Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છને અસ્તિત્વની ખોજ, વિસ્તાર-વ્યવહાર બન્ને રીતે અલગ રાજ્યનું અધિકારી

કચ્છને અસ્તિત્વની ખોજ, વિસ્તાર-વ્યવહાર બન્ને રીતે અલગ રાજ્યનું અધિકારી

02 March, 2021 10:27 AM IST | Mumbai
Sunil Mankad | feedbackgmd@mid-day.com

કચ્છને અસ્તિત્વની ખોજ, વિસ્તાર-વ્યવહાર બન્ને રીતે અલગ રાજ્યનું અધિકારી

કચ્છને અસ્તિત્વની ખોજ, વિસ્તાર-વ્યવહાર બન્ને રીતે અલગ રાજ્યનું અધિકારી

કચ્છને અસ્તિત્વની ખોજ, વિસ્તાર-વ્યવહાર બન્ને રીતે અલગ રાજ્યનું અધિકારી


કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એ બીલીપત્રનાં ત્રણ પાન ગુજરાતના ભાગ રહ્યા છે. તો આજે પ્રધાનમંડળમાં આ બીલીપત્રનું એક પાન (કચ્છ) ક્યાં છે? અશોક મહેતાએ દસેક વર્ષ પહેલાં ‘કચ્છ અલગ રાજ્ય હોત તો?’ એ વિશે લખ્યું હતું. સનત મહેતા પણ એમ જ માનતા, પરંતુ મોરારજીભાઈ દેસાઈ જેવા નેતા પણ એવું માનતા કે કચ્છ બિનઉપજાઉ છે અને એની ખાસ સંભાળ આપણને મોંઘી પડે! કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ હોત તો પણ એની સ્થિતિ સારી હોત. અરે, કચ્છને રાજકીય પ્રતિનિધિત્વ પણ છેલ્લે કેશુભાઈ પટેલના સમયમાં જ મળ્યું હતું. ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે સબળ નેતાના અભાવે કચ્છને પૂર્ણ કક્ષાનું રાજ્ય મળ્યું નથી. કચ્છને થયેલા અન્યાયની વાતો વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી દ્વારા લિખિત બે પુસ્તક ‘કચ્છડો મારા આભલામાં’ કરાઈ છે.
હરિયાણા અને કેરલા જેવાં રાજ્ય કે કુવૈત જેવા દેશ કરતાં પણ વધુ ક્ષેત્રફળ (૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર) ધરાવતા ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છ પાસે એવી કેટલીક દલીલો, ઘટનાઓ, સાંસ્કૃતિક વૈવિધ્ય અને કુદરતી પુરાવાઓ છે જે સતત લાચાર પડઘા પાડે છે કે મારું અલગ અસ્તિત્વ શા માટે નહીં?
આઝાદી પછીના સાત દાયકામાં કચ્છ પ્રત્યે થયેલા અન્યાયોની વ્યથા-કથા છે. આમ તો કચ્છને અનેક વાર અન્યાય થયો છે, પરંતુ એના બે મુખ્ય આધારસ્તંભ સમા વર્ષ ૧૯૬૫ અને ૨૦૦૧ છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કચ્છમાં અને કચ્છને કારણે જે ભારતની ભૂગોળ બદલાઈ એ ભારતના ઇતિહાસમાં લખાઈ તો ખરી, પણ એને ભારતે અત્યાર સુધી ગંભીરતાથી ન લીધી. જો કચ્છ અલગ રાજ્ય હોત તો આવું ન બન્યું હોત. આઝાદી પછી ૧૯૫૬ સુધી કચ્છને ‘સી-સ્ટેટ’નો દરજ્જો પ્રાપ્ત હતો. એ પછી એને મુંબઈ સાથે ભેળવી દેવાયું અને ૧૯૬૦ પછી એ જિલ્લા સ્વરૂપે ગુજરાતનો ભાગ બની ગયો. કેન્દ્રશાસિત ‘ક’ વર્ગના રાજ્ય પછી એ ‘કમનસીબ’ જિલ્લો બની રહ્યો છે.
કચ્છની કમનસીબી ૧૯૬૫ના યુદ્ધ સમયે જ છતી થઈ ગઈ હતી. ૧૯૬૫માં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં યુદ્ધ થયું હતું, પરંતુ પાકિસ્તાને કચ્છમાં ૯ એપ્રિલે જ હુમલો શરૂ કરી દીધો હતો. એ સમયે કચ્છમાં સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ.) નહોતું. કાશ્મીરને બાદ કરતાં સરકાર પણ સીમા પરત્વે એટલી ગંભીર નહોતી. કચ્છમાં વિઘાકોટમાં અને છાડબેટમાં માત્ર સ્ટેટ રિઝર્વ પોલીસ હતી. ૧૯૬૫માં આપણે કચ્છના રણનો દસમો ભાગ ગુમાવ્યો. આવું શા માટે બન્યું? ૧૯૫૬માં પણ પાકિસ્તાને આ જ રીતે છાડબેટમાં ઘૂસણખોરી કરી હતી. એ સમયના કચ્છના પ્રતિનિધિઓ નહેરુજીને મળ્યા હતા અને વાસ્તવિકતાની જાણ કરી હતી, પરંતુ એ જખમ તાજા હતા ત્યારે જ કચ્છને એ પછી તરત જ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાતાં એ મહત્ત્વની વાત પર પડદો પડી ગયો. અત્યાર સુધી ગુજરાત સરકાર અને કેન્દ્રએ કચ્છ સાથે નિર્માલ્ય વલણ લીધું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૯૬૫ વખતે પાકિસ્તાને પચાવેલી જમીન માટે લાલ બહાદુર શાસ્ત્રીએ ટ્રિબ્યુનલમાં જવાની ભૂલ કરી (જે રીતે નેહરુજીએ કાશ્મીર મામલે ભૂલ કરી હતી) એના પરિણામે કચ્છને એ ગુમાવેલો ભાગ ન મળ્યો. યુદ્ધવિરામ પહેલાં સરકારે આ મામલે ગંભીર થવાની જરૂર હતી. છાડબેટ પાછું મેળવવા ૧૯૬૮માં સત્યાગ્રહ પણ થયો હતો, પરંતુ કચ્છ પરત્વે કોઈ જ ગંભીરતા ન લેવાઈ. એ સમયે કચ્છના નેતા ડૉ. મહેતાએ સંસદમાં કહ્યું હતું કે ‘કચ્છની પ્રજા લડાયક છે, ઝારાનું યુદ્ધ લડી છે, અમને હથિયાર આપો; અમે અમારો ગુમાવેલો ભાગ જાતે લડી લઈ લેશું, પણ નિર્માલ્ય સરકાર નિર્માલ્ય જ રહી.
બસ, આ જ વાતની અને કચ્છના અન્ય ઘ‌ણા પ્રશ્નોની છણાવટ કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી દ્વારા લિખિત બે પુસ્તક ‘કચ્છડો મારા આભલામાં’ (બે ચરણમાં) કરવામાં આવી છે.
પુસ્તકના બીજા ચરણનો આરંભ ૧૯૬૫ના રણ પરના નાપાક આક્રમણને લગતી લેખ શ્રેણીથી થાય છે. સીમા સુરક્ષા જેવી સંવેદનશીલ બાબતોમાં પણ કચ્છની ધરાર અવગણના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી. ‘જય જવાન જય કિસાન’ સૂત્રના પ્રણેતા લાલ બહાદુર શાસ્ત્રીના શાસનકાળ દરમ્યાન જ કચ્છની અવગણના થઈ એ ચોંકાવી દે એવી છે. આ એક જ એવું પ્રકરણ હતું જેમાં કચ્છના રણનો ૧૦ ટકા ભાગ પાકિસ્તાનને ભેટ ધરી દેવો પડ્યો અને કચ્છીમાડુએ ઘેરો આંચકો અનુભવ્યો.
ઘણાને ખબર નહીં હોય કે અલગ દેશી રજવાડું એટલે કે સ્વતંત્ર રાજ્યનું વજૂદ ધરાવતું કચ્છ આઝાદી પછી ભારત સંઘ સાથે જોડાયું ત્યારે એનું એક અલગ પ્રદેશ તરીકેનું અસ્તિત્વ જળવાઈ રહ્યું હતું. એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો હતો. ૧૯૪૮થી ૧૯૫૬ સુધી કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. એ વખતે પણ પાકિસ્તાને છાડબેટમાં ઘૂસણખોરી કરીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે કચ્છની મોટા રણની પાકિસ્તાન સાથે સંકળાયેલી સરહદો એસઆરપી પોલીસને હવાલે હતી. વિઘાકોટ અને છાડબેટ જેવા રણ-ટાપુ પર પોલીસની ટુકડીઓ તહેનાત રહેતી. સરહદો મહદ્ અંશે ઢીલી અને લગભગ ખુલ્લી જ કહી શકાય એવી હતી. લોકો ગેરકાયદે અવરજવર આસાનીથી કરી શકતા. માલની હેરફેર ઊંટો દ્વારા થતી રહેતી અને લગ્નની જાન સુધ્ધાં આવતી-જતી. આવી હળવી સરહદોનો ગેરલાભ ઉઠાવીને પાકિસ્તાને ૧૯૫૬માં ઘૂસણખોરી કરી પગદંડો જમાવ્યો. કચ્છના પ્રતિનિધિઓને ખબર પડતાં દિલ્હીમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મળ્યા અને યુદ્ધના ધોરણે પગલાં લેવાયાં. ઘૂસણખોરોને મારી હટાવાયા. આ ઘૂસણખોરીને લીધે કચ્છીમાડુને સરહદી સલામતી અંગે ઉચાટ પેદા થયો હતો, પણ સરકારે જાહેરસભાઓ યોજીને આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં ઘૂસણખોરીનું પુનરાવર્તન ન થાય એ માટે સરહદો સુધી પહોંચવા રોડ સહિતનું માળખું તૈયાર થશે. માત્ર કચ્છ નહીં, આખા ગુજરાતની સરહદો પર બંદોબસ્ત જળવાઈ રહે એટલા માટે જુદા-જુદા નવ સરહદી રસ્તાઓ બાંધવાની યોજના જાહેર કરવામાં આવી હતી.
...પણ અફસોસ કે નવ-નવ વર્ષ સુધી એક પણ માર્ગ બંધાયો નહીં. ૧૯૬૫માં પાકિસ્તાને રણ પર આક્રમણ કર્યું અને ભારતે રક્ષણાત્મક રાહ અપનાવ્યો. કૉન્ગ્રેસી કેન્દ્ર-રાજ્ય સરકારોની નિર્માલ્ય નીતિને લીધે યુદ્ધમાં પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો અને સરહદી વિવાદ ઉકેલવા આંતરરાષ્ટ્રીય લવાદનો ભારતે સ્વીકાર કરતાં આખરે રણનો ૧૦ ટકા ભાગ એટલે કે કંજરકોટ, ધાર, બન્ની અને છાડબેટ ભારતે ગુમાવવા પડ્યા. ૧૯૫૬ અને ૧૯૬૫ વચ્ચે જમીન-આસમાન જેવો તફાવત કચ્છે જોયો. અનેક કચ્છી એમ માને છે કે ૧૯૫૬માં કચ્છ અલગ રાજ્ય હતું, કેન્દ્રશાસિત પ્રદેશ હતું એટલે ઘૂસણખોરી હટી, પણ ૧૯૬૫માં એનું વજૂદ અલગ પ્રદેશમાંથી સંકોચાઈને જિલ્લાનું થઈ ગયું હતું, જેથી ભૂગોળ બદલાઈ ગઈ.
આવી જ લાગણી કચ્છને નર્મદાનાં પાણીની અપૂરતી ફાળવણી સંદર્ભે છે. એનો ઇતિહાસ લાંબો છે. માત્ર ફાળવણી જ નહીં, બાંધકામ સંદર્ભે પણ દેખીતો અન્યાય થયો છે. કચ્છ સિવાયના ગુજરાતના અન્ય વિસ્તારોની ૩૧ નર્મદા બ્રાન્ચ કૅનલોનાં કામ ક્યારનાય પૂરાં થઈ ગયાં છે. એકમાત્ર કચ્છની શાખા નહેરનું કામ અટકેલું છે. જોકે ૯૦ ટકા કામ થઈ ગયું છે, પણ ૧૦ લાખ એકર વધારાના નર્મદાનાં પાણીની યોજનાને સંબંધ છે ત્યાં સુધી ૨૦૦૬માં એની જાહેરાત થઈ. ૨૦૧૦માં ઉત્તર ગુજરાતનાં કામ પૂરાં થઈ ગયાં, સૌરાષ્ટ્રનાં કામ પૂર્ણ થવામાં છે, પણ કચ્છનાં કામ શરૂ થયાં નથી, વહીવટી મંજૂરીની રાહ જોવાય છે. હા, પાઇપલાઇનથી પીવાનાં પાણી કચ્છ સુધી પહોંચાડાયાં છે, પણ એમાં વિતરણનો પ્રશ્ન છે અને પ્રમાણ પણ ઓછું છે. તેથી જ હવે ડિસેલિનેશન પ્લાન્ટથી દરિયાનું પાણી મીઠું કરવાની યોજનાની પાયાવિધિ થઈ છે! એથી જ કચ્છવાસીઓને એમ લાગે છે કે જો કચ્છનું અલગ પ્રદેશનું અસ્તિત્વ ચાલુ રહ્યું હોત તો નર્મદાનાં પાણીનો હિસ્સો એક રાજ્ય તરીકે મળી શક્યો હોત, નહીં કે જિલ્લાના ધોરણે. આવી જ લાગણી સિંધુ નદીનાં પાણી બાબતે પણ છે. કચ્છ એ સિંધુ-તટ પ્રદેશનો ભાગ હોવા છતાં સિંધુ નદી જળકરારમાં એને સ્થાન નથી અપાયું. આશ્ચર્યની વાત એ છે કે રાજસ્થાન સિંધુ-તટ પ્રદેશનો ભાગ ન હોવા છતાં એને ઇન્દિરા કૅનલ મારફત છેક જેસલમેર-બાડમેર સુધી પાણી પહોંચાડાયાં છે. નરેન્દ્રભાઈ મુખ્ય પ્રધાન હતા ત્યારે કચ્છ માટે સિંધુનાં પાણી માગી ચૂક્યા છે. આજે વડા પ્રધાન છે ત્યારે કેમ કોઈ આ પ્રશ્ને રજૂઆત કરતું નથી?
જોકે ધરતીકંપ પછી કચ્છના અજોડ નવસર્જન અને ઝડપી ઉદ્યોગિકીકરણની નોંધ પણ કીર્તિભાઈએ પોતાના લેખોમાં સરકારની પ્રશંસા સાથે લીધી છે. રણોત્સવના આયોજન સાથે કચ્છમાં પ્રવાસન વિકાસની છલાંગ, માંડવીના દરિયાકિનારે ઊમટતા પ્રવાસીઓ, એક જિલ્લામાં ત્રણ-ત્રણ ઍરપોર્ટ, બબ્બે મહાબંદર - આ બધું છતાં જે હાથમાં હતું એ છીનવાઈ ગયું. દા.ત. ૧૩૦ કરોડની ભુજની શાનદાર નવસર્જિત સિવિલ હૉસ્પિટલમાં એઇમ્સ અને એની મેડિકલ કૉલેજ પ્રાદેશિક ખેંચતાણને લીધે ન મળી શકી. બંધારણીય કચ્છ વિકાસ બોર્ડ કૉન્ગ્રેસની જૂથબંધીને લીધે ન મળ્યું. સરહદી વિસ્તાર માટેની ખાસ અનામત બેઠક પૉલિટેક્નિક માટે મળી હતી એ પણ બંધ થઈ ગઈ. ધોળાવીરા બબ્બે દાયકા પછી પણ પૂરતું વિકસ્યું નથી. સિંધુ ખીણ સંસ્કૃતિની ૮૦થી ૧૦૦ સીટો હજી કચ્છમાં ધરબાયેલી છે અને જિયો પાર્કની જાહેરાત ગુજરાતના બજેટમાં થઈ છે છતાં અમલ થયો નથી. કચ્છને આવા તો કેટલાયે અન્યાય થયા છે, થતા રહે છે ત્યારે સવાલ ગુંજ્યા જ કરે છે કે ‘કચ્છ અલગ રાજ્ય હોત તો?’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 10:27 AM IST | Mumbai | Sunil Mankad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK