કોરોનાવાઇરસની વેક્સિનના વાવડ બસ આવી પૂગ્યા છે. ડ્રાય રન, પહેલો તબક્કો, બીજો તબક્કો, કયા વેક્સિનની કેટલી એફિકસી વગેરે વાતો હવે આપણે ચાની ચૂસ્કીઓ અને કાયમી પાના ગલ્લા પર ટોળે વળીને કરવા માંડ્યા હોઇશું. હા, સોશ્યલ ડિસ્ટન્સિંગ આપણે જાણીએ છીએ પણ નથી જાણતા એવું છે એટલે ટોળે વળવા વાળું રાખ્યું. જો કે આપણે હજી એવી ચર્ચાઓ પણ ચાલુ કરવાની છે, “ભારત બાયોટેકની વેક્સિન લેવાના?” કે ”કોવિશિલ્ડ કે કોવેક્સિન – શેમાં જવા જેવું છે?” આ બધી વાતોની વચ્ચે એક નામ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે અને તે છે આદર પૂનાવાલા. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના આ સીઇઓનું નામ અને ચહેરો સમાચારોમાં સતત ઝળક્યા કરે છે. શાર્પ ફિચર્સ વાળો ચહેરો, કોર્પોરેટ અટાયર્સમાં સજ્જ આદરના ઘણાં ઇન્ટરવ્યુઝ આપણે હજી સુધી જોઇ લીધા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારત માટે એસ્ટ્રાઝેનેકા ઑક્સફર્ડ વેક્સિન કોવિશિલ્ડ તૈયાર કરી રહ્યું છે ત્યારે દેશની આ સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની વિશે જાણવું રસપ્રદ રહેશે.
મે મહિનામાં આપણે જ્યારે હજી વાસણ માંજી રહ્યા હતા અને વાઇરસ આ જન્મમાં જશે કેમ એવા અસ્તિત્વલક્ષી સવાલો પર વિચાર કરવો જોઇએ કે કેમ એવી ભાંજગડમાં હતા ત્યારે પુનાના સિરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના કોલ્ડ રૂમમાં સ્ટીલનું બૉક્સ પહોંચ્યુ હતું. એ બૉક્સમાં ઑક્સફર્ડની વેક્સિનની એક વાયલ હતી. ૧ મિલીલિટરની એ વાયલ એટલે કે કસનળીમાં વિશ્વના સૌથી પ્રોમિસિંગ કોરોનાવાઇરસ વેક્સિનનું કોષિય મટિરીયલ હતું જે ઇંગ્લેન્ડથી અહીં પહોંચ્યું હતું. આ વાયલમાં જે હતું તેને બહાર કાઢીને સિરમ ઇન્સ્ટિટ્યૂટની લૅબમાં તેની પર પ્રયોગો શરૂ થયા, વિટામિન્સ, ગ્લુકોઝ વગેરે ઉમેરવામાં આવ્યા જેથી કાળમુખા કોરોનાવાઇરસને નાથવાનો કોઇ રસ્તો જડી શકે.
જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં આ શરૂઆત થઇ તે ભારતના એક ધનાઢ્ય પારસી પરિવારના વારસગત ઉદ્યોગનું વર્તમાન સ્વરૂપ છે. ૧૯મી સદીમાં પૂનાવાલાના પૂર્વજ પૂનાની એક ક્લબમાં બ્રિટીશ ઑફિસર્સ માટે બિલયર્ડ માર્કર તરીકે કામ કરતા હતા. ગ્લાસિઝ રિફીલ કરવા, બિલિયર્ડ્ઝના બૉલ્સ કલેક્ટ કરવા અને સ્કોર્સ નોંધવાનું કામ કરનારા શખ્સને કોન્ટેક્ટ બનાવવાની ફાવટ હતી જેને પગલે સમય જતાં તે જમીનોના મોટા હિસ્સાનો માલિક બન્યો અને આમ તેને પૂનાવાલા નામ પણ મળ્યું. એક રિપોર્ટમાં પોતાના પરિવારનાં મૂળિયાં અંગે આવેલી આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે આદર પૂનાવાલાને નથી ખબર પણ તેને જાણ છે કે તેમના દાદાને ચૌદ સંતાનો હતા, જેમાંના તેના પિતા સાયરસને ૪૦ એકર જમીન મળી. આ જમીન પર સાયરસ પૂનાવાળાએ ઘોડાઓનું પાલન અને ઉછેર શરૂ કર્યાં. સ્ટડ ફાર્મ અને રેસિંગનું ભવિષ્ય હંમેશા દડબડતું નહીં રહે તેનો ક્યાસ આ પારસી બિઝનેસમેનને આવ્યો અને તેમણે મુંબઇની એક સરકારી સંસ્થામાં ઘોડા વેચવાનું શરૂ કર્યું જ્યાં ઘોડાનાં બ્લડ સિરમમાંથી ધનૂરના એન્ટિ ટોક્સિન અને સર્પદંશના મારણ બનતા. જે રીતે ધીરૂભાઇ અંબાણીએ રિવર્સ એન્જિનિયરિંગ શરૂ કર્યું, તે રીતે સાયરસ પુનાવાલાને થયું કે ઘોડા વેચવા એના કરતાં તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ જ સ્થાપવામાં સાર છે. ૧૯૯૬માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું અને જે જમાનામાં સતત વેક્સિન્સ શોધાતાં તે સમયે આ ઇન્સ્ટિટ્યૂટે ગતિ પકડી. ૭૯ વર્ષનાં સાયરસ પૂનાવાલા અત્યારે દેશના છઠ્ઠા સૌથી ધનિક શખ્સ છે.
૯૦ના દાયકામાં તેમણે દિકરાના કેન્ટરબરીની સેઇન્ટ એડમંડ હાઇસ્કૂલમાં ભણવા મોકલ્યો, જેણે બાદમાં વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી. વિદેશની ડિગ્રી, ઘરનાં બિઝનેસનો અનુભવ આ તમામ સાથે કુશળતાથી આદર પૂનાવાલાએ ઇન્ટરનેશનલ માર્કેટ વિકસાવ્યું. ધારદાર બિઝનેસ સ્ટ્રેટેજીને પગલે સિરમ ઈન્સ્ટિટ્યૂટનો પ્રસાર થયો. સમયાંતરે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારતનાં સૌથી મોટા વેક્સિન ઉત્પાદક તરીકે સ્થાપિત થઇ ગયું. ૨૦૨૦ની શરૂઆતમાં આ ઇન્સ્ટિટ્યૂટમાં પોલિયો, ધનુર, ડિફ્થેરિયા, હેપેટાઇટિસ બી વગેરેની વેક્સિનનાં ૧.૫ બિલિયન ડૉઝિસ વર્ષે બનતા. દૂરંદેશી સમજ ધરાવતા પૂનાવાલાએ વેક્સિન ડેવલપ થાય તેની રાહ જોવાને બદલે ઉત્પાદન ક્ષમતાઓ વિસ્તારીને ૨.૫ બિલિયન પ્રતિ વર્ષ કરી દીધી. યુરોપથી નવા મશીન્સ મંગાવાયા જેનાથી એક મિનીટમાં ૫૦૦ કસનળીમાં દ્રાવણ ભરી શકાય. ૬૦૦૦ના સ્ટાફમાં બીજા ૭૦૦ જણા ઉમેરાયા. આ બધું આદર પૂનાવાલાએ ત્યારે કર્યું જ્યારે હજી કયું વેક્સિન પહેલા બનશે અથવા તો આ વર્ષે તે બનશે કે કેમ તેની કોઇ ખાતરી નહોતી. હવે જ્યારે વેક્સિન વાઘાં પહેરીને તૈયાર છે ત્યારે આદર પૂનાવાલાની આ દૂરંદેશી લેખે લાગશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
અહીં તૈયાર થનાર વેક્સિન ભારત સહિત અને મોટાભાગના આફ્રિકાના ૬૫થી વધુ વિકાસશીલ દેશોમાં પહોંચાડાશે. તેઓ ૩ ડૉલર્સમાં જ આ વેક્સિન વેચશે અને તે માંડ ઉત્પાદનના ખર્ચને પહોંચી વળશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વધુ એક ધનાઢ્ય પરિવારના વિકાસની વાત છે. દેશના અનેક સફળ બિઝનેસિઝની માફક આ પણ પરિવાર સંચાલિત બિઝનેસ છે અને માટે જ અહીં નિર્ણયથી માંડીને રિસ્ક્સ ઝડપથી લેવાય છે. આદર પૂનાવાલા માને છે કે આગામી પાંચ-સાત વર્ષ તે હજી કોરોનાવાઇરસને નાથવાની વેક્સિનનું ઉત્પાદન કરશે કારણકે આજે ઇમ્યૂન થયેલી પેઢી ભવિષ્યમાં સંક્રમણને મામલે વધુ સંવેદનશીલ હોઇ શકે છે. આ છે આદર પૂનાવાલા અને સિરમ ઇન્સ્ટિટ્યૂટના કામની અને તેની પહોંચની એક ઝલક. પારસીઓની દૂરંદેશી સમજનો આ વધુ એક બોલતો પુરાવો છે.
બાય ધી વેઃ આદર પૂનાવાલાની હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ પણ ચર્ચાનો વિષય રહી છે. તેમના પ્લેન્સ, હેલિકૉપ્ટર્સ, પત્ની નતાશા પૂનાવાલાની બૉલીવુડ સર્કલ્સમાં બોલબાલા તો કોઇપણ અમીર પરિવાર માટે સામાન્ય બાબતો છે. આદર પૂનાવાલાની ઑફિસ એક રિફર્બિશ કરાયેલા પ્લેન એરબસ એ૩૨૦માં બનેલી છે. તેમની પાસે વિશ્વનાં પ્રતિષ્ઠિત આર્ટિસ્ટ્સનાં ઓરિજિનલ પેઇન્ટિંગ્ઝ છે જેમાં પિકાસો અને સિલ્વેડોર ડાલીનો સમાવેશ પણ થાય છે. ગ્લેમરસ પત્ની નતાશા સાથે આદરની મૂલાકાત વિજય માલ્યાની ગોઆમાં થયેલી પાર્ટીમાં થઇ હતી. નતાશા પૂનાવાલા સિરમ ઇન્સ્ટિટ્યૂટના ચેરિટેબલ શાખા વિલૂ પૂનાવાલાની કામગીરી સંભાળે છે.
(આ લેખ 10 જાન્યુઆરીના રોજ ગુજરાત મિત્રમાં અને બાદમાં ઓપિનિયન મેગેઝિન યુકેમાં પ્રકાશિત થયો હતો)
૯૨ દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી
22nd January, 2021 14:01 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 ISTવડા પ્રધાન મોદી બીજા તબક્કામાં મુકાવશે રસી
22nd January, 2021 13:18 ISTભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી
22nd January, 2021 13:09 IST