Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જાણો કેમ 2 દિવસને બદલે 14 દિવસ માટે બોલાવવામાં આવશે આ વખતનું બજેટસત્ર

જાણો કેમ 2 દિવસને બદલે 14 દિવસ માટે બોલાવવામાં આવશે આ વખતનું બજેટસત્ર

10 January, 2019 12:51 PM IST | નવી દિલ્હી

જાણો કેમ 2 દિવસને બદલે 14 દિવસ માટે બોલાવવામાં આવશે આ વખતનું બજેટસત્ર

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સવર્ણ અનામત બિલ સંસદના બંને ગૃહોમાંથી પાસ થઈ ચૂક્યું છે અને હવે રાષ્ટ્રપતિની મહોર લાગતાની સાથે જ ઉંચી જાતિઓના ગરીબોને પણ 10 ટકા અનામત મળવા લાગશે. તેની સાથે જ સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી પૂરી થઈ અને હવે બધાની નજરો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા બજેટસત્ર પર છે. એ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે આ વખતે પૂર્ણ બજેટ રજૂ નહીં થાય પરંતુ આગામી લોકસભા ચૂંટણીના કારણે 'વોટ ઓન અકાઉન્ટ' રજૂ થશે. એટલે કે ચૂંટણી પછી 17મી લોકસભાના ગઠન સુધી ખર્ચ ચલાવવા માટે સરકાર વોટ ઓન અકાઉન્ટની માંગ કરશે. આ સત્ર માટે 14 દિવસનો સમય રાખવાનો સ્પષ્ટ સંદેશ એ જ છે કે સરકાર સવર્ણ અનામત બિલ જેવો જ કોઈ મોટો ધમાકો આગામી મહિને પણ કરી શકે છે.

શું હોય છે વોટ ઓન અકાઉન્ટ



ભારતીય બંધારણના અનુચ્છેદ 112 હેઠળ સરકારને દર વર્ષે સંસદમાં એક વાર એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રજૂ કરવાનું હોય છે. તેમાં વાર્ષિક આવક-ખર્ચના લેખા-જોખા હોય છે. તેને જ બજેટ કહે છે. છેલ્લા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં થાય છે, એવામાં સરકાર તે સમયે પૂર્ણ બજેટ રજૂ કરવાની સ્થિતિમાં નથી હોતી, પરંતુ સરકારી ખર્ચાઓને પૂરા કરવા માટે તેની વ્યવસ્થા ચોક્કસપણે કરવી પડે છે, જેથી નવી સરકાર આવે ત્યાં સુધી કમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે ચાલતી રહે. તેના રાજકીય અને નૈતિક ઇમ્પ્લિકેશન પણ છે. કારણકે જે સરકાર પાસે આખું વર્ષ શાસન ચલાવવાનો જનાદેશ નથી, તેણે આખા વર્ષનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રજૂ કરવામાંથી પણ બચવાનું હોય છે. આ સ્થિતિમાં સરકાર પૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે કેટલાક મહિનાનો ખર્ચ ચલાવવા માટે વોટ ઓન અકાઉન્ટ રજૂ કરે છે. તેને લેખાનુદાન માંગ, વચગાળાનું બજેટ અને સામાન્ય ભાષામાં મિનિ બજેટ પણ કહેવામાં આવે છે.


14 દિવસના બજેટસત્રની શું જરૂર

મિનિ બજેટ અથવા વોટ ઓન અકાઉન્ટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. જાણકારોની વાત માનીએ તો વોટ ઓન અકાઉન્ટ માટે ફક્ત બે દિવસ જ પૂરતા છે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી એક બદલાવ એ પણ થયો છે કે અલગથી રેલ બજેટ રજૂ કરવામાં નથી આવતું. ફક્ત સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે છે અને આ વખતે તો ફક્ત બે મહિના માટે વોટ ઓન અકાઉન્ટની માંગ કરવામાં આવશે, જે બે દિવસમાં પણ થઈ શકે છે. ત્યારે પ્રશ્ન એ છે કે 14 દિવસની સત્રની જરૂર કેમ છે. આ પ્રશ્નનો જવાબ આગામી પેરેગ્રાફમાં મળશે.


પાસ કરાવવાના છે ઘણા બિલ

છેલ્લા ઘણા સત્રોથી સતત બંને ગૃહોમાં હોબાળો થયા કરે છે. શિયાળુ સત્રમાં પણ ઘણા દિવસો સુધી ફક્ત સાંસદોનો હોબાળો જ ચાલ્યો. બજેટસત્ર માટે સરકાર પાસે ઘણા એવા બિલ પણ છે જે લાંબા સમયથી કાયદો બનવાની રાહ જોઈ રહ્યા છે. અપેક્ષા કરવામાં આવી રહી છે કે 14 દિવસના બજેટસત્રમાં સરકાર રાજ્યસભા પાસેથી સિટિઝન અમેન્ડમેન્ટ બિલને પાસ કરાવવાની સંપૂર્ણ કોશિશ કરશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે અને કાયદો બની જશે તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે દેશોમાંથી ભાગીને આવનારા ધાર્મિક લઘુમતીઓને નાગરિકત્વનો અધિકાર આપશે. ખેડૂતોના મુદ્દા પર વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને તેમની સરકારને કઠેડામાં ઊભા કર્યા છે. ત્યારે બજેટસત્ર દરમિયાન ખેડૂતોની આવક વધારવા અથવા તેમને આર્થિક મદદ આપવા સંબંધિત કોઈ બિલ આવી શકે છે.

ત્રણ તલાક બિલ પર પણ લગાવવાની છે મહોર

મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો લઈને આવી છે. તેને ત્રણ તલાક બિલ પણ કહેવામાં આવે છે. લોકસભામાં સરકાર પાસે બહુમત છે અને નીચલા ગૃહે તેને પાસ પણ કરી દીધું છે. હવે રાજ્યસભાનો વારો છે. સરકાર આ જ બજેટસત્રમાં ત્રણ તલાક બિલને પાસ કરાવવાની પણ ભરપૂર કોશિશ કરશે. જો રાજ્યસભામાંથી ત્રણ તલાક બિલ પાસ થઈ જાય છે તો એકસાથે ત્રણ તલાક બોલવું ગુનો ગણાશે અને તેમાં પતિની ધરપકડ કરવામાં આવી શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે, આ બિલના પાસ થવાથી મુસ્લિમ મહિલાઓને બળ મળશે મુસ્લિમ વોટ્સના ધ્રુવીકરણને રોકવામાં મદદ મળશે.

વિપક્ષને કટઘરામાં ઊભી કરશે સરકાર

આગામી લોકસભા ચૂંટણીની બરાબર પહેલા આવી રહેલા આ બજેટસત્રને લઈને સરકારને ઘણી અપેક્ષાઓ છે. 14 દિવસના આ સત્રમાં સરકાર આધાર ઍક્ટમાં ફેરફારો સાથે જોડાયેલું બિલ પણ રાજ્યસભામાં પાસ કરાવવાનો પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે આ બિલ લોકસભામાંથી પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત પણ ઘણા આવા બિલ સરકાર બજેટસત્રમાં લાવી શકે છે જે વિપક્ષ માટે મુસીબત ઊભી કરશે. આ સંબંધિત બિલો વિશે કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ અસમંજસમાં હશે કે તેનું સમર્થન કરવું કે નહીં. આવા સંભવિત બિલોનો વિરોધ કરવા પર સરકાર સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષને કટઘરામાં ઊભો કરશે.

આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ, સંસદ સત્ર ચાલશે 31 જાન્યુ.થી 1 ફેબ્રુ. સુધી

રામમંદિર પર નહીં આવે ખરડો

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ખરડો લાવવા અંગે છેલ્લા ઘણા સમયથી માંગ થઈ રહી છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે એવો કોઈ ખરડો નહીં લાવવામાં આવે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે આ વિષય સુપ્રીમ કોર્ટમાં છે અને તેના ચુકાદાના આધારે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થશે. રામમંદિર માટે કોઈ ખરડો લાવવામાં આવશે તેવી આશા નથી.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 12:51 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK