ઝંડા ઊંચા રહે હમારા

Published: Jan 26, 2020, 09:29 IST | Rashmin Shah | Mumbai Desk

રાષ્ટ્રીય ધ્વજનું પૂરું સન્માન જળવાય એ માટેના નિયમો અને રાષ્ટ્રધ્વજ વિશેની કેટલીક ઓછી જાણીતી વાતો જાણીએ

આજે પ્રજાસત્તાક દિન છે. સ્કૂલો અને સરકારી સંસ્થાનો તેમ જ પ્રાઇવેટ બિલ્ડિંગોમાં પણ આજે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી શકાશે. જે-તે દેશનો રાષ્ટ્રીય ધ્વજ એ રાષ્ટ્રની ડિગ્નિટી ગણાય છે. દરેક દેશે પોતપોતાના રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન જળવાઈ રહે એ માટે કેટલાક નિયમ બનાવ્યા હોય છે. ત્રિરંગો ગમે ત્યારે, ગમે તે જગ્યાએ લહેરાવી નથી શકાતો. એ માટેના નિયમો ફ્લૅગ કોડ ઑફ ઇન્ડિયા અંતર્ગત નક્કી થાય છે. ભૂલેચૂકેય આપણાથી કોઈ ભૂલ ન થઈ જાય એ માટે આવો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો જોઈએ.

ત્રિરંગો કેવો હોવો જોઈએ?
ધ્વજ હાથવણાટના કપડામાંથી બનેલો હોવો જોઈએ. ત્રણ રંગમાં કેસરી પટ્ટો ઉપર, સફેદ વચ્ચે અને લીલો રંગ નીચે હોવો જોઈએ. જો ભૂલથી પણ કેસરી પટ્ટો નીચેની તરફ રહે તો એ ભારતીય રાષ્ટ્રીયતાનું ગંભીર અપમાન ગણાય છે.
સફેદ પટ્ટામાં એકદમ વચ્ચોવચ નેવી બ્લુ રંગમાં અશોકચક્ર હોવું જોઈએ. આ ચક્રમાં એકબીજાથી સરખા અંતરે ૨૪ લાઇનો હોવી જોઈએ. આ ચક્ર સ્ક્રીન-પ્રિન્ટિંગથી ચીતરાવો કે ઍમ્બ્રોઇડરી કરાવો, એ બન્ને બાજુથી સ્પષ્ટ દેખાતું હોય એ મસ્ટ છે.
રાષ્ટ્રધ્વજ લંબચોરસ હોવો જોઈએ અને એની સ્ટાન્ડર્ડ સાઇઝ પણ નિશ્ચિત છે. એ વીવીઆઇપી ઍરક્રાફ્ટ્સ પર ૪૫૦ બાય ૩૦૦ મિલીમીટર, કાર પર ૨૨૫ બાય ૧૫૦ મિલીમીટર અને ટેબલ પરના ફ્લૅગની સાઇઝ ૧૫૦ બાય ૧૦૦ મિલીમીટર જેટલી હોવી જોઈએ. ટૂંકમાં, ધ્વજનું માપ ૩:૨ના પ્રમાણમાં લંબચોરસ હોવું જોઈએ. ધ્વજની લંબાઈ કરતાં ૧૦ ગણો મોટો ધ્વજસ્તંભ હોવો જોઈએ.
કિનારીએથી ચીમળાઈ ગયેલો, ધૂળવાળો, કપાયેલો, કાણાવાળો કે કરચલીઓવાળો રાષ્ટ્રધ્વજ ફરકાવવો નહીં. ડૅમેજ થયેલા ધ્વજને ફાડવો કે કાપવો નહીં, પરંતુ આખેઆખો જ અગ્નિથી જલાવવો. એની રાખ જમીનમાં દાટી દેવી.
ધ્વજથી ઊંચી જગ્યાએ અન્ય કોઈ ધજા, તક્તી કે ફૂલમાળા પણ ન હોવી જોઈએ.

ત્રિરંગાનું સન્માન જાળવવાના નિયમો
૨૦૦૨ પહેલાં સરકારી સ્મારકો સિવાય અન્ય પ્રાઇવેટ જગ્યાઓએ ધ્વજ ફરકાવી શકાતો નહીં. માત્ર સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતી તેમ જ નૅશનલ વીક દરમ્યાન જ આમ આદમી ભારતીય ત્રિરંગો ફરકાવી શકતો. જોકે મેમ્બર ઑફ પાર્લમેન્ટ નવીન જિન્દલના પ્રયાસથી હવે આમ આદમી પણ પોતાના ઘર કે અન્ય કોઈ પણ જગ્યાએ ઝંડો ફરકાવી શકે છે. અલબત્ત, ત્રિરંગાની આન-બાન-શાન પૂરી રીતે ન સચવાય તો એ ગુનાપાત્ર ઠરે છે.
ત્રિરંગો ક્યારેય કોઈના કપડામાં કે કોઈ પણ યુનિફૉર્મમાં વાપરી ન શકાય. તકિયાનાં કવર, હાથરૂમાલ, નૅપ્કિન, ડ્રેસ-મટીરિયલ, ટેબલક્લોથ, પડદા કે ચાદર એમ કોઈ પણ વપરાશના કાપડ પર ત્રિરંગાની ઇમેજ છપાયેલી હોવી એ ઝંડાનું અપમાન કરવા સમાન છે. કોઈ પણ પ્રકારના ડેકોરેશન માટે પણ ધ્વજનો ઉપયોગ ન થવો જોઈએ. એના પર કોઈ પણ પ્રકારનું લખાણ કરવું નહીં. ત્રિરંગામાં વીંટાળીને કોઈ ચીજની લેવડદેવડ કરવી નહીં. ઈવન જ્યારે એ ફરકાવેલો ન હોય ત્યારે પણ એમાં કોઈ ચીજ ભરીને ન રાખવી. ત્રિરંગો જ્યારે ફરકાવવાનો હોય ત્યારે પણ એમાં માત્ર ફૂલની પાંખડીઓ સિવાય બીજું કંઈ પણ મૂકવું એ રાષ્ટ્રના અપમાન સમાન છે.
કોઈ પણ સંજોગોમાં ધ્વજનો કોઈ પણ ભાગ જમીનને સ્પર્શે નહીં તેમ જ પાણીમાં પલળે નહીં એનું પણ ધ્યાન રાખવું.

કાગળના ધ્વજ
નૅશનલ, કલ્ચરલ કે સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમ્યાન કાગળના નાના-નાના ફ્લૅગ બનાવવામાં આવે છે એને પણ ડિગ્નિટીપૂર્વક ડિસ્ટ્રૉય કરવા જોઈએ. ગ્રાઉન્ડ પર કે રસ્તા પર લોકોના પગ નીચે કાગળનો ફ્લૅગ આવે એ રાષ્ટ્રના અપમાન સમાન છે. જો તમે સ્વાતંત્ર્ય દિને કે પ્રજાસત્તાક દિને કપડા પર કે વેહિકલ પર લગાવવા માટે કાગળનો ફ્લૅગ ખરીદો છો તો એનો યોગ્ય નિકાલ થાય એની જવાબદારી પણ ઉઠાવવી જોઈએ. કાગળના ફ્લૅગ કચરાપેટીમાં એકઠા થાય છે એ રાષ્ટ્રીય ગુનો છે. અલબત્ત, આપણે ત્યાં એની સામે કોઈ પગલાં લેવાતાં ન હોવાથી રાષ્ટ્રીય દિવસની ઉજવણી પછી ઠેર-ઠેર કાગળના ધ્વજના ઢગલા જોવા મળે છે.

લહેરાવવાના નિયમો
ત્રિરંગો લહેરાવતી વખતે એક જ ઝાટકામાં ઊંચે લઈ જવાનો હોય છે, પરંતુ એને ઉતારતી વખતે ધીમે-ધીમે ઉતારવાનો હોય છે.
કોઈ પણ જગ્યાએ ત્રિરંગો લગાડો ત્યારે હંમેશાં એની આસપાસની તમામ ચીજો કરતાં જુદી અને ઊંચી જગ્યાએ ફરકતો રહે એ જરૂરી છે. કોઈ પણ સંજોગોમાં કાર, સ્કૂટર, ટ્રેન, બોટ કે ઍરક્રાફ્ટની પાછળ રાષ્ટ્રધ્વજ ન લગાવવો. રાષ્ટ્રપતિ જ્યારે પણ ટ્રેન દ્વારા પ્રવાસ કરતા હોય ત્યારે ટ્રેન પર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવે છે. ટ્રેનની જે બાજુ પ્લૅટફૉર્મ હોય એ તરફ ધ્વજ ફરકાવાય છે અને ટ્રેન ચાલુ થતાં ધ્વજ અંદર લઈ લેવામાં આવે છે તથા જેવી ટ્રેન અન્ય સ્ટેશને થોભવા માટે ધીમી પડે છે એટલે ફરી જે તરફ પ્લૅટફૉર્મ આવે એ તરફ રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે. ઍરક્રાફ્ટની બાબતમાં પણ આ જ નિયમ છે. જે તરફથી રાષ્ટ્રપતિ ક્રાફ્ટમાં દાખલ થાય અને ઊતરે એ તરફ રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે.
ધ્વજ ફરકાવવાનો હોય ત્યારે બધા સંજોગોમાં રાષ્ટ્રીય ધ્વજ જમણી તરફ ફરકતો હોવો જોઈએ. આડો ધ્વજ લગાવો ત્યારે કેસરી રંગ ઉપર હોવો જોઈએ અને ઊભો ધ્વજ લગાવો ત્યારે કેસરી રંગ જમણી તરફ રહેવો જોઈએ.
રાષ્ટ્રીય હસ્તીના નિધન સમયે સરકાર દ્વારા અમુક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય શોક દરમ્યાન ધ્વજ અડધી કાઠીએ લહેરાવાય છે. અડધી કાઠીએ લહેરાવવાનો હોય એ દિવસે પણ પહેલાં તો ધ્વજને એકઝાટકે ઊંચે લઈ જઈને પછી ધીમે-ધીમે અડધે લાવવાનો હોય છે. સૂર્યાસ્ત સમયે ધ્વજ ઉતારતી વખતે પણ એક વાર ઊંચે લહેરાવવામાં આવે છે અને પછી જ ધીમે-ધીમે નીચે ઉતારવામાં આવે છે.
ધ્વજ ફરકાવતી-ઉતારતી વખતે કે પરેડમાં ધ્વજ પસાર થતો હોય ત્યારે દરેક વ્યક્તિએ સાવધાનની પોઝિશનમાં ઊભા થઈ જવું. જો માથે હૅટ કે ટોપી પહેરી હોય તો જ સલામી આપી શકાય.

ત્રિરંગાનું માહાત્મ્ય
સૌથી ઉપરનો કેસરી રંગ સાહસ અને ત્યાગનું રૂપક છે. વચ્ચેનો સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતીક છે. લીલો રંગ શ્રદ્ધા સૂચવે છે. એ ઉપરાંત હરિયાળી ધરતી હોય તો સમૃદ્ધિનું પ્રતીક છે. વચ્ચેનું બ્લુ રંગનું ચક્ર અશોકચક્ર તરીકે ઓળખાય છે. એમાં કુલ ૨૪ આંકા હોય છે એ દિવસના ૨૪ કલાકમાં ગતિ અને પ્રગતિ સૂચવે છે. આ ચક્ર સારનાથના બૌદ્ધ સ્તૂપ અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મ પ્રમાણે આ ચક્ર ધર્મ અને ન્યાયના પ્રતીક સમાન છે.
રાષ્ટ્રધ્વજનું ઇરાદાપૂર્વક સન્માન નહીં કરનારને દંડ અથવા તો ત્રણ વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

રાષ્ટ્રીય ધ્વજનો ઇતિહાસ
ફ્લૅગ ઑફ બ્રિટિશ ઇન્ડિયા : ભારત પર જ્યારે અંગ્રજોનું શાસન હતું ત્યારે એનો ધ્વજ કંઈક આવો હતો.
૧૯૦૪માં સ્વામી વિવેકાનંદનાં આયરિશ શિષ્ય સિસ્ટર નિવેદિતાએ આ ફ્લૅગ ભારત માટે તૈયાર કર્યો હતો.
૧૯૧૭માં બાળ ગંગાધર ટિળક અને ઍની બેસન્ટના નેતૃત્વ હેઠળ થયેલી હોમરૂલ ચળવળ દરમ્યાન આ ધ્વજ વપરાયેલો.
તમામ ધર્મોના વડાઓનાં મંતવ્યો પછી ૧૯૩૧માં ૭ સભ્યોની વર્કિંગ કૉન્ગ્રેસ કમિટીએ આ ધ્વજ તૈયાર કર્યો અને ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસનો ત્રણ રંગવાળો ફ્લૅગ તૈયાર કર્યો.
ભારત દેશ સ્વતંત્ર થયો એ પહેલાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ નક્કી કરવા માટે રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ કલામ આઝાદ, સરોજિની નાયડુ, સી. રાજગોપાલાચારી, કે. એમ. મુનશી અને બી. આર. આંબેડકરની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના ધ્વજને જ રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું. જોકે અન્ય પાર્ટીઓ અને કમ્યુનિટીને સ્વીકાર્ય બને એ માટે પછીથી રેંટિયાને બદલે ધર્મચક્રને એમાં સ્થાન આપવામાં આવ્યું.

છેક બાવન વર્ષે પરમિશન
૧૯૪૭માં દેશ આઝાદ થયો અને ૧૯૫૦માં ફ્લૅગ કોડ બન્યો. ફ્લૅગ કોડ મુજબ રાષ્ટ્રીય સ્મારક, રાષ્ટ્રીય કચેરી, રાજ્યોના પ્રધાન અને સંસદસભ્યો સિવાય કોઈ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકતા નહોતા, પણ ૨૦૦૨માં સત્તાવાર રીતે એવી પરવાનગી મળી કે રાષ્ટ્રધ્વજના નીતિનિયમ સાથે એ ધ્વજનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ વપરાશ કરી શકે છે. સામાન્ય માણસ પણ રાષ્ટ્રધ્વજનો ગર્વપૂર્વક ઉપયોગ કરી શકે એ પ્રકારનો ચુકાદો લઈ આવવાનું કામ નવીન જિન્દલે કર્યું હતું. જિન્દલ ગ્રુપના માલિક એવા નવીન જિન્દલ કૉન્ગ્રેસની સરકારમાં સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. નવીન જિન્દલે ૭ વર્ષ સુધી આ બાબતમાં ફાઇટ કરી અને છેવટે ૨૦૦૨માં તેમની માગણી સ્વીકારીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ પણ ગર્વભેર કરી શકે એ માટે પરમિશન આપી.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK