Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટકો મૂંડો ટાઉં ટાઉંની સર્જનપ્રક્રિયા જાણવાનો સમય આવી ગયો છે

ટકો મૂંડો ટાઉં ટાઉંની સર્જનપ્રક્રિયા જાણવાનો સમય આવી ગયો છે

26 November, 2019 02:17 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ટકો મૂંડો ટાઉં ટાઉંની સર્જનપ્રક્રિયા જાણવાનો સમય આવી ગયો છે

યે દોસ્તીઃ મારા પહેલા રાઇટર-સાથી સતીશ રાણાનાં લગ્નમાં હું.

યે દોસ્તીઃ મારા પહેલા રાઇટર-સાથી સતીશ રાણાનાં લગ્નમાં હું.


ટપુદાસ કોલસાવાળા સ્કૂલના ટ્રસ્ટી, બહુ પ્રામાણિક અને સેવાભાવી વ્યક્તિ. એક ગુંડો જેને આ સ્કૂલની જમીનમાં રસ પડ્યો. તે ત્યાં કસીનો અને બાર બનાવવા માગતો હતો. તેણે ટપુદાસ પાસે પહેલાં સીધી રીતે અને પછી ધાકધમકીથી જગ્યા માગી, પણ ટપુદાસ માન્યા નહીં એટલે ગુંડાએ ટપુદાસનું મર્ડર કરી નાખ્યું. હવે સ્કૂલ અને બાળકોનું ભવિષ્ય બચાવવા ટપુદાસ ભૂત બનીને આવ્યા. ટપુદાસનું ભૂત સ્કૂલમાં ફર્યા કરે, જ્યારે કોઈ સ્કૂલને વેચવા માટેના પ્રયત્ન કરે ત્યારે તે એમાં વિઘ્નો નાખે અને બાજી બગાડે. ભૂતનો હેતુ હતો કે કોઈ પણ હિસાબે બાળકોને વિદ્યા આપતા આ મંદિરને નુકસાન ન થાય. ટપુદાસના ભૂતની એક ખાસિયત હતી કે એ માત્ર બાળકોને જ દેખાતું. ભૂત અને બાળકો કેવી રીતે સ્કૂલ હડપ કરવા માગતા ગુંડાને ભગાડે છે એની વાત ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’માં હતી.
નાટકમાં ઘણાબધા સેટ હતા. સેટ-ડિઝાઇન માટે અમે પ્રદીપ પાલેકરનો કૉન્ટૅક્ટ કર્યો. પ્રદીપ પાલેકરે ખૂબ સરસ સેટ બનાવ્યા હતા. એ સમયે પ્રદીપ પાલેકર સેટ-ડિઝાઇનર તરીકે ઊભરી રહ્યો હતો. થોડાંઘણાં નાટકોના સેટ તેણે બનાવ્યા હતા. પ્રદીપે ત્યાર બાદ નાટક-ઇન્ડસ્ટ્રી છોડી દીધી. અત્યારે તે ક્યાં છે એની મને ખબર નથી, પણ હું એટલું ચોક્કસ કહીશ કે છેલ-પરેશવાળા છેલભાઈના અવસાન પછી સેટ-ડિઝાઇનિંગમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. કદાચ તે એને પૂરી શકે. ફરી આપણે આવીએ ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’ નાટક પર.

મિત્રો, એક વાત યાદ રાખજો કે બાળનાટકમાં ગીતો અનિવાર્ય છે, કારણ કે બાળકોને જેટલી મજા ઍક્શનમાં આવે છે એટલી જ ગીતોમાં પણ મજા આવતી હોય છે. ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’નાં ગીતો માટે અમે રજત ધોળકિયાનો સંપર્ક કર્યો. રજત મારો ખૂબ જૂનો મિત્ર, રજતે જ મારા નાટક ‘છેલ અને છબો’માં મ્યુઝિક આપ્યું હતું. હું અને રજત નિયમિત મળતા એટલે તેને મ્યુઝિક આપવા માટે મનાવવાનું કામ મારા માટે અઘરું નહોતું. રજતને વાત કરી, સિચુએશન સમજાવી અને રજતે નાટક માટે હા પાડી. રજત ધોળકિયા આજે જાહેરખબરોનાં જિંગલોની દુનિયામાં ખૂબ મોટું નામ છે. જાહેરખબરની જિંગલ બનાવવાનું કામ એ રીતસર ફૅક્ટરીની જેમ કરે છે. દર બીજી ઍડ્માં તેની કમ્પોઝ કરેલી જિંગલ હોય છે. ટીવી-સિરિયલના અનેક ટાઇટલ-ટ્રૅક પણ તેણે બનાવ્યા અને એ પૉપ્યુલર પણ થયા. કોઈક કારણસર એ ફિલ્મોમાં મ્યુઝિક નથી આપતો, પણ રજતને હું ગુજરાતી એ. આર. રહમાન માનું છું. તે એટલો ટૅલન્ટેડ છે.



હવેનાં વર્ષોમાં મારો રજત સાથે એટલો સંપર્ક નથી, ક્યારેક કોઈ પાર્ટીમાં અલપઝલપ મળી જાય કે ઍરપોર્ટ પર મળી જાય તો થોડીઘણી વાતો થઈ જાય છે. એ મળે ત્યારે પણ હું તેને કહેતો હોઉં છું અને અત્યારે લેખિતમાં પણ કહું છું કે રજત ધોળકિયાએ ફિલ્મોમાં મ્યુઝિક આપવું જોઈએ. નાટકનાં ગીતો લખવાનું કામ અમે મિહિર ભુતાને સોંપ્યું. મિહિર એ વખતે પ્રમાણમાં નવો હતો અને મારું તેની સાથે સારું ટ્યુનિંગ હતું. નાટકમાં ચાર ગીતો હતાં. અમે લોકો ભાંગવાડીમાં રિહર્સલ્સ કરતા. રજત અને મિહિર અનુક્રમે સાંતાક્રુઝ અને પાર્લામાં રહેતા. મિહિરે મને સવારે ટાઇટલ ગીતનું મુખડું ફોન પર લખાવી દીધું હતું. એ મુખડું મેં રજતને ફોન પર લખાવી દીધું અને બેઉ જણને સાંજે રિહર્સલ્સમાં આવવાનું કહ્યું. રજતે સાંતાક્રુઝથી બસમાં આવતાં-આવતાં એની ધૂન બનાવી નાખી અને એનાં નોટેશન્સ બસની ટિકિટ પર લખ્યાં હતાં. આવીને તેણે મને ગીતની પહેલી બે લાઇન સંભળાવી અને મેં તરત જ ઓકે કરી. ત્યાર બાદ મિહિરે આવીને બાકીના ત્રણ અંતરા લખી આપ્યા.


હવે આવીએ આપણે ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’ના કાસ્ટિંગની વાત પર. ગયા અઠવાડિયે મેં તમને કહ્યું એમ, ટપુદાસનું કૅરૅક્ટર દિન્યાર કૉન્ટ્રૅક્ટર કરતા હતા. દિન્યારભાઈનો એ જમાનો હતો, પણ મારે તેમની સાથે બહુ જૂનો સંબંધ. તેઓ મને પહેલેથી જ ઓળખે અને અમારે ભાઈબંધી પણ બહુ સારી. અમારે એકબીજાને તુંકારે બોલાવવાના સંબંધ હતા. એ સમયે દિન્યાર ગુજરાતી કમર્શિયલ નાટકમાં ખૂબ વ્યસ્ત રહેતા, પણ બાળનાટકોને કમર્શિયલ નાટકોના ટાઇમિંગ નડતા નહોતા, કાં તો અમારા શો શનિવારે ચાર વાગ્યે હોય અને કાં તો રવિવારે સવારે દસ વાગ્યે હોય અને આ બન્ને સમય એવા જેમાં કમર્શિયલ નાટક હોય નહીં એટલે દિન્યારે વાર્તા સાંભળીને અમને નાટક માટે હા પાડી. ડૉક્ટર સી. કે. શાહના ત્રણ દીકરા સુરીન, મિહિર અને હિરેન તો કાસ્ટમાં નક્કી જ હતા; પણ એ સિવાય પણ બીજાં ઘણાં બાળકોનું કાસ્ટિંગ થયું.

મને અત્યારે એ બધાનાં નામ યાદ નથી અને કોઈની સાથે સંપર્ક પણ નથી, પણ હા, ડૉક્ટરસાહેબના દીકરાઓ સાથે હું હજી પણ સંપર્કમાં છું. ત્રણેત્રણ દીકરાઓ મોટા થઈને ડૉક્ટર બનશે એવું મને એ સમયે લાગ્યું હતું અને બન્યું પણ એવું જ. સૌથી મોટો સુરીન અત્યારે પેથોલૉજિસ્ટ છે અને પોતાની લૅબોરેટરી ચલાવે છે. બીજા નંબરનો મિહિર આઇ-સ્પેશ્યલિસ્ટ છે. મને જ્યારે પણ આંખમાં કોઈ પ્રૉબ્લેમ થાય ત્યારે હું મિહિર પાસે જાઉં છું. કહેવાની જરૂર નથી કે તે આજે પણ મારી પાસે કોઈ પ્રકારની ફી લેતો નથી. વાત સૌથી નાના દીકરા હિરેનની. હિરેન એક ટ્રેઇન ઍક્સિડન્ટમાં ગુજરી ગયો. હિરેનના અકાળે અવસાને ડૉક્ટર સી. કે. શાહ અને હીરાબહેનને તોડી નાખ્યાં. મને પણ જ્યારે-જ્યારે એ દિવસો યાદ આવે ત્યારે હિરેન બહુ યાદ આવે.


આગળ વાત કરીએ. બાળકોના ટીચરના રોલમાં કાસ્ટિંગ અમી ત્રિવેદીનું થયું, જે મેં તમને ગયા અઠવાડિયે કહ્યું, તો નાટકના મેઇન વિલનના કૅરૅક્ટરમાં તીરથ વિદ્યાર્થી કાસ્ટ થયો. આ ઉપરાંત બાબુલ ભાવસાર પણ એક નાનકડા રોલમાં હતો.

નાટકના લેખનની તમને થોડી વાત કરું. હું અને સતીશ રાણા બન્ને ‘સી’ વૉર્ડમાં રહીએ. હું ખેતવાડીની દસમી ગલીમાં અને સતીશ કુંભારવાડામાં રહે. બેઉનાં ઘર નજીક એટલે એ રાતે ચાલતો-ચાલતો મારા ઘરે આવે અને પછી અમે બન્ને ચાલતાં-ચાલતાં ચોપાટી જઈએ. ચોપાટીથી ઘોડાગાડી કરીને અમે નરીમાન પૉઇન્ટ પહોંચીએ. રસ્તામાં સીનની ચર્ચા કરીએ. નરીમાન પૉઇન્ટ પહોંચ્યા પછી સીધા ઑબેરૉય સેરેટનની કૉફી શૉપમાં જઈએ. ત્યાં બેસીને કૉફી ઑર્ડર કરવાની. ૮ રૂપિયાની એક કૉફી આવતી, જેના બદલામાં આખી રાત તમને ત્યાં બેસવા મળે. અમે ફાઇવસ્ટાર એવી ઑબેરૉયમાં બેસીએ અને ‘ટકો મૂંડો ટાંઉ ટાંઉ’ની લેખનપ્રક્રિયા કરતા રહીએ.

ambica

આઇસક્રીમના બાદશાહ : જો ઑથેન્ટિક ટેસ્ટના આઇસક્રીમનો સ્વાદ માણવો હોય અને જો મહેસાણા જવાનું બનતું હોય તો અંબિકા કોલ્ડડ્રિન્ક્સનો આઇસક્રીમ એક વાર ચાખજો.

ફૂડ ટિપ્સ

હમણાં અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’નો શો મહેસાણામાં હતો. નાટક માટે અમે મહેસાણા ગયા. આ મહેસાણાનાં ભાખરી-શાકની ફૂડ-ટિપ હું તમને આપી ચૂક્યો છું એટલે બીજી કોઈ આઇટમ મને યાદ આવતી નહોતી જે મહેસાણામાં પૉપ્યુલર હોય. વિચાર્યું હતું કે મહેસાણાને બદલે બીજા કોઈ શહેરની ફૂડ-ટિપ કરીશું. સાંજે પહોંચ્યા મહેસાણા. ટાઉન હૉલમાં અમારો શો હતો, પણ મહેસાણા પહોંચ્યા પછી બધાને મન થયું કે આપણે દેશી કહેવાય એવી પેલી ગોટી-સોડા પીવા જઈએ. અમે ટાઉન હૉલ પાસેની ગલીમાં જ સોડા પીવા માટે ગયા. એ ગલીમાં અંબિકા કોલ્ડડ્રિન્ક્સ નામની એક દુકાન, તેમના માલિક ઓળખી ગયા એટલે તેમણે મને આઇસક્રીમ ખાવા આમંત્રણ આપ્યું, પણ આપણી ઇચ્છા તો સોડાની એટલે મેં ના પાડી, પણ અંબિકા કોલ્ડડ્રિન્ક્સના ગોપાલભાઈ મિત્તલે આગ્રહ કર્યો કે એક વાર ટેસ્ટ તો કરો. થોડી વાત પરથી લાગ્યું કે તેઓ મારા નાટકના ફૅન છે એટલે તેમના આમંત્રણને માન આપીને હું ગયો તો તેમણે આઇસક્રીમની લાઇન લગાવી દીધી.

શું અદ્ભુત ટેસ્ટ હતો. માવામલાઈ આઇસક્રીમ તો અદ્ભુત હતો જ પણ એ પછી જે ફ્રૂટ આઇસક્રીમનો ટેસ્ટ કર્યો છે એણે તો ખરેખર દિલ ખુશ કરી દીધું. જાંબુનો આઇસક્રીમ, મેં અગાઉ આ આઇસક્રીમ ખાધો છે, પણ આ આઇસક્રીમનો ટેસ્ટ એકદમ જુદો અને અદ્ભુત હતો. એ ઉપરાંત આદું, ચીકુ, બનાના, ટેન્ડર કોકોનટ અને અગાઉ મેં ક્યારેય નહોતો ખાધો એવો તુલસીનો આઇસક્રીમ, આ આઇસક્રીમમાં રીતસર તુલસીનાં પાન ખાવામાં આવે. અદ્ભુત ટેસ્ટ. જામફળનો આઇસક્રીમ પણ મેં પહેલી વાર ટેસ્ટ કર્યો. આ આઇસક્રીમ સાથે મસાલો આપવામાં આવે. આખું જીરું શેકીને એનો ભૂકો કરી એમાં મીઠું અને લાલ મરચું નાખી જે પાઉડર તૈયાર થાય એ આ જામફળના આઇસક્રીમ પર નાખીને ખાવાનો. સિમ્પ્‍લી સુપર્બ આઇસક્રીમ. મિત્રો, આપણા મુંબઈના નૅચરલ આઇસક્રીમને ટક્કર મારે એવા આ બધા આઇસક્રીમની મજા જ કંઈક ઑર હતી. ગોપાલભાઈ સાથે વાત થઈ ત્યારે તેમણે મને કહ્યું કે આ આઇસક્રીમમાં માત્ર દૂધ અને સાકરનો ઉપયોગ થાય છે. આઇસક્રીમમાં કસ્ટર્ડ પાઉડર કે આરા લોટનો સહેજ પણ ઉપયોગ થતો નથી.

આ પણ વાંચો : પૉલ્યુશન પુરાણ : કહો જોઈએ, દિલ્હીનું આકાશ સાફ થયા પછી તમે સૌએ શું કર્યું?

આઇસક્રીમમાં કસ્ટર્ડ કે હવા નથી એની ખબર જો પાડવી હોય તો આ આઇસક્રીમને થોડી વાર પડ્યો રહેવા દેવાનો. એ રીતસર દૂધ જેવો થઈ જાય. હવાવાળો એટલે કે ઍરવાળા આઇસક્રીમમાં ઉપર ફીણ જેવું બને અને કસ્ટર્ડ પાઉડર વપરાયો હોય તો મોઢામાં એની કણી આવવા માંડે. મિત્રો, મહેસાણા જાઓ તો એક વાર અંબિકા કોલ્ડ્રિન્ક્સમાં ખાસ જજો. ટાઉન હૉલની બાજુમાં આવેલા અંબિકાના આઇસક્રીમમાં તુલસી, માવામલાઈ અને જામફળનો આઇસક્રીમ મને ખૂબ ભાવ્યો છે. એ એક વાર તમે પણ ટેસ્ટ કરજો.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 02:17 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK