જ્યારે વજન ઉતારવાની વાત આવી ત્યારે આ ભાઈએ ડૉક્ટરને પણ ખોટા પાડી દીધા, બોલો

Published: Feb 17, 2020, 15:33 IST | Ruchita Shah | Mumbai

અંધેરીમાં રહેતા ૫૧ વર્ષના ૧૨૦ કિલો વજન ધરાવતા ભાવેશ ગાંધીએ જ્યારે વજન ઘટાડવાનો નિર્ણય લીધો ત્યારે ડૉક્ટરોએ તેમની હેલ્થ-કન્ડિશન જોતાં ના પાડી દીધી હતી.

ભાવેશ ગાંધી
ભાવેશ ગાંધી

અંધેરીમાં રહેતા ૫૧ વર્ષના ૧૨૦ કિલો વજન ધરાવતા ભાવેશ ગાંધીએ જ્યારે વજન ઘટાડવાનો નિર્ણય લીધો ત્યારે ડૉક્ટરોએ તેમની હેલ્થ-કન્ડિશન જોતાં ના પાડી દીધી હતી. ડૉક્ટરના તમારાથી ન થાય હવે શબ્દો તેમને હાડોહાડ લાગી આવ્યા અને એ પડકારને ઝીલીને માત્ર ડાયટમાં ચેન્જ કરીને તેમણે ૨૦૧૮માં ૪૫ કિલો વજન ઉતાર્યું હતું જે આજ સુધી અકબંધ છે. હવે તો તેઓ હેલ્ધી રહીને વજન કેમ ઉતારવું એના ફ્રી સેમિનાર લે છે.

કેટલાક લોકોને પડકારો ત્યારે તેમનો વિલ પાવર સોળે કળાએ ખીલી જતો હોય છે. અંધેરીમાં રહેતા બિઝનેસમૅન ભાવેશ ગાંધી એ જ પ્રકૃતિના માણસ છે. ૧૨૦ કિલો વજન ધરાવતા અને ખાવા-પીવાના જબરા શોખીન ભાવેશભાઈએ ક્યારેય પોતાના વજનને લઈને ચિંતા નહોતી કરી, પરંતુ એક વાર એક ડાયટને લગતું લેક્ચર સાંભળ્યું અને એને અનુસરીને વજન ઉતારવા વિશે વિચારી જ રહ્યા હતા ત્યારે તેમના ડૉક્ટરે કહ્યું કે ‘રહેવા દો, તમને થાઇરૉઇડ છે, તમારાથી નહીં ઊતરે વજન.’ ભાવેશભાઈને આ વાત કોઠે ન પડી અને તેમનો નિર્ધાર વધુ દૃઢ બની ગયો. ભાવેશભાઈ કહે છે, ‘આ વાત આમ તો હું મજાકમાં જ કહેતો હોઉં છું, કારણ કે ડૉક્ટરને ભરોસો નહોતો કે હું આવું કંઈ કરી શકીશ. જોકે વજન ઘટાડવાની જરૂરિયાત મને પોતાને લાગી રહી હતી. બે ડગલાં ચાલું તો થાકી જવાતું હતું. ઉંમર પણ વધી રહી હતી. થાઇરૉઇડ પણ અનકન્ટ્રોલ્ડ થઈ જતું હતું. શું કરવું એ સમજાતું નહોતું. એમાં મેં રિશી મોદીનું આદર્શ ડાયટને લગતું એક લેક્ચર સાંભળ્યું અને મને એની વાતો ગળે ઊતરી હતી. વજન શું કામ વધે, શરીરમાં ચરબી ક્યારે જામે? આપણી કઈ આદતો છે જે વજન વધારે એ બધા જ કન્સેપ્ટ ક્લિયર થતા ગયા. વાત મગજમાં ઊતરી એટલે એને અનુરૂપ જીવનશૈલી બદલવાની દિશામાં પણ ગંભીરતાથી વિચારી રહ્યો હતો, પણ ડૉક્ટર કહે છે થાઇરૉઇડને કારણે અઘરું છે અને મારી ડિક્શનરીમાં એક વાર નક્કી કર્યું પછી કંઈ જ અઘરું નથી હોતું.’

નો સ્વીટ

ભાવેશભાઈની પહેલાંની જીવનશૈલી જોઈએ તો બધું જ ખાવાનું અને ખાઈ-પીને મોજમાં રહેવાનું. એમાંયે મીઠાઈના તો તેઓ જબરા શોખીન હતા. કોઈ પણ મીઠાઈ તેમની થાળીમાં મૂકી દો, તેઓ માત્ર મીઠાઈ પર જ પોતાનું લંચ કે ડિનર કરી શકતા હતા. શ્રીનાથજીની રબડી માટે તેઓ ગમે તે કરી શકતા, પણ પછી તેમણે નક્કી કર્યું કે હવેથી નો શુગર. ગંભીરતા સાથે તેઓ કહે છે, ‘હા, સાકર, ગોળ જેવી સ્વીટનેસની બધી જ બાબતો, આઇટમો ડાયટમાંથી સંપૂર્ણ આઉટ કરી દેવામાં આવી હતી. પહેલી વાત, મને કોઈએ આગ્રહ નહોતો કર્યો, મેં મારી મરજીથી લીધેલો નિર્ણય હતો અને સમજણ સાથે લીધેલો નિર્ણય હતો એટલે અટકવાનો પ્રશ્ન જ નહોતો. હું અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ નૅચરલ આઇસક્રીમનો અડધો કિલોનો ડબ્બો એકલો ખાઈ જતો. મારી ફેવરિટ હતી. એમ નહીં કહું કે એ બધાનું શરૂઆતમાં ક્રૅવિંગ જ નહીં થયું. ક્રૅવિંગ થયું હતું શરૂઆતના ત્રણ દિવસ. ૧૦ દિવસ સેલ્ફ કન્ટ્રોલ કરવો પડેલો. ૨૧ દિવસમાં આદત પડી ગઈ અને ૩૦ દિવસે તો મને કોઈ આઇસક્રીમ આપે તો મારું માથું સહેજ ફરી જતું. આ જ ફન્ડા છે જીવનમાં કોઈ પણ વસ્તુ છોડીએ ત્યારે. મારું ઇન્સ્યુલિન સ્પાઇક કરે એવી એક પણ વસ્તુ ખાવી નહીં એ નક્કી કર્યું હતું એટલે સાકર અને ગોળ બન્ને છોડી દીધાં. વધુ મીઠાં હોય એવાં ફ્રૂટ્સ બંધ કર્યાં. જે નિયમ આજ સુધી અકબંધ છે. ઇન્સ્યુલિનની માત્રા ન વધે તો શરીરમાં સ્ટોર થયેલી ફૅટ બર્ન થાય અને શરીર પોતાની પાસે જમા રહેલી એનર્જીનો ઉપયોગ કરે.’

ખાવાનું શું?

સાકર છોડવાની સાથે ભાવેશભાઈએ મેંદાની આઇટમો અને સ્ટાર્ચ પણ બંધ કરી દીધાં. તેઓ કહે છે, ‘મેંદો અને રાઇસ બંધ કરીએ એટલે બહાર મળતો તમામ કચરો આપમેળે બંધ થઈ જાય. વડાપાઉં, પીત્ઝા કે પાસ્તા પણ ન ખાઈ શકો અને ઇડલી-ઢોસા પર પણ બ્રેક લાગે. ઘણા પૂછે કે તો પછી ખાવાનું શું? એ પછી પણ ઘણું ખાવાનું છે. જેમ કે ઘઉંની રોટલી અને સબ્ઝી, દાળ તો તમે ગમે ત્યારે ખાઈ શકો. સફરજન, પપૈયું, પાઇનૅપલ જેવાં ફ્રૂટ્સ ખાઈ શકાય. શિંગચણા અને અન્ય સૂકો નાસ્તો કરી શકાય. છેલ્લાં બે વર્ષમાં એક પણ દિવસ હું ભૂખ્યો રહ્યો નથી, પણ હા, જમવાનો એક સમય નિશ્ચિત કરીને દિવસમાં બે જ વાર ખાવાનું નક્કી કરી લીધું. ધંધાદારી અને નોકરી કરનારા લોકો પણ એને ફૉલો કરી શકે એવો ફન્ડા મેં ફૉલો કર્યો છે, જે તદ્દન પ્રૅક્ટિકલ છે અને પરિણામ તમારી સામે છે.’

અહીં ઉલ્લેખનીય છે કે ભાવેશભાઈ સાથે તેમની પત્નીએ પણ ૬ મહિનામાં ૧૧ કિલો વજન ઘટાડી દીધું છે. ભાવેશભાઈ પહેલાં થાઇરૉઇડ અને કૉલેસ્ટરોલની બે ગોળી રોજ લેતા, જેમાંથી હવે લો ડોઝની થાઇરૉઇડની એક જ ગોળી લે છે.

bhavesh-gandhi

એક્સરસાઇઝ કરવાની કે નહીં?

વજન ઘટાડવાની યાત્રા નહોતી, પણ હેલ્ધી થવાની યાત્રા હતી અને એ જ જરૂરી છે એવું ભાવેશભાઈ સ્પષ્ટપણે માને છે. તેઓ કહે છે, ‘એક વિચાર પર દૃઢતા આવતાં નિમિત્ત જોઈતું હોય છે. જ્યારે ડાયટ-લેક્ચર સાંભળીને ઘરે આવ્યો ત્યારે મારી વાઇફ જમવા માટે મારી રાહ જોતી હતી. અમારા ઘરમાં દરેક રસોઈમાં ગળપણ પડે. મેં તેને કહ્યું કે હવેથી હું શુગર નથી ખાવાનો. એટલે આજે કાં તો તું મારા માટે નવી રસોઈ બનાવ અથવા આજે હું ભૂખ્યો રહીશ. તેણે મને ખૂબ સમજાવવાની કોશિશ કરી કે આજે રહેવા દો, આનાથી કંઈ નહીં થાય, કાલથી શરૂ કરજો વગેરે, પણ મને ખબર હતી કે થશે તો આજથી જ થશે અથવા તો ક્યારેય નહીં થાય. છેલ્લે તેણે ફરીથી જમવાનું બનાવીને મને જમાડ્યો. આમાં પરિવારનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો છે. બીજું, મેં એ નોટિસ કર્યું કે જે લોકો વજન ઉતારવા માટે કસરત કરે છે એ લોકો વજન ઘટ્યા પછી કસરત છોડી દે છે અને ફરી પાછું તેમનું વજન વધવા માંડે છે એટલે હું દરેકને સજેસ્ટ કરીશ કે જો તમે કસરતને તમારી જીવનશૈલીનો હિસ્સો બનાવવાના હો તો જ કસરત કરો અથવા જે કરો છો એમાં કસરતને સામેલ કરી દો, જેમ કે મેં એક નિયમ બનાવ્યો છે કે મારે ક્યાંય પણ જવાનું હોય ત્યાંનું વૉકિંગ-ડિસ્ટન્સ ૪૫ મિનિટની આસપાસ હોય તો ચાલતા જવાનું. એથી વધારે હોય તો ૪૫ મિનિટ ચાલીને આગળથી રિક્ષા કરી લેવાની. હું સ્પેશ્યલ વૉક માટે નથી જઈ શકતો કે હું જિમમાં નથી જતો તો આ રીતે કામ કરું છું. ૧૩ માળ હોય તો હું દાદરા ચડીને જ જાઉં. આ રીતે જીવનશૈલીમાં જ ફિઝિકલ ઍક્ટિવિટી ઉમેરાઈ ગઈ હોય તો તમારે વધારાનો સમય કાઢવો નથી પડતો અને તમે હેલ્ધી કુદરતી રીતે જ રહી શકો છો.’

પોતાના વેઇટ-લૉસના નિચોડને હવે ભાવેશભાઈ પોતાના મિત્રવર્તુળમાં અને પરિચિતોમાં શૅર કરવા માટેના નિઃશુલ્ક સેમિનાર્સ પણ યોજે છે. તેમનું વજન ઘટ્યા પછી પાછું વધ્યું નથી અને સ્ટેબલ છે એ તેમને સૌથી સારી બાબત લાગે છે. તેઓ કહે છે, ‘મેં મારા જીવનમાં ‘ક્યારેક ચાલે’ અને ‘આટલામાં શું હવે’ આ બે વાક્યોની બાદબાકી કરી નાખી છે. આગળ કહ્યું એમ મને હવે મીઠાઈઓ કે બ્રેડ ખાવાનું ક્રૅવિંગ જ નથી થતું. જેમ નૉન-વેજ ન ખાનારા લોકોને નૉન-વેજનું ક્રૅવિંગ થાય ખરું? કોઈએ તેમના પર દબાણ નથી નાખ્યું છતાં તેઓ સ્વેચ્છાએ જ નથી ખાતા એમ મેં પણ અમુક વસ્તુઓ ખાવી જ નહીં એવું નક્કી કરી લીધું છે અને એ સહજ બાબત છે મારે માટે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK