Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છની અસ્ત્ર–શસ્ત્ર સુશોભન કલા તોપોની તવારીખ

કચ્છની અસ્ત્ર–શસ્ત્ર સુશોભન કલા તોપોની તવારીખ

21 January, 2020 02:12 PM IST | Kutch
Naresh Antani

કચ્છની અસ્ત્ર–શસ્ત્ર સુશોભન કલા તોપોની તવારીખ

કચ્છની અસ્ત્ર–શસ્ત્ર સુશોભન કલા તોપોની તવારીખ


બે-બે વિશ્વયુદ્ધ ખેલાયા પછી હવે ત્રીજું વિશ્વયુદ્ધ ન ખેલાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય એ  માટેના પ્રયાસોમાં દુનિયાનાં વિવિધ રાષ્ટ્રો અને રાષ્ટ્ર સંગઠનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ એક સમયે યુદ્ધ એ અનિવાર્ય ઘટના હતી અને વિવિધ દેશી રજવાડાંઓ વચ્ચે આને માટે સ્પર્ધાઓ થતી. યુદ્ધ માટેનાં અનિવાર્ય શસ્ત્રોમાં તોપ પણ એક મહત્ત્વનું સાધન ગણાતી. મોગલોએ  હિન્દમાં પ્રથમ  વિજય તોપની મદદથી જ મેળવ્યો  હતો એવું ઇતિહાસ નોંધે છે. આપણે ત્યાં તોપ કેટલાય પ્રકારની બનતી. જયપુર, મૈસૂર અને દિલ્હીની બનાવટની તોપો એ સમયે બહુ જાણીતી  હતી.  તો પોર્ટુગીઝ તોપો પણ ઉત્કૃષ્ટ કામ આપતી. જૂનાગઢના ઉપરકોટમાં રહેલી નીલમ અને માણેક તોપો જાણીતી છે. આ તોપોની બનાવટો પણ જે-તે પ્રદેશ અને વિસ્તારના કલા–કૌશલનો પરિચય આપતી હોય છે.

આપણા કચ્છ પ્રદેશની વાત કરીએ તો અનેક કલાઓમાં પ્રવીણ કચ્છી કારીગરો અસ્ત્ર–શસ્ત્ર બનાવવામાં અને એને શણગારવામાં પણ પાવરધા હતા. સુંદર નકશીકામવાળાં હથિયાર કચ્છમાં તૈયાર થતાં. કચ્છમાં બનતાં અસ્ત્ર–શસ્ત્ર અને એના પર કરાતી સુશોભનકલાની વાત માંડીએ છીએ જેમાં આજે તોપની વાત કરવી છે. આજથી ૧૪૦–૧પ૦ વર્ષ અગાઉ કચ્છમાં અન્ય હથિયારોની સાથે તોપ બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો હતો. લુહારીકામની વસ્તુઓ, બારી, દરવાજા, રેલિંગ, ગઢના દરવાજા, ભાલા, ખીલા જેવી વસ્તુઓ કચ્છમાં બનતી. માંડવીમાં લોખંડ ગાળવાનું કારખાનું રપ૦ જેટલા મજૂરોથી ધમધમતું હતું. નેણશી વીરજી કંસારા અને મોનજી તુલસીદાસ તોપ ઢાળવાના હુન્નરમાં પાવરધા હતા. ઈસવી સન ૧૮૮૪માં આ કામગીરી બંધ થઈ  હતી. કચ્છના અનેક હુન્નરના જનક મનાતા રામસિંહ માલમનું કચ્છના તોપઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું હતું.



કચ્છમાં માંડવી ઉપરાંત ધાણેટી, ડગાળા અને રતનાલ વગેરે સ્થળોએ તોપ ઢાળવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. જોકે કચ્છમાં બનતી તોપનો ઉપયોગ યુદ્ધમાં બહુ જ અલ્પ પ્રમાણમાં થયો છે.  ઈસવી સન ૧૭૬૧ના ઝારાના યુદ્ધમાં  કચ્છી બનાવટની તોપનો ઉપયોગ કરાયો  હતો, પરંતુ  તાલીમ વગરના તોપચીઓને કારણે એ શરૂઆતમાં જ અવળી ફૂટી જતાં કચ્છના જ લશ્કરને હાનિ ભોગવવાનો વારો આવ્યો હતો. જમાદાર ફતેહમોહમ્મદે જામનગર સાથેના યુદ્ધમાં કચ્છી બનાવટની તોપનો ઉપયોગ કર્યો હતો. તોપો લડાઈ કરતાં શુભ પ્રસંગોમાં વધુ વપરાઈ છે. ખાસ પ્રસંગોએ આવતા મહાનુભાવોને સલામી આપવામાં; નાગપંચમી, જન્માષ્ટમીની અસવારી, રાજવી પરિવારમાં લગ્નપ્રસંગે પણ તોપ ફોડવામાં આવતી. ભુજમાં હમીરસર કાંઠે એક તોપ દરરોજ મધ્યાહ્‍ને ફોડવામાં આવતી, જેનો અવાજ સાંભળીને કારીગરો બપોરના આરામ માટે કામ બંધ કરતા તો નગરજનો ‘જીયેરા’ શબ્દોનો ઉચ્ચાર કરીને કચ્છના મહારાવના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતા.


કચ્છની તોપોને વિશેષ પ્રકારનાં નામો પણ આપવામાં આવતાં. સાવ નાના કદની તોપ  ‘ગુડુદિયો’ કહેવાતી, જેનો ઉપયોગ રાજવી પરિવારના તથા શ્રીમંતોના ઘરમાં દિવાળીના સમયે દારૂખાનું ફોડવામાં કરાતો. વધુ અવાજ કરતી મધ્યમ કદની તોપને ‘મિરિયમ’ તરીકે      ઓળખવામાં આવતી. જ્યારે ‘સિકરા’ નામે ઓળખાતી તોપમાં તો જામગરી ચાંપતાંની સાથે જ પાછળ હટતી અને ફૂટવાની સાથે જ એટલા જ વેગથી આગળ વધતી. વધુ મોટી તોપ ‘ચંદન ઘો’ તરીકે ઓળખાતી. કદમાં નાની પણ ઘંટ આકારની તોપ ‘સુરંગ’ કહેવાતી.

લોખંડ સિવાયની મિશ્ર ધાતુની તોપ જેસલમેર, જયપુર, મૈસૂર અને દિલ્હીથી કચ્છમાં આવતી. એની બનાવટમાં પિત્તળ, તાંબું, કાંસું અને લોખંડનો ઉપયોગ મોટે ભાગે કરાતો. તોપ માટેનો દારૂ સુરોખાર, ગંધક અને કોલસામાંથી તૈયાર કરાતો. દારૂને તોપના નાળચામાં ઠાંસીને એના પર સીંદરીનો ડૂચો ‘સૂજબા તરીકે ઓળખાતા લાકડાના ધોકા વડે તોપની અંદર ઠાંસવામાં આવતો. તોપના બીજા છેડે નાનું છિદ્ર રહેતું એમાં દારૂની વાટ રહેતી, જે સીંદરીના ડૂચા સાથે જોડાયેલી રહેતી. દારૂની વાટને કાકડા દ્વારા સળગાવી ફોડનાર તોપચી દૂર ખસી જતો. તોપ ફૂટયા પછી એને સૂજબાથી સાફ કરી લેવામાં આવતી.


તોપ માટેનો દારૂ ભુજ, માંડવી, અંજાર અને લખપતમાં બનાવવામાં આવતો. ભુજમાં મહાદેવની જમણી બાજુ સિલેખાનું રહેતું જેમાં દારૂ રાખવામાં આવતો. તોપ ફોડવાનું કામ કરનાર તોપચી સુમરા, નોડે અને પઠાણ જાતિના મુસ્લિમ જાતિના હતા. કચ્છના જાણીતા તોપચીઓમાં પઘુ ગુલામદાર અને અજા હવાલદારનાં નામ જાણીતાં છે.

તોપચીઓને તોપ ફોડવા માટે ખાસ તાલીમ આપવામાં આવતી, જેમાં માટીના ગોળાઓનો ઉપયોગ કરવામાં આવતો. તોપની એક સ્થળેથી બીજા સ્થળે વહન કરવા માટે ખાસ પ્રકારની લાકડાની ગાડીઓ બનાવવામાં આવતી. આવી તોપગાડીઓ રાજ્યની અસવારીઓ વખતે કાઢવામાં આવતી; જેને બળદ ખેંચતા. તોપગાડી પર રહેલી તોપ ઊંચી-નીચી થઈ શકે, આસપાસ ફરી શકે એવી પણ ખાસ પ્રકારની રચના તોપગાડીમાં કરવામાં આવતી.

તોપ તૈયાર થઈ જાય એ પછી એની શક્તિનું માપ કાઢવા માટે અજમાયશ કરાતી. આવા એક પ્રદર્શન સમયે ભુજના ભુજિયા ડુંગર પરથી ફોડવામાં આવેલી તોપનો ગોળો શહેરથી ૩૦ કિલોમીટર દૂર પદ્ધર ગામની વાડીમાં પડ્યો હતો.

કચ્છ બહારથી દરિયા વાટે આવતી મિશ્ર ધાતુની તોપ તથા કચ્છમાં બનતી દેશી તોપ તથા દારૂગોળાની જાળવણી માટે રાજ્ય એક ખાસ જુદું ખાતું નિભાવતું જેના ઉપરી મુનશી તરીકે ઓળખાતા.

કચ્છની બહારથી આવતી તોપોમાં પોર્ટુગીઝ અને મૈસૂરની તોપો વિશેષ મહત્ત્વ ધરાવે છે. કચ્છ અને મૈસૂર રાજ્ય વચ્ચે ૧૮મી સદીનાં અંતિમ વર્ષોમાં રાજકીય સંબંધો વિકસ્યા હતા અને આ સંબંધોના ફળરૂપે મૈસૂરના વાઘ ટીપુ સુલતાને આ સંબંધોને વધુ ગાઢ બનાવવા મૈસૂરના શ્રીરંગપટ્ટમમાં બનેલી હૈદરી તોપ કચ્છ રાજ્યને ભેટ આપી હતી જે આજે પણ ભુજના કચ્છ મ્યુઝિયમના પ્રાંગણમાં પ્રદર્શિત છે. કચ્છ અને મૈસૂર વચ્ચેના સંબંધો વિશે આ કટારમાં અગાઉ  ઉલ્લેખ કરાયો હોવાથી એનું પુનરાવર્તન કરતા નથી. અંજારમાં હુસેનમિયાંએ અંગ્રેજો વિરુદ્ધ કરેલા તોપમારામાં વપરાયેલી તોપ પણ શ્રી રંગપટ્ટમમાં તૈયાર કરાઈ હતી. આમાંની બે તોપ ઈસવી સન ૧૯૭૦માં ભુજના ફતેહમોહમ્મદના હજીરામાંથી મળી આવી હતી, જે પૈકી એ પર હુકૂમતે હૈદરી એવું લખાણ જોવા મળે છે, જ્યારે બીજી તોપ પર પોર્ટુગીઝી ભાષામાં લખાણ છે.

કચ્છ મ્યુઝિયમનો તોપસંગ્રહ

ભુજ રાજ્યના સૌથી પ્રાચીન એવા કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલી તોપની રસપ્રદ  વિગતો મેળવીએ. કચ્છમાં આજે અનેક સ્થળે તોપ જોવા મળે છે, જે પૈકી કેટલીક અગત્યની તોપો ભુજમાં કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાઈ છે. આ તોપો મ્યુઝિયમના વિશાળ પ્રાંગણમાં પ્રદર્શિત કરાઈ છે. મ્યુઝિયમમાં સંગ્રહવામાં આવેલી તોપો પૈકી લોખંડની કચ્છી બનાવટની તોપ ર૭૮ સેન્ટિમીટરની લંબાઈ ધરાવે છે જેના પર અંગ્રેજીમાં ‘આર’’ લખેલું છે.

ઈ. સ. ૧૬રરની સાલ ધરાવતી પોર્ટુગીઝ તોપ ખૂબ સુંદર છે. પોણાચારસો વર્ષ જૂની આ તોપ અહીંના સંગ્રહમાંની શ્રેષ્ઠ તોપ છે. મિશ્ર ધાતુની આ તોપ પર આ મુજબનું પોર્ટુગીઝ ભાષામાં લખાણ કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક દૃષ્ટિએ અતિમહત્ત્વ ધરાવતી ટીપુ સુલતાને કચ્છ રાજ્યને ભેટ આપેલી હૈદરી તોપ મ્યુઝિયમના પ્રાંગણમાં સુંદર રીતે લાકડાની તોપગાડી પર પ્રદર્શિત કરાઈ છે. તોપ પર અરબી ભાષામાં લખાણ કંડારવામાં આવ્યું છે. આ લખાણ મુજબ આ તોપ હિજરી સન ૧રર૬માં મૈસૂર રાજ્યના પાટનગર શ્રીરંગપટ્ટમમાં ગુલામ અસદ નામના કારીગરે બનાવેલી. ૭૦૦ રતલનું વજન ધરાવતી આ તોપને ટીપુએ તેના પિતા હૈદરઅલીના નામ પરથી હૈદરી નામ આપ્યું છે. તોપ પરનું અરબી લખાણ આ મુજબ છે.

‘અસદુલ્લા અલ ગાઝબાર હાર, જમાલસીન જુલૂસ બરમી આઅદ

સરકાર હૈદરી સાલ શાબાદ સન્હ ૧રર૬ સાહત

હબહમ કારખાના બલ્લાંવ ગુલામ મોહમ્મદ અસદ કારીકર સૈયદ હસન

હાજરા રત્લ વજન તેહહપ્ત સૈદુ જો મજત દારુત સલ્તનત સામ્તપન હૈદરી.’

મ્યુઝિયમના સંગ્રહની સૌથી નોંધપાત્ર ઘંટાકાર મિશ્ર ધાતુની તોપ છે હૈદરી. તોપની નજીક જ મૂકવામાં આવેલી ર૮૦  સેન્ટિમીટરનું મુખ ધરાવતી ઘંટાકાર (મોર્ટાર) તોપ પોર્ટુગીઝ બનાવટની હોવાનું અનુમાન કરી શકાય, કારણ કે દીવના કિલ્લામાં પણ આ પ્રકારની તોપ આજે જોઈ શકાય છે.

આ તોપ ક્યારે બનાવવામાં આવી એનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ એક અંદાજ મુજબ ભમરેક ૧૦૦ વર્ષ જૂની મનાય છે. નાની ગુડુદિયો તોપ પણ મ્યુઝિયમના અસ્ત્ર-શસ્ત્ર વિ ભાગમાં પ્રદર્શિત કરાઈ છે, જે મ્યુઝિયમને સ્વ. દેવેન્દ્રભાઈ માનભાઈ વોરાએ ભેટ આપી છે. આ તોપ પર ત્રિશૂળ કોતરાયેલું છે.

આમ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી તોપોનો સંગ્રહ મ્યુઝિયમની સમૃદ્ધિમાં વધારો કરે છે.

પછીથી લડાઈનાં સાધનો બદલાયાં અને લડાઈઓ પણ નામશેષ થઈ ગઈ. એમ અન્ય હથિયારોની જેમ તોપઉદ્યોગ પણ નામશેષ થઈ ગયો. કચ્છના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી આ તોપો આજે કચ્છમાં ઠેર-ઠેર જોવા મળે છે. ભુજ શહેરમાં પોલીસ હેડક્વૉર્ટર્સમાં અનેક પ્રકારની નાની-મોટી તોપો સુંદર રીતે ગોઠવવામાં આવી છે. આ તોપોનો ઉપયોગ સરકારી ભવનોના પ્રવેશદ્વારને શોભાવવામાં પણ કરવામાં આવે છે.

આધોઈ, કેરા, મુન્દ્રા અને લખપતના ગઢ ઉપર આજે પણ તોપ જોવા મળે છે. આધોઈની તોપ ખૂબ જ સુંદર અને પિત્તળ જેવી ધાતુની છે.

અંજારના મૅક્‍મર્ડોના બંગલાના પ્રાંગણમાં તોપના ગોળા ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળતા, જે હાલમાં નથી. ઈ. સ. ૧૮૧૯માં અંજારમાં થયેલા ધરતીકંપથી તોપના કોઠાને નુકસાન થતાં પછીથી એનો જીર્ણોદ્ધાર કરાયો હતો. એ વિશેનો લેખ નાયક કલેક્ટર કચેરીમાં જોવા મળે છે. સાધાણના કિલ્લામાં તોપમારાથી પડેલાં બાકોરાં તોપની તાકાતની ગવાહી પૂરે છે.

કચ્છમાં ઠેર-ઠેર રહેલી અગત્યની મિશ્ર ધાતુની તોપની જાળવણી કરવી અત્યંત જરૂરી છે.

કુશળ કચ્છી તોપચી પઘુ ગુલામદાર

કચ્છના કોરમવેલ તરીકે જાણીતા સેનાપતિ જમાદાર ફતેહમોહમ્મદનો સિતારો જ્યારે બુલંદી પર હતો ત્યારે તેના કેટલાક વિશ્વાસુ સાથીદારોમાં પઘુ ગુલામદારનો પણ સમાવેશ હતો. તે ફતેહમોહમ્મદના જમણા હાથ સમાન હતો. ફતેહમોહમ્મદે જેટલી લડાઈઓ કરી  એમાં તેનો મુખ્ય ભાગ રહેતો. તેનો મુખ્ય વ્યવસાય જ ગુલામદારીનો હતો. તેમના પરિવારનો આ જ મુખ્ય વંશપરંપરાગ ધંધો હતો. તેમના વડીલો મૂળ તો ગુલામદારીનું કામ કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

આ બન્ને લડવૈયાઓની યુદ્ધનીતિ પણ નૈતિક દૃષ્ટિએ રચાયેલી હતી. જેમની સાથે લડાઈ કરવાની હોય તેને અગાઉથી કહેણ મોકલતા કે ‘કચ્છ રાજ્યનો અમુક ભાગ તમે ખૂંચવી બેઠા છો એ પાછો સોંપી દો, નહીંતર લડાઈ માટે અમારો ગુલામદાર પઘુજી તૈયાર જ છે.’ કહેવાનું તાત્પર્ય એ કે પઘુની હાક ચારે બાજુ ફેલાયેલી હતી.

પઘુ ગરીબ પરિસ્થિતિનાં માતા–પિતાને ઘેર જન્મ્યો હતો. તેને ગાંજાનું વ્યસન હતું. તે પેંડા ખાવાનો પણ ભારે શોખીન હતો. દરેક લડાઈમાં તે પોતાની સાથે ગાંજાની ચલમ અને એક શેર પેંડા અચૂક લઈ જતો. તેનો ઉપયોગ કર્યા પછી જ તે યુદ્ધ આરંભી શકતો અને આરંભેલું કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ પણ કરી શકતો અને ધારેલી સફળતા પણ તે હાંસલ કરી શકતો.

એક સમયે પઘુ વિદેશ ગયો હતો ત્યાં એક સમયે પોતાના વિશ્રામખંડમાં તે આરામ કરતો હતો. એ સમયે ક્યાંક તોપ ફૂટવાના અવાજ સાંભળીને હકીકત જાણવા તે બહાર આવ્યો. તેણે ગોરા ગુલામદારો અને અફસરોને જોઈને તેની પાસે તોપ ફૂટવાનું કારણ પૂછતાં જાણવા મળ્યું કે એક મોટું વિશાળ વટવૃક્ષ પાડવાનું હતું, પણ એમાં ધારી સફળતા મળતી નહોતી. આથી પઘુએ  પોતાને આ કાર્ય કરવા દેવાનું જણાવ્યું. આ અમલદારોને આ વ્યક્તિ પઘુ છે એની જાણ નહોતી આથી સ્વભાવગત તેનું અપમાન કરીને વધુ અપમાનિત કરવાના ઇરાદાથી તોપ ફોડવાની પરવાનગી આપી. એ વખતે પઘુએ તોપના નાળચામાં દારૂ ભરીને જામગરી ચાંપવાની સાથે જ  ‘જી એ રા’નો પોકાર કરતાં અંગ્રેજ અમલદારો ‘આ તો કુશળ કચ્છી તોપચી પઘુ ગુલામદાર છે’ એવું બોલી ઊઠયા. તેનું કુશળ ગુલામદારીપણું જોઈને અંગ્રેજ અફસરો ખુશ થયા અને ચાંદ અને અન્ય ઇનામ આપી પઘુનું બહુમાન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 02:12 PM IST | Kutch | Naresh Antani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK