ચાલો જેલમાં ફરવા જઈએ

Published: 7th February, 2021 19:10 IST | Alpa Nirmal | Mumbai

આજે જાણીએ ઇન્ડિયાનાં અને વિશ્વનાં કેટલાંક વિઝિટેબલ કેદખાનાં વિશે...

હિજલી જેલ
હિજલી જેલ

અહીં કોઈ ક્રાઇમ કરીને જેલમાં જવાની વાત નથી, પણ હરવા-ફરવા, નવું એક્સપ્લોર કરી શકાય એવા જેલ-ટૂરિઝમની વાત થઈ રહી છે. થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પુણેની યેરવડા જેલ પર્યટન માટે ખુલ્લી મૂકી ત્યારથી જેલ-ટૂરિઝમ નામનો નવો શબ્દ લોકોના મન-મગજમાં ઘુમરાઈ રહ્યો છે. જોકે ભારતમાં આવું પ્રથમ વખત નથી થયું. દેશની કેટલીક પ્રખ્યાત અને અજાણી, કરન્ટલી વર્કિંગ અને ભૂતપૂર્વ જેલોમાં પર્યટકો વિઝિટ કરી જ શકે છે. ત્યારે આજે જાણીએ ઇન્ડિયાનાં અને વિશ્વનાં કેટલાંક વિઝિટેબલ કેદખાનાં વિશે...

દિલ્હીમાં આવેલી આ જેલના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તિહાડ કે તિહાર નામે જાણીતી આ જેલને આશ્રમ અને સુધારગૃહ પણ કહેવાય છે. દક્ષિણ એશિયાની આ લાર્જેસ્ટ જેલ ૧૯૫૯માં શરૂ થઈ હતી અને અહીં ટૂરિઝમ શરૂ થયું ૨૦૧૯ના અંતમાં. જોકે ૪૦૦ એકરમાં ફેલાયેલી આ જેલના અમુક જ ભાગમાં ટૂરિસ્ટ અલાઉડ છે અને પ્રી-બુકિંગ, પાકું રજિસ્ટ્રેશન અને ખૂબ બધી કાર્યવાહી બાદ જ એની પરમિશન મળે છે. આ જેલમાં બે રીતની ટૂર કરી શકાય; એક, વિઝટરૂપે જેમાં તમે અહીંનું મ્યુઝિયમ, ફાંસી કોઠી, કેટલીક બૅરેક, કૅફેની મુલાકાત લઈ શકો અને બીજી, અહીં એકાદ દિવસ કેદી તરીકે રહીને. આ સ્ટે પ્રોગ્રામમાં તમારે કેદીની જેમ જ જીવવાનું, સ્પેસિફિક ટાઇમે જાગવાનું, સેલમાં એ જ રીતે રહેવાનું; હા, ઇન્ટરેસ્ટ હોય તો ચક્કી પીસિંગ કે ગાર્ડનિંગ પણ કરી શકો. બહુ જ નામચીન લોકો અહીં મહેમાન તરીકે રહ્યા હતા અને હાલમાં પણ રહેતા હોવાથી અહીંની સિક્યૉરિટી ટાઇટમટાઇટ છે. એટલે વિઝિટની પરમિશન મળ્યા બાદ પણ સુરક્ષાના કારણસર ટૂર રદ થઈ શકે છે છતાં ફૉરેનર્સમાં તિહાડ વિઝિટ બહુ પૉપ્યુલર છે. જોકે તિહાડ ફક્ત કેદખાનું નથી, અહીં પ્રિઝન ઇન્ડસ્ટ્રી છે. અહીંના કેદીઓનું રૉક બૅન્ડ, કેદી દ્વારા મૅનેજ્ડ કૅફે અને તેઓએ જ બનાવેલાં આર્ટ અને ક્રાફ્ટ જેલ બહારની દુનિયામાં ખાસ્સાં લોકપ્રિય છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જેલમાંના સેંકડો કેદીઓ દર વર્ષે UPSCની પ્રવેશપરીક્ષા આપે છે અને સારા ક્રમાંકે પાસ પણ થાય છે.

રેકૉર્ડ છે કે આજ સુધી ડગશાઈ જેલમાંથી કોઈ નાસી શક્યું નથી

હિમાચલ પ્રદેશ ગયા હોઈએ ત્યારે હસીન વાદીઓ અને ખુલા આસમાં જોવાનાં હોય, મનાલી- શિમલાની મોજ માણવાની હોય કે જેલની વિઝિટ કરવાની હોય? એવો પ્રશ્ન તમને અને મને થવો સ્વાભાવિક છે, પરંતુ લોન્લી પ્લેનેટ અને ટૂર-ગાઇડ વાંચીને ફરતા ફૉરેન ટૂરિસ્ટ અને પંજાબના સહેલાણીઓની ટૂર આઇટનરીમાં ડગશાઈ જેલની વિઝિટ હોય જ છે. શિમલા પાસે આવેલા સોલનથી ૧૧ કિલોમીટરના ડિસ્ટન્સે આવેલી આ જેલ બ્રિટિશ એરામાં બનાવાઈ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૪૭ની સાલમાં બનાવેલું આ કારાગૃહ સમુદ્રતટથી ૬૦૮૬ ફુટ ઊંચું છે અને હિમાચ્છાદિત પર્વતમાળાની વચમાં છે. અહીંના જેલ-મ્યુઝિયમમાં ૧૯૬૧માં થયેલા ઇન્ડો-ચાઇના વૉરના હીરોઝની હિસ્ટરી છે. તો ૫૪ સિક્યૉરિટી સેલ છે. ૮X૧૨ની કાળી કોટડીમાં સ્વાંતત્ર્યસેનાનીઓથી લઈને અપરાધીઓને રખાતા. રેકૉર્ડ છે કે આજ સુધી અહીંથી કોઈ નાસી શક્યું નથી. ૨૦૧૧માં મ્યુઝિયમ તરીકે કન્વર્ટ થયેલી આ જેલ માટે સ્થાનિકોનું માનવું છે કે મોગલકાળથી અહીં કેદખાનું અસ્તિત્વમાં છે, જે દાગ-એ-શાહી નામે ઓળખાતું અને મોગલ સલ્તનતનો વિરોધ કરનારાઓને અહીં માથા પર ડામ આપીને ટૉર્ચર કરાતા. જોકે તવારીખમાં આવી કોઈ નોંધ નથી, પણ જેલની વિઝિટ પૂર્ણ કર્યા બાદ દરેક સહેલાણીઓને મુક્તિનો અહેસાસ જરૂર થાય છે.

સાંગારેડ્ડી જેલમાં સવારે ઊઠવાથી લઈને સૂવા સુધીના કેદીઓ પાળતા હોય એવા નિયમ પાળશો તો ફ્રીડમની કિંમત સમજાશે

મુંબઈગરાઓ માટે આ નામ બહુ જાણીતું નથી, પણ હૈદરાબાદ અને ત્યાંની આજુબાજુના ઍડ્વેન્ચરપ્રેમીઓ માટે સાંગારેડ્ડી જેલ લોકપ્રિય ઠિકાના છે. તેલંગણના મેડક જિલ્લામાં એટલે પાટનગર હૈદરાબાદથી જસ્ટ ૬૫ કિલોમીટરના અંતરે આવેલી આ જેલ નિઝામના રાજમાં ઈસવી સન ૧૭૯૬માં બનાવાઈ હતી અને ૨૦૧૨ સુધી ફંક્શનિંગ હતી. પછી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિને અદ્ભુત વિચાર આવ્યો હશે, જેથી ૨૦૧૬ના જૂન મહિનામાં અહીં ભારતનું સર્વપ્રથમ જેલ-ટૂરિઝમ શરૂ થયું અને ખૂબ ટૂંક સમયમાં જ ખતરોં કે ખિલાડી ટાઇપ સ્થાનિક લોકોમાં આ બહુ પૉપ્યુલર થયું. પર્યટક અહીં આવે એટલે તેણે પહેરેલાં કપડાં, ઍક્સેસરીઝ, ફોન વગેરે બધો જ સામાન જમા કરાવી દેવાનો રહે. જેલમાંથી તેને કેદીઓ જેવાં કપડાં, ટૉઇલેટરીઝ, થાળી-વાટકો-મગ જેવાં વાસણ અને સૂવા માટે બ્લેન્કેટ અપાય છે. સવારે ઊઠવાથી લઈને સૂવા સુધીના કેદીઓ પાળતા હોય એવા નિયમ પાળવાના. હા, કોટડીમાં પંખો અને લાઇટ હોય, મચ્છર પણ ભરપૂર હોય. બહુ જ નૉમિનલ ચાર્જિસ ભરીને ટૂરિસ્ટે અહીં મિનિમમ ૨૪ કલાક રહેવાનું અને જો ન રહી શકે, વહેલા પાછા જવું હોય તો પેનલ્ટી ભરવી પડે. એવી શરત હોવા છતાં ફ્રીડમ શું કહેવાય? સ્વતંત્રતાની વૅલ્યુ સમજવા, અવનવો અનુભવ લેવા અહીં અનેક પર્યટકો આવે છે.

હિજલી જેલમાં સ્વતંત્રતાવીરોના અમર ઇતિહાસની મુલાકાત લેવા જેવી છે

પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલી હિજલી જેલ એ ઍક્ચ્યુઅલી જેલ હતી, પણ અંગ્રેજો એને ડિટેન્શન કૅમ્પ તરીકે વાપરતા. આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી) કૉલેજને કારણે તમે ખડગપુર સિટીનું નામ સાંભળ્યું જ હશે. બસ, એ જ ખડગપુરથી નજીક અને રાજધાની કલકત્તાથી ૧૩૦ કિલોમીટરના અંતરે આવેલા હિજલી દ્વીપનો ઇતિહાસ અતિરોચક છે. બંગાળની ખાડીમાં રસૂલપુર સરોવરના કિનારે વસેલા ટાપુ પર ૧૫મી-૧૬મી સદીમાં એક પીરબાબાનું રાજ હતું અને પંચતંત્રની વાર્તાની જેમ લોકો અહીં ખાઈ-પીને મોજ કરતા હતા, પરંતુ કાળક્રમે બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપની વેસ્ટ બૅન્ગોલથી ભારતમાં પ્રવેશી અને અહીં કબજો જમાવીને એને બંદરગાહ તરીકે અને સ્વાતંત્ર્ય મેળવવાની ચળવળ શરૂ થયા બાદ જેલ તરીકે વાપરવા લાગ્યા. અંગ્રેજ સરકારની સામે માથું ઊંચકતા સ્વાંતત્ર્યવીરોને અહીં રખાતા. ૧૯૩૧માં અહીંના જનરલે જેલમાંના કેદીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે એ હિજલી કાંડ સમયની ગર્તામાં ખોવાઈ ગયો. આપણે એના વિશે વધુ જાણતા નથી, પરંતુ આ ગોળીબારમાં માર્યા ગયેલા બે બંગાળી સ્વાતંત્ર્યવીરો સંતોષકુમાર મિત્રા અને તારકેશ્વર સેનગુપ્તા ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયા. ૧૯૪૨થી સંપૂર્ણ રીતે બંધ થયેલો આ કૅમ્પ ૧૯૫૧માં આઇઆઇટીનો બર્થ-પ્લેસ બન્યો. આજે અહીં નેહરુ મ્યુઝિયમ ઊભું છે, જેમાં સાયન્સ અને ટેક્નૉલૉજીના પ્રોજેક્ટ સાથે ઐતિહાસિક વારસો પણ દર્શાવવામાં આવ્યો છે.

પોર્ટુગીઝોએ ૧૭મી સદીમાં બનાવેલા કિલ્લાવાળી અગોડા જેલ મ્યુઝિયમની જેમ જોવા જઈ શકાશે

ગોવા જનારા પર્યટકો અગોડા ફોર્ટ ન જાય એવું બને જ નહીં. ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે કાળમીંઢ પથ્થરોથી બનેલા આ કિલ્લાની દીવાલો ઇન્સ્ટા ફોટોઝની પશ્ચાદભૂ તરીકે બહુ પૉપ્યુલર છે, પણ તમને ખબર છે કે એ કિલ્લાની નીચે કેદખાનું છે? હા, હમણાં ૭-૮ વર્ષ સુધી આ સ્થળે જેલ ચાલુ હતી. જોકે ૨૦૧૫માં કિલ્લાનું રિસ્ટોરેશન થયું અને જેલ બાજુનો કૅમ્પસ પર્યટકો માટે ખુલ્લો મુકાયો, પરંતુ અંદરની જેલની મુલાકાત તો હવે શરૂ થશે. આ જેલ અને કિલ્લો પોર્ટુગીઝોએ ૧૭મી સદીમાં બનાવ્યો હતો. ગોવાના સ્વાંતત્ર્ય બાદ આ રાજ્ય પ્રવાસન સ્થળ તરીકે પૉપ્યુલર થતાં ફોર્ટ પણ પ્રસિદ્ધિ પામ્યો હતો. હવે, સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ આગામી મહિનાઓમાં આ જેલ ટૂરિસ્ટ સ્પૉટ તરીકે ઓપન થશે; જેમાં હિસ્ટરી, હેરિટેજ અને ફ્રીડમ સ્ટ્રગલ પર લાઇટ ઍન્ડ સાઉન્ડ શો સહિત ઍક્ટિવિટી ઝોન, વ્યુઇંગ ગૅલેરી પણ શરૂ થશે. ફ્રીડમ ફાઇટર રામ મનોહર લોહિયા, ટી. બી. ચુન્હાને અહીં કારાવાસમાં રખાયા હતા. એ સ્પેશ્યલ સેલ્સ ઉપરાંત વિઝિટરને જેલ-મ્યુઝિયમ પણ જોવા મળશે.

યેરવડા જેલ જવું હોય તો શું વ્યવસ્થા હશે?

હવે વાત કરીએ જેલ-ટૂરિઝમ લિસ્ટમાં લેટેસ્ટ ઉમેરાયેલી યેરવડા જેલની. મહારાષ્ટ્રની આ બિગેસ્ટ જેલ ૧૮૬૬માં બની છે. ૫૦૦ એકરમાં ફેલાયેલી આ જેલમાં ગાંધીબાપુ, લોકમાન્ય ટિળક, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ જેવા ફ્રીડમ હીરોઝ રહ્યાં છે. તો અજમલ કસબ જેવા અનેક આતંકવાદીઓને પણ અહીં રખાયા છે. ગાંધી યાર્ડ અને ટિળક યાર્ડ એમ બે વિભાગમાં વહેંચાયેલી આ જેલમાં મહિલાઓ માટેના અલાયદા વૉર્ડ પણ છે. જોકે ટૂરિઝમમાં જેલના બહુ સ્પેસિફિક વિસ્તારમાં જ ફરવાનું રહેશે, પરંતુ પ્રસિદ્ધ નેતાઓની બૅરેક તેમ જ ફાંસી યાર્ડની મુલાકાત લેવા મળશે. અત્યારે તો કોરોનાને કારણે દિવસના ૫૦ ટૂરિસ્ટને જ અહીં એન્ટ્રી છે અને એમાં પણ વિદ્યાર્થીઓને ફર્સ્ટ પ્રેફરન્સ અપાશે. અહીં પણ પ્રી-રજિસ્ટ્રેશન બાદ જ એન્ટ્રી મળશે. પુણે શહેરમાં આવેલી યેરવડા જેલમાં ટૂરિઝમ ચાલુ થતાં મુંબઈના એન્થ્યુસિયાસ્ટિક લોકોમાં એની વિઝિટે જવાની ઉત્કંઠા વધી ગઈ છે.

વિદેશની જેલોમાં આવું પણ થઈ શકે છે...

ડાર્ક ટૂરિઝમ નામે વિદેશોમાં જેલ-વિઝિટ અને જેલ-સ્ટે ઘણા સમયથી ટ્રેન્ડમાં છે. એક્ઝૉટિક લોકેશનની જેલમાં રહેવું, લક્ઝુરિયસ કા‍રાવાસનો અનુભવ લેવો, હિસ્ટોરિક કેદખાનાની ફીલ લેવા જેવા જાતજાતના એક્સ્પીરિયન્સ આપનારા અને લેનારા અસંખ્ય લોકો છે, તો કારાગૃહની મુલાકાતે જવાનો શોખ ધરાવતા ટૂરિસ્ટ તો ગણ્યા ગણાય નહીં એટલા છે. યુએસએના ટેક્સસ રાજ્યના હન્ટ્સવિલેમાં આવેલું પ્રિઝન મ્યુઝિયમ, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં આવેલી મેલબર્ન જેલ, અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કો-બેમાં આવેલી ઍલર્કાયટ્ઝ, ઘાનાની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર થયેલો ઍલ્મિના કૅસલ, ફ્રેન્ચ ગુઆનાના ડેવિલ આઇલૅન્ડ પર આવેલી પ્રિઝન કાફી ફેમસ છે. જોકે એ બધામાં સાઉથ આફ્રિકાના રોબેન આઇલૅન્ડની જેલ, જ્યાં ત્યાંના નૅશનલ હીરો નેલ્સન મંડેલા ૧૮ વર્ષ રહ્યા હતા, ત્યાં વિઝિટ્ર્સના ફુટ ફૉલ સૌથી વધુ છે. કેપ ટાઉનથી નજીક આવેલી આ જેલ ભારતીય સહેલાણીઓમાં પણ જાણીતી છે. પશ્ચિમી એશિયાના કમ્બોડિયાની તુલ સ્લેન્ગમાં આવેલી ‘પ્રિઝન 21’ હૉલીવુડ ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલીની ફિલ્મને કારણે ટૂંક સમયમાં વર્લ્ડ ફેમસ થઈ છે. અહીંની ખમેર રૂઝ નામે જાણીતી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા કરાયેલા કાળા કેરની કથા પર ફિલ્મ બનાવાઈ છે, જે ઍન્જેલિનાએ ડિરેક્ટ કરી છે. OTT પ્લૅટફૉર્મ પર પ્રદર્શિત થયા પછી કમ્બોડિયા જતા અનેક ટૂરિસ્ટ આ પ્લેસની મુલાકાતે જાય છે.

જોકે આખી દુનિયાની વિયર્ડ અને વિચિત્ર જેલનો ખિતાબ આપવાનો હોય તો સાઉથ અમેરિકાના બોલિવિયા દેશની સેનપેડ્રોને જ અપાય. કહેવાય છે કે ‘બદનામી મેં ભી નામ હૈ’ એ જ ફન્ડા પર આ પ્રિઝનમાં એટલું ન્યુસન્સ થાય છે કે વારતહેવારે એ નેગેટિવ કારણસર મીડિયામાં હાજરી પુરાવે છે અને આવા સમાચારો જાણી-જાણીને ટૂરિસ્ટો અહીં રહેવા લલચાય છે. ના, અહીં સરકારે કે સત્તાવાળાઓએ ટૂરિઝમ નથી શરૂ કર્યું, કેદીઓ પોતાની રીતે ટ્રાવેલર્સને જેલ એક્સ્પીરિયન્સ આપે છે, બોલો...

જેલના ગાર્ડને થોડા ડૉલર્સ આપી દો એટલે તમે જેલના પ્રિમાઇસિસની અંદર. ઍક્ચ્યુઅલી, આ જેલ ટિપિકલ જેલ નથી. બલકે આ કેદીઓની મસમોટી કૉલોની છે. જ્યાં હજારો ક્રિમિનલો પરિવાર સાથે રહે છે. ટૂરિસ્ટ આ કેદીઓને ડૉલર્સ ચૂકવીને તેમની પાસેથી અકોમોડેશન લઈ શકે છે, જે બેઝિકથી લઈ લક્ઝુરિયસ સગવડ ધરાવતા હોય છે. જ્યાં તેઓ એકથી વધુ દિવસ પણ રહી શકે છે. આ જેલમાં ડ્રગ્સથી લઈ આલ્કોહૉલ ખુલ્લેઆમ મળે છે. નાચ-ગાના-પાર્ટી થાય છે. અંદર-અંદરના ઝઘડા, મારામારી, ગૅન્ગવૉર તો આમબાત છે. ટૂરિસ્ટને એ બધું લાઇવ જોવાનો, અનુભવવાનો મોકો મળે છે. સમ ટાઇમ્સ તો એવું પણ બને છે કે સહેલાણી પોતે ગુનાનો ભાગ બની જાય છે. તેને અહીંથી છૂટવું હોય તો આ કેદી માફિયાઓને ખંડણી આપવી પડે છે. આવું થવા છતાં અતરંગીઓ શોખથી ગુનાની નગરીમાં જાય છે.

અંદર રહેવું ન હોય, પણ ફક્ત વિઝિટ કરવી હોય તો એની પણ વ્યવસ્થા અહીંના કેદીઓએ કરી છે. જેલના ગાર્ડ અને ત્યાંના પ્રિઝનર્સ વચ્ચે સાઠગાંઠ હોય છે. ટૂરિસ્ટનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય, તેનો પાસપોર્ટ-નંબર નોટડાઉન થાય, બાકાયદા જેલની એન્ટ્રી માટે તેના હાથ પર થપ્પો મરાય અને પછી કોઈ કેદી જ ટૂર ગાઇડ બની, આખા કૅમ્પસનું સાઇટ સીઇંગ કરાવે અને કૉમેન્ટરી આપે. વળી, સૌથી ઇન્ટરેન્સ્ટિંગ વાત એ કે ટૂરિસ્ટ ગ્રુપ સાથે બે-ત્રણ કેદીઓ બાઉન્સર-બૉડીગાર્ડ તરીકે રહે, જેથી તેમની ઉપર અન્ય કોઈ ગૅન્ગ હુમલો ન કરી શકે. એક નહીં, ટૂરિસ્ટ સીઝનમાં દરરોજની આવી ૫૦-૫૦ ડે ટૂર થતી હોય છે. આ કશુંય લીગલ નથી, એની સહેલાણીઓને પણ ખબર હોય છે અને સરકારને પણ, પરંતુ વર્ષોથી આ આખી ઍક્ટિવિટી બેરોકટોક ચાલે છે.

લા પાઝ શહેરમાં આવેલું આ કારાગૃહ મૂળે ૬૦૦ કેદીઓને સમાવી શકે એટલું છે, પરંતુ ત્યાં ૩૦૦૦થી વધુ વ્યક્તિઓ રહે છે. જેલ આઠ પેટા સેક્શનમાં વહેંચાયેલી છે, જે દરેક એક-એક એરિયા જેવી છે. જેમ શહેરમાં ભદ્ર વિસ્તાર, અપર મિડલ વિસ્તાર, લોઅર ક્લાસ જેવું વર્ગીકરણ હોય એમ અહીં પણ અલગ-અલગ લેવલના વિસ્તાર છે.

ઍન્ડ, મજાની વાત એ છે કે કેદીઓ પોતાની રીતે તેમની જગ્યાની લે-વેચ કરી શકે છે. બીજી અનોખી વાત એ છે કે કેદી સિવાયના અન્ય ફૅમિલી-મેમ્બર્સ શહેરમાં છૂટથી આવ-જા કરી શકે છે. આવાં અનેક ફૅક્ટર્સ એને વધુ વિશેષ બનાવે છે, જેથી ટૂરિસ્ટોમાં આ જગ્યાનું કુતૂહલ વધતું જાય છે અને સહેલાણીઓની સંખ્યા પણ વધતી જાય છે.

અનેક પ્રાચીન કિલ્લાઓમાં હતી જેલ

આજે જે હિસ્ટોરિક અને હેરિટેજ કિલ્લાઓ ગણાય છે એવા અનેક ફોર્ટમાં એક સમયે જેલ હતી. બીજાપુરના ગોલકોન્ડા ફોર્ટમાં પણ કારાગૃહ હતું. હા, ભાઈ હા, અહીં જ સલમાન ખાનની મૂવી ‘તેરે નામ’નું શૂટિંગ થયું હતું. એવી જ રીતે દીવ, અલીપોર, રાજમુદ્રીના કિલ્લાઓના કોઈ ભાગમાં બંદીખાનાં હતાં, જ્યાં ગુનેગારોને રખાતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK