Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > એ છતાંયે સાંભળી લે

એ છતાંયે સાંભળી લે

22 December, 2019 03:10 PM IST | Mumbai
Hiten Anandpara

એ છતાંયે સાંભળી લે

એ છતાંયે સાંભળી લે


‘પણ’ અને ‘છતાં’ આ બે શબ્દો વગદાર છે. તેમાં રહસ્ય પણ છુપાયેલું છે અને આશા પણ સમાયેલી છે. પૂરેપૂરો નકાર પણ નથી અને પૂરેપૂરો આવકાર પણ નથી. ચાણક્ય જેવી મુત્સદ્દી ધરાવતા આ શબ્દો ભલભલી બાજી પલટી નાખવા સક્ષમ છે. ભાજપ-શિવસેનાની યુતિમાં શિવસેનાનું જે પ્રકારનું વર્તન છે, એવું કશુંક ભાવવિશ્વ આ શબ્દોમાં આછુંઆછું વર્તાય છે. સૂર્યકાંત નરસિંહ ‘સૂર્ય’નો શેર સાંપ્રત સ્થિતિને પણ લાગુ પડે છે...
હું હજુ પણ સત-અસતની મધ્યમાં છું!
જ્યાં હતો શક, એ જ શકની મધ્યમાં છું!
અંત આવે છે છતાં પણ અંત છે ક્યાં?
હું ઘડી, દિવસ, વરસની મધ્યમાં છું!
સત-અસતની ખેંચતાણ ચાલતી જ રહે છે. ક્યાંક સત્તા માટેની સાઠમારી હોય તો ક્યાંક મિલકત માટેની મગજમારી. ક્યાંક વર્ચસ્વ સ્થાપવાના ઉધામા હોય તો ક્યાંક ચૂનો લગાડવાની ચબરાકી હોય. બાંધકામ ક્ષેત્રે અને બૅન્કિંગ ક્ષેત્રે જે પ્રકારનાં વિરાટ કૌભાંડ બહાર આવ્યાં છે, એ જોઈને જનતાની શ્રદ્ધા હલબલી ગઈ છે. પ્રત્યેક કો-ઓપરેટિવ બૅન્કને શંકાની નજરે અને બિલોરી કાચથી જોવી પડે, એવું વાતાવરણ સર્જાયું છે. પીએમસી બૅન્કના કેટલાક ખાતેદારોનું મોત થઈ ગયું. કારણ કે જીવનમૂડીને આ રીતે ભરખાઈ જતી જોઈ શક્યા નહીં. ગુલામ અબ્બાસ ‘નાશાદ’ આ વિમાસણની સ્થિતિ વ્યક્ત કરે છે...
શાયદ ખુદા લખી દે સફળતા જીવન વિશે
મસ્જિદના દ્વારે ઊભો છું કોરી કિતાબ લઈ
ઉપચાર શક્ય છે છતાં એ થઈ શક્યો નહીં
ચમક્યું છે મારું ભાગ્ય દરદ લાજવાબ લઈ
ઉપચાર શક્ય છે, પણ એમાં સરકારે પૈસા હોમવા પડે. ઍર ઇન્ડિયા ચલાવવા કે બીએએનએલ-એમટીએલ જેવાં માંદાં જાહેર સાહસને પગભર કરવા જેટલા પૈસા સરકાર નાખે છે, એવું કોઈ કો-ઓપરેટિવ બૅન્કને બચાવવા સરકારે કર્યું હોય એવું જાણમાં નથી. જવાબ ખબર છે, પણ અમલ અઘરો છે. હજારો ખાતાધારકોનાં આંસુ જલદીથી લૂછાય એવો કોઈ રૂમાલ માર્કેટમાંથી મળવો મુશ્કેલ છે. કુમાર જિનેશ શાહની પંક્તિઓ આ સંદર્ભે લાગુ પડે છે...
યાદો અગર ભીંજાવતી કાં સૂકવે
વાયુ બની આવે... કદી, મોજું બની
શ્રાવણ ગયો, ભાદર ગયો ને તે છતાં
પાંપણ ચૂવે છે કેમ આ નેવું બની?
આપણી શાસન વ્યવસ્થામાં અનેક ત્રુટિઓ છે. ગંજાવર અર્થતંત્ર હોવાને કારણે આ સ્વાભાવિક પણ છે. બૅન્કિંગ સિસ્ટમ રિઝર્વ બૅન્કની દેખરેખમાં હોવા છતાં એટલી પુખ્ત થઈ નથી કે ગુનાઓને ઊગતા જ ડામી શકાય. કમ્પ્યુટરને કારણે આંકડા ફટાફટ મળી જાય, પણ નિષ્ઠાવાન આકલન અને આકલન પછીનો અમલ તો ઊંચા હોદ્દા પર બિરાજમાન અધિકારીઓએ જ પાર પાડવાના હોય. પહેલાના સમયમાં પાણીકળોની સેવા લેવામાં આવતી જે કહી શકતો કે તળમાં પાણી ક્યાં હોવાની સંભાવના છે. એ જ રીતે, આપણને પ્રત્યેક જિલ્લામાં કૌભાંડકળો મળી આવે એવી આશા રાખીએ, જે કૌભાંડકળાને ઊગતી જ પકડી પાડે. ગુણવંત વૈદ્ય પૂછે છે એ પ્રશ્નમાં સાથે જોડાઈએ...
જોયું નથી જાણ્યું નથી, કદ, રૂપ એનું તે છતાં
હોવાપણાની મહોરને છાપી ગયું એ કોણ છે?
‘હું શું કરું હું એકલો’ આળસ જમાદારી કરે,
ક્ષણ એકમાં નબળાઈને કાપી ગયું એ કોણ છે?
નબળાઈઓ દરેક માણસમાં ભરી પડી છે. ક્યારેક એ આળસરૂપે હોય તો ક્યારે અહંકારરૂપે. એના રૂપ બદલાતાં જાય, વ્યાખ્યાઓ બદલાતી જાય પણ એ ચૅલેન્જ કરતી ઊભી જ હોય. આ ચૅલેન્જનો જવાબ આપણે જાતે જ મેળવવો પડે. બીજાને સમજાવવાનું કામ કદાચ સહેલું છે, અરીસાને બાટલીમાં ઉતારવો અઘરો છે. એ સમજતો હોવા છતાં સ્વીકારવા તૈયાર નથી હોતો. જેને સત્યની આચમની પીવડાવવામાં આવી હોય એને જૂઠનાં પીણાં માફક નથી આવતાં. અશોક જાની ‘આનંદ’ કહે છે, એવી વૅવલેન્થ મેળવવી અને કેળવવી અઘરી છે...
અમારી આંખની ભાષામાં કંઈ પરખાયું નહીં
કહી દીધું છતાં પણ એમને સમજાયું નહીં
ઘણી વાતો અમે કરતાં રહ્યાં’તાં મૌન રહી
છતાં પણ એમને થોડું ઘણું સંભળાયું નહીં
કેટલીક વાર એકની એક વાત વારેઘડીએ કહીને ઘૂંટવી પડે ત્યારે સામેવાળાને ગળે ઊતરે તો ઊતરે. વાતમાં તથ્ય હોય છતાં કડવી હોવાને કારણે એનો સ્વીકાર કરવામાં નથી આવતો. ક્યારેક સ્વભાવ તો ક્યારેક નિયતિ આપણને રમાડે. પારુલ ખખ્ખરની પંક્તિઓ ફ્લેશ બૅકમાં લઈ જાય છે...
બચાવી ના શકાયો એક વસમી સાંજનો ટુકડો
હૃદયમાં એ પછી તો કંઈક વલખાં સાચવી રાખ્યાં
તમારી એ ગલીમાં પગ નહિ મૂકવાનું પ્રણ ‘પારુલ’
છતાંયે એ નગરના કેમ નકશા સાચવી રાખ્યા?
મમત એમ જલદી છૂટતી નથી. કેડી પગ નીચે જ હોય છતાં પગલાં પડે નહીં એવા સંજોગો સર્જાય. છતાં ચાલવાની ઝંખના છોડાય નહીં. હિમલ પંડ્યા કહે છે, એવી દિવાનગીને ધબકતી રાખવી પડે...
સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું
એ છતાંયે સાંભળી લે, હું જ તારો પ્યાર છું
વ્હેમ આ મારા જ મનનો હોય તોયે છો રહ્યો
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું
ક્યા બાત હૈ
આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં

ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં



વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં


કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં

આજ તો કહેવા તું દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયાં ક્યાં? હેતની હેલી, છતાં


એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં

એટલી તો છે ખબર, એ જ અહીં દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં
- મકરંદ દવે

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 03:10 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK