Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ વીજળી તો ભઈ બહુ ભારે

આ વીજળી તો ભઈ બહુ ભારે

19 July, 2020 10:19 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

આ વીજળી તો ભઈ બહુ ભારે

આ વીજળી તો ભઈ બહુ ભારે


ભારતમાં છાશવારે વીજળી પડવાના બનાવ બને છે અને ૨૦૦૫ પછીના લગભગ દર વર્ષે સરેરાશ ૨૦૦૦ લોકો વીજળી ત્રાટકવાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું નૅશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા કહે છે. છેલ્લા ત્રણ મહિનાથી ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીજળી પડવાના બનાવોએ ભારે તબાહી મચાવી છે અને એમાં પાછી સાયન્ટિસ્ટોની આગાહી છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વભરમાં ઉત્તરોત્તર વીજળી ત્રાટકવાનું પ્રમાણ હજી વધતું જ રહેશે ત્યારે સમજીએ વીજળી કેમ કડકે છે, કેમ પડે છે, એ પડે ત્યારે શું થાય છે. ભૂકંપ, સુનામી અને વાવાઝોડાની જેમ આ પણ એક એવી કુદરતી આપદા છે જેની સામે હાઇટેક થતા જતા માણસોનું હજી કંઈ ચાલતું નથી ત્યારે ઍટ લીસ્ટ ગ્લોબલ વૉર્મિંગને કાબૂમાં રાખવા માટે હવે તો જાગી જવું જરૂરી છે.

કહેવાય છે કે ગાજ્યા મેઘ વરસતા નથી, પણ જ્યારે મેઘગર્જના થાય છે ત્યારે આકાશી હલચલને કારણે વીજળી કડકે છે અને વાદળાંથી કાળા ડિબાંગ આકાશમાં જાણે તિરાડો પડે છે અને આંખને આંજી જાય એવો ક્ષણિક ચમકારો થાય છે. કડકતી-ભડકતી વીજળી થતી હોય ત્યારે કુદરતનું એ રૌદ્ર સ્વરૂપ ક્યારે ધરતી સુધી આવી પહોંચશે એ નક્કી નથી હોતું. વીજળી પડે છે ત્યારે એ જીવલેણ બની જાય છે. તાજેતરમાં બિહારમાં ૧૦ દિવસમાં લગભગ ૧૪૭ લોકો વીજળીનો ભોગ બન્યા. ગયા મહિને ગુજરાતમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાની ઘટનામાં ૧૧ જણે જીવ ગુમાવ્યો. ભારતમાં દર વર્ષે લગભગ ૨૦૦૦ લોકો વીજળી ત્રાટકવાથી મૃત્યુ પામે છે.  ઍટ લીસ્ટ ૨૦૦૫થી આ આંકડા નૅશનલ ક્રાઇમ બ્યુરોમાં નોંધાયા છે. ૨૦૧૮માં ૨૩૦૦ લોકો મૃત્યુ પામેલા. હાલમાં જ્યારે બિહારમાં વીજળીએ હાહાકાર મચાવ્યો ત્યારે રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજેમન્ટ મિનિસ્ટર લક્ષમેશ્વર રાયે આનાં કારણો સમજવા હવામાનશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોનું એક ગઠન તૈયાર કર્યું હતું. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર વધતું જતું ગ્લોબલ વૉર્મિંગ વીજળી ત્રાટકવાની ઘટનાઓને વેગ આપે છે, એટલું જ નહીં, વીજળીને વધુ ઘાતક બનાવી રહી છે.



આકાશમાં વીજળીના ચમકારા થવા એ કુદરતી ઘટના છે, પરંતુ એવું કેમ થાય છે એનું રહસ્ય પણ સમજવા જેવું છે. જો એ રહસ્ય સમજીએ તો ખબર પડે કે ગ્લોબલ વૉર્મિંગ એમાં ક્યાં ભાગ ભજવે છે. શા માટે ભરચક શહેરો કરતાં ખુલ્લાં ખેતરોમાં વધુ વીજળી ત્રાટકે છે? વીજળી થાય ત્યારે પૃથ્વીથી સેંકડો કિલોમીટર ઊંચે આકાશમાં શું હલચલ થતી હોય છે? કેમ અમુક ચોક્કસ જગ્યાઓએ જ વધુ વીજળી ત્રાટકે છે? શું આકાશી વીજળી અને ઘરમાં લાઇટ-પંખા ચલાવવા માટે વપરાતી વીજળી એક જ હોય? સવાલો અનેક છે એટલે શરૂઆત એકડેએકથી કરીએ...


વીજળી કેમ થાય છે?

ક્યારેય ભરઉનાળામાં વાદળાં વિનાના ચોખ્ખા આકાશમાં વીજળી નથી થતી. જ્યારે મૉન્સૂન બેસે ત્યારે વીજળીના કડાકા થાય. ઘણાં બાળકો એને સાદી ભાષામાં કહેતાં હોય છે કે બે વાદળાં અથડાય એટલે વીજળી થાય. જોકે વાત સાવ આટલી સાદી નથી. સૌથી પહેલાં તો વાદળાં કઈ રીતે બને? તમે જોયું હોય તો વરસાદ પડતાં પહેલાં ખૂબ બફારો મહેસૂસ થતો હોય છે. સૂર્યની ગરમીને કારણે જે-તે વિસ્તારનું વાતાવરણ ગરમ થાય છે એને કારણે હવા પણ ગરમ થઈને પાતળી બનીને ઊંચે આકાશમાં ચડી જાય છે. જોકે અમુક હદથી ઉપર જઈને ગરમ હવા ઠંડી પડી જાય છે અને ભેજમાંથી પાણીનાં અસંખ્ય બિંદુઓ એક પ્રકારના બરફ જેવા કણો રચે જે આકાશમાં તરે છે. આમ તો વૈજ્ઞાનિકોએ વાદળાની પૃથ્વીથી ઊંચાઈના આધારે અનેક પ્રકાર તારવ્યા છે, પણ એ ટેક્નિકલ મૅટરમાં આપણે ન પડીએ. પાણી વરસાવતાં વાદળાં ક્યુમુલોનિમ્બસ વાદળ કહેવાય છે જે ધરતીથી સૌથી નજીક હોય છે. લગભગ ૧૫થી ૨૦ કિલોમીટરના અંતરે જ. આકાશમાંથી પડતી વીજળી હોય કે આપણા ઘરમાં વહેતી વીજળી એ બન્ને પેદા થાય છે ઇલેક્ટ્રોન્સની ગતિથી. ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરના નિવૃત્ત સાયન્ટિસ્ટ તેમ જ ચોમાસા અને વીજળી પર ઊંડો અભ્યાસ કરનાર ડૉ. પરેશ વૈદ્ય વાદળાં અને વીજળીનો સંબંધ સમજાવતાં કહે છે, ‘વીજળી બે જાતની છે. એક જે વહે છે અને આપણા ઘરમાં ઉપકરણો ચલાવવામાં કામ આવે છે એ. બીજી છે સ્ટેટિક, જેને સ્થિત વિદ્યુત કહેવાય. તમે કાંસકો વાળમાં ઘસો અને કાગળના ટુકડા એનાથી આકર્ષાય છે એ સ્થિત વિદ્યુત કહેવાય. આકાશમાં વાદળાંઓમાં સ્ટેટિક વીજળી હોય છે. વાદળાના જુદા-જુદા ભાગમાં ઘન ભાર અને ઋણ ભાર બન્ને હોય. વાદળાં ઉપર-નીચે થાય એટલે એમાં આ ચાર્જ ભેગો થાય. નીચે માઇનસ ચાર્જ હોય છે અને ઉપર પ્લસ ચાર્જ હોય છે. વાદળમાં પાણીનાં અત્યંત બારીક ટીપાં હોય છે અને પાણી એ વીજળીને કન્ડક્ટ કરે છે. વાદળામાં પૉઝિટિવ અને નેગેટિવ બન્ને ચાર્જ સતત જમા થયા કરે છે અને જ્યારે એ ખૂબ મોટી માત્રામાં જમા થાય ત્યારે એકબીજાની બહુ નજીક આવી જાય છે અને હવાનું ઇન્સ્યુલેશન તૂટી જાય છે. એવા સમયે હાઇ વૉલ્ટેજ પેદા થાય છે અને એ વખતે વીજળી વહેતી થઈ જાય છે. અલબત્ત, આ વહેતી વીજળી ક્ષણભર માટે જ હોય છે એટલે સ્પાર્ક આપીને જતી રહે છે, પણ એ વખતે ખૂબ ઊંચી માત્રામાં ઊર્જા છૂટી પડે છે એટલે ચમકારો અને અવાજ ખૂબ જોરથી આવે. જે વાદળું યુનિફૉર્મ ગતિમાં ફરતું રહે છે એમાં ચાર્જ વધુ જમા નથી થતો, પણ વાદળું બહુ ફંગોળાય, વધુ સ્પીડમાં આગળ વધે ત્યારે હવા સાથે એનું ફ્રિક્શન વધુ થાય અને ઉપર-નીચે અને આડીઅવળી ગતિ કરતાં ક્યુમુલોનિમ્બસ વાદળાંમાં વધુ ચાર્જ ભેગો થાય છે. ખૂબ ચાર્જ વધી જાય ત્યારે નેગેટિવ ચાર્જ પૉઝિટિવને મળવા આકર્ષાય અથવા તો પૉઝિટિવ ચાર્જ નેગેટિવ તરફ આકર્ષાય અને એ વખતે ચમકારા અને ગડગડાટી સાથે એમાંથી ઊર્જા વિખેરાઈ જાય.’


વીજળીના એક ચમકારામાં કેટલા વૉલ્ટ ઇલેક્ટ્રિસિટી હોય? હજારો વૉલ્ટ હોય એવો જવાબ આપતાં ડૉ. પરેશ વૈદ્ય કહે છે, ‘આનો જવાબ સંશોધકોએ અંદાજે જ માંડ્યો છે, બાકી આકાશી વીજળીના વૉલ્ટ માપવાનું હજી સુધી કોઈ સાધન બન્યું નથી.’

વીજળી ક્યારે ત્રાટકે?

જયારે વાદળું વધુપડતું નીચે આવી જાય અને જમીનમાંથી એને કોઈ સપોર્ટ મળે જેના પર પણ વધુ ચાર્જ હોય. જેમ કે ઝાડ છે, વીજળીના થાંભલા છે, ઊંચી ઇમારતો છે. વાદળામાં જ્યારે વૉલ્ટેજ એટલો વધી જાય કે એને ડિસ્ચાર્જ થવું જ પડે ત્યારે જમીનથી ઊંચા કોઈ માધ્યમને શોધે છે. જમીન પર કોઈ ઊંચું સ્ટ્રક્ચર હોય, ઊંચાં મકાન હોય ત્યારે બે હાઈ ચાર્જ ધરાવતી ચીજો વચ્ચેનું પ્રમાણ ઘટી જતાં એના થકી વીજળીનું ધરતીમાં ડિસ્ચાર્જ થવાનું સહેલું થઈ જાય છે. વાદળામાં જ્યારે અતિશય ચાર્જ એકઠો થઈ જાય ત્યારે એને ક્યાંક તો એ ચાર્જ હળવો કરવો જ પડે અને એવા સમયે એને ધરતીનો સંપર્ક જરૂરી બને છે. સામાન્ય રીતે હવાનું બેરિયર આ બેનો સંપર્ક થતાં રોકી રાખે છે, પણ ચાર્જ ખૂબ વધી જાય અને વરસાદ પડતો હોય ત્યારે પાણીના કન્ડક્ટર માધ્યમથી આકાશી વીજળી સહેલાઈથી ધરતી પર આવીને ડિસ્ચાર્જ થાય છે.

વીજળી કડકવાનો અવાજ કેમ આવે?

વીજળી જ્યારે પેદા થાય છે ત્યારે એની ગરમી એટલી વધુ હોય છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે સૂરજની સપાટી પર જેટલું તાપમાન હોય એના કરતાં પાંચથી છ ગણી ગરમી વીજળી કડકે ત્યારે પેદા થાય છે. આ તાપમાન લગભગ ૫૦,૦૦૦ ફેરનહાઇટ જેટલું હોય છે. આવો ગરમ ધગધગતો શેરડો ખૂબ ગતિથી ધરતી તરફ આવે ત્યારે એના રસ્તામાં આવતા આખા માર્ગને પણ ગરમ કરી દે છે. ફિઝિક્સનો નિયમ છે કે ગરમીમાં હવા ખૂબ ઝડપથી સંકુચિત થાય છે. જોકે ઘડીના છઠ્ઠા ભાગમાં એ વહી જતી હોવાથી વાયુમંડળના દબાણને કારણે એ એટલી જ ઝડપથી હવા એક્સપાન્ડ પણ થાય છે. આ હવા એટલી ઝડપથી એક્સપાન્ડ થાય છે કે એ લિટરલી ફાટતી હોય એવો અવાજ આવે અને એટલે વીજળીની સાથે જ ધડાકો પણ આપણને સાંભળવા મળે. અલબત્ત, તમે જોયું હોય તો વીજળી થાય ત્યારે પહેલાં પ્રકાશ આવે છે અને પછી એનો ધડાકો સંભળાય છે. એનું કારણ છે પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં ઘણી વધુ હોય છે. એટલે જ ચમકારા અને ધડાકા વચ્ચેના સમય પરથી પણ જાણી શકાય કે તમે જ્યાં છો એનાથી કેટલે દૂર વીજળી પડી હશે. જેમ કે ચમકારાના પાંચ સેકન્ડ પછી અવાજ સંભળાય તો એક કિલોમીટર દૂર ચમકી હશે અને દસ-વીસ સેકન્ડ પછી સંભળાય તો એ બે-ચાર કિલોમીટર દૂર હોઈ શકે. વીજળી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર સુધી જોવા મળી શકે છે, પણ એનો અવાજ વધુમાં વધુ ૧૫થી ૨૦ કિલોમીટર દૂર સુધી સંભળાય છે.

ક્યાંક વધુ તો ક્યાંક ઓછી?

વીજળી દરેક જગ્યાએ એકસરખી પડતી નથી એનું કારણ શું? વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાદળાંઓમાં જમા થયેલો હેવી ચાર્જ ધરતીના કયા ભાગમાં સમાવા માટે આકર્ષાય છે એ નક્કી કરવા પાછળ પૃથ્વીની જે-તે જગ્યાનું બંધારણ પણ ભાગ ભજવે છે. જમીન વિવિધ પ્રકારનાં રાસાયણિક અને ખનીજ તત્ત્વોની ખાણ છે. એ ઉપરાંત એના પરના ખડકો, પર્વતોમાં પણ પથ્થરમાં ચોક્કસ ખનીજ હોય છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે જે જમીનમાં વધુ મૅગ્નેટિક તત્ત્વો હોય ત્યાં વીજળી વધુ ત્રાટકે છે. ગ્રેનાઇટના ખડકો કે ખાણો હોય ત્યાં પણ વીજળી પડવાનું જોખમ વધી જાય છે.

અમેરિકન મિટિયરોલૉજિકલ સોસાયટીના બુલેટિનમાં પ્રકાશિત નાસાના સંશોધન મુજબ જ્યાં સૌથી વધુ વીજળી પડવાનું પ્રમાણ છે એવા વિશ્વમાં લગભગ ૫૦૦ હૉટસ્પૉટ નોંધવામાં આવ્યા છે. સૌથી વધુ હૉટસ્પૉટ આફ્રિકા ખંડમાં છે. ભારતમાં ઉત્તરા ખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને આંધ્ર પ્રદેશમાં વધુ વીજળીઓ ત્રાટકે છે.

વાવાઝોડા પછી વીજળી

જો વરસાદનો સમય હોય અને વાવાઝોડું આવે તો એ પછી વીજળી ત્રાટકે એવી સંભાવના ઘણી વધી જાય છે. વાવાઝોડા દરમ્યાન વાદળાંમાં મોટી માત્રામાં ઊથલપાથલ થઈ હોય છે એટલે હવાનું ઇન્સ્યુલિન ઘટે અને વાદળાંમાં વધુપડતો ચાર્જ જમા થઈ જાય એવી સંભાવના વધી જાય છે. આકાશમાં વીજળી ચમકતી હોય ત્યારે એ ધરતી પર પડશે કે નહીં એ વીજળીના ચમકારા અને અવાજ વચ્ચેના અંતર પરથી વૈજ્ઞાનિકો નક્કી કરે છે. જો ચમકારા અને અવાજ વચ્ચે ૩૦ સેકન્ડ કરતાં ઓછું અંતર હોય તો સુરક્ષિત જગ્યાએ આશરો લઈ લેવો બહેતર છે.

વૃક્ષ નીચે આશરો ન લેવો

વીજળી પડવાની સંભાવના હોય અને જો એ સમયે તમે ખુલ્લા ખેતર કે મેદાનમાં હો ત્યારે વ્યક્તિએ બે ભૂલ કદી ન કરવી જોઈએ એમ જણાવતાં સાયન્ટિસ્ટ ડૉ. પરેશ વૈદ્ય કહે છે, ‘વીજળી પડે એવી સંભાવના હોય ત્યારે કદી એકલદોકલ વૃક્ષ નીચે આશરો ન લેવો. કેમ કે મોટા ભાગે વૃક્ષ પર જ વીજળી આકર્ષાય એવી સંભાવના વધુ હોય છે. મકાનની અંદર જતા રહેવું આવશ્યક છે. બીજી ભૂલ ખુલ્લા મેદાનમાં એકલા રહેવું. વિશાળ ખુલ્લી જગ્યામાં એક વ્યક્તિ ઊભી હોય તો એના પર વીજળી પડવાની સંભાવના વધી જાય છે. જો નજીકમાં મકાન ન હોય તો ટૂંટિયું વાળીને અને માથું નીચું નમાવીને બેસી જવું જોઈએ.’

૧૦૦ મિલ્યન વૉલ્ટ્સ: હવામાનશાસ્ત્રીઓના અનુમાન મુજબ વીજળીમાં વધુમાં વધુ આટલા વૉલ્ટ્સની શક્તિ હોઈ શકે છે. આટલી પ્રચંડ શક્તિવાળી વીજળી જે વિસ્તારમાં ત્રાટકે ત્યાં જમીનમાં ઊંડો ખાડો પડી જાય એવું સંભવ છે.

૩૬,૭૪૯: આંધ્ર પ્રદેશમાં ૨૦૧૮ની સાલમાં માત્ર ૧૩ કલાકના ગાળામાં આટલી વાર વીજળી પડી હતી.

૪૧,૦૦૦: ૨૦૧૯ની ૧૬ એપ્રિલે ૨૪ કલાકના ગાળામાં ભારતનાં વિવિધ સ્થળોએ આટલી વખત વીજળી ત્રાટકી હતી.

૭૦૦: બ્રાઝિલમાં ૨૦૧૮ની સાલમાં આટલાં કિલોમીટર લાંબી વીજળી નોંધાઈ હતી, જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં અત્યાર સુધીની સૌથી લાંબી વીજળીનું સ્થાન મળ્યું છે. 

વીજળી પડે ત્યારે શું કરવું?

૦ વાવાઝોડું આવ્યું હોય તો એ શમે કે તરત જ બહાર નીકળી ન પડવું. મોટા ભાગે વાવાઝોડા પછીની ૩૦ મિનિટમાં જ વીજળી પડે એવી સંભાવના વધારે હોય છે.

૦ વાદળ ગરજતાં હોય અને તમારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં હોય તો એ વીજળી પડવાનો સંકેત હોઈ શકે છે. એવામાં જો તમે ખુલ્લામાં હો તો જમીનને ઓછામાં ઓછો સંપર્ક થાય એ રીતે હાથને ઘૂંટણ પર રાખીને ઉભડક બેસી જવું.

૦ તમે ઘરમાં હો તો વીજળી કડકતી હોય ત્યારે મોબાઇલ ફોન ન વાપરો. બને તો તમામ ઇલેક્ટ્રિકલ સાધનો બંધ રાખો.

૦ મેદાનમાં એકલા હો તો તરત કોઈ સેફ મકાનમાં ઘૂસી જાઓ. ખુલ્લા મેદાનમાં એકસાથે બધા ભેગા થઈ ન જાઓ, વધુ લોકો હોય તો છૂટાછવાયા રહો.

કોઈના પર વીજળી પડી હોય તો શું કરવું?

૦ વીજળી કોઈ વ્યક્તિ પર પડી હોય તો તરત જ તેને ડૉક્ટર પાસે પહોંચાડો. વીજળી પડેલી હોય એવી વ્યક્તિને અડવાથી તમને કોઈ નુકસાન નથી થવાનું.

૦ ઘણી વાર વીજળી પડવાથી અચાનક હાર્ટ બંધ થઈ જાય એવું સંભવ છે. એવા સમયે  વ્યક્તિને તરત જ સીપીઆર આપવામાં આવે તો તે બચી જાય એવી સંભાવના રહે છે. 

૦ એવું પણ બને કે વીજળી પડવાથી વ્યક્તિનું કોઈ હાડકું ભાંગી ગયું હોય, થોડા સમય માટે સંભળાવાનું કે દેખાવાનું પણ બંધ થઈ ગયું હોય.

૦ વીજળી પડે ત્યારે વ્યક્તિ બે જગ્યાએ દાઝી ગઈ હોય એવું સંભવ છે. એક જગ્યા એ છે જ્યાંથી વીજળીએ શરીરમાં પ્રવેશ કર્યો હોય અને બીજો ભાગ એ કે જ્યાંથી વીજળી નીકળી ગઈ હોય. મોટા ભાગે પગનાં તળિયાં.

સાત-સાત વાર વીજળી પડ્યા પછી પણ આ ભાઈ આબાદ બચ્યા

અમેરિકાના વર્જીનિયામાં શેનેન્ડો નૅશનલ પાર્કના રેન્જર રૉય સુલીવાન નામના ભાઈ દુનિયાની એક અજાયબી સમાન હતા. રૉય પર ૧૯૪૨થી ૧૯૭૭ના સમયગાળા દરમ્યાન ૭ વાર વીજળી પડી હતી. મોટા ભાગે તેઓ રેન્જર સ્ટેશનમાં કામ કરી રહ્યા હોય ત્યારે જ તેમના પર વીજળી ત્રાટકેલી, પરંતુ એક વાર તો રૉય ટ્રકમાં હતા ત્યારે તેમના પર વીજળી પડેલી. એ વખતે ટ્રકનો કેટલોક ભાગ બળી ગયેલો. છેલ્લી વાર તેઓ તળાવમાંથી માછલી પકડી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડેલી. એક વાર તેમના પર વીજળી પડી ત્યારે તેમણે પહેરેલી હૅટમાં કાણું પડી ગયેલું એમ છતાં સાતેય વાર તેઓ આબાદ રીતે બચી ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2020 10:19 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK