Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દીવારોં સે મિલકરથી લઈને ભૂલી બિસરી યાદોં સુધી

દીવારોં સે મિલકરથી લઈને ભૂલી બિસરી યાદોં સુધી

01 April, 2020 03:34 PM IST | Mumbai
Pankaj Udhas

દીવારોં સે મિલકરથી લઈને ભૂલી બિસરી યાદોં સુધી

પકંજ ઉધાસ

પકંજ ઉધાસ


મારી પોતાની ગઝલમાંથી મને ગમતી હોય એવી ટૉપ ટેન ગઝલ.

અઘરું કામ હતું આ. માત્ર મારે માટે જ નહીં, પણ કોઈ પણ સર્જક માટે, કલાના ક્ષેત્ર સાથે જોડાયેલી અન્ય કોઈ પણ વ્યક્તિ માટે આવી જ દ્વિધા ઊભી થાય. હરિવશંરાય બચ્ચનની આત્મકથાનું ટાઇટલ આ દુવિધા સાથે એકદમ બંધબેસતું કહેવાય. ક્યા ભૂલું, ક્યા યાદ કરું. દરેક ગઝલ મનથી, દિલથી અને પૂરી શ્રદ્ધાથી તૈયાર કરી હોય. દરેક ગઝલ ચાહક વધાવે એવી ભાવના પણ મનમાં હોય અને એ પછી પણ કેટલીક ગઝલ ચાહક સુધી ન પહોંચી શકે એવું પણ બને તો અમુક ગઝલ ગઝલપ્રેમીઓ ખૂબ વધાવી લે અને દસકાઓ સુધી એની માગ થયા કરે એવું પણ બને. ૪૦ વર્ષની આ સંગીતસફર દરમ્યાન સેંકડો ગઝલો ગાઈ, અમુક ગઝલોમાં તો એવું પણ થયું કે બધી તૈયારી કરી લીધી હોય અને એ પછી એને ડ્રૉપ કરવાનો વારો આવ્યો હોય. તમને અગાઉ કહ્યું છે એમ, શેખાદમ આબુવાલા સાથે એક ખાસ આલબમ તૈયાર કરવાની ભાવના હતી, પણ એવું બને એ પહેલાં મિત્ર શેખાદમે વિદાય લીધી અને એ સપનું અધૂરું રહી ગયું. ૪૦ વર્ષની સંગીતની આ સફર દરમ્યાન ઘણી એવી ગઝલોની રચના પણ થઈ જે ગઝલ તો અમર થઈ જ, પણ એ ગઝલની રચના સમયની વાતો પણ એક ઇતિહાસનું સર્જન કરી ગયું.



મારી પોતાની ગઝલમાંથી મને ગમતી હોય એવી ટૉપ ટેન ગઝલ.


હું ટાળતો રહ્યો અને માગણી થતી રહી. થતી રહેલી આ માગણીનો અસ્વીકાર કરવા પાછળની એક ભાવના તો એ હતી કે અજાણતાં જ ક્યાંક કોઈ ગઝલને અન્યાય ન કરી બેસું, પણ અમેરિકાથી ૧૦ દિવસ પહેલાં પાછા આવ્યા પછી ક્વૉરન્ટીન અવસ્થામાં આ પ્રશ્ન ફરી સામે આવ્યો અને મારી સામે આખો દેશ આવી ગયો. કોરોના વાઇરસને કારણે આજે જ્યારે આખો દેશ લૉકડાઉન અવસ્થામાં ઘરમાં બંધ છે ત્યારે ગઝલચાહકો માટે આટલું તો કરવું જ રહ્યું એવું ધારી-વિચારીને મારી જ ગાયેલી ગઝલોમાંથી મારી ટૉપ ટેન ગઝલો કઈ એની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું, જેથી ચાહકો સાથે આ પ્રકારનું એક અનુસંધાન જોડી શકું.

મારી જ ગાયેલી અને મને ગમતી હોય એવી ટૉપ ટેન ગઝલમાં સૌથી પહેલા નંબરે આવે ‘દીવારોં સે મિલકર રોના અચ્છા લગતા હૈ, હમ ભી પાગલ હો જાએંગે ઐસા લગતા હૈ...’ આ ગઝલના શાયર છે કૈસર ઉલ ઝાફરી. આ ગઝલની માગણી આજે પણ કૉન્સર્ટ દરમ્યાન અચૂક થાય જ. કૉન્સર્ટના લિસ્ટમાં હોય તો પણ મને ચારથી પાંચ ફરમાઈશ આવે જ આવે અને ગઝલ રજૂ કરી લીધા પછી વન્સમોર પણ આવે. ગઝલના સરળ અને સહજ શબ્દોએ એની ભાવનાને તીવ્રતા આપવાનું કામ કર્યું છે તો ગઝલની સાદગી અંદર સુધી ઊતરી જાય એવી તીક્ષ્ણ અને ધારદાર છે.


બીજા નંબરે આવે છે,

‘દુખ-સુખ થા એક સબકા,

અપના હો યા બેગાના...’

આ ગઝલના શાયર હતા ઝફર ગોરખપુરી. આ ગઝલ વિશે અત્યારે અહીં વધારે વાત નથી કરતા, કારણ કે આપણે આ ગઝલ વિશે લંબાણપૂર્વક વાત હજી હમણાં જ કરી છે. આ ગઝલ પહેલાં કયા ફોર્મમાં હતી અને એ પછી એ ગઝલમાં અલગ-અલગ જનરેશનને કેવી રીતે લઈ આવવામાં આવી એ બધી વાતો આપણે કરી છે. મારી ગાયેલી ગઝલમાં ત્રીજા ક્રમે આવે મુમતાઝ રાશિદની ગઝલ.

‘પત્થર સુલગ રહે થે કોઈ નક્શ-એ-પા ન થા,

હમ જીસ તરફ ચલે થેં ઉધર રાસ્તા ન થા.

આ ગઝલની પણ સૌથી બેસ્ટ વાત જો કોઈ હોય તો એ છે એની સાદગી. હું કહીશ કે ગીત કે ગઝલના શબ્દોમાં જેટલી સરળતા હશે, જેટલી સહજતા હશે એટલી જ સરળતાથી વાત શ્રોતા સુધી પહોંચશે. તમે જુઓ પહેલાંના સમયનાં ગીતો. ઇન્દિવર, મજરૂહ સુલતાનપુરી, આનંદ બક્ષી, સાહિર લુધિયાનવી જેવા ગીતકારોનાં ગીતોમાં કેટલી સાદગી હતી. એ સાદગીએ જ એ ગીતોને અમર બનાવ્યાં છે.

આપણે ફરી આવીએ આપણી ટૉપ ટેન ગઝલ પર. મેં જ ગાયેલી મારી ગઝલોમાંથી મારી ફેવરિટ ટૉપ ટેન ગઝલમાં ચોથા નંબરે નિદા ફાઝલીની ગઝલ. જેના શબ્દો છે

‘દીવારોં દર સે ઉતરકર પરછાઇયાં બોલતી હૈ, કોઈ નહીં બોલતા તબ તન્હાઈયાં બોલતી હૈ...’

પાંચમા નંબરે ગઝલ નહીં, એક ગીત છે. મારી કરીઅરમાં એ ગીતે બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એ ગીતના રચયિતા એક નહીં, બે છે. કતિલ શિફાઈ અને મુમતાઝ રાશિદ. ગીતના શબ્દો છે ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ આ ગીતની રચના અને એનું સર્જન કેવી રીતે થયું એના વિશે પણ આપણે અગાઉ વાત કરી છે. આ ગીત પાછળ ઓછામાં ઓછા ૬ મહિના લાગ્યા હતા અને એ પછી એ તૈયાર થયું હતું. મેં કહ્યું છે અગાઉ કે કતિલ શિફાઈ પાકિસ્તાન રહે અને આ તેમની મૂળ રચના. મુમતાઝ રાશિદ બહુ પછીથી એમાં જોડાયાં અને આ ગીત સૌથી પહેલી વાર મેં લંડનના આલ્બર્ટ હૉલમાં રજૂ કર્યું, પણ એ પછી એ દુનિયાભરમાં બહુ પૉપ્યુલર થયું.

ટૉપ ટેનમાં છઠ્ઠા ક્રમે આવે છે પદ્‍મભૂષણ રાઇટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર ગુલઝારસાહેબની લખેલી ગઝલ, જે મારા છેલ્લા આલબમ ‘નાયાબ લમ્હેં’માં છે. ગુલઝારસાહેબ સાથે કામ કરવું એ લહાવો છે, ઈશ્વરીય તક છે. આ તક માટે મેં વર્ષો સુધી રાહ જોઈ અને અંતે મારું એ સપનું પૂરું થયું. હું કહીશ કે ગુલઝારસાહેબનો હું બહુ મોટો ફૅન છું. તેમની ફિલ્મી રચનાઓથી માંડીને તેમનું સાહિત્ય અને તેમની નૉન-ફિલ્મી રચનાઓ પણ મેં ખૂબ વાંચી છે. તેઓ નિઃસંદેહ એક લેજન્ડ છે.

‘ના જાને કહાં છોડ આયે વો શખ્સ, જિસે હમ જાનતે થે...’

સાતમા નંબરે આવે છે ‘ઝીલ મેં ચાંદ નઝર આયે થી હસરત ઉસકી,  કબ સે આંખોં મેં લિયે બેઠા હું સૂરત ઉસકી...’

મુમતાઝ રાશિદની આ રચના છે. મુમતાઝ રાશિદની આ રચના આજે પણ કૉન્સર્ટમાં ડિમાન્ડમાં રહે છે. ખરું કહું તો આ બધી ગઝલની ડિમાન્ડ કૉન્સર્ટમાં હોય છે, પણ હું એના વિશે ખાસ કહી રહ્યો છું જે ગઝલ લોકોને પણ કંઠસ્થ થઈ ગઈ હોય. આઠમા નંબરે આવે છે નવી જનરેશનમાં ખૂબ પૉપ્યુલર થયેલા શાયર રાજેશ રેડ્ડીની રચના...

‘યહાં હર શખ્સ હર પલ હાદસા હોને સે ડરતા હૈ...’

નવમા સ્થાને મારા અઝીઝ મિત્ર એવા જનાબ શેખાદમ આબુવાલાની રચના...

રોને કા તો આલમ ઐસા થા કિ હમ ઝૂમકર સાવન તક પહોંચે.

શેખાદમ ગુજરાતી હતા એમ છતાં તેમનો ઉર્દૂ પર જે કમાન્ડ હતો એ અકલ્પનીય હતો. ઉર્દૂ ઉપરાંત અંગ્રેજી પર પણ તેમનું પ્રભુત્વ ખૂબ સરસ. શેખાદમ માટે હું કહીશ કે ગુજરાતી સાહિત્યપ્રેમીઓએ તેમની કદર કરવામાં મોડું કર્યું અને આપણે એક ઉમદા વ્યક્તિ, અવ્વલ દરજ્જાના સાહિત્યકાર અને શ્રેષ્ઠ સર્જક ગુમાવી દીધા.

ટૉપ ટેનમાં દસમા સ્થાને છે મુમતાઝ રાશિદની ગઝલ,

‘ભૂલી બિસરી યાદોં કી કિરનોં કો સજાકર રોયે હૈં...’

આ ટૉપ ટેન સાથે મારે એક નાનકડી

સ્પષ્ટતા કરવી છે. કોઈ ક્રમ આ મુજબ નથી. ગણતરીની ભાવાર્થ સાથે એક, બે, ત્રણ નંબર આપવામાં આવ્યા છે. આ બધી ગઝલો મારી ફેવરિટ છે, પસંદીદા છે અને મને અનહદ વહાલી છે, તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે અન્ય ગઝલો પણ મને એટલી જ પ્રિય છે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 03:34 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK