Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૮૩થી ૮ - જલસો પડી જાય એવી સાપસીડી

૮૩થી ૮ - જલસો પડી જાય એવી સાપસીડી

28 June, 2020 10:28 PM IST | Mumbai
Dr Dinkar Joshi

૮૩થી ૮ - જલસો પડી જાય એવી સાપસીડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાપસીડીની રમતથી તમે કોઈ અજાણ્યા નહીં હો. ૧થી ૧૦૦ના આંકડા અને સાપ તથા સીડી આ બે સાધન. આ સાધન પર તમારા પ્રારબ્ધનો ખેલ પેલો નાનકડો પાસો રમે. ૮ પરથી ૨૮ પર લઈ જાય. ૭૪ પરથી ૧૯ પર લઈ આવે અને ક્યારેક ૯ પરથી ૯૧ પર લઈ જાય તો વળી કોઈક વાર ૯૬ પરથી ૬ પર લઈ આવે. ૯૬ પર વિજયની લગોલગ હોઈએ ત્યાં અચાનક ૬નો આંકડો ટાંટિયો ખેંચી લે ત્યારે આ તો રમત છે, એમાં વાસ્તવિક ચડ-ઊતર મુદ્દલ નથી એવું એ ક્ષણ પૂરતું જરાય યાદ રહેતું નથી અને મનમાંથી ‘હાય રામ’નો ઉદ્ગાર નીકળી જાય. એવી જ રીતે જ્યારે ૯ પરથી ૯૧ પર ચડી જઈએ છીએ ત્યારે આ તો રમત છે એ પણ ભુલાઈ જાય છે અને ‘વાહ વાહ વાહ વાહ’ બોલતાં તાળીઓ પાડવા માંડીએ છીએ. જે છે નહીં એનો જય જયકાર અને જે છે એની રાડારોળ!

ગયા અઠવાડિયે લગભગ કેટલાય દસકાઓ પછી સાપસીડી રમવાનો અવસર મળી ગયો. રમવા બેઠો ત્યારે એ એક અવસર લાગ્યો હતો, પણ ૯ના ૯૧ અને ૯૬ના ૬ થવા માંડ્યા ત્યારે અચાનક ખ્યાલ આવ્યો કે આ તો એક મહામૂલું સૌભાગ્ય છે. ૯૬ના ૬ અને ૯ના ૯૧ કોણ કરી દે? થોડી જ વારમાં મારા ભાગે ૮૩ના ૮ આવ્યા. ૮૩ના ૮ આવે એ તો ભારે દુઃખની વાત કહેવાય, પણ આ ૮ના આંકડા પાસે કોઈક ચિત્રકારે બે સામયિકો ચીતર્યાં હતાં. આ સામયિક એટલે ‘રમકડું’ અને ‘ગાંડિવ.’



જેને સોશ્યલ મીડિયા તરીકે ઓળખાય છે એ કાઠિયાવાડી દેશી ચોરાની ગોઠડીમાં હું બહુ ઓછો જોડાઉં છું. ક્યારેક ખાસ જોવા જેવું હોય અથવા કોઈને ખાસ દેખાડવા જેવું હોય ત્યારે એક-બે પાનાં કોઈક ઊથલાવે છે અને હું જોઉં છું. આજે આ સાપસીડીની રમત સોશ્યલ મીડિયા પર હતી. ૮ના આંકડા પર જે ‘રમકડું’ અને ‘ગાંડિવ’ દેખાયાં એણે મારાં ૮૩ વર્ષનો ઢગલો કરી નાખ્યો અને ૮ વર્ષના આંકડાને એ ઢગલાની ટોચ પર ઊભો કરી દીધો.


૮ વર્ષનું એક બાળક એ દિવસે વહેલું ઊઠતું, કદાચ આગલે દિવસે રાતે વહેલું સૂઈ જતું અને રાત અને સવારની વચ્ચે બે-ત્રણ વાર જાગીને દીવાલ પરની ઘડિયાળ સામે પણ જોઈ લેતું. તેને રોજ સવારે આવતાં છાપાવાળાની ચટપટી લાગેલી હોય છે. ‘રમકડું’ નામનું એક બાલ માસિક ત્યારે પ્રગટ થતું અને આ બાલ માસિકની આ ચોક્કસ દિવસે તે પ્રતીક્ષા કરતું. છાપાવાળો દૂરથી દેખાતો ત્યારે તે રાજી-રાજી થઈ જતું. આમ તો તે બાળક લાંબા વખતથી પથારીવશ હતું. હરવા-ફરવાની કે બેઠા થઈને રમવાની પણ તેને છૂટ નહોતી. ‘રમકડું’નો તાજો અંક છાપાવાળો તેના હાથમાં આપતો ત્યારે તે બધું દર્દ ભૂલી જતો. પોતે માંદો છે, પથારીવશ છે, શરીરને ઝાઝું હલનચલન કરવાની છૂટ નથી આ બધું વીસરીને તે ‘રમકડું’ પર તરાપ મારતો.

અને પછી ખૂબ સંભાળપૂર્વક ‘રમકડું’નાં સફેદ અને સુંવાળાં પાનાં કાળજીપૂર્વક ફેરવતો અને દરેક પાના પર છપાયેલા અક્ષરો ઉકેલતો – ‘આવો પ્યારા વાતો કરીએ’, નથુભાઈ, છકોમકો, મિયાંફૂસકી, નાનો નટુ, ‘મારા રમકડુંમાં મારી છબિ’ આ બધું સાંજ સુધીમાં વંચાઈ જાય અને પછી બીજા દિવસે ફરી વાર એના પર આંખ ફેરવે અને ત્રીજા દિવસથી નવા અંકની રાહ જોવા માંડે. (અહીં એક ખુલાસો કરી દઉં કે ૮૩નો આંકડો એ આ લખનારની આજની ઉંમર અને પેલો ૮ એટલે ‘રમકડું’ વંચાતું એ ઉંમર.)


‘રમકડું’ની યાદગીરીમાં તરોતાજા થઈ જવાયું છે ત્યારે એના વિશે થોડી વિગતે વાત કરીએ. ‘વંદે માતરમ’ નામનું એક ગુજરાતી સાંધ્ય દૈનિક મુંબઈના ફ્રિયર રોડ પરથી પ્રગટ થતું. આ દૈનિકના તંત્રી અને માલિક શામળદાસ ગાંધી હતા. શામળદાસ ગાંધી એટલે મહાત્મા ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસના પુત્ર. તેમણે ‘વંદે માતરમ’ના નેજા હેઠળ ‘રમકડું’ નામનું બાલ માસિક શરૂ કરેલું. તંત્રીસ્થાને હતા શામળદાસ ગાંધીના પુત્ર કિશોર ગાંધી. આ માસિકમાં નથુભાઈ નામની એક ચાર પાનાંની ચિત્રકથા આવતી. આ ચિત્રકથાના સર્જક હતા શનિ. શનિનું મૂળ નામ કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી. શનિ ‘જન્મભૂમિ’માં કાર્ટૂનિસ્ટ તરીકે નોકરી કરતા હતા. એ સમયની પત્રકારિતામાં શનિ ટોચના કાર્ટૂનિસ્ટ હતા. ‘રમકડું’માં જોડાયા પછી ‘જન્મભૂમિ’ સાથે તેમને કશીક અદાલતી કાર્યવાહી પણ થઈ હતી. જે વાચકોને દિલ્હીથી પ્રગટ થતું અંગ્રેજી સાપ્તાહિક ‘શંકર્સ વીકલી’ સાંભરતું હશે તેમને કાર્ટૂનિસ્ટ શંકર બરાબર યાદ હશે. શંકરનું જે સ્થાન રાષ્ટ્રીય કક્ષાએ હતું એ જ સ્થાન ગુજરાત કક્ષાએ શનિનું હતું.

શનિની ચિત્રકથા નથુભાઈ ‘રમકડું’ના બાળવાચકોમાં અત્યંત પ્રિય થઈ ગઈ હતી. નથુભાઈની કથા વાંચવા એટલે કે જોવા બાળકો પડાપડી કરતાં, પણ વખત જતાં શામળદાસ ગાંધી અને શનિ વચ્ચે કશોક મતભેદ થયો. મતભેદનું કારણ શનિએ પોતાનું સાપ્તાહિક ‘ચેત મછંદર’ શરૂ કર્યું એ હતું. ‘ચેત મછંદર’માં શનિએ પોતાની ચિત્રકથા નથુભાઈ પ્રગટ કરવા માંડી. શામળદાસ ગાંધી આ લોકપ્રિય ચિત્રકથા પોતાની પાસે જાળવી રાખવા માગતા હતા. કોઈ પણ અખબારી કટારનો કૉપીરાઇટ એના લેખકનો હોય કે અખબારના માલિકનો એ મુદ્દા પર મામલો હાઈ કોર્ટમાં ગયો અને હાઈ કોર્ટે ઠરાવ્યું કે ‘કટારનો કૉપીરાઇટ સર્જકનો હોય છે, સામયિકના માલિકનો નહીં.’

એ પછી શામળદાસ ગાંધી જૂનાગઢમાંથી સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી લડ્યા. આ ચૂંટણી સમયે શનિએ પોતાના સાપ્તાહિક ‘ચેત મછંદર’માં શામળદાસ ગાંધીની અત્યંત ઠેકડી ઉડાડેલી, ખૂબ આક્ષેપો કરેલા. શામળદાસ ગાંધી એ ગાળામાં જૂનાગઢના સ્વાતંત્ર્ય માટે લડેલી આરઝી હકૂમતના વડા હતા એટલે શનિએ સામાન્ય સંયમ અને વિવેક ગુમાવીને પણ શામળદાસ પર આક્ષેપબાજી કરેલી.

પણ થોડા સમય પછી શામળદાસ અચાનક મૃત્યુ પામ્યા ત્યારે તેમના આ શત્રુ બનેલા શનિએ ‘ચેત મછંદર’ના પોતાના અંકમાં પહેલા જ પાને શામળદાસભાઈના ગૌરવભર્યા ફોટોગ્રાફ સાથે લખ્યું, ‘સૂતો તાણી સોડ્ય, ગર્યનો સાવજ શામળો’ મૂર્ખ મિત્ર કરતાં દાનો દુશ્મન વધુ સારો. આ લખનારે ૭-૮ વર્ષની ઉંમરથી સામયિકોના અગ્રલેખો વાંચવાની ટેવ પાડી છે. શનિના આ લેખનો સમાવેશ મેં વાંચેલા થોડાક નોંધપાત્ર અગ્રલેખોમાં કરતાં સહેજેય સંકોચ ન થાય.

શનિએ શરૂ કરેલા ‘ચેત મછંદરે’ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં એ પછી થોડો સમય ભારે હાહાકાર મચાવેલો. એ ગાળામાં સૌરાષ્ટ્રમાં ભૂપત નામના બહારવટિયાએ ભારે ત્રાસ વર્તાવેલો. આ ભૂપતને સૌરાષ્ટ્રના નષ્ટ થયેલાં ૨૦૦ જેટલાં રજવાડાંઓમાંથી કેટલાંકનો ટેકો હતો. આ ટેકાને કારણે ભૂપત સરકારી ગામડાં ભાંગીને કોઈક મોટાં બધાં રજવાડાંના રાજમહેલમાં જઈને સૂઈ જતો. શનિએ આ બધી કથા નામઠામ સાથે ‘ભૂપત કે રસિકલાલ?’ એ શીર્ષક હેઠળ પુસ્તકમાં પ્રગટ કરેલી. પરિણામે ‘ચેત મછંદર’ પાર વિનાની મુશ્કેલીમાં આવી ગયું અને એ બંધ કરવું પડેલું.

આ કથા બહુ લાંબી છે અને રસપ્રદ પણ છે, પરંતુ ‘મિડ-ડે’ની આ જગ્યા આના માટે નથી. અહીં તો માત્ર એટલું જ કહેવું છે કે જે પળે મને ૮૩માંથી ૮નો કરી દીધો એ પળનો આભાર અને આ પળ જે મિત્રોએ અનાયાસ ફેસબુક પર ફરતી કરી તેમનેય વંદન.

બીજું બધું તો ઠીક, પણ જો ‘રમકડું’ના જૂના અંકો કોઈ વાચકો પાસે સચવાયા હોય તો શનિની ચિત્રકથા નથુભાઈ આજનાં બાળકો માટે પણ પુનર્મુદ્રિત કરવા જેવી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 10:28 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK