામે માથું ઊંચકવાની હિંમત હતી, સાંપ્રત ઘટનાઓને જોવાની અલગ દૃષ્ટિ હતી. સમાજને નવી-નવી માહિતી પીરસવાનો ઉત્સાહ હતો. સાહિત્યની સૂઝ હતી, પરિણામે એ સમયે જંગલ જેવા વિસ્તાર અમૃતનગર (ઘાટકોપર)માં એક-એક નાનકડી ખોલીમાં સામાયિકનું કાર્યાલય શરૂ થયું. ત્યારે કાર્યાલયમાં લા‍ઇટ નહોતી, પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. ત્યાં સુધી પહોંચવા પાકા રસ્તા નહોતા કે નહોતી સગવડ ટેલિફોનની. એ અંધારી ઓરડીમાં તપસ્વીને છાજે એ રીતે લેખો લખતા. પત્રવ્યવહાર કરતા, પ્રૂફ ચેક કરતા અને અંકો પર રેપર ચડાવી ગ્રાહકનું ઍડ્રેસ લખી ઘાટકોપર પોસ્ટ ઑફિસમાં પોસ્ટ કરવા જાતે જતા. એ પણ પગે ચાલીને જેથી બસની ટિકિટના પાંચ પૈસા બચી જાય. તેમનાં બે દીકરા તથા બે દીકરીઓ કોરસીબાપાની આ સરસ્વતી આરાધનામાં દિલથી મદદ કરતાં. ખોટમાં જતી આ પ્રકાશન પ્રવૃત્તિને ટકાવવા સાસડમાં ચોખાની ફેરીથી લઈ વેસ્ટેજ કાર્બન વેચવાનું કામ કરતા. જે ટૂંકી આવક હતી એનાથી તેમનાં પત્ની હીરાબા કરકસરથી ઘર ચલાવી પતિને કલમ પ્રવૃત્તિ માટે જબરું પીઠબળ પૂરું પાડતાં.

ધીરે-ધીરે સમાજમાં કોરસીકાકા તરીકે પ્રખ્યાત થવા લાગ્યા. ખોટા રીતરિવાજો સામે બંડ પોકારવા તેમની કલમમાંથી તેજાબી લખાણો ઊતરી આવતાં. લગ્નમાં થતા ખોટા ખર્ચ, દેખાદેખી, આડંબર, માતાજીની પહેડી પ્રથા, બાલમુઆરા પર ચાબખા મારી સ્થાપિત હિતોમાં અપ્રિય થઈ ગયા, પણ વાંચકોએ તેમને દિલથી વધાવી લીધા. ગુજરાતી સાહિત્યમાં આજે અખાના છપ્પાનું અનોખું સ્થાન છે એમ કોરસીભા ‘ઝપાટા’ ઘરે-ઘરે વંચાતા. મનમાં કડવાશ કે ડંખ રાખ્યા વગર ભલભલા ચમરબંધીઓ સામે કલમ દ્વારા બાયો ચડાવી તેમની ભૂલો તરફ ધ્યાન દોરવાનું કામ કર્યું. ‘કાકા કોરસિંહના સપાટા’ ઉપરાંત ‘પેથાભાઈની પોથી’, ‘દિલની વાતો’, ‘સના સવાલ જાડા જવાબ’ને અદ્ભુત લોકપ્રિયતા પ્રાપ્ત થઈ.

માસિક આર્થિક રીતે પગભર થતાં બહારના લેખકોને પણ સ્થાન મળવા લાગ્યું. જ્યારે મૅગેઝિનોમાં પુરસ્કાર આપવાની પ્રથા નહોતી ત્યારે વગર માગે લેખકોને માતબર પુરસ્કાર ચૂકવવાની પ્રથા શરૂ કરી. મિત્ર દુલેરાય કારાણીએ વર્ષો સુધી એક પણ પૈસો લીધા વગર ‘સ્વબળ’માં લેખો લખ્યા. દુલેરાય કારાણીના જીવનના અંતિમ તબક્કામાં તેમને કોરો ચેક સોનગઢ મોકલી મનમાં આવે એ રકમ લખવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ આ વિદ્રોહી પત્રકારની સમાજ પ્રત્યેની ભાવના જોઈ કારાણીબાપાએ પુરસ્કારનો અસ્વીકાર કરી બ્લૅન્ક ચેક છેલ્લે સુધી સાચવી રાખ્યો. ‘સ્વબળ’ની શરૂઆતથી જ લેખક બેલડી ભરત ઠાકર અને સંજય ઠાકર તથા પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ બલી (બળવંત જોષી) છેલ્લે સુધી તેમના સાથીદાર રહ્યા.

કલમ દ્વારા સતત સામાજિક ચેતના જગાવનાર આ કચ્છી પત્રકારના બાળક સમુ ‘સ્વબળ’ અડધી સદીની મંજિલ કાપી એમાં વચ્ચે-વચ્ચે વિશેષાંકો પ્રકાશિત કરી સમાજને ખૂબ ઉપયોગી માહિતીઓ પૂરી પાડી, ટેલિફોન અંક દ્વારા સમાજને એકસૂત્રે બાંધ્યા તો કચ્છદર્શન અંક દ્વારા સમગ્ર કચ્છની માહિતી વાંચકોને પહોંચાડી. કચ્છનાં તીર્થસ્થાનો, લગ્નમંડપ વિશેષાંક, લોકસાહિત્ય વિશેષાંક, મેડિકલ માહિતી વિશેષાંક જેવા કેટલાય વિશેષાંકો બહાર પાડી વાંચકોને માહિતીથી લથબથ કરી દીધા.

સમય જતાં કોરસીબાપાના પુત્રો પદમસીભા ખીરાણી અને જયંતીભા ખીરાણી ખૂબ ધગશથી બાપુજીની લાકડી બની તેમના સ્વપ્નને જીવંત રાખ્યું. છેવટે ગુજરાતી વાંચન નામશેષ થવા લાગ્યું, નવી પેઢી અંગ્રેજી તરફ વળી એટલે ૫૦ વર્ષની મંઝિલ પૂરી કરી આ જાગૃતિયાત્રા પર અલ્પવિરામ મૂક્યું.

મલાડ-ઈસ્ટમાં સમાજસેવક કેશવજી રીટા ચોક આવેલું છે. આ કેશવજીબાપા પણ કોરસીબાપાના લાકડિયા ગામના હતા. કેશવજીબાપાના પુત્ર નાગજીભાઈ રીટા બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બી.એસ.ઈ.)ના ડિરેક્ટરના માતબર પદે રહી ચૂક્યા છે. નાગજીભા હાલમાં વાગડ ચોવીસ મહાજનના પ્રમુખપદે રહી ચેતનાની ચિનગારી પ્રગટાવવાનું કાર્ય કરે છે. તો ગુજરાતના લોક કલાકારો જેમને ખૂબ આદર આપે છે એ રાપરના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને કચ્છના ભૂતપૂર્વ સંસદસભ્ય બાબુલાલભાઈ મેઘજી શાહ તથા ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક અને આગેવાન પ્રવીણભાઈ વેલજી છેડા પણ લાકડિયાના છે. શિક્ષણ ક્ષેત્રે માતબર દાન અવાર-નવાર આપી સેવાની જ્યોત જગાવનાર તથા વાગડ હૉસ્પિટલના ટ્રસ્ટી તેમ જ પારલા લાયન્સ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ વિનોદભાઈ કાનજી ગડા, ફિલ્મનિર્માતા જયંતીભાઈ ગડા, ટાઇમ વિડિયોના ધીરજભાઈ નાનજી ગાલા, દાનવીર ધનજીભાઈ ઘેલા ગાલા તેમ જ નૃત્ય નાટિકાઓની દિગ્દર્શિકા તરીકે જૈન આચાર્યો જેને પ્રથમ પસંદગી આપે છે તે નીના મુકેશ ગાલા, પ્રખ્યાત કરસન લઘુ સ્થાનકના પ્રમુખ રામજીભાઈ ડાહ્યાલાલ ગાલા, વાગડમાં સમૂહલગ્નોની આહલેખ જગાવનાર વેલજી અખેરાજ બુરિયા, પ્રસિદ્ધ વાગડ કલાકેન્દ્રના ટ્રસ્ટી પ્રવીણભાઈ બચુભાઈ ગડા, લાકડિયા કન્યા છાત્રાલયના સંનિષ્ઠ મનસુખ વીરજી નીસર, વાગડ કલાકેન્દ્રના મંત્રી અને નાટ્યકલાકાર જીતુભાઈ દેવશી ખીરાણી તેમ જ પત્રકાર શર્મિષ્ઠા ગાલા જેવા કેટલાંય રત્નો આ લાકડિયાની ધરતી પર પાક્યાં છે. ‘મિડ-ડે’ વતી આ તમામ રત્નોનું અભિવાદન કરી તેજાબી કલમના વિદ્રોહી કવિતંત્રી કોરસીબાપા ખીરાણીને શ્રદ્ધાંજલિ આપી વિરમું છું. અસ્તુ. 

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 04:50 PM IST | Mumbai | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK