હાથી મેરે સાથીના આશીર્વાદ ખુશ રહેના મેરે યાર

Updated: Nov 09, 2019, 12:42 IST | Raj Goswami | Mumbai

બ્લૉકબસ્ટર- ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતોઃ રાજેશ ખન્નાએ આશીર્વાદ બંગલો ખરીદવા માટે હાથી મેરે સાથી ફિલ્મ કરી હતી. કાકાનું અવસાન થયું, ત્યારે એક માત્ર ગીત આ ફિલ્મનું વાગ્યું હતું

ફિલ્મ હાથી મેરે સાથીનું એક દ્રશ્ય
ફિલ્મ હાથી મેરે સાથીનું એક દ્રશ્ય

તેલુગુ સિનેમાનો સુપરસ્ટાર રાણા દગુબટ્ટી (બાહુબલી, બેબી, ગાઝી અટૅક) સ્વર્ગસ્થ સુપરસ્ટાર રાજેશ ખન્નાને શ્રદ્ધાંજલિ રૂપે હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં ‘હાથી મેરે સાથી’ (૧૯૭૧)ની આધુનિક આવૃત્તિ બનાવી રહ્યો છે. અત્યારે કેરળનાં જંગલોમાં તેનું શૂટિંગ ચાલુ છે, અને ૨૦૨૦માં તે રિલીઝ કરવાની ધારણા છે. જૂની ‘હાથી મેરે સાથી’માં હાથી કેન્દ્રમાં હતો અને મનુષ્ય તેમની સાથે કેવો વર્તાવ કરે છે, તેની પ્રેમાળ કહાની હતી. નવી આવૃત્તિમાં, શહેરીકરણ અને વિકાસના રસ્તામાં કેવી રીતે જંગલો કપાઈ રહ્યાં છે અને કેવી રીતે જંગલનો રખેવાળ (રાણા દગુબટ્ટી) હાથીઓનું નેતૃત્વ કરીને કૉર્પોરેટ માધાંતાઓ સામે સંઘર્ષ કરે છે, તેની સમકાલીન કહાણી છે. રાણા કહે છે, ‘હાથી મેરે સાથી મારી અત્યાર સુધીની ફિલ્મોથી સાવ જુદી છે. એમાં હું જે પાત્ર ભજવું છું, તેની એક બહુ રોમાંચક શારીરિક ભાષા છે. મનુષ્ય અને પ્રાણીના સંબંધ મારફતે એમાં એ દેખાડવાની કોશિશ છે કે આપણી જિંદગીમાં પ્રકૃતિનું શું મહત્ત્વ છે.’
રાજેશ ખન્નાની ‘હાથી મેરે સાથી’ ભારતની આ પહેલી ડિઝની સ્ટાઇલની ફિલ્મ હતી, અને ૪૦ વર્ષ પછી પણ આ ફિલ્મનો જાદુ યથાવત છે. ફિલ્મોના શોખીન ભાગ્યે જ કોઈ પિતા હશે (આ લખનારના સહિત), જેણે તેનાં બાળકોને આ ફિલ્મ બતાવી ના હોય. તેની વાર્તા તમિલનાડુમાં દેવર ફિલ્મ્સના માલિક નિર્માતા ‘સૅન્ડો’ એમ.એમ.એ. ચિનપ્પા દેવરે લખી હતી અને તેમના ભાઈ એમ.એ. થિરુમુઘમે તેનું નિર્દેશન કર્યું હતું. તેમના બાવડાં બહુ મજૂબત હતાં એટલે પ્રસિદ્ધ બૉડી બિલ્ડર યુજેન સૅન્ડોની યાદમાં તેમને ‘સૅન્ડો’ નામ આપવામાં આવ્યું હતું.
એમ.એમ.એ. દેવર પ્રાણીઓ પર ફિલ્મ બનાવવા માટે જાણીતા હતા અને તેમણે આ જ ફિલ્મ ૧૯૬૭માં ‘દેઈવા ચેયલ’ અને ૧૯૭૨માં ‘નલ્લા નેરમ’ નામથી તમિલમાં બનાવી હતી. હિન્દીમાં તે ‘પ્યાર કી દુનિયા’ નામથી બનવાની હતી, પણ પછી ‘હાથી મેરે સાથી’ ટાઇટલ રાખ્યું. ફિલ્મમાં હાથીઓ જે ઘરમાં રહે છે, તેનું નામ ‘પ્યાર કી દુનિયા’ હતું. આજે સેન્સર બોર્ડ આવી ફિલ્મ બનાવવા ના દે. એમાં હાથીઓ, સિંહ, વાઘ, શાહુડી, રીંછ, બકરી અને બંદરો હતાં. પોતાનાં લગ્ન પ્રસંગે રાજેશ ખન્ના (રાજકુમાર ‘રાજુ’) આ બધાં પ્રાણીઓનો ટેબલ પર ભોજન સમારંભ રાખે છે, તે દૃશ્ય લાજવાબ હતું.
હિન્દીમાં સલીમ-જાવેદે તેની પટકથા લખી હતી. સલીમ ખાન અને જાવેદ અખ્તર પહેલી વાર ‘હાથી મેરે સાથી’ ફિલ્મથી પાર્ટનર બન્યા હતા, જે પછીથી રાજેશ ખન્નાને ગબડાવીને અમિતાભ બચ્ચનને સુપરસ્ટારના શિખર પર બેસાડવાના હતા. આમાં સલીમ-જાવેદ કેવી રીતે સંકળાયા, એની કહાની પણ ઓછી ફિલ્મી નથી. રાજેશ ખન્ના ત્યારે બૉલીવુડનો ‘આકા’ હતો અને નિર્માતા-નિર્દેશકો તેની આગળ-પાછળ ફરતા હતા. ૧૯૭૧ સુધીમાં એ ‘આરાધના,’ ‘દો રાસ્તે,’ ‘સચ્ચા-જુઠા,’ ‘સફર,’ ‘આન મિલો સજના,’ ‘કટી પતંગ’ અને ‘આનંદ’ જેવી હિટ ફિલ્મો કરી ચૂક્યો હતો અને તેને ફિલ્મની વાર્તા અને ગીત-સંગીત પર હથોટી આવી ગઈ હતી.
આમ જુઓ તો ‘હાથી મેરે સાથી’માં હીરો હાથી છે, એટલે કાકા જેવો સ્ટાર એમાં એક અનાથ રાજકુમાર ‘રાજુ’નો આમ સાવ સાઇડ રોલ કરે, તે મનાય નહીં, પણ એક દિલચસ્પ બાબત એ છે કે કાકાને બાંદરામાં સમુદ્ર નજીક ‘આશીર્વાદ’ બંગલો ખરીદવો હતો, એટલે પૈસા માટે ‘હાથી મેરે સાથી’ સાઇન કરી હતી. ‘આશીર્વાદ’ના મૂળ માલિક ફિલ્મ સ્ટાર રાજેન્દ્ર કુમાર હતા અને તેનું અસલી નામ (પુત્રીના નામ પરથી) ‘ડિમ્પલ’ રાખ્યું હતું. પછીથી તેમણે જુહુમાં ‘ડિમ્પલ’ બંગલો-કમ-પ્રિવ્યુ થિએટર પણ બનાવ્યું હતું. તે જમાનામાં મોટા ભાગના ફિલ્મ-ઍક્ટરોમાં અર્થશાસ્ત્રની સમજ ન હતી અને ખાવા-પીવામાં કમાણી ઉડાવી દેતા હતા ત્યારે રાજેન્દ્ર કુમાર પહેલો સ્ટાર હતો, જેણે ડહાપણભર્યું રોકાણ કોને કહેવાય, તેનો દાખલો બેસાડેલો.
રાજેન્દ્ર કુમાર કરાચીથી કામની તલાશમાં મુંબઈ આવેલો અને સત્તરેક ફિલ્મો કર્યા પછી ૧૯૬૯માં બી. આર. ચોપરાની ગીતો વગરની ફિલ્મ ‘કાનૂન’ (જે તેને કરવી ન હતી) સાઇન કરીને લગભગ ૬૦ હજારમાં આ બંગલો ખરીદ્યો હતો. ત્યારે જગ્યા ‘ભૂત બંગલા’ તરીકે અપશુકનિયાળ મનાતી હતી. એ વખતે કાર્ટર રોડ પર અમુક પારસીઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છૂટક બંગલો હતા અને એક માત્ર સંગીતકાર નૌશાદનો ‘આશિયાના’ બંગલો જ જાણીતું સારનામું હતું. તેની બાજુમાં આ બે માળનું જર્જરિત મકાન હતું, જેને ‘ડિમ્પલ’ નામથી રાજેન્દ્ર કુમારે વિકસાવ્યું હતું. ‘ભૂત’નો ખૌફ કાઢી નાખવા, ઍક્ટર મનોજ કુમારની સલાહથી, એમાં પૂજા કરવામાં આવી હતી. આ બંગલોમાં આવ્યા પછી, રાજેન્દ્ર કુમારનું નસીબ ચમક્યું અને તે જ્યુબિલી કુમાર (તેની મોટા ભાગની ફિલ્મો જ્યુબિલી હિટ હતી) બની ગયો. રાજેન્દ્ર કુમારે એટલે જ તેના દીકરા કુમાર ગૌરવનું નામ મનોજ પાડ્યું હતું અને ‘ડિમ્પલ’ બંગલોમાં એક રૂમ મનોજ કુમાર માટે અનામત રાખ્યો હતો.
ખેર, રાજેશ ખન્નાને લગભગ ત્રીસેક લાખમાં આ બંગલો ખરીદવો હતો (નામ પણ ‘ડિમ્પલ’ જ રાખવું હતું, પણ રાજેન્દ્ર કુમારે ત્યાં સુધીમાં ‘ડિમ્પલ’ નામથી થિયેટર બનાવી દીધું હતું) અને તેના માટે ‘હાથી મેરે સાથી’ સાઇન કરી હતી, પણ એને વાર્તામાં મઝા આવતી ન હતી. તે વખતે સલીમ ખાન અને જાવેદ સિપ્પી ફિલ્મ્સના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. રાજેશે ત્યાં સલીમ ખાનનો સંપર્ક કરીને કહ્યું કે આ વાર્તા પર રંધો મારી આપો અને જો સારી પટકથા બની તો તમને બન્નેને પડદા પર ક્રેડિટ પણ આપીશ અને સિપ્પી ફિલ્મ્સ આપે છે, તેના કરતાં વધુ પૈસા પણ અપાવીશ.
સિપ્પી ફિલ્મ્સની ‘અંદાજ’ ૧૯૭૧માં બે મહિના પહેલાં જ રિલીઝ થઈ હતી, જે સલીમ અને જાવેદે લખી હતી, પણ ક્રેડિટ મળી ન હતી. એમાં ખન્નાનો ગેસ્ટ રોલ હતો (ઝિંદગી એક સફર, હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...),પણ એનો એવો છાકો પડી ગયેલો કે તેણે ‘હાથી મેરે સાથી’ માટે સલીમ ખાનનો સંપર્ક કરેલો. સિપ્પી ફિલ્મ્સમાં ત્યારે સલીમ-જાવેદને મહિને ૭૫૦ રૂપિયા મળતા હતા. ‘હાથી મેરે સાથી’ માટે તેમને રૂપિયા ૧૦,૦૦૦ મળ્યા હતા. એમને ખબર પડી કે ખન્નાની ફી પાંચ લાખ રૂપિયા છે ત્યારે તેમને ૧૦,૦૦૦ રૂપિયા ચણા-મમરા લાગેલા. ઉપરથી ખન્ના એવું કહેતો (ઘણા અંશે સાચું પણ હતું) કે મારા કારણે ફિલ્મો ચાલે છે. તે પછી સલીમ-જાવેદે ખન્ના સાથે કામ ના કર્યું.
જાવેદ અખ્તર તે દિવસોને યાદ કરીને કહે છે, ‘અમે અને રાજેશ ખન્ના પીવા પર ભેગા થતા હતા. એક દિવસ તેણે સલીમસા’બ પાસે જઈને કહ્યું કે નિર્માતા દેવરે તેને ખાસ્સા રૂપિયા આપ્યા છે અને એમાંથી બંગલોનું પેમેન્ટ થઈ જશે, પણ ફિલ્મ તમિલ ‘દેઈવા ચેયલ’ની રીમેક છે, એમાં ત્રુટિઓ છે. મારે આવી ખરાબ પટકથા કરવી નથી અને ફિલ્મ જવા દેવી નથી, કારણ કે પૈસાની જરૂર છે.’ જાવેદ કહે છે, ‘અમે કહ્યું કે લખવામાં અમને પૂરી છૂટ મળવી જોઈએ. શરૂમાં અમને આ પ્રાણીકથાનું હસવું આવતું હતું, પણ પછી મજા આવવા લાગી અને ૨૦ દિવસમાં પટકથા તૈયાર કરી નાખી.’ રાજેશને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાથે બહુ સુમેળ હતો અને તેણે તેમની પાસે ‘ચલ ચલ ચલ મેરે હાથી, ઓ મેરે સાથી, ચલ લે ચલ, ખટારા ખીંચ કે...’ રેકોર્ડ પણ કરાવી દીધું હતું.
૧૯૬૯થી ૧૯૭૧ વચ્ચે સળંગ ૧૭ હિટ ફિલ્મો આપવાનો ખન્નાનો જે રેકોર્ડ છે, તેમાં ‘હાથી મેરે સાથી’નો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના નિર્મતાની આ પહેલી હિટ હિન્દી ફિલ્મ હતી. સલીમ-જાવેદનું નામ જોડી તરીકે પહેલી વાર આ ફિલ્મથી આવ્યું. ૧૯૭૧માં એનો કુલ વકરો ૭ કરોડનો હતો અને ૩.૫ કરોડનો નફો કર્યો હતો. ૧૯૭૪માં સોવિયત સંઘમાં તેની ૩ કરોડ ટિકિટ વેચાઈ હતી. દેવરની બીજી ફિલ્મો બહુ ઉકાળી ના શકી, પણ તેમને સલીમ-જાવેદે જે ફેરફાર કર્યા હતા, એ એટલા ગમી ગયા કે ૧૯૭૨માં તમિલ ‘નલ્લા નેરમ’માં પણ એની જ કૉપી કરી હતી. તમિલ ફિલ્મ ‘હાથી મેરે સાથી’થી પણ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.
સલીમ ખાન કહે છે, ‘એમાં વાર્તા, ડ્રામા, સંગીત, ઍક્ટિંગ અને પ્રાણીઓનો જબરદસ્ત સુમેળ હતો. અસલી હીરો પ્રાણી હતો, રાજેશ ખન્ના નહીં અને એ તેમની વચ્ચેની દોસ્તીની કહાની હતી. એ જાણે કે મનુષ્ય અને પ્રાણી વચ્ચેની પ્રેમકહાની હતી. હીરો તો ખાલી એમ જ પરણેલો હતો.’
‘ખાલી એમ જ’ જેને પરણેલો હતો, તે તનુજા (ફિલ્મમાં તેનું નામ તનુજા જ હતું) તો હનીમૂનની રાતે જ રાજુ પર ખીજાય છે. કારણ કે, તે પત્નીને છોડીને તે હાથીની સારવારમાં રાત ગુજારે છે. તનુજાએ કાજોલ છ વર્ષની હતી, ત્યારે ‘હાથી મેરે સાથી’ બતાવી હતી અને એ જોયા પછી બે અઠવાડિયા સુધી તે મમ્મી સાથે બોલી ન હતી. ‘મમ્મી, તેં હાથીને મારી નાખ્યો! તારા કારણે જ એનું મોત થયું હતું,’ કાજોલે ચીસ પાડીને તનુજાને કહ્યું હતું.
હાથીને ગોળી મારવાના દૃશ્ય પછી રાજેશ ખન્ના મોહમ્મદ રફીના અવાજમાં ‘નફરત કી દુનિયા કો છોડ કે, પ્યાર કી દુનિયા મેં, ખુશ રહેના મેરે યાર’ ગીત ગાય છે. ‘હાથી મેરે સાથી’નાં તમામ ગીતો, રાજેશ ખન્નાનો અવાજ ગણાતા, કિશોર કુમાર પાસે ગવડાવવાનો નિર્માતા દેવરનો આગ્રહ હતો, પણ આ ‘નફરત કી દુનિયા..’માં ધાર્યું દર્દ આવતું ન હતું, એટલે મોહમ્મદ રફી પાસે એને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. લક્ષ્મી-પ્યારેવાળા પ્યારેલાલ શર્મા આ ગીતથી સંતુષ્ઠ ન હતા અને તેને કાઢી નાખવાના મતના હતા. જોકે લક્ષ્મીકાંત અને રાજેશને સંગીતની સૂઝ સારી હતી અને તેમણે ધરાર આ ગીત રાખ્યું હતું. ‘હાથી મેરે સાથી’ની સફળતામાં આ ગીતનો બહુ મોટો હાથ હતો. લોકો થિયેટરોમાં રડ્યા હતા. ગીતકાર આનંદ બક્ષીને આ ગીત માટે સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ તરફથી વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘હાથી મેરે સાથી’ ફિલ્મના જે પૈસામાંથી રાજેશ ખન્નાએ ‘આશીર્વાદ’ બંગલો ખરીદ્યો હતો, તેમાં ૧૮ જુલાઈ, ૨૦૧૨ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા, ત્યારે આ એક માત્ર ગીત વગાડવામાં આવ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK