Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કુન્દનિકા કાપડીઆએ પતિ મકરંદ દવેનો ઝભ્ભો ઓઢીને દુનિયામાંથી વિદાય લીધી

કુન્દનિકા કાપડીઆએ પતિ મકરંદ દવેનો ઝભ્ભો ઓઢીને દુનિયામાંથી વિદાય લીધી

01 May, 2020 10:32 PM IST | Mumbai
Divyasha Doshi

કુન્દનિકા કાપડીઆએ પતિ મકરંદ દવેનો ઝભ્ભો ઓઢીને દુનિયામાંથી વિદાય લીધી

કુન્દનિકા કાપડીઆએ પતિ મકરંદ દવેનો  ઝભ્ભો ઓઢીને દુનિયામાંથી વિદાય લીધી


કુન્દનિકા કાપડીઆને પહેલી વાર મળવાનું બન્યું હતું એ દિવસ આજે પણ સ્મૃતિમાં અકબંધ છે. લગભગ ૬ માર્ચ, ૧૯૯૨ના દિવસે તેમની મુલાકાત લેવા ગઈ હતી. ‘સાત પગલાં આકાશમાં’ નવલકથાનાં લેખિકાને મળવાનો આનંદ અનેરો હતો. પહેલી વાર મળી ત્યારથી જ તેમના પ્રેમમાં પડી જવાય એવું વ્યક્તિત્વ, સાદા કૉટનનાં સલવાર-કમીઝ પહેર્યાં હતાં, લાંબા કાળા વાળનો અંબોડો વાળ્યો હતો. કપાળમાં મોટો લાલ ચાંદલો અને હોઠ પર વહાલભર્યું સ્મિત. કેમ છે? એવું સ્નેહસભર અવાજે પૂછે ત્યારે તેમની અમીમય આંખોમાં ગહનતા ડોકાતી અનુભવાય. તેમનો પ્રેમ આયાસી નહોતો લાગતો. હમણાં ૨૮ વરસ બાદ જાન્યુઆરીની પહેલી તારીખે મળવાનું બન્યું ત્યારે પણ તેમના ચહેરા પર કોઈ જ ફેરફાર નહીં. એટલા જ સ્નેહથી તાકી રહે. પ્રેમથી હાથ પકડી રાખે. કુન્દનિકા કાપડીઆને મળવાનું બન્યું ત્યારે તેમણે સાહિત્યલેખન લગભગ નહીંવત કરી દીધું હતું. એ બાબત સતત ખટકતી રહેતી, પણ તેમણે આદિવાસી વિસ્તારમાં રહેવાનું નક્કી કર્યું હતું ત્યારથી જ સંસ્થાના કામમાં ગળાડૂબ રહેવા લાગ્યાં હતાં. ૩૦ એપ્રિલ, ૨૦૨૦ની વહેલી સવારે બે વાગ્યે તેમણે દેહ છોડ્યો ત્યાં સુધી તેઓ નંદિગ્રામની પ્રવૃત્તિ સાથે ઓતપ્રોત રહ્યાં. યોગાનુયોગ ૩૦ એપ્રિલ, ૧૯૬૮ના દિવસે તેમણે સ્વ. મકરંદ દવે સાથે લગ્ન કર્યાં હતાં. તેમની અંતિમ ઇચ્છા મુજબ મકરંદભાઈએ જે ઝભ્ભો લગ્ન સમયે પહેર્યો હતો એ તેમને ઓઢાડીને અગ્નિદાહ અપાયો. પ્રકૃતિ માટે તેમને અનહદ પ્રેમ હોવાને કારણે તેમનો આગ્રહ હતો કે તેમના મૃતદેહ પર ફૂલો ન ચડાવવાં. ફક્ત એક ચંપાનું ફૂલ જ મૂકવું. મૃત્યુ બાદ કોઈ ફોટો ન પાડવા એવી તેમની ઇચ્છા હતી.
કુન્દનિકા કાપડીઆનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના દિવસે લીંબડી ગામમાં થયો. તેમનું બાળપણ અને શાળાજીવન ગોધરામાં વીત્યું તો કૉલેજ શિક્ષણ વડોદરા અને ભાવનગરમાં થયું. ૧૯૫૫થી ૧૯૫૭ ‘યાત્રિક’ અને ૧૯૬૨થી ૧૯૮૦ ‘નવનીત ડાઇજેસ્ટ’નું સંપાદન કર્યું. નવલકથા સિવાય વાર્તા, નિબંધ અને પ્રાર્થના જેવા સાહિત્યપ્રકારોમાં તેમણે કામ કર્યું. ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ ખૂબ લોકપ્રિય બન્યા. ‘પ્રેમનાં આંસુ’, ‘વધુને વધુ સુંદર’, ‘જવા દઈશું તમને’, ‘કાગળની હોડી’, ‘મનુષ્ય થવું’, ‘પ્રેમ જ સર્વ કાંઈ’ અને ‘ઘર તરફ’ તેમના વાર્તાસંગ્રહો છે. ‍‘ઘર તરફ’ ૨૦૧૯માં પ્રગટ થઈ એની પ્રસ્તાવનામાં કુન્દનિકાબહેન લખે છે કે ‘મારે મન જીવવું મુખ્ય છે, લખવું ગૌણ છે. અને એટલે મારી વાર્તાઓનો પ્રધાનસૂર જીવનલક્ષિતા છે.’ કુન્દનિકાબહેને મને એક મુલાકાત દરમિયાન પોતાની વાત કરતાં કહ્યું હતું કે તેઓ બાળપણથી જ વિદ્રોહી હતાં. કોઈ પણ અન્યાય ચૂપચાપ સહન કરવાનો તેમનો સ્વભાવ નહોતો. સ્ત્રીઓ સાથે થતા અન્યાય તેમણે ઘરમાં પણ જોયા હતા અને એ માટે વિરોધ પણ કર્યો હતો. ‘સાત પગલાં આકાશમાં’ એ વિદ્રોહમાંથી જ જન્મી છે. સમાજમાં થતા અન્યાયને તેમણે અનેક વાર્તાઓમાં વાચા તો આપી હતી, પણ હજી ઘણું લખવાનું બાકી છે એવું લાગતાં ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) લખાઈ. ગુજરાતીમાં લખાયેલી આ એવી નવલકથા હતી જેમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે આટલી સ્પષ્ટતાથી લખાયું હોય અને સામાન્ય વાચકોએ એને વધાવી હોય. એ નવલકથાએ અનેક ચર્ચાઓને જન્મ આપ્યો. એની પ્રશંસા પણ થઈ તો એને વખોડનારા પુરુષો પણ હતા. નારીવાદને સામાન્ય સ્ત્રી-પુરુષ સુધી લઈ જવાનો તેમનો અભિગમ સફળ રહ્યો. તેઓ પુરુષ વિરોધી નહોતાં, પણ અન્યાય કોઈ પણ રૂપે હોય તેઓ સહન ન કરી શકતાં. એ જ સંદર્ભે તેમણે મહાભારત અને રામાયણની કથાને જુદા સ્વરૂપે વાર્તામાં કે નિબંધમાં આલેખવાના પ્રયત્નો કર્યા છે. ૧૯૮૫ની સાલમાં તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
મકરંદભાઈ માટે તેમને અનહદ પ્રેમ હતો. તેમણે અનેક વાર કહ્યું છે કે તેઓ આધ્યાત્મનાં પ્રવાસી હતાં. તેમનું લગ્નજીવન અનોખું હતું. આધ્યાત્મના પ્રવાસ માટે જ જાણે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. એકાંત તેમને પ્રિય હતું એટલે જ મુંબઈ છોડીને મકરંદભાઈ સાથે નંદિગ્રામ રચ્યું. ‘સાત પગલાં આકાશમાં’માં જે આનંદગ્રામ છે એને તાદૃશ્ય કરવાનો પ્રયત્ન તેમણે કર્યો. સામૂહિક જીવન છતાં દરેકનું પોતાનું અંગત એકાંત હોય, સ્વતંત્રતા હોય. સ્ત્રીઓ માથે રસોડાનો ભાર ન આવે એવો તેમનો આગ્રહ એટલે નંદિગ્રામમાં રસોડું સહિયારું છે અને ત્યાં કાયમી કેટલીક બહેનો કામ કરે છે. સ્ત્રીઓ સ્વતંત્ર જીવન જીવી શકે એ વિશે તેમનો સતત આગ્રહ રહેતો. ગાંધીજીના સહજીવનના વિચારોની અસર પણ તેમના પર હતી એવું કબૂલતાં.


તેમના વ્યક્તિત્વને પૂર્ણવિરામ આવતું નહીં, અલ્પવિરામ જ હોય
હિમાંશી શેલત (વાર્તાકાર)



himanshi
કુન્દનિકાબહેન સાથે ૩૫ વરસનો સંબંધ. સભર વ્યક્તિત્વ હતું. પ્રકૃતિને ખૂબ જ ઉત્કટતાથી ચાહતાં. એટલે જ ‘સાત પગલાં આકાશમાં’ પણ પ્રકૃતિને ચાહતી સ્ત્રીઓનું તેમનું પાત્રાલેખન ધ્યાન ખેંચે છે. પોતાના રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢીને વૃક્ષોને જોતી, પંખીઓને સાંભળતી, આકાશને નીરખતી સ્ત્રીઓનું પાત્રાલેખન ગુજરાતીમાં આ રીતે પહેલી વાર સર્જકવિશેષ ગણાય. તેમનો પોતાનો જીવન પ્રત્યેનો, પ્રકૃતિનો જે અભિગમ હતો એને લીધે જ તે વાર્તાઓમાં અને નવલકથામાં એ આલેખી શક્યાં છે. તેમના વ્યક્તિત્વમાં એક પ્રકારની સમૃદ્ધિ હતી. તેઓ ફક્ત લખવા-વાંચવાની પ્રવૃત્તિ જ નહોતાં કરતા; તેઓ એકાંત, અવકાશ અને પ્રકૃતિ વિશે વિચારતાં હતાં. એક પ્રકારની સકારત્મકતા તેમનામાં હતી. મકરંદભાઈ સાથેના સહવાસનો પણ પ્રભાવ તેમના પર પડ્યો હશે. આજે જોઉં છું તો દેખાય છે કે તેમનું વ્યક્તિત્વ વિકસતું હતું. જીવનના અંત ભાગ સુધી તેઓ અટક્યાં નહોતાં. તેમના મતાગ્રહ કે વલણો સામે ફરિયાદ હોઈ શકે, પણ એ છતાં કબૂલવું પડે કે તેમની સતત વિકસતી ચેતના સ્પષ્ટ દેખાય. આવું ત્યારે જ બને કે જ્યારે જાતને જોવાની આદત હોય. તેઓ પોતાને જોઈને એમાંથી ચાળવા જેવું, વાળવા જેવું લાગતું હશે એટલે જ તેમની આસપાસ જે રહ્યા તેમના પર પ્રભાવ પડતો.
તેમને સૌંદર્યની ચાહના હતી. સુંદરતા તેમને આકર્ષતી. નંદિગ્રામના પરિસરમાં દાખલ થતાં જ તેમની સૌંદર્ય દૃષ્ટિ નજરે પડે. સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે તેમને પ્રેમ. સર્જક તરીકે તો તેમને પહેલાં જ ઓળખતી હતી પણ જ્યારે તેમની સાથે નંદિગ્રામમાં સમય ગાળ્યો ત્યારે અંગત રીતે તેમને જાણ્યાં. નંદિગ્રામમાં આવ્યા બાદ અને ‘સાત પગલાં આકાશમાં’ પ્રગટ થયા બાદ તેમણે લખવાનું ઓછું કર્યું હતું. તેઓ લખનાર કરતાં અનુભવ જીવનારાં વ્યક્તિ છે એ જોયું. તેઓ માણસ તરીકેની શક્યતાઓ વિશે વિચારતાં. વ્યક્તિમાં થોડી પણ શક્યતા હોય તો એ પ્રગટ કરવા દેતાં. સકારાત્મક વ્યક્તિત્વ. તેમના વ્યક્તિત્વને પૂર્ણવિરામ આવતું નહીં, અલ્પવિરામ જ હોય. મરણને પણ સુંદર ઘટના તરીકે જોતાં. તેમને ખૂબ નજીકથી જોયાં છે. સંઘર્ષના પ્રશ્નોમાંથી પસાર થતાં, થાકતાં, હારતાં પણ જોયાં છે. પણ એને ખંખેરીને ફરી ઊભા થતાં પણ જોયાં છે. સંસ્થાના કંટાળાજનક કામમાં સતત પ્રવૃત્ત રહી શકતાં. સખત તાપમાં વીજળી જતી રહે ત્યારે પરસેવે રેબઝેબ હાથપંખો લઈ પરિશ્રમ કરતાં જોયાં છે. આ પ્રકારનો પરિશ્રમ અને આદર્શ હોય તો જ સંસ્થાનું ઘડતર શક્ય બને. ક્યારેક તેમનું આ કામો કરતાં બ્લડ-પ્રેશર પણ વધી જતું જોયું છે. મકરંદભાઈ ત્યારે કહેતા કે કોઈ માણસ રાખવો પડશે જેથી કુન્દનિકાનું બ્લડ-પ્રેશર ન વધે. એક સ્મૃતિ છે એ વિસરાઈ શકે એમ નથી. નંદિગ્રામની કેટલીક રોમાંચિત યાદો છે. ક્યારેક હું અને કુન્દનિકાબહેન બહાર સૂતાં. ફોલ્ડિંગ ખાટલા અમે રાખ્યા હતા. સૂતાં-સૂતાં આકાશદર્શનનો રોમાંચ ગજબ જ હતો. એ સમયે નંદિગ્રામ જંગલ જેવું હતું. ઝાડીઝાંખરાં અને જીવજંતુ તેમ જ સાપ પણ ખૂબ જ. સૃષ્ટિ સતત ધબકતી હોય. રાત્રે લાઇટ ન હોય. બૅટરી લઈને સૂવાનું. પણ ડરવાનું નહીં. એ આનંદ અદ્ભુત હતો. એક વાર અમે તેમની ષષ્ટિપૂર્તિ ઊજવવાનું નક્કી કર્યું હતું. તેમને કહ્યું નહીં. મુંબઈથી બસ ભરીને મિત્રો આવવાના હતા શુભેચ્છા આપવા. કુન્દનિકાબહેનને જે આશ્ચર્ય આનંદમાં મૂકી દીધાં હતાં એ હજી પણ સ્મૃતિમાં એમ જ જીવંત છે. તેમની સાથે હું ઘણી વાર રિક્ષામાં બેસીને ઉદવાડા નર્સરીમાં જતી. રોપા ખરીદતાં. બીજે દિવસે એ ટ્રકમાં આવે. એને ક્યાં રોપવાના એનું ઉત્સાહભેર પ્લાન‌િંગ કરવાનું. આવી અનેક સ્મૃતિઓ સાથે તેમને વંદન કરું છું.


તેમના ચહેરા પર તેમની અંતરયાત્રા સ્પષ્ટ દેખાય
મોરારિબાપુ 

morari
મકરંદભાઈની હાજરી હતી ત્યારે હું ત્રણેક વાર નંદિગ્રામ ગયો હતો. એ સમયે કુન્દનિકાબહેનને મળવાનું બન્યું હતું. મકરંદભાઈ સાથે આધ્યાત્મિક ચર્ચા થતી. ક્યારેક બહેન બેસતાં, ક્યારેક કામમાં હોય તો બહેન ન પણ હોય. મકરંદભાઈ માંદા હતા ત્યારે અને તેમનો દેહાંત થયો ત્યારે પણ બહેન સાથે વાત થઈ હતી. કુન્દનિકાબહેનનાં પુસ્તકોથી થોડો પરિચિત ખરો, પણ તેમના વિશે વધુ બોલવાની યોગ્યતા મારામાં નથી. એટલું કહી શકું કે તેમના ચહેરા પર તેમની અંતરયાત્રા સ્પષ્ટ દેખાય. તેઓ બહારથી કડક લાગતાં, પણ મકરંદભાઈની આધ્યાત્મિક સાધનામાં ખલેલ ન પાડે, માંદા હોય ત્યારે તેમને તકલીફ ન પડે એટલા પૂરતો જ એ કડપ હતો. કુન્દનિકાબહેનને છેલ્લે ધરમપુર ગયો હતો ત્યારે મળવા ગયો હતો. એ સમયે તેઓ જમવા બેઠાં હતાં એટલે અતિથિ બનીને રાહ જોતા બેઠા, પણ તેમને ખબર પડતાં જ તરત આવ્યાં હતાં. પ્રેમથી આતિથ્ય કર્યું. પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો હતો એ મને યાદ છે. તેમની શબ્દસાધના, સાહિત્યસાધના તો ખરી જ, પણ અંતરધારા પણ આધ્યાત્મિક હતી.


તેમણે સમાજની બહાર રહીને બીજો સમાજ રચ્યો હતો
વર્ષા અડાલજા (લેખિકા)

varsha
આમ જોઈએ તો તેમણે પહેલી વાર મારી પાસે ‘નવનીત’ માટે લખાવ્યું. એ સમયે હું રંગભૂમિ પર સક્રિય કામ કરતી હતી. મને કહે કે નાટકના અનુભવ લખો. મને સમજાય નહીં, પણ તેમણે આગ્રહ કરીને મને રંગભૂમિના મારા અનુભવો લખાવ્યા અને છાપ્યા. અમારા મકાનમાં લાભુબહેનના ઘરે તેઓ આવતાં ત્યારે જોયેલાં અવારનવાર પણ તેમનો સ્વભાવ અંતર્મુખી અને ખૂબ જ શાંત હતો. પોતાનામાં જ ખોવાયેલાં રહેતાં. ત્યાર બાદ અમદાવાદ દૂરદર્શન માટે ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા પરથી સિરિયલ બનવાની હતી. એની પટકથા અને સંવાદ લખવાનું મારા ભાગે આવ્યું. એ સિરિયલ સુશીલા ભાટિયાએ પ્રોડ્યુસ કરી હતી. જ્યારે એ સિરિયલ બનવાની હતી ત્યારે કુન્દનિકાબહેનનો જ આગ્રહ હતો કે એની પટકથા કોઈ સ્ત્રી જ લખે. ‘સાત પગલાં આકાશમાં’માં ફિલોસૉફી ઘણી, એ સિરિયલમાં ન ચાલે એટલે પટકથા લખતી વખતે મારે એ બધું બદલવું પડતું. શરૂઆતમાં તેમણે સ્ક્રિપ્ટ વાંચવાનો આગ્રહ રાખ્યો હતો, પણ પછી તેમને મારું લખાણ ગમતું એટલે વાંચે-ન વાંચે એવું કરવા લાગ્યાં. તેમણે મને છૂટ આપી
હતી, મને યોગ્ય લાગે એ રીતે લખવાનું. તેમને જોઈને મને લાગતું કે સ્ત્રી ધારે તો પોતાના સ્વપ્ન પ્રમાણે જીવી શકે છે. પોતાના ખમીરથી તેઓ જીવ્યાં. સંસ્થાનાં કામોમાં અનેક તકલીફો પણ હશે, પણ ધીરજથી એક જગ્યાએ રોપાઈ રહ્યાં. તેમનું અને મકરંદભાઈનું અનોખું દામ્પત્ય જોયું. મકરંદભાઈ માંદા હતા ત્યારે તેમણે સેવા પણ કરી. સતત પડખે ઊભાં રહ્યાં. તેમણે સમાજની બહાર રહીને બીજો સમાજ રચ્યો હતો. ‘સાત પગલાં આકાશમાં’ ધારાવાહિક રૂપે લખાઈ રહી હતી ત્યારે તેઓ અનેક સ્ત્રીઓને મળીને તેમના અનુભવો પૂછતા. એ નવલકથા ખૂબ પ્રસિદ્ધિ પામી અને એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો અને ઘણીબધી યુવતીઓ માટે પ્રેરણાદાયી બની રહી એ સ્વીકારવું રહ્યું.

છેલ્લું મિલન રાજીપાનું હતું
ગુણવંત શાહ (ચિંતક, લેખક)

Gunvant
પહેલી વાર કુન્દનિકાબહેન સાથે પરિચય થયો ત્યારે તેઓ ‘નવનીત’નાં તંત્રી હતાં. મને ઈવાન ઈલીચ પર એક લેખ લખવાનું આમંત્રણ આપ્યું હતું, પણ એ સમયે હું હરિઓમ આશ્રમમાં મૌન માટે હતો એટલે મારી પાસે ત્યાં કોઈ સંદર્ભગ્રંથ નહોતા. મેં બે નિબંધ લખીને તેમને આશ્રમમાંથી જ મોકલી આપ્યા. અઠવાડિયા બાદ સુરત ઘરે પહોંચ્યો તો તેમનો પત્ર આવેલો હતો. નિંબંધ ગમ્યા, પ્રગટ થશે. ઈવાન ઈલીચ વિશે નિરાંતે લખશો. ત્યાર બાદ અવારનવાર પત્રો આવતા. એક પત્રમાં લખ્યું હતું એ આજે પણ યાદ છે કે મુંબઈ સેન્ટ્રલ પાસે લેબર્નમ વૃક્ષો ખીલ્યાં છે એ જોઈને તમે યાદ આવ્યા. પછી તો મકરંદભાઈને મળવા અંધેરીના આનંદ મકાનમાં જતો ત્યાં પણ મુલાકાત થતી. મુંબઈથી નંદિગ્રામ શિફ્ટ થયાં ત્યારે અવારનવાર ત્યાં મકરંદભાઈને મળવા જતો અને રહેતો, પણ કુન્દનિકાબહેન સાથે સંબંધો રાખવા સરળ નહોતા. તેઓ મને અસરળ લાગતાં. પણ જ્યારે મકરંદભાઈ મૃત્યુ પામ્યા એ સમયે નંદિગ્રામ પહોંચ્યો ત્યારે મને ભેટીને ખૂબ રડ્યાં હતાં એ મારા માટે નવું હતું. પણ મેં જોયું કે તેઓ ત્યાર બાદ ખૂબ બદલાયાં હતાં. મકરંદભાઈ હતા એ સમયે ભૂત વિશે વાત નીકળી હતી ત્યારે તેમણે ભૂત જોયા હોવાની અને અનુભવ કર્યો હોવાની વાત કરી હતી એ યાદ છે. છેલ્લું મળવાનું ગયા વરસે થયું હતું. એક વરસ પહેલાં તેમનો ફોન આવ્યો કે તમારા ઘરથી એક કિલોમીટર દૂર છું તો તમને મળવા આવું? મેં કહ્યું ચોક્કસ આવો. આનંદ થશે. ત્યારે ખૂબ થાકેલાં અને માંદાં દેખાયાં પણ એ સમયે અડધો કલાક સુધી અમે જૂનાં સંસ્મરણો યાદ કરી ખૂબ આનંદ કર્યો હતો. છેલ્લું મિલન રાજીપાનું હતું એનો આનંદ.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2020 10:32 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK