Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વચલા રસ્તાને જેનું નામ અપાયું તે કોણ હતા ક્રુકશૅન્ક?

વચલા રસ્તાને જેનું નામ અપાયું તે કોણ હતા ક્રુકશૅન્ક?

20 February, 2021 03:24 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

વચલા રસ્તાને જેનું નામ અપાયું તે કોણ હતા ક્રુકશૅન્ક?

પેસ્તનજી હોરમસજી કામા અને તેમણે બંધાવેલી કામા હૉસ્પિટલ

પેસ્તનજી હોરમસજી કામા અને તેમણે બંધાવેલી કામા હૉસ્પિટલ


‘થંભો ના, હે ચરણ ચલો!’ આજે ફરી ફરીએ મુંબઈના બીજા એક રસ્તા પર. મુંબઈના કેટલાક રસ્તાનાં બ્રિટિશ જમાનાનાં નામ આજે પણ લોકજીભે વસે છે. કોઈ મુંબઈગરો મહર્ષિ કર્વે રોડ નહીં બોલે, ક્વીન્સ રોડ જ બોલશે. નેતાજી સુભાષ માર્ગ નહીં, મરીન ડ્રાઇવ જ બોલશે. તો કેટલાંક બ્રિટિશ નામ એવાં પણ હતાં કે જે એ વખતે પણ લોકજીભે ચડી શક્યાં નહોતાં. આવું એક નામ એ ક્રુકશૅન્ક રોડ. એનો અંગ્રેજી સ્પેલિંગ પણ યાદ રાખવો મુશ્કેલ પડે એવો હતો : Cruickshank Road. એટલે ‘દેશી’ઓ એને ‘વચલો રસ્તો’ કહેતા. આ રસ્તા સાથે આ લખનારની કેટલીક સાંભરણો જોડાયેલી છે, પણ એની વાત પછી. આ રસ્તો ધોબી તળાવ આગળથી શરૂ થતો અને વિક્ટોરિયા ટર્મિનસ પાસે પૂરો થતો. એની એક બાજુ તો એસ્પ્લેનેડનું મોટું મેદાન. રસ્તો ખાસ લાંબો નહીં એટલે બીજી બાજુ પણ મકાનો ઓછાં. ધોબી તળાવ પાસેથી આગળ વધો એટલે સૌથી પહેલાં આવે એલ્ફિન્સ્ટન સ્કૂલનું ભવ્ય મકાન. એક જમાનામાં આખા મુંબઈની એ સૌથી સારી સ્કૂલ ગણાતી. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થઈ સ્વદેશ ગયા એ પછી તેમના માનમાં બંધાયેલી. આજે એમાં સરકારી શિક્ષણ ખાતાની ઑફિસો છે. એ મકાન પછી એક સાંકડી ગલી. આજે એનું નામ છે બદરુદ્દીન તૈયબજી માર્ગ. એલ્ફિન્સ્ટન સ્કૂલના મકાન પાછળ મોટી ખુલ્લી જગ્યા. આઝાદી પછીનાં વરસોમાં એ વખતની મુંબઈ સરકારે ત્યાં એક ઓપન ઍર થિયેટર બાંધેલું, રંગ ભવન. એટલે કે આમ તો ખુલ્લી જગ્યાના એક ખૂણામાં સ્ટેજ. બાકીની જગ્યા તો હતી એમ જ ખુલ્લી. મોટે ભાગે સાંજના સાત પછી અહીં શો થાય. ત્યારે એ ખુલ્લી જગ્યામાં પ્રેક્ષકો માટે ખુરસીઓ ગોઠવી દેવાય. એ વખતની મુંબઈ સરકારે બીજું પણ એક કરવા જેવું કામ કરેલું. સરકાર દર વરસે મરાઠી, ગુજરાતી, સંસ્કૃત વગેરે ભાષાનાં નાટકોની હરીફાઈ યોજતી. એમાં ગુજરાતી નાટકો રંગ ભવનમાં જ ભજવાતાં. કેટકેટલાં ઉત્તમ નાટકો એ રંગ ભવનમાં ભજવાયેલાં. મુંબઈની નાટક મંડળીઓ ઉપરાંત ગુજરાતની સંસ્થાઓ પણ એમાં ભાગ લેવા આવતી. ૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્ય થયા પછી પણ કેટલોક વખત એ ગુજરાતી નાટકોની હરીફાઈ ચાલુ રહેલી. પછી ધીમે-ધીમે બંધ. ટિકિટના દર મધ્યમ વર્ગને પોસાય એવા : ૨, ૫, ૭ અને ૧૧ રૂપિયા. પહેલી બે સોફાની હારના ૧૧, પાછળ ૭ અને ૫ માટે ખુરસીઓ. અહીં ગમ્મત એ હતી કે બે રૂપિયાની ટિકિટ લેનારને સૌથી આગળ – ૧૧ રૂપિયાના સોફા કરતાં પણ આગળ – બેસવા મળે, પણ ભોંય પર પાથરેલી જાજમ પર! આ લખનારે એ જાજમ પર બેસીને કેટલાંય ગુજરાતી નાટકો જોયાં છે. ક્યારેક-ક્યારેક હરીફાઈ વગર પણ સંસ્થાઓ અહીં નાટકો ભજવતી. પછી ધીમે-ધીમે નાટકો ભજવાતાં બંધ થયાં. પછી કેટલાંક વરસ જૅઝ જેવા પશ્ચિમી સંગીતની કૉન્સર્ટ માટે રંગ ભવન વપરાતું. પણ પછી ધ્વનિ પ્રદૂષણનો કાયદો આડો આવ્યો. રંગ ભવનની નજીકમાં જી. ટી. હૉસ્પિટલ, સેન્ટ ઝૅવિયર્સ સ્કૂલ અને કૉલેજ. હૉસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ પાસેના અમુક હદ સુધીના વિસ્તારમાં ૨૪ કલાકનો સાઇલન્સ ઝોન. અદાલતમાં કેસ. ફેંસલો આવ્યો કે બંધ કરો આ થિયેટર. અને રંગ ભવનના રંગો ઊડી ગયા.

અને આ રંગ ભવનની નજીક જ, એ જ નાનકડી ગલીમાં ૨૦૦૮ના નવેમ્બરની ૨૬-૨૭ની રાતે કેટલીક જવાંમર્દ જિંદગીના રંગ પણ હંમેશને માટે ઊડી ગયા. આખા દેશમાં અગાઉ ક્યારેય ન થયો હોય એવો આતંકવાદી હુમલો એ રાતે મુંબઈ પર થયો હતો. વીટી સ્ટેશન પર કેર વર્તાવ્યા પછી આતંકવાદીઓએ કામા હૉસ્પિટલને નિશાન બનાવી. મુંબઈ પોલીસના અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામટે, વિજય સાળસકર અને બીજા થોડા પોલીસો અપૂરતાં સાધનો વડે આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા. કેટલાક આતંકવાદી નજરે ચડી ગયા હતા. કામટે અને સાળસકરે ગોળીઓ ચલાવી. એક આતંકવાદી ઘવાયો, પણ નાસી છૂટ્યો. એ હતો અજમલ કસબ, જે પછી મરીન ડ્રાઇવ પર જીવતો પકડાયો અને અંતે ફાંસીને માચડે ચડ્યો. પણ કસબના જોડીદાર ઇસ્માઇલ ખાને કરકરે અને તેના સાથીઓ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. કરકરે, કામટે અને સાળસકર આ ગલીમાં જ વીરગતિને પામ્યા. 



આ વીર શહીદોની સ્મૃતિને વંદન કરી પાછા ક્રુકશૅન્ક રોડ પર આગળ વધીએ. આ આવી સેન્ટ ઝૅવિયર્સ કૉલેજ. ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે એની શરૂઆત થઈ ત્યારે એમાં કેટલા છોકરા ભણતા હતા ખબર છે? રોકડા બે! ૧૯૫૭ના જૂનમાં આ કૉલેજમાં દાખલ થવા માટે એના વિશાળ હૉલની બહાર લાંબી લાઇન. એ વખતે ૧૧ વરસના સ્કૂલના અભ્યાસ પછી એસ.એસ.સી.ની પરીક્ષા. માર્કશીટ મળ્યા પછી એક સવારે એવી લાઇનમાં એક છોકરો ઊભો રહી ગયો. એ પહેલાં ઍડ્મિશન ફૉર્મ ચાર આનામાં ખરીદીને ભરી લીધેલું. ફર્સ્ટ યર આર્ટ્સમાં પ્રવેશ માટે ધોળું ફૉર્મ, સાયન્સ માટે ગુલાબી ફૉર્મ. પહેલેથી ગણિત સાથે બારમો ચંદ્રમા. એટલે ગુલાબી ફૉર્મ ભરવાનો તો સવાલ જ નહોતો. લાઇન ધીમે-ધીમે આગળ વધી. હૉલના દરવાજા સુધી પહોચ્યા ત્યારે જોયું તો હૉલમાં ખુરસીઓની હાર, બે ભાગમાં વહેંચાયેલી. વચમાં પ્રિન્સિપાલ રેવરન્ડ ફાધર બાલાગિરનું મોટું ટેબલ. આજુબાજુ બે નાનાં ટેબલ પર હેડ ક્લર્ક અને કૅશિયર. આગળની ખુરસીઓ ખાલી થાય ત્યારે થોડી-થોડી વારે આગળ વધતા જવાનું. વારો આવ્યો. ફાધરે નામ પૂછ્યું, સ્કૂલનું નામ, ક્યાં રહેવાનું વગેરે પૂછ્યું. પછી ફૉર્મ તેમના હાથમાં મૂક્યું. એમાં લખેલા માર્ક જોયા. કહ્યું : My son, I think you have made a mistake. For Science, you have to fill in a pink form. White is for Arts admissions. છોકરાએ નમ્રતાથી પણ મક્કમતાથી જણાવ્યું કે ના, હું આર્ટ્સમાં જ દાખલ થવા માગું છું. ફૉર્મના મથાળે એક ચોકઠું હતું એમાં ફાધરે સહી કરી અને છોકરાના હાથમાં મૂકતાં બોલ્યા : May d bless you.


વીસમી જૂને કૉલેજ શરૂ થઈ. એ વખતે કૉલેજના અભ્યાસનાં ચાર વરસ : ફર્સ્ટ યર, ઇન્ટર, અને ગ્રૅજ્યુએશનનાં બે વરસ. ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે પહેલે દિવસે માત્ર પ્રિન્સિપાલનું ભાષણ, એ જ હૉલમાં. વીસેક મિનિટ બોલ્યા. કૉલેજની ઉજ્જવળ પરંપરાની વાત. વિદ્યાર્થીઓને મળતી સગવડોની સમજ ને સાથોસાથ કડક શિસ્તના નિયમોની સમજણ. બીજા દિવસથી ભણવાનું શરૂ. અધ્યાપકો બે પ્રકારના. એક સફેદ ગાઉન પહેરતા પાદરી-અધ્યાપકો અને બીજા મારા-તમારા જેવા સંસારી અધ્યાપકો. ફાધર એસ્ટેલર, ફાધર ધૂર, ફાધર લોબો વગેરેમાં પાંડિત્ય સાથે વિદ્યાર્થીઓ માટેનો સ્નેહ. તો જાણીતા કવિ વિવેચક મનસુખભાઈ ઝવેરી ગુજરાતી ભણાવે, ગૌરીપ્રસાદ ઝાલા જેવા પંડિત સંસ્કૃત ભણાવે. પછીથી ૧૯૬૯થી ૧૯૭૭ સુધી રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર થયેલા તે ડૉ. આર. કે. હજારી અર્થશાસ્ત્ર ભણાવે. જોકે આ લખનારને અર્થશાસ્ત્રનો અર્થ ક્યારેય સમજાયો નહીં. એ વખતે અધ્યાપિકાની સંખ્યા આંગળીને ટેરવે ગણાય એટલી. કૉલેજ ખ્રિસ્તી જેસ્યુઆઇટ સંસ્થાની અને હૉલની બાજુમાં જ મોટું, સુંદર ચેપલ પણ ખરું. ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે બાઈબલનું શિક્ષણ ફરજિયાત. પણ કૉલેજમાં તસુભાર જેટલો પણ ધર્મપ્રચાર નહીં જ નહીં.

કૉલેજમાં ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ વગેરે ભાષાનાં મંડળોમાં જે-તે ભાષાના અધ્યાપકોની દોરવણી નીચે વિદ્યાર્થીઓ જાતજાતની પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય મંડળ તો દર વર્ષે છાપેલું વાર્ષિક ‘રશ્મિ’ પણ પ્રગટ કરે. એમાં માત્ર કૉલેજના વિદ્યાર્થીઓનાં જ લખાણો પ્રગટ થાય એવું નહીં. એ વખતના પ્રતિષ્ઠિત લેખકો, વિવેચકોનાં લખાણ પણ એમાં છપાય. આપણા જાણીતા લેખક કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિશેનો ‘રશ્મિ’માં છપાયેલો લેખ એ આ લખનારનો પહેલો વિવેચન લેખ. દર વરસે ગુજરાતી સાહિત્ય મંડળનો ‘રસોત્સવ’ થાય એમાં ગીત-સંગીત, ગરબા-રાસ વગેરે સાથે એકાંકી પણ ભજવાય. સંસ્કૃત વાઙમય મંડળ તો સરકારી નાટ્ય હરીફાઈમાં પણ ભાગ લે. અલબત્ત, સંસ્કૃત નાટકો રંગ ભવનમાં નહીં, સિડનહૅમ કૉલેજના હોલમાં ભજવાય. એમાં એક વાર કવિ શૂદ્રકનું પ્રખ્યાત નાટક ‘મૃચ્છકટિક’ ટૂંકાવીને ભજવેલું એમાં આ લખનારે બુદ્ધ ભિખ્ખુની ભૂમિકા ભજવેલી. કદાચ એ જોઈને જ બીજા વરસથી સંસ્કૃત નાટકોની હરીફાઈ સરકારે બંધ કરેલી.


યાદોનો દાબડો પણ બંધ કરીને આપણે પણ આગળ વધીએ.

આ રહી કામા ઍન્ડ આલબ્લેસ હૉસ્પિટલ જે પણ આતંકવાદી હુમલાનો ભોગ બની હતી. પેસ્તનજી હોરમસજી કામાના એક લાખ ૬૪ હજાર ૩૧૧ રૂપિયાના દાનથી ૧૮૮૬માં આ હૉસ્પિટલ શરૂ થઈ હતી. સ્ત્રીઓના નર્સિંગના અભ્યાસને ઉત્તેજન આપવા માટે સ્કૉલરશિપ શરૂ કરવા તેમણે મુંબઈ યુનિવર્સિટીને ૨૫ હજારનું દાન આપેલું. એવણનો જન્મ ૧૮૦૫માં, બેહસ્તનશીન થયા ૧૮૯૩ના જાન્યુઆરીની ૧૮મી તારીખે. ૧૮૩૮માં ‘હોરમસજી મંચેરજી કામાજીના છોકરાઓની કંપની’ નામે કંપની શરૂ કરી. ૧૮૪૨માં એની એક શાખા ચીનમાં ખોલી. ૧૮૪૫માં ચીનની મુસાફરી કરી. પોતાના ભાઈઓ સાથે મળીને તેમણે ૧૮૫૫માં કામા ઍન્ડ કંપની લંડનમાં શરૂ કરી હતી. કોઈ ‘દેશી’ માણસે ગ્રેટ બ્રિટનમાં શરૂ કરેલી આ પહેલવહેલી વેપારી પેઢી.

હૉસ્પિટલ પછી આવે ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટ, એસ્પ્લેનેડ કોર્ટ અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન. પછી એક સાંકડી ગલી અને પછી મુંબઈ મહાનગરપાલિકાની ભવ્ય ઇમારત. ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસેના એક નાનકડા મકાનમાં ૧૮૬૫માં બૉમ્બે મ્યુનિસિપાલિટીની શરૂઆત થઈ ત્યારે એના પહેલા કમિશનર બન્યા આર્થર ક્રૉફર્ડ. ૧૮૭૦માં મ્યુનિસિપાલિટી એસ્પ્લેનેડ રોડ પરના એક મકાનમાં ખસેડાઈ. આજે જ્યાં આર્મી ઍન્ડ નેવી બિલ્ડિંગ આવેલું છે ત્યાં એ મકાન આવેલું હતું. ૧૮૮૪ના ડિસેમ્બરની નવમી તારીખે હાલના મકાનનો પાયો વાઇસરૉય લૉર્ડ રિપને નાખ્યો અને ૧૮૯૩માં એનું બાંધકામ પૂરું થયું. આ ભવ્ય મકાનને તાજેતરમાં જ રિસ્ટોર કરવામાં આવ્યું છે અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  અલબત્ત, એ માટે અગાઉથી ૩૦૦ રૂપિયાની ટિકિટ ખરીદવાનું જરૂરી છે. બસ, પછી થોડેક આગળ જઈને ક્રુકશૅન્ક રોડ બોરી બંદર સ્ટેશન પાસે પૂરો થઈને હૉર્નબી રોમાં, આજના ડૉ. દાદાભાઈ નવરોજી રોડમાં ભળી જાય.

તમે કહેશો કે ભલા માણસ, આ તો શાકમાં આખું સાકરકોળું ગયા જેવું થાય છે. આ રસ્તાનું નામ ક્રુકશૅન્ક રોડ કેમ પડ્યું એની તો વાત જ નહીં! હા, કર્નલ જે. ડી. ક્રુકશૅન્કના નામ પરથી આ રોડનું નામ પડ્યું હતું. બૉમ્બે એન્જિનિયર્સમાં કામ કરીને ૧૮૯૫માં તેઓ નિવૃત્ત થયા હતા. મુંબઈ ઉપરાંત તેમણે ગુજરાત અને એડનમાં પણ કામ કર્યું હતું. એ વખતે લશ્કરની એક શાખા એન્જિનિયરિંગનાં કામ પણ કરતી. આ શાખા બૉમ્બે એન્જિનિયર્સ તરીકે ઓળખાતી. હવે આવતે અઠવાડિયે જઈશું હૉર્નબી રો પર ફરવા. અને હા, ‘રો’ એ છાપભૂલ નથી. એ રસ્તાનું મૂળ નામ ‘હૉર્નબી રો’ જ હતું. આજે જતાં-જતાં યામિની વ્યાસની બે કાવ્યપંક્તિ :

નથી કોઈ મંઝિલ, નથી કોઈ રસ્તો,

ચરણને મળ્યું છે સતત ચાલવાનું;

કદી થાક લાગે તો થોભી જવાનું,

ઉતારા વિશેના ઉધામા વળી શું?

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2021 03:24 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK