કલરફુલ આઇ મેકઅપ

Published: Dec 28, 2019, 16:15 IST | Arpana Shirish | Mumbai

હાલમાં બ્રાઇડલ મેકઅપમાં આંખોને વધુ ને વધુ હાઇલાઇટ કરતી સનસેટની થીમ અને હૉલોગ્રાફિક ગ્લિટર ઇફેક્ટ ટ્રેન્ડમાં

કલરફુલ આઇ મેકઅપ
કલરફુલ આઇ મેકઅપ

આઇ મેકઅપ દુલ્હનનો લુક બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આંખો ચહેરાનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે અને માટે જ હાલમાં આંખો વધુને વધુ હાઇલાઇટ થાય એ પ્રકારના બ્રાઇડલ મેકઅપનો ટ્રેન્ડ છે. એ સિવાય મેકઅપ કર્યો જ નથી એવી ઇફેક્ટ આપતો નો-મેકઅપ લુક પણ આજની યંગ દુલ્હનો પસંદ કરી રહી છે. ક્યાંથી આવ્યો છે આ નવો મેકઅપ ટ્રેન્ડ અને કઈ રીતે કરવાથી એ સારો લુક આપે એ જાણીએ.

દુબઈનો ટ્રેન્ડ

મેકઅપના મોટા ભાગના નવા ટ્રેન્ડ્સ કે સ્ટાઇલ દુનિયાના જુદા-જુદા મેકઅપ આર્ટિસ્ટોના એક્સપરિમેન્ટથી આવતા હોય છે. આ જ રીતે હૉલોગ્રાફિક આઇ મેકઅપનો ટ્રેન્ડ દુબઈના એક આર્ટિસ્ટની દેન છે. આ પ્રકારના આઇ મેકઅપ વિષે વધુ જણાવતાં મેકઅપ આર્ટિસ્ટ ફોરમ સાવલા કહે છે, ‘બ્રાઇડ્સ અને મેકઅપ આર્ટિસ્ટ બન્નેને કંઈ ને કંઈ નવું જોઈતું હોય છે અને એ જ રીતે કલરફુલ અને હૉલોગ્રાફિક આઇ મેકઅપનો આ ટ્રેન્ડ આવ્યો છે. આવા આઇ મેકઅપમાં બે કરતાં વધુ કૉન્ટ્રાસ્ટ રંગોનો વપરાશ થતો હોવાને લીધે દરેક સ્કિન ટોન અને ફેસ પર એ સૂટ નહીં થાય. એ જ પ્રમાણે આ લુક દિવસ કરતાં ઈવનિંગ ફંક્શનમાં વધુ સારો લાગે છે. ઇસ્લામિક દેશોમાં થોડો હેવી આઇ મેકઅપ વધુ ચાલે છે અને એ જ ટ્રેન્ડ હવે આપણે ત્યાંની બ્રાઇડ્સની ડિમાન્ડ બની ગયો છે. યંગ બ્રાઇડ્સ ફોટોગ્રાફ્સ લઈને આવે છે અને સ્પેસિફિક લુકની ડિમાન્ડ કરે છે.’

eye-makeup-02

ગ્લિટર આઇશૅડો

હજી કેટલાંક વર્ષો પહેલાં સુધી આઇશૅડોમાં વધુમાં વધુ પિન્ક અને વાઇટ જેવા શેડ્સ ચાલતા. વધુ ચમકીલો લુક લોકો ગૉડી ગણાવતા. પણ હવે આંખો પર જરીવાળો લુક ખૂબ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને ઈવનિંગ માટે. આ વિષે વાત કરતાં ફોરમ કહે છે, ‘ગ્લિટર અને હૉલોગ્રાફિક શાઇન આપતું ગ્લિટર આઇશૅડોમાં ઇન છે. જોકે આ એક એવો મેકઅપ ટ્રેન્ડ છે જે બધાને સૂટ નથી થતો. જો આંખોનો મૂળ શેપ જ સુંદર અને આકર્ષક હોય તો આ પ્રકારનો મેકઅપ સારો લાગે. એ સિવાય આંખો આટલી હેવી હોય ત્યારે બાકીનો મેકઅપ અને જ્વેલરી હળવી હોય એનું ધ્યાન રાખવાનું હોય. ગ્લિટર આઇ મેક કરવાનો સૌથી મોટો હેતુ એટલે દુલ્હનના ફેસ પર નજર કરતાં જ ધ્યાન તેની આંખો પર જવું જોઈએ. અને ગ્લિટર આઇશૅડો આ કામ ખૂબ સારી રીતે કરે છે. સિલ્વર, ગોલ્ડન, કૉપર આવા શેડ્સ ગ્લિટરમાં સારા લાગે છે.’

કલરફુલ થીમ આઇશૅડો

હલ્દી અને મેંદી જેવા ફંક્શનમાં સારા લાગે એવા યલો અને ઑરેન્જ જેવા શેડને મિક્સ કરીને હાલમાં સનરાઇઝ અને સનસેટ જેવી થીમવાળા આઇશૅડો ઇન છે. ઈવનિંગમાં મિડનાઇટ સ્કાય થીમ ઇન છે. એ સિવાય જે રંગનાં ચણિયાચોળી કે ગાઉન હોય એનાથી કૉન્ટ્રાસ્ટ કે પછી સેમ શેડનો આઇશૅડો પણ બ્રાઇડલ મેકઅપમાં ઇન છે. પછી આ રંગો ગ્રીન, પર્પલ કે ડાર્ક પિન્ક હોય તોયે યુવતીઓ એ પસંદ કરી રહી છે. અહીં કટક્રીઝ અને ડી-શેપ ઍપ્લિકેશન મેથડ ખૂબ ચાલી રહી છે એવું જણાવતાં ફોરમ કહે છે, ‘આંખોના ઉપરના ભાગને જ્યાં કરચલી પડે ત્યાંથી એક બૉર્ડર જેવી લાઇન આપીને પછી આઇશૅડો લગાવવામાં આવે છે. આ પ્રકારની ટેક્નિકથી જેમની આંખો નાની અને ખૂબ સુંદર શેપની ન હોય તેમની આંખોને મોટી અને સુંદર દેખાડી શકાય છે.’

કૉન્ટ્રાસ્ટ કલર્સ ઉપરાંત જ્વેલ શેડ્સ પણ ખૂબ ચાલી રહ્યા છે. આ એવા રંગો હોય છે જેના શેડ્સ પ્રેશ્યસ જેમ સ્ટોન જેવા લાગતા હોય. એટલે કે પર્પલ ઍમેથિસ્ટ, રૂબી, એમરલ્ડ વગેરે. આ શેડ્સની ખાસિયત એ છે કે એ કોઈ પણ આઇશેપ અને સ્કિનટોન સાથે સારા લાગે છે.

કલરફુલ લોઅર લૅશ લાઇન

લાઇનરમાં રંગોના એક્સપરિમેન્ટ્સ ઘણા થાય છે, પણ હવે લોઅર લાઇન એટલે કે જ્યાં કાજલ લગાવવામાં આવતું એ ભાગમાં પણ કપડાના રંગો પ્રમાણે આઇ પેન્સિલ અપ્લાય કરવામાં આવે છે. અહીં એવા રંગો પસંદ કરવા જોઈએ જે તમારા સ્કિનટોનને સૂટ થાય સાથે જ આઉટફિટ સાથે કૉન્ટ્રાસ્ટ લુક આપે.

eye-makeup-03

સિમ્પલ નો-મેકઅપ લુક

ફોરમ કહે છે, ‘આજકાલની મૉડર્ન બ્રાઇડ્સ અને ખાસ કરીને બ્રાઇડ અને ગ્રૂમની મમ્મી કે બહેનો હેવી લુકથી દૂર રહેવા માગે છે. લગ્નમાં બ્રાઇડ જ હાઇલાઇટ જોઈએ. એટલે હવે બાકીના મેમ્બર્સ નો-મેક લુકનો આગ્રહ રાખે છે. આ લુક ક્રીએટ કરવો વધુ મુશ્કેલ હોય છે, કારણ કે મેકઅપ કરીને એવો લુક આપવાનો છે કે જાણે મેકઅપ કર્યો જ ન હોય. જો સ્કિન ઑલરેડી ક્લિયર હોય તો આસાની થાય છે. આ લુકમાં સિમ્પલ કાજલ અને લાઇનર તેમ જ ખૂબ જ હળવો આઇશૅડો લગાવવાનાં હોય છે. ચહેરા પર પણ કન્સીલરની લેયર્સ ન લગાવતાં ફક્ત ફાઉન્ડેશનથી લુક આપવામાં આવે છે. મેકઅપ ન પસંદ હોય કે આદત ન હોય તેમના માટે આ લુક પર્ફેક્ટ છે.’

કૉસ્મેટિક કલર્ડ લેન્સનો વપરાશ

લેન્સ વિના બ્રાઇડલ આઇ મેકઅપ અધૂરો છે એવું જણાવતાં ફોરમ કહે છે, ‘પોતાનો સ્પેશ્યલ ડે હોય એટલે થોડા જુદા દેખાવું જોઈએ. થોડા લાઇટ શેડના લેન્સ આઇ મેકને ચાર ચાંદ લગાવે છે. અહીં પોતાની ઓરિજિનલ આંખો કરતાં ખૂબ જ જુદા લેન્સ પસંદ કરવા કરતાં એક કે બે શેડ લાઇટ લેન્સ પસંદ કરી શકાય. ડાર્ક પર્પલ, ગ્રીન જેવા કલર લેન્સ ઓવરઑલ મેકઅપ કર્યા બાદ સુંદર લુક આપે છે.’

મોટી આઇલૅશિસ

ઘણી દુલ્હનોને ફેક આઇલૅશિસ લગાવવાનો આઇડિયા વધુપડતો લાગે છે. જોકે બધો જ મેકઅપ આટલો હેવી કર્યો હોય ત્યારે આંખની પાંપણ જો પાતળી લાગશે તો લુક ખરાબ થશે. એટલે એક દિવસ મોટી આઇલૅશિસ લગાવવાનો લહાવો પણ લઈ લેવો. આજકાલ મિન્ક લૅશિસ અને થ્રી-ડી લૅશિસ ખૂબ ડિમાન્ડમાં છે. મોટી આઇલૅશિસ આઇ મેકઅપને વધુ ડ્રામેટિક લુક આપે છે. લગ્નમાં સવારના ફેરાના સમયે તેમ જ ઈવનિંગમાં રિસેપ્શન કે કૉકટેલ પાર્ટીમાં ડ્રામેટિક આઇશૅડો સુંદર લાગશે.

કઈ રીતે કાઢશો બ્રાઇડલ મેકઅપ?

લગ્નનું ફંક્શન પતી ગયા બાદ સૌથી મોટું અને મહત્ત્વનું કામ એટલે સ્કિનને નુકસાન ન થાય એ રીતે મેકઅપ ઉતારવો. એમાંય આંખની આજુબાજુની સ્કિન ખૂબ નાજુક હોવાને લીધે એ કામ વધુ મુશ્કેલ બને છે. તો આ રહી મેકઅપ રિમૂવલની કેટલીક ટિપ્સ.

મેકઅપ કરતા સમયે કન્સીલર અને ફાઉન્ડેશનની અનેક લેયર લગાવવામાં આવી હોય છે. એટલે ફક્ત ફેસવૉશથી કામ નહીં બને. મેકકપ રિમૂવરથી આ મેકઅપની લેયરને પહેલાં છૂટી પાડવી પડશે. એટલે બજારમાં મળતા મેકઅપ રિમૂવર બામ લઈ ચહેરા પર ઘસો અને બધો જ મેકઅપ રેલાવા દો. દેખાવમાં ડરામણું લાગશે, પણ મેકઅપ સારી રીતે નીકળી જશે.

સ્ટીમ લઈને પણ મેકઅપ ઉતારવામાં આસાની થશે. એક મોટા બોલમાં પાણી ગરમ કરી ચહેરા પર સ્ટીમ લો. સ્ટીમથી મેકઅપ પીગળવા લાગશે અને ત્વચા પરથી છૂટો પડતો જણાશે.

બ્રાઇડલ મેકઅપ કરવામાં જેટલો સમય લાગે છે એટલો જ એને ઉતારવામાં પણ આપવો જોઈએ. મેકઅપ શાંતિથી કાઢવો જોઈએ. મિનિટમાં જ ચહેરો સાફ થઈ જશે એવી આશા ન રાખવી. આઇલાઇનર, આઇશૅડો, લિપસ્ટિક બધા જ એરિયાને સરખો મસાજ કરીને ધીમે-ધીમે મેકઅપ કાઢો.

મેકઅપ ધોઈ નાખ્યો એટલે કામ પૂરું નથી થતું. મેકકપ ઉતાર્યા પછી તરત શક્ય ન હોય તો એક-બે દિવસ રહીને ક્લીનઅપ અથવા ડિપ ક્લેન્ઝિંગ કરાવવું અનિવાર્ય છે. જો શક્ય હોય તો મેકઅપ કાઢ્યા બાદ તરત શીટ માસ્કનો ઉપયોગ પણ કરી શકાય જે સ્કિનનાં રોમછિદ્રોની અંદર સુધી પ્રવેશેલા મેકઅપના કણોને સાફ કરશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK