ધ નેમ ઇઝ બૉન્ડ, જેમ્સ બૉન્ડ: દૂધ વેચવાવાળો શૉન કોનરી કેવી રીતે જેમ્સ બૉન્ડ બન્યો?

Published: 7th November, 2020 12:08 IST | Raj Goswami | Mumbai

બૉન્ડનું સર્જન કરનાર ઇયાન ફ્લેમિંગની ગર્લફ્રેન્ડ બ્લેન્ચ બ્લૅકવેલે બ્રૉકોલીને કહ્યું હતું કે જેમ્સ બૉન્ડમાં જેવો જોઈએ એવો સેક્સ્યુઅલ કરિશ્મા શૉન કોનરીમાં છે

શૉન કોનરી
શૉન કોનરી

હિન્દી સિનેમામાં ઍન્ગ્રી યંગમૅન વિજય અને હૉલીવુડ સિનેમામાં જેમ્સ બૉન્ડનો જન્મ એક જ સમયગાળામાં થયેલો, પણ બન્નેની સામાજિક પૃષ્ઠભૂમિ અલગ હતી. ૭૦ના દાયકામાં બેરોજગારી, ભ્રષ્ટાચાર અને વધતા અપરાધથી ભારતીય યુવા માનસમાં એક પ્રકારનો અસંતોષ અને ગુસ્સો હતો. પટકથા લેખકો સલીમ-જાવેદની ‘ઝંજીર’ (૧૯૭૩) અને ‘દીવાર’ (૧૯૭૫)માં અમિતાભ બચ્ચનના પાત્ર વિજયમાં એ આક્રોશ આવ્યો.

એ જ દાયકાની શરૂઆતમાં પશ્ચિમમાં ‘ડૉ. નો’ ફિલ્મથી જેમ્સ બૉન્ડનું આગમન થયું. સદા સાહસિક અને આશિક મિજાજી જેમ્સ બૉન્ડના સર્જન પાછળ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન-યુરોપિયન સમાજમાં વ્યાપેલી ઉદાસી કારણભૂત હતી. ‘ડૉ. નો’ ૧૯૬૨માં આવી અને બૉન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગની પહેલી બૉન્ડ નવલકથા (કસીનો રૉયલ) ૧૯૫૪માં આવી.

૩૨ વર્ષના શૉન કોનરી ત્યારે લંડનની શેક્સપિયર થિયેટર કંપની અને ટેલિવિઝન સિરિયલોમાં ‘ફાલતુ’ ભૂમિકાઓ કરતા હતા. એમાંથી હૉલીવુડની અમુક ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ મળી, પણ એમ કંઈ ઊકળતું નહોતું. એવામાં ‘ડૉ. નો’માં જેમ્સ બૉન્ડ નામના જાસૂસની ભૂમિકા આવી અને એ ફિલ્મથી જૅકપૉટ લાગ્યો. પહેલી જ જેમ્સ બૉન્ડ ફિલ્મ હિટ ગઈ અને પાછળ ધડાધડ બીજી ત્રણ ફિલ્મો આવી. ત્રણેય સુપરહિટ.

૧૯૬૫માં ‘છોકરીના મૅગેઝિન’ પ્લેબૉયને આપેલા ઇન્ટરવ્યુમાં શૉન કોનરી કહે છે, ‘જેમ્સ બૉન્ડની વાર્તાઓ અને ફિલ્મો સફળ જવાનું મુખ્ય કારણ એ સમય હતો. બૉન્ડનું આગમન યુદ્ધ પછી થયું હતું. લોકો ત્યારે બજારોમાં રૅશનિંગ અને શુષ્ક જીવનથી કંટાળી ગયા હતા. દર્શકો ‘કિચન સિન્ક’ ડ્રામા જોઈને ઉબાઈ ગયા હતા. એમાં આ પાત્ર આવ્યું જે તેનાં રંગીન કપડાં, કાર, વાઇન અને સ્ત્રીઓના કારણે બટરમાં ગરમ છરી ઊતરી જાય એમ લોકોના દિમાગમાં ઊતરી ગયું. યુ સી, બૉન્ડ આજના કોઈ પણ માણસની સક્સેસ-સ્ટોરી જેવો છે. મર્દોને તેની સફળતાની નકલ કરવાની ગમે છે અને સ્ત્રીઓમાં તે લોકપ્રિય છે.’

પહેલી ત્રણ બૉન્ડ ફિલ્મો- ડૉ. નો, ફ્રૉમ રશિયા વિથ લવ અને ગોલ્ડફિંગર - ત્રણેના કુલ દર્શકો ૧૦૦,૦૦૦,૦૦૦ હતા અને કુલ વકરો ૭૫,૦૦૦,૦૦૦ ડૉલર હતો. બૉન્ડને જોઈને અનેક જાસૂસી ફિલ્મો અને ટીવી-સિરિયલો ફૂટી નીકળી. બૉન્ડના નામની ટૂથપેસ્ટ, ટી-શર્ટ, નાઇટગાઉન, બ્રિફકેસ, બેડશીટ્સ અને રાઇફલ બની જતાં રમકડાનાં ટ્રાન્ઝિસ્ટર વેચવા લાગ્યાં.

શૉન કોનરી બૉન્ડ સિરીઝની કુલ ૭ ફિલ્મો કરી: ડૉ. નો (૧૯૬૨), ફ્રૉમ રશિયા વિથ લવ (૧૯૬૩), ગોલ્ડફિંગર (૧૯૬૪), થન્ડરબૉલ (૧૯૬૫), યુ ઓન્લી લિવ ટ્વાઇસ (૧૯૬૭), ડાયમન્ડ્સ આર ફોરેવર (૧૯૭૧) અને નેવર સે નેવર અગેઇન (૧૯૮૩). એમાં  જેમ્સ બૉન્ડનું પાત્ર એવું જામી ગયું કે એ પછી આવેલા અભિનેતાઓ માટે ખાસ નવું કરવાનું ન રહ્યું. માત્ર રોજર મૂરને એવું લાગ્યું કે બૉન્ડ (શૉન કોનરી) વધુ પડતો ગંભીર છે એટલે મૂર એમાં મજાક-મસ્તી અને ગમ્મત લઈ આવ્યો.

કોનરીને ‘ડૉ. નો’ કરવાની બહુ ઇચ્છા નહોતી, કારણ કે નિર્માતાઓ આખી સિરીઝ કરવા માટે તેને રોકી રહ્યા હતા અને કોનરીને બીજી ફિલ્મોમાં હાથ અજમાવવા છુટ્ટા રહેવું હતું. પરંતુ ‘ડૉ. નો’માં પૈસા પણ સારા હતા (સોળ હજાર ડૉલર) અને એમાં કારકિર્દી રૉકેટની જેમ ચાલી પડવાની સંભાવના હતી. ત્રણ જ વર્ષમાં કોનરીની ફી પાંચ લાખ ડૉલરની થઈ ગઈ.

શૉન કોનરીને જેમ્સ બૉન્ડની ભૂમિકા મળવા પાછળ તેનું સ્કૉટિશ શરીર હતું જે ઊંચું-પાતળું અને છરહરું હતું. બૉન્ડના નિર્માતાઓ આલ્બર્ટ બ્રૉકોલી અને હેરી સાલ્ઝમૅનને એમાં ‘જાનવરનું ચુંબક’ દેખાયું હતું. વાસ્તવમાં બ્રૉકોલીની પત્ની ડૉના બ્ર‍ૉકોલીએ છ ફૂટ બે ઇંચ ઊંચા શૉનને જોયો હતો અને તેણે તેના પતિને કહ્યું હતું કે જેમ્સ બૉન્ડ માટે શૉન આદર્શ છે. નવલકથાઓમાં જેમ્સ બૉન્ડનું સર્જન કરનાર ઇયાન ફ્લેમિંગ શૉન કોનરીની પસંદગીથી શરૂઆતમાં રાજી થયા નહોતા. ‘મેં જેવો ધાર્યો છે તેવો આ જેમ્સ બૉન્ડ નથી,’ ફ્લેમિંગે કહ્યું હતું, ‘મને સ્ટંટમૅન જેવો નહીં, પણ કમાન્ડર બૉન્ડ જોઈએ છીએ.’

ફ્લેમિંગની ગર્લફ્રેન્ડ બ્લેન્ચ બ્લૅકવેલે બ્રૉકોલી સાથે સહમત થતાં કહ્યું હતું કે બૉન્ડમાં જેવો જોઈએ તેવો સેક્સ્યુઅલ કરિશ્મા કોનરીમાં છે. ફ્લેમિંગનું મન માન્યું નહોતું અને ‘ડૉ. નો’નું પ્રીમિયર યોજાયું ત્યારે શૉન કોનરીને જે વાહવાહી મળી એ પછી ફ્લેમિંગને લાગ્યું કે સિરીઝ ચાલશે. ફ્લેમિંગે પછી તો ૧૯૬૪ની નવલકથા ‘યુ ઓન્લી લિવ ટ્વાઇસ’માં બૉન્ડના પિતાને સ્કૉટિશ બનાવી દીધો જે સ્કૉટિશ હાઇલૅન્ડ્સ પ્રાંતના ગ્લેન્કોઝ ગામનો રહેવાસી હતો.

શૉન કોનરીની કહાની ફર્શ સે અર્શની કહાની છે. થૉમસ શૉન કોનરી તરીકે સ્કૉટલૅન્ડના એડિનબરોમાં જન્મેલા શૉનની માતા ઘરકામ કરતી હતી અને તેનો પિતા ટ્રક-ડ્રાઇવર હતો. ગરીબ ઘરમાં જન્મેલો શૉન જાતે જ ‘મોટો’ થઈ ગયો હતો. ૧૮ વર્ષની ઉંમરે તેની ઊંચાઈ ૬ ફૂટ બે ઇંચ હતી. શૉન ૧૪ વર્ષનો હતો ત્યારે બીજા વિશ્વ યુદ્ધમાં મહિલાઓ માટે બનાવાયેલી બ્રિટિશ સૈન્યની ઑક્ઝિલરી ટેરિટોરિયલ સર્વિસમાં કામ કરતી એક વયસ્ક મહિલાના સંગમાં તેનો કૌમાર્ય ભંગ થયો હતો. 

શૉન પ્રાથમિક શાળાથી આગળ ભણી ન શક્યો અને પરિવારને આર્થિક મદદ કરવા માટે કામે લાગી ગયો. ૧૩ વર્ષની ઉંમરે તેની પહેલી નોકરી એડિનબરોની સહકારી દૂધ મંડળીમાં હતી. શૉન ઘરે-ઘરે દૂધ આપવા જતો હતો. વર્ષો પછી સ્કૉટલૅન્ડમાં એડિનબરો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આવેલો શૉન ટૅક્સીમાં ફરતો હતો તો ટૅક્સીવાળાને અચરજ થયું કે તેના મહેમાનને બધા રસ્તાઓનાં નામ કેવી રીતે ખબર છે! શૉને કહ્યું કે હું અહીં સાઇકલ પર દૂધ આપવા ફરતો હતો. ડ્રાઇવરે પૂછ્યું કે ‘હવે શું કરો છો?’ શૉન કહે છે, ‘એનો જવાબ આપવો અઘરો હતો.’ 

હટ્ટોકટ્ટો શૉન ૧૬ વર્ષની ઉંમરે રૉયલ નેવીમાં જોડાયો અને ત્રણ વર્ષની સેવા પછી ૧૯ વર્ષની ઉંમરે નાના આંતરડામાં અલ્સરના કારણે સેવા છોડવી પડી. અલ્સરની બીમારી તેના ખાનદાનમાં તમામ પુરુષોને હતી. પાછો આવીને શૉન એ જ એડિનબરો સહકારી મંડળીમાં જોડાઈ ગયો અને ત્યાં ટ્રક-ડ્રાઇવર, સ્વિમિંગ-પૂલમાં લાઇફગાર્ડ, ખભા પર પેટીઓ ઊંચકવાનું અને કૉફીન પર પૉલિશ કરવાનું કામ કરતો હતો. એમાં તેને એક ગમતું કામ મળેલું; કલાકના ૧૫ શિલિંગના બદલામાં શૉન એડિનબરો કૉલેજ ઑફ આર્ટમાં મૉડલિંગ કરતો હતો. તેનું શરીર આકર્ષક હતું એટલે કૉલેજના વિદ્યાર્થીઓ તેનાં ચિત્રો દોરવાની પ્રૅક્ટિસ કરતા હતા. એમાંથી શૉનને તેના શરીર પર ફોકસ કરવાનું મળી ગયું અને ૧૮ વર્ષની ઉંમરે બૉડી-બિલ્ડિંગ કરવા લાગ્યો અને હરીફાઈમાં ભાગ લેવા લાગ્યો. અભિનયનો રસ્તો અહીંથી ખૂલ્યો હતો.

૨૨ વર્ષની ઉંમરે તેને મૅન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી વ્યવસાયિક ફુટબૉલ રમવાની ઑફર થઈ હતી અને એમાં પૈસા પણ સારા હતા, પરંતુ શૉન કહે છે તેમ, ‘મને ખબર હતી કે ૩૦ વર્ષે તો ફુટબૉલરની કારકિર્દી ખતમ થઈ જાય છે અને હું ૨૩ વર્ષનો તો થઈ ગયો હતો. મેં નક્કી કર્યું કે ઍક્ટર બનવું છે અને એ મારી જિંદગીનો સૌથી બુદ્ધિશાળી નિર્ણય હતો.’

એમાં કોઈ શક નથી કે જેમ્સ બૉન્ડ નામના એક કાલ્પનિક પાત્રને હાડમાંસના એક માણસની ઓળખ આપવાનું કામ કર્યું શૉન કોનરીએ, પરંતુ આ ભૂમિકા કરનાર શૉન પ્રથમ અભિનેતા નહોતો. શૉન પહેલાં બેરી નેલ્સન નામના એક અમેરિકન અભિનેતાએ ઇયાન ફ્લેમિંગની નવલકથા ‘કસીનો રૉયલ’ પરથી બનેલી ટેલિવિઝન ફિલ્મમાં પહેલી વાર જેમ્સ બૉન્ડની ભૂમિકા કરી હતી, પરંતુ આ ફિલ્મ ‘સત્તાવાર’ નહોતી એટલે બહુ ઝડપથી ભુલાઈ ગઈ. એમાં જેમ્સ બૉન્ડ બ્રિટિશ નહીં, અમેરિકન જાસૂસ હતો. બેરીએ પાછળથી કહ્યું હતું, ‘એ સમયે કોઈને જેમ્સ બૉન્ડનું નામ ખબર નહોતી... એ ભૂમિકા કેવી રીતે કરવી એને લઈને હું માથું ખંજવાળતો, કારણ કે આવી ફિલ્મ પહેલાં બની નહોતી.”

અમેરિકામાં જેમ્સ બૉન્ડની વાર્તાઓમાં લોકોને રસ પડ્યો તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જૉન એફ. કેનેડીના કારણે. કેનેડી લેખક ઇયાન ફ્લેમિંગના ચાહક હતા. હ્યુઝ સિડની નામના લેખકે માર્ચ ૧૯૬૧માં ‘લાઇફ’ સામયિકમાં કેનેડીનાં દસ પસંદીદા પુસ્તકો પર એક લેખ લખ્યો હતો. એમાં એક નામ હતું ફ્લેમિંગની નવલકથા ‘ફ્રૉમ રશિયા વિથ લવ’નું. આ લેખ પ્રગટ થયો પછી લોકોને ફ્લેમિંગનાં પુસ્તકોમાં રસ પેદા થયો અને એ જ વર્ષના અંતે ફ્લેમિંગ અમેરિકામાં સૌથી વધારે વંચાતા ક્રાઇમ લેખક બની ગયા.

અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ ચાલતું હતું એટલે આ પુસ્તકનું શીર્ષક જ લલચાવનારું હતું અને પાછા કેનેડી એના ચાહક. જેમ્સ બૉન્ડ તરીકે શૉન કોનરીની બીજી જ ફિલ્મ ‘‘ફ્રૉમ રશિયા વિથ લવ’ હતી, જે જબરદસ્ત સફળ રહી હતી. કેનેડીએ જોયેલી આ છેલ્લી ફિલ્મ હતી. ૨૦ નવેમ્બર, ૧૯૬૩ના વાઇટ હાઉસમાં એનો ખાનગી શો રાખવામાં આવ્યો હતો. બે દિવસ પછી, ૨૨ નવેમ્બરના ડલસ શહેરમાં કેનેડીને ગોળી મારવામાં આવી. લેખક ઇયાન ફ્લેમિંગે પણ જોયેલી આ છેલ્લી બૉન્ડ ફિલ્મ. ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ પછી ૧૨ ઑગસ્ટ, ૧૯૬૪ના તેમનું અવસાન થઈ ગયું. શૉન કોનરીની ખુદની પણ આ ગમતી બૉન્ડ ફિલ્મ છે.

શૉન કોનેરીને એક વાર પૂછવામાં આવ્યું હતું કે તમને ખુદની પર આટલો બધો ભરોસો કેવી રીતે આવ્યો? ત્યારે તેમણે કહ્યું હતું, ‘મારો ઉછેર બહુ આકરો હતો. પેરન્ટ્સે મને મારા હાલ પર છોડી દીધો હતો. નવ વર્ષની વયે મારી માએ મને સિગારેટ ફૂંકતાં પકડ્યો હતો અને મને ટપાર્યો હતો કે તારા બાપાને જો ખબર પડીને તો મારી-મારીને તોડી નાખશે. ૧૩ વર્ષની ઉંમરે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ખર્ચો કાઢતો હતો. ઘરમાં અને સ્કૉટલૅન્ડમાં એવી માનસિકતા હતી કે જેની પર સૂવાનું હોય એ પથારી જાતે પાથરવાની. મેં કોઈને પૂછ્યું નહોતું અને મને કોઈએ કશું કહ્યું નહોતું. જાતે જ પગ પર ઊભા રહો, નહીં તો બેઠા રહો.’

એમ તો સલીમ-જાવેદનો વિજય પણ નાનપણમાં જ મોટો થઈ ગયો હતોને!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK