કચ્છના સફેદ રણમાં બલૂનસફારી બની મુસીબતની સવારી

Published: 1st February, 2012 02:50 IST

રણ મહોત્સવમાં ગયેલા બે ગુજરાતી પરિવાર થયા ઘાયલ : બલૂન જમીનને અડે એ પહેલાં જ બે પાઇલટ કૂદી ગયા, પરંતુ બર્નર બંધ કરવાનું ભૂલી ગયા એટલે એ ફરી પાછું હવામાં ૩૦૦ ફૂટ ઊંચે ચડ્યું અને પછી પટકાયુંગયા મહિને મુંબઈના બે ગુજરાતી પરિવારોએ કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેમનો આ પ્રવાસ તેમને મહિનાઓ સુધીની યાતના આપશે એવો તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો. બન્ને પરિવારના તમામ સભ્યોને ઈજાઓ થઈ હતી, કારણ કે જે હૉટ ઍર-બલૂનની સફરે તેઓ ઊપડ્યા હતા એને હવામાં અકસ્માત નડતાં એ નીચે પટકાયું હતું.

ગુજરાત ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત રણ મહોત્સવમાં આ અકસ્માત થયો હતો. અકસ્માત દરમ્યાન થયેલી ઈજામાંથી ફરી બેઠા થઈ રહેલા આ પરિવારનું કહેવું છે કે આ ઘટનાને એક મહિનો થવા છતાં હજી પણ બલૂનના જવાબદાર સંચાલકો તથા આયોજકો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

હાજી અલીમાં રહેતા પારેખપરિવાર તથા વિરારમાં રહેતા છેડાપરિવારના સભ્યો એક જાન્યુઆરીએ હૉટ ઍર બલૂનમાં સવાર થયા હતા, જેમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે ૧૭ જણને બેસાડવામાં આવ્યા હતા. ખરેખર એની ક્ષમતા ૧૨ લોકોની હતી. સફર સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી. રિટર્નમાં બલૂન નીચે જમીનને અડે એ પહેલાં જ બે પાઇલટ એમાંથી કૂદી ગયા હતા, પરંતુ ઉતાવળમાં તેઓ બર્નરને બંધ કરવાનું ભૂલી ગયા એટલે બલૂન ફરી પાછું હવામાં ૩૦૦ ફૂટ ઊંચે જતું રહ્યું. બલૂન ચલાવતાં ત્યાં કોઈને આવડતું નહોતું. એને યેનકેન પ્રકારેણ નીચે લાવવાના પ્રયાસ કરવા માટે એના બર્નરને હવામાં અધ્ધર હતું ત્યારે બંધ કરતાં બલૂન અચાનક એક તરફ ઝડપથી નમી પડ્યું હતું. પરિણામે તમામ મુસાફરો એક તરફ ઢગલો થઈ પડ્યા હતા. બલૂન નર્જિન વિસ્તારમાં નીચે પટકાતાં કોઈ પ્રાથમિક સારવાર પણ ઝડપથી મળી શકી નહોતી. નગીન પારેખના બન્ને પગમાં ફ્રૅક્ચર થયું હતું તો તેમનાં પત્ની ભારતીને જમણા હાથમાં બલૂનની જ્વાળાઓને કારણે ઈજા થઈ હતી. ડૉ. નરેશ છેડાને કરોડરજ્જુ તથા ખભામાં ફ્રૅક્ચર થયાં હતાં, જ્યારે તેમનાં ડૉક્ટર પત્ની રમીલાને પાંસળીનું તથા હાંસડીનું હાડકાનું ફ્રૅક્ચર થયું હતું. નગીન પારેખ તથા નરેશ છેડાએ કહ્યું હતું કે અમને સંપૂર્ણપણે સાજા થતાં ત્રણેક મહિના થઈ જશે અને એને પરિણામે એની અસર અમારા વ્યાવસાયિક જીવન પર પણ પડી છે.

ગુજરાત ટૂરિઝમનું શું કહેવું છે?

ગુજરાત ટૂરિઝમના અધિકારીઓએ બલૂનના આ બનાવ વિશે કહ્યું હતું કે આ અકસ્માતમાં ઈજા પામેલાને મદદ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ટૂરિઝમના મૅનેજર નીરવ મુનશીએ કહ્યું હતું કે ‘આ મામલે તપાસ ચાલી રહી છે. થોડાક સમયમાં એનાં કારણો ખબર પડી જશે. ઘાયલ થયેલા લોકોની ફરિયાદો પણ બલૂનની ફર્મને મોકલવામાં આવી છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK