Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ચોપાટી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને નવીનચંદ્ર

ચોપાટી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને નવીનચંદ્ર

16 November, 2019 11:22 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ચોપાટી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને નવીનચંદ્ર

મુંબઈની એક ચાલ

મુંબઈની એક ચાલ


ગયા અઠવાડિયે ચોપાટી પર લટાર મારતાં-મારતાં આપણી ભાષાની એક પ્રખ્યાત નવલકથા અને તેના લેખકને યાદ કર્યા હતા. આજે તેમના ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર સાથેના સંબંધ અંગે કેટલીક મજેદાર વાત. એ નવલકથા તે સરસ્વતીચંદ્ર અને તેના લેખક તે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. તેમનો જન્મ ૧૮૫૫માં, અવસાન ૧૯૦૭માં. સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો ૧૮૮૭માં. ચોથો અને છેલ્લો ભાગ ૧૯૦૧માં બહાર પડ્યો. ગોવર્ધનરામનો જન્મ વતન નડિયાદમાં. પણ બાવન વર્ષની જિંદગીનાં લગભગ અડધોઅડધ વર્ષ તો તેમણે મુંબઈમાં ગાળ્યાં. ચારેક વર્ષની ઉંમરે ૧૮૫૯માં તેઓ મુંબઈ આવ્યા અને બુદ્ધિવર્ધક શાળામાં ભણવા લાગ્યા. ૧૮૬૫ સુધી મુંબઈમાં ભણી પાછા નડિયાદ ગયા. પણ ૧૮૬૮માં ફરી મુંબઈ આવી એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. મેટ્રિક થયા પછી ૧૮૭૨માં એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ૧૮૭૯માં ભાવનગર જઈ દિવાન શામળદાસભાઈના ખાનગી સેક્રેટરી તરીકે નોકરી કરી, પણ એલએલબી થયા પછી ખિસ્સામાં પચાસ રૂપિયા લઈ સ્વતંત્ર વકીલાત કરવા માટે મુંબઈ આવ્યા અને બૉમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. મોટા પગારની નોકરીઓની કેટલીક ઑફર ઠુકરાવીને મુંબઈમાં જ રહ્યા. ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ લખવાનું શરૂ કર્યું એ મુંબઈમાં. પહેલા ત્રણ ભાગ લખાયા મુંબઈમાં અને પ્રગટ થયા ત્યારે પણ ગોવર્ધનરામ મુંબઈવાસી હતા. ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦ તારીખે ચોથો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં જ. હા, પછી ૧૮૯૮ના ઑક્ટોબરની ૧૯મી તારીખે વ્યવસાયમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ નડિયાદ ગયા. પછી અવારનવાર મુંબઈ આવતા ખરા, પણ સ્થાયી થયા નડિયાદમાં. સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ લખવાનું કામ પૂરું કર્યું નડિયાદમાં. આ જ નવલકથા પરથી હિન્દીમાં એ જ નામની ફિલ્મ બની, ૧૯૬૮માં અને એ પણ બૉલીવુડમાં. તેમાં સરસ્વતીચંદ્રની ભૂમિકા મનીષ નામના ઍક્ટરે ભજવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. જ્યારે કુમુદની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી નૂતને ભજવી હતી. તેનું દિગ્દર્શન મુંબઈના ગોવિંદ સરૈયાએ કર્યું હતું અને સંગીત હતું મુંબઈના કલ્યાણજી આણંદજીનું.  
૧૯૦૫માં ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ બન્યા હતા તે ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર ગ્રંથમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તૈયાર કરી પ્રગટ કર્યો છે. તેમાં લખ્યું છે કે ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયું હતું. પણ હકીકત જુદી છે. ૧૯૦૬ના ઓગસ્ટથી ગોવર્ધનરામ નડિયાદમાં માંદગીમાં સપડાયા. ધીમે ધીમે તે ગંભીર થતી ગઈ. મુંબઈના ડૉક્ટર ત્રિભુવનદાસ ગજ્જર ગોવર્ધનરામના નિકટના મિત્ર. તેમણે સારવાર માટે મુંબઈથી ડૉક્ટર દાતેને નડિયાદ મોકલ્યા, પણ ઝાઝો ફેર પડ્યો નહિ. એટલે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે ગોવર્ધનરામને મુંબઈ લાવી ડૉ. ગજ્જરે વાલકેશ્વર નજીકના નેપિયન સી રોડ પરના પોતાના બંગલામાં રાખી સારવાર શરૂ કરી. સાત જેટલા ડૉક્ટરોની ટીમ તેમનાથી બનતા બધા ઉપચારો કરવા લાગી. પણ છેવટે ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે લગભગ અઢી વાગે ગોવર્ધનરામનું અવસાન થયું, મુંબઈમાં – નડિયાદમાં નહિ. તેમના અંતિમ સંસ્કાર પણ તે જ દિવસે સાંજે બાણગંગાના સ્મશાનમાં થયા. એટલે કે, મુંબઈનાં ચોપાટી, વાલકેશ્વર, નેપિયનસી રોડ, વગેરે સ્થળો ગોવર્ધનરામનાં જીવન અને મરણ સાથે સંકળાયેલાં રહ્યાં.  
૧૮૮૭નું વર્ષ ગુજરાતી સાહિત્ય માટે ઘણું શુકનવંતું હતું. એ વર્ષે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો. તો ગુજરાતી કવિતામાં નવું પ્રસ્થાન કરતો નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ પણ એ જ વર્ષે પ્રગટ થયો. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નરસિંહરાવભાઈ મુંબઈમાં જ સ્થાયી થયા હતા.  ‘ભદ્રમભદ્ર’ નવલકથાના લેખક રમણભાઈ નીલકંઠ એ જ વર્ષે બી.એ. થયા, અને તે પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી. એ જ વર્ષે કવિ-વિવેચક બળવંતરાય ઠાકોર મુંબઈ યુનિવર્સિટીની ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં અને ગાંધીજી મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ મુનશીનો જન્મ પણ ૧૮૮૭માં થયો, ભરૂચમાં.
ગોવર્ધનરામ ૧૯મી સદીના ઉત્તરાર્ધનું અને મુંબઈ યુનિવર્સિટીનું ફરજંદ હતા. તેમનું મનોજગત નડિયાદથી નહિ તેટલું મુંબઈથી ઘડાયું હતું. ૧૯મી સદીનો ઉત્તરાર્ધ એ મુંબઈ માટે બ્રિટિશ વિચારો, સાધનો, સંસ્થાઓ, સગવડો, વ્યવસ્થાતંત્ર, ઉચ્ચ શિક્ષણની પધ્ધતિ, વગેરેના આગમન કે દૃઢમૂળ થવાનો હતો. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ, જે આખા દેશની પહેલી મેડિકલ કૉલેજ હતી. તે અગાઉ એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ચૂકી હતી. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે મુંબઈમાં શરૂ થઈ. ૧૮૫૫માં મુંબઈમાં પહેલવહેલી વાર ફોટોગ્રાફ લેવાયો. ૧૮૫૬માં પહેલવહેલી કૉટન મિલ શરૂ થઇ. ૧૮૫૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સ્થાપના થઈ. ૧૮૭૪માં ઘોડાથી ચાલતી ટ્રામ મુંબઈમાં શરૂ થઈ. ૧૮૭૭માં પહેલવહેલી વાર અમેરિકાથી મુંબઈમાં બરફ આવ્યો. ૧૮૭૮માં ફોનોગ્રાફ આવ્યું, ૧૮૮૨માં ટેલિફોન આવ્યો, ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસની સ્થાપના થઈ. ૧૮૮૭માં વિક્ટોરિયા ટર્મિનસના મકાનનું ઉદ્ઘાટન થયું. આ બધાંની સીધી કે આડકતરી અસર ગોવર્ધનરામ પર અને ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પર પડી છે. આ નવલકથાનો પહેલો મહત્ત્વનો પ્રસંગ – નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ – મુંબઈમાં બને છે, અને ચોથા ભાગના છેલ્લા પ્રકરણમાં સરસ્વતીચંદ્ર અને કુસુમનું મિલન થાય છે તે પણ મુંબઈમાં. આમ, આ નવલકથાનો આરંભ અને અંત મુંબઈમાં છે. આ નવલકથાના નાયકને ગોવર્ધનરામનો પડછાયો ન ગણીએ તો પણ એ બંનેના જીવન વચ્ચેનું કેટલુંક સરખાપણું તરત ધ્યાન ખેંચે તેવું છે. બંનેનો જીવનકાળ ૧૯મી સદીના ઉત્તરાર્ધનો છે અને બંને મુંબઈના વતની છે. બંને મુંબઈ છોડી દેશી રજવાડામાં જાય છે, પણ છેવટે પાછા મુંબઈ આવે છે. કૌટુંબિક ક્લેશથી કંટાળીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં મુંબઈના ઘરેથી ભાગી જવા માટે ચોપાટીથી ભાયખલા સ્ટેશન સુધી ગયેલા પણ જે ટ્રેનમાં જવું હતું તે તો ઊપડી ગઈ હતી એટલે ઘરે પાછા ફર્યા હતા. એટલે જ કદાચ તેમણે સરસ્વતીચંદ્રને મુંબઈ છોડતી વખતે ટ્રેનની નહિ, પણ વહાણની મુસાફરી કરાવી છે. પોતે જે ન કરી શક્યા તે ગૃહત્યાગ કરતો લેખકે સરસ્વતીચંદ્રને બતાવ્યો છે. પિતા અને સાવકી માતા સાથે વાલકેશ્વરના બંગલામાં રહેતો સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરતી વખતે ઘરની ઘોડા ગાડીમાં (એ વખતે મુંબઈમાં હજી મોટર નથી આવી) ચર્ની રોડ સ્ટેશન સુધી જાય છે. પણ પછી ગાડી ત્યાં જ છોડી પગપાળો આગળ જાય છે. તેને શોધવા નીકળેલો મિત્ર ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશન પાસે ઊભેલી તેની ઘોડા ગાડી જુએ છે અને તેના ચાલક સાથે વાત કરતાં જાણે છે કે અહીંથી સરસ્વતીચંદ્ર પગે ચાલીને આગળ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ તો છેક ૧૯૩૦માં થયું. તે પહેલાં બહારગામની ટ્રેનો કોલાબા સ્ટેશનેથી શરૂ થતી અને ચર્ની રોડ સ્ટેશનેથી પણ પકડી શકાતી. એટલે સરસ્વતીચંદ્ર ટ્રેનમાં બેસીને બહાર ગામ ચાલ્યો ગયો હશે એમ માનીને ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશને જઈ સ્ટેશન માસ્તરને મળે છે અને તે દિવસે વેચાયેલી ટિકિટોની માહિતી મેળવે છે. પણ તેના પરથી સરસ્વતીચંદ્રના સગડ મળતા નથી. કારણ તેણે મુંબઈ છોડ્યું તે ટ્રેનમાં નહિ, પણ વહાણમાં. ગોવર્ધનરામે કથાને જે દિશામાં આગળ વધારવા ધારેલું તેમાં વહાણની મુસાફરી જરૂરી હતી. કારણ વહાણ તોફાનમાં સપડાઈ ભાંગી જાય અને તેને પરિણામે સરસ્વતીચંદ્ર અજાણ્યા મુલકમાં પહોંચી જાય એવું નિરુપણ કરવા તેમણે ધાર્યું હતું. ગુજરાતનાં શહેરો મુંબઈ સાથે ટ્રેન દ્વારા જોડાયાં તે પહેલાં ગુજરાતથી મુંબઈ આવવા-જવા માટે મોટે ભાગે વહાણમાં જ લોકો મુસાફરી કરતા, અને ટ્રેન વ્યવહાર શરૂ થયા પછી પણ ટેવને કારણે કે વહાણની મુસાફરી સસ્તી હોવાને કારણે ઘણા ટ્રેનને બદલે વહાણ પસંદ કરતા. એટલે સરસ્વતીચંદ્ર ટ્રેનને બદલે વહાણમાં મુંબઈ છોડે એ તે જમાનામાં અસાધારણ ન ગણાય.
ગોવર્ધનરામે સંજોગવશાત્ એમએનો અભ્યાસ અધૂરો મૂક્યો હતો અને ત્રણ વાર નાપાસ થયા પછી એલએલબી થઈ શક્યા હતા. પોતાના માનસપુત્ર જેવા સરસ્વતીચંદ્રને તેમણે એમએ અને એલએલબી થયેલો બતાવ્યો છે. યુનિવર્સિટી ઑફ બૉમ્બે શરૂ થઈ ત્યારથી દાયકાઓ સુધી એવો નિયમ હતો કે મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ. એ વખતે મેટ્રિક પછી બીએનાં ત્રણ વર્ષ અને એમએનાં બે વર્ષ થતાં. એટલે ૨૧ વર્ષની ઉંમર પહેલાં કોઈ એમએ થઈ ન શકે. છતાં ૧૭-૧૮ વર્ષની ઉંમરે સરસ્વતીચંદ્ર એમએ થઈ જાય છે, અને પછી એલએલબી! પોતે ત્રણ વાર નાપાસ થયા તેનું સાટું જાણે ગોવર્ધનરામે આ રીતે વાળી લીધું છે. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે અને જોગાનુજોગ ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વરના એક બંગલામાં આવે છે.   
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈમાં અર્વાચીનતાના જે અંશો પ્રગટ થવા લાગ્યા હતા તેમાંથી કેટલાકનો અણસાર સરસ્વતીચંદ્ર નવલકથામાં જોવા મળે છે. નવીનચંદ્રના પિતા લક્ષ્મીનંદન મિલ-માલિક છે. પહેલી પત્ની ચંદ્રલક્ષ્મી અને બાળક નવીનચંદ્ર સાથે બેસીને ફોટો પડાવે તેટલા શોખીન અને ‘સુધારક’ છે. જો કે ચંદ્રલક્ષ્મીનું અવસાન થાય છે તે જ દિવસે તેઓ ગુમાન સાથે બીજાં લગ્ન કરે છે, અને આ ગુમાન તેના સાવકા દીકરા નવીનચંદ્ર કરતાં ઉંમરમાં બે વરસ નાની છે! આવા આલેખનમાં એ જમાનાની સામાજિક વાસ્તવિકતા જ ઝીલાઈ છે. ૧૯મી સદીના મુંબઈનું એક આગવું લક્ષણ એ હતું કે ત્યારે ગુજરાતી-મરાઠી, હિંદુ-મુસ્લિમ, પારસી, વગેરે સાથે મળીને કામ કરતાં. લક્ષ્મીનંદનને પણ હિંદુ ગુજરાતી ઉપરાંત અંગ્રેજ, પારસી, મહારાષ્ટ્રિયન વગેરે સાથે સારા સંબંધો છે. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઑફ પીસ’ (જે.પી.)ની પ્રથા શરૂ થઇ હતી. એ જમાનામાં પણ ‘એક અમલદારની વગથી’ લક્ષ્મીનંદનને અ માન મળ્યું હતું.
નવીનચંદ્ર યુનિવર્સિટી ઑફ બૉમ્બેમાં ભણ્યો છે અને લગ્ન પહેલાં પોતાની વાગ્દત્તા કુમુદને પત્રો લખે એટલો ‘મોડર્ન’ છે. તો મુંબઈ બહાર રહેતી કુમુદ પણ એ પત્રોના જવાબ આપે છે. તેને અને તેની બહેન કુસુમને અંગ્રેજી અને સંસ્કૃત આવડે છે પણ બેમાંથી એકે ગ્રેજ્યુએટ નથી. તેમનું કુટુંબ દેશી રજવાડામાં રહેતું હતું. બંને ભણવા માટે સ્કૂલ-કૉલેજ ગઈ નથી, પણ એ જમાનાના ચાલ પ્રમાણે ઘરે ભણાવવા આવતી મિસ ફ્લોરા નામની શિક્ષિકા પાસે ભણી છે. આખી નવલકથામાં અંગ્રેજી તેમ જ ગુજરાતી છાપાં, ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં માસિકો, છાપેલાં પુસ્તકો, વગેરેના ઉલ્લેખો તો વારંવાર આવે છે.
૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે મુંબઈમાં ગોવર્ધનરામનું અવસાન થયું. લગભગ પાંચ મહિના પછી, જૂન ૧૯૦૭ની શરૂઆતમાં, ભરૂચનો એક ભાર્ગવ બ્રાહ્મણ યુવાન એલએલબીનો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યો અને ચર્ની રોડ સ્ટેશને ઊતર્યો. ઘોડા ગાડી કરવા જેટલા પૈસા પાસે હતા નહિ એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવી પીપલ વાડીમાં આવેલી એક ડબલ રૂમમાં તેના સાવકા નાના મામાઓ રહેતા હતા ત્યાં ગયો. આ યુવાન તે ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી. જન્મ ભલે ભરૂચમાં, પણ તેમણે પોતે લખ્યું છે કે ૧૯૦૭માં મુંબઈ આવ્યા ત્યારથી તેઓ મુંબઈગરા બન્યા. કેવું હતું એ વખતની મુંબઈની ચાલીઓનું જીવન?  ‘સીધાં ચઢાણ’ નામની આત્મકથામાં મુનશી લખે છે: ‘પીપલ વાડીમાં એ વખતે ત્રણેક ચાલો હતી; તેમાં લગભગ બસે કુટુંબ રહેતાં. નળ પર બૈરાંઓની હંમેશાં ઠઠ જામેલી રહેતી ને ચાલુ ઝગડા થયા કરતા. ચારે તરફ ગંદવાડ – રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એઠવાડ નાખે. ઠેર-ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે, ને વચ્ચે વચ્ચે મૂકેલી ઇંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે.”
હા જી, આ પણ મોહમયી મુંબઈનો જ એક રંગ. ત્યારે અને અત્યારે પણ. મુંબઈના બીજા કોઈ અવનવા રંગ વિષેની વાત હવે પછી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 11:22 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK