મોદીસાહેબ, સાંભળો છો?

Published: Aug 15, 2019, 13:26 IST | મુંબઈ ડેસ્ક

દેશના વડા પ્રધાનને મિડ-ડેના માધ્યમે શું કહેવા માગે છે દેશના યુવાનો, જાણીએ તેમના જ શબ્દોમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રામાણિકતા અને સ્વચ્છતામાં મારો દેશ હશે નંબર વન

કાશ્મીર બાબતે : કદાચ કાશ્મીર એક મુદ્દો એવો બન્યો જેણે મારો રાજકારણ માટેનો પ્રેમ અને ઉત્સુકતા વધારી દીધાં છે. જે ઘણા સમયથી ચાલતું હતું એમાં ફાઇનલી કોઈક તો પગલાં લેવાયાં. આઇ ઍમ સો હૅપી. જે થયું એ ખૂબ સારું થયું.

દેશની વર્તમાન સ્થિતિ વિશે : આપણા દેશમાં આજે જોરદાર કામ ચાલી રહ્યું છે. જોકે આજે પણ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની સામે આપણે પાછળ છીએ. આજે પણ ચૉકલેટ કે વેફરનાં રૅપર જ્યાં ત્યાં ન નાખીએ અને ગમે ત્યાં ન થૂંકીએ એટલી સામાન્ય બાબત લોકો જોઈએ એ પ્રમાણમાં પાળી નથી રહ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી ઇમ્પ્રેશન ઘણી બૅટર થઈ છે. હું ૨૦૧૨માં દુબઈ ગયો હતો. મને કોઈ ફૉરેનરે પૂછેલું કે તમે કયા દેશના છો, આર યુ ફ્રૉમ શ્રીલંકા? મેં કહ્યું કે નો, ઇન્ડિયા. અને તેનું મોઢું બગડી ગયું હતું. હવે જ્યારે ભારતીય હોવાનું કહું છું તો લોકોનો વ્યવહાર બદલાઈ જાય છે.

માય ડ્રીમ ઇન્ડિયા : દુનિયાના દેશોમાં છે એવી ચોખ્ખાઈ આપણે ત્યાં પણ ગલી-ગલીમાં હશે એ મારા સપનાનું ભારત છે. બીજું પ્રામાણિકતા. ડે ટુ ડે લાઇફમાં લોકો પ્રામાણિકતા સાથે પોતાનું કામ કરતા હશે અને પોતાનાં કર્તવ્યોને સમજતા હશે એવી અપેક્ષા છે. - જિમિત વ્યાસ, બિઝનેસમૅન અને ઍક્ટર, કાંદિવલી

મિડલ ક્લાસને પ્રાયોરિટી આપવાનો સમય પાકી ગયો છે
કાશ્મીર બાબતે : કાશ્મીરના મામલે એટલું જ કહીશ કે જે જરૂરી હતું એ થયું. ઊલટાનું મને તો એ પ્રશ્ન ઊઠે છે કે હમણાં સુધી કેમ ન થયું. અત્યાર સુધી મને ખબર જ નહોતી કે ૩૭૦ શું છે. જોકે ખબર પડ્યા પછી એ હટે એ સૌથી વધુ જરૂરી લાગ્યું.

દેશની વર્તમાન સ્થિતિ વિશે : અત્યારે આપણા દેશમાં જે બદલાવો આવી રહ્યા છે એ આવનારા ઉજ્જવળ સમયની શાખ પૂરે છે. જોકે હવે સરકારે મિડલ ક્લાસને પ્રાયોરિટી આપવાનો સમય આવી ગયો છે. એ ભુલાવું ન જોઈએ કે આ દેશને ચલાવવામાં સૌથી વધુ ભોગ મિડલ ક્લાસ આપે છે, વર્કિંગ ક્લાસ આપે છે. તેમની હાલત હંમેશાં સૂડી વચ્ચે સોપારી જેવી હોય છે. તેમની સ્થિતિ બહેતર કરવાના પ્રયાસો થવા જોઈએ.

માય ડ્રીમ ઇન્ડિયા : મારા સપનાનું ભારત. હમમમ... હું કહીશ કે મારો દેશ શ્રેષ્ઠતામાં બહુ બધા દેશોનું કૉમ્બિનેશન હશે. જેમ કે આર્કિટેક્ચર ગ્રીસ અને ઑસ્ટ્રેલિયા જેવું, કૅનેડા જેવા રોડ, ટેક્નૉલૉજી-વાઇઝ ઇઝરાયલ અને જપાન જેવો, લૉ ઍન્ડ ઑર્ડર સિસ્ટમ ડેન્માર્ક જેવાં, ઇકોનોમી- વાઇઝ ચાઇના જેવો અને હૅપિનેસ ઇન્ડેક્સ ભુતાન જેવી હોય. મારી દૃષ્ટિએ આ શક્ય છે. આખા વિશ્વમાં બધે જ આપણે ટૉપ પર પહોંચ્યા છીએ અને ભારતીયોના ખૂનમાં એક્સલન્સ છે. થોડોક એને સમય આપવાની જરૂર છે બસ. - નેહા સિદ્ધપુરા, શિક્ષક, વિલે પાર્લે

નરેન્દ્ર મોદીને બદલે રાહુલ ગાંધીએ પણ કાશ્મીરનો પ્રશ્ન ઉકેલ્યો હોત તો વાહવાહી જ થઈ હોત
કાશ્મીર બાબતે : બંધારણની આ ધારાએ ત્યાંની પરિસ્થિતિ સુધારવાને બદલે બગાડવાનું કામ કર્યું છે. કોઈ કાયદાકાનૂન જ નહોતા. અરાજકતા હવે અટકશે. તમને સાચુ કહું? આ કામ મોદીને બદલે રાહુલ ગાંધીએ કર્યુ હોત તો તેની પણ વાહવાહી થઈ હોત. અહીં વ્યક્તિ નહીં કાર્ય મહત્ત્વનું અને મોટું છે.

દેશની વર્તમાન સ્થિતિ વિશે : મારી દૃષ્ટિએ ભારત અત્યારે એના શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વાત રહી રિસેશનની તો એ તો આખા વિશ્વનો પ્રશ્ન છે. આપણે ત્યાં કેટલાક પાયાના પ્રશ્નો પર કામ થાય એ જરૂરી લાગે છે જેમ કે છેલ્લાં થોડાંક વર્ષોથી વિસર્જન પછીની ક્લીન્લીનેસ ડ્રાઇવમાં ભાગ લઉં છું. એટલું સમજાઈ રહ્યું છે કે તહેવારને નામે આપણે જળજીવન બરબાદ કરી રહ્યા છીએ. દરેક તહેવાર ગંદકી અને અસ્વચ્છતા જ આપતા હોય તો એના માટે પણ નિયમો બનવા જોઈએ. વિદેશમાં છે અને લોકો એને પાળે પણ છે. એમાં જાત-પાતને વચ્ચે ન લાવવી જોઈએ. હું પોતે આઇટી એન્જિનિયર હોવાને નાતે સરકારને મારે એક પ્રૅક્ટિકલ સુઝાવ આપવો છે કે જ્યાં પહેલેથી જ આઇટી પાર્ક છે ત્યાં જ નવા આઇટી પાર્ક શું કામ બનાવો છો? બીજા સિટીમાં બનાવે તો વધુ ડેવલપમેન્ટ કરી શકો. બધી જ જગ્યાએ વાઇડલી સ્પ્રેડ કરો. જ્યાં તકો ઓછી છે ત્યાં બનાવો.

માય ડ્રીમ ઇન્ડિયા : ડૉલરની સામે રૂપિયાની કિંમત સરખી અથવા એનાથી વધુ હોય એ દિવસની રાહ જોઈ રહ્યો છું. જો એમ થશે તો કોઈ વિદેશ જવાનું નહીં વિચારે. જો એમ થશે તો પ્રામાણિકતા દેશમાં વધશે અને બધાનું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ વધવાથી ક્વૉલિટી લાઇફ પણ સુધરશે. - ભારદ્વાજ ગોર, આઇટી એન્જિનિયર, ભાઈંદર

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બદલાવો માટે સ્કોપ છે
કાશ્મીર બાબતે : એક્સલન્ટ. બસ, એક જ શબ્દમાં મારે જે કહેવું છે એ બધું આવી ગયું.
વર્તમાન સ્થિતિ વિશે : છેલ્લાં દસ વર્ષમાં જે નથી થયું એ હવે થઈ રહ્યું છે. અત્યાર સુધી દેશના રાજકારણમાં શું ચાલી રહ્યું છે એના તરફ ખાસ કરીને યંગસ્ટર્સનું ધ્યાન પણ નહોતું અને કોઈને પરવા પણ નહોતી. જોકે છેલ્લાં થોડાંક વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે. પહેલાં હું અબ્રૉડ જતો તો ઇન્ડિયન્સે અહીં કોઈ પણ વસ્તુ અડવી નહીં જેવાં બોર્ડ મારવામાં આવતાં, જ્યારે આજે આઇ ઍમ ફ્રૉમ ઇન્ડિયા કહીએ તો ડબલ ઉત્સાહથી તમારું સ્વાગત કરવામાં આવે. આપણે બદલાઈ રહ્યા છીએ. જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર-વાઇઝ ઘણા બદલાવની જરૂર છે. પહેલાં સરકારી ખાતામાં કામ વર્ષો સુધી પાર નહોતાં પડતાં. આજે મોટા-મોટા કાયદાઓનાં બિલ પણ ઝડપથી પાસ થઈ જાય છે.

માય ડ્રીમ ઇન્ડિયા : સુપર પાવર નેશન. આખી દુનિયામાં આપણું ચાલે. આપણી પાસે વીટો પાવર હોય. યુએનમાં આપણો વટ પડે. બધી જ રીતે આપણે આગળ હોઈએ. આપણી પાસે ઘણી ક્વૉલિટી છે જે બીજા પાસે નથી. આપણે હજારો વાર લૂંટાયા પછી ફરી બેઠા થયા છીએ એટલે આપણા માટે બધું જ શક્ય છે. એક દિવસ એવો આવશે કે નાસા અને મોટામાં મોટી કંપનીઓ આપણી મદદ લેશે. - ઈશાન મહેતા, યંગ બિઝનેસમૅન, વિલે પાર્લે

હવે શિક્ષણવ્યવસ્થામાં તાત્કાલિક બદલાવ લાવી દો સાહેબ
કાશ્મીર બાબતે : આજે નહીં તો ક્યારેક ને ક્યારેક આ મુદ્દો ઉપાડવાનો જ હતો. કેટલાક લોકો એ ખોટી રીતે થયું એવી દલીલ કરે છે. જોકે આની કોઈ સાચી રીત હોય જ નહીં. આ નિર્ણય કાશ્મીરના લોકો માટે અને દેશ માટે યોગ્ય નિર્ણય છે જે આજે નહીં સ્વીકારનારા લોકો પણ ભવિષ્યમાં સ્વીકારશે.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

દેશની વર્તમાન સ્થિતિ વિશે : મારા દેશ માટે મને બહુ જ પ્રેમ છે. મારે આર્મીમાં જવું હતું. જોકે હેલ્થ ઇશ્યુઝને કારણે ન જઈ શકી. જોકે હવે મારી રીતે દસ મિત્રો સાથે મળીને ‘સહયોગ’ નામનું સોશ્યલ ગ્રુપ ચલાવું છું. જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરી છીએ. આજે દેશની પ્રગતિ સારી રીતે થઈ રહી છે, પરંતુ હજી કેટલાક પાયાના ચેન્જિસ વિશે મોદીજીએ વિચારવું જોઈએ જેમાં મને સૌથી મહત્ત્વનો લાગે છે આપણી એજ્યુકેશન સિસ્ટમને લગતો બદલાવ. આપણી સંસ્કૃતિ સાથે આપણી શિક્ષણવ્યવસ્થા જોડાયેલી નથી. એક વિદ્યાર્થી પોતાનાં કીમતી વર્ષ ભણવામાં આપે છે, પરંતુ એમાંથી કેટલું ભણેલું તેને કામ આવે છે એ મહત્ત્વનો પ્રશ્ન છે. શિક્ષણવ્યવસ્થાનું ડેવલપમેન્ટ એ રીતે થવું જાઈએ કે જેમાં શીખેલી વસ્તુ વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય.

માય ડ્રીમ ઇન્ડિયા : રસ્તામાં ગરીબ અને કચરો ન દેખાય. દરેકે દરેક બાળકને શિક્ષણ મળે અને કાયદાનું પાલન પ્રૉપરલી થાય. - ભવિ ગાંધી, એમ.કૉમ.ની સ્ટુડન્ટ, ઘાટકોપર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK