જૈન સાહિત્યક્ષેત્રે અપૂર્વ યોગદાન આપનાર સાક્ષરવર્ય મોહનલાલ દલીચંદ દેસાઈને કેમ ભૂલી શકાય?

Updated: 26th December, 2018 20:52 IST | જૈન દર્શન - ચીમનલાલ કલાધર

જૈન સાહિત્યક્ષેત્રના મહાઋષિ સમા મોહનલાલ દલીચંદ દેસાઈ વિશે જાણો

જૈન સાહિત્યક્ષેત્રના મહાઋષિ સમા મોહનલાલ દલીચંદ દેસાઈ વિશે ગતાંકમાં આપણે તેમની અપ્રતિમ સાહિત્યપ્રીતિ વિશે થોડી વાતો કરી. આજે અહીં તેમના જૈન સાહિત્યક્ષેત્રના સવિશેષ પ્રદાન વિશે વાતો કરીને આ લેખ પૂરો કરીએ છીએ.

મોહનભાઈએ એક સિદ્ધહસ્ત પત્રકાર તરીકે પણ સેવા બજાવી છે. ૧૯૧૨માં ૨૮ વર્ષની તરુણ વયે LLB થયા પછી ‘જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ના તેઓ તંત્રી થયા. વર્ષો સુધી તેમણે આ પત્રની જવાબદારી સંભાળી હતી. ‘હેરલ્ડ’ અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં પ્રગટ થતું હતું. ‘હેરલ્ડ’ બંધ થયા પછી અનેક જૂની ગુજરાતીના અને સંસ્કૃતના જૈન ગ્રંથોનું સંપાદન કરવા ઉપરાંત જૈન કૉન્ફરન્સના ‘જૈન યુગ’ માસિકનું સંપાદન પણ તેમણે સંભાળ્યું. ‘હેરલ્ડ’ અને ‘જૈન યુગ’માં પ્રકાશિત થયેલા તેમના અને અન્ય વિદ્વાનોના લેખો અપ્રગટ જૈન સાહિત્યના અમૂલ્ય ખજાના જેવા છે.

મોહનભાઈ જૈન સાહિત્યસેવાને સમર્પિત હતા. ૧૯૧૪માં એક પત્ર દ્વારા રણજિતરામે મોહનભાઈને પુછાવ્યું કે તમારી સાહિત્યસેવા જૈન સંપ્રદાય પૂરતી મર્યાદિત રાખવાનું તમે શા માટે ઇચ્છ્યું?

૧-૯-૧૯૧૪ના પત્ર દ્વારા મોહનભાઈએ રણજિતરામને જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘મારી પ્રવૃત્તિઓ જૈન સંપ્રદાય પૂરતી મેં શા માટે મર્યાદિત રાખી છે એનાં કેટલાંક કારણો હું જણાવું છું : (૧) જૈન સાહિત્યમાં કેવાં અમૂલ્ય રત્નો પડેલાં છે એ પ્રકાશિત કરવા જૈનોએ હજી સુધી કંઈ કર્યું નથી. (૨) આદર કરવાયોગ્ય છૂટાછવાયા અપવાદો બાદ કરતાં અજૈનોએ જૈન સાહિત્યનો અભ્યાસ કર્યા વિના અને એના વિશે સમાનભાવિયુક્ત મૂલ્ય નિર્ણયો ઉચ્ચાર્યા છે. (૩) પાશ્ચત્ય વિચારોની અસર હેઠળ આવેલા આધુનિક જૈન લેખકો ઘણા ઓછા છે અને તેમણે ઉપર કથિત મૂલ્ય નિર્ણયોની અસ્પષ્ટતા અને અસત્યતાને દૂર કરવા કે પોતાના સાહિત્ય અને ઐતિહાસિક દસ્તાવેજોને પારદર્શક અને વિસ્મયજનક રીતે પ્રકાશિત કરીને ઉપયોગી માહિતી પૂરી પાડવા ભાગ્યે જ કંઈ કર્યું છે. (૪) બિનસાંપ્રદાયિક સાહિત્યના અભ્યાસમાં તો ઘણા સારસ્વતો લાગેલા છે અને તેથી અલ્પસંખ્યક જૈન વિદ્વાનો અને અભ્યાસીઓની મદદ એવી જરૂરની નથી કે એ મારું પ્રદાન ગણાય. (૫) જ્યાં સુધી બધા નહીં તો કેટલાક જૈનેતરો જૈન સાહિત્યને સાંપ્રદાયિક અને અસ્પૃશ્ય ગણે છે ત્યાં સુધી અભ્યાસીઓ દ્વારા એનો અભ્યાસ થાય એ અત્યંત જરૂરી છે. (૬) જૈન સાહિત્યને એને યોગ્ય સ્થાન મળશે કે જૈનેતર સાહિત્યમાં એ ભળી જશે એટલે કે એને શુદ્ધ કેવળ ગુજરાતી સાહિત્ય જ લેખવામાં આવશે ત્યારે જૈનો અને અજૈનો સમાન હેતુ માટે હાથ મિલાવશે. આ પત્ર પરથી ફલિત થાય છે કે મોહનભાઈએ સુચિંતિત રીતે સ્વીકારેલો ધર્મ માત્ર ને માત્ર જૈન સાહિત્યની સેવાનો હતો. ૧૯૧૪ સુધી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈન લેખકોને સ્થાન નહોતું. મોહનભાઈએ જૈન સાહિત્યના મૂલ્યવાન ભંડારને ખુલ્લો કર્યો અને એના અભ્યાસો પણ આપ્યા. એ પછી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈન સાહિત્યને પ્રવેશ મળવો શરૂ થયો.

આમ મોહનભાઈએ જૈન સાહિત્યની વિરલ સેવા બજાવી છે. તેમણે સાહિત્યસેવા પાછળ પોતાનો વ્યવસાય, કુટુંબ વગેરેને ગૌણ બનાવી દીધાં હતાં. ખરા અર્થમાં તેઓ અકિંચન રહ્યા હતા. તેમની સેવાની કદરરૂપે જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સે તેમનું સ્શ્ચન્માન કરવાનો અને તેમને માતબર રકમની થેલી અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો અને એ માટે છ હજાર રૂપિયા જેવી રકમ એકઠી કરવામાં આવી હતી. મોહનભાઈ એ સમયે રાજકોટમાં પોતાના મામાને ત્યાં બીમારીની સારવાર લઈ રહ્યા હતા. ગંભીર માંંદગીને લઈને મોહનભાઈ મુંબઈ આવી શકે એમ ન હોવાથી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી મોહનલાલ ચોકસીને માનપત્ર, ચાંદીનું કાસ્કેટ અને છ હજાર રૂપિયા સાથે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. દુર્ભાગ્યની વાત એ હતી કે મોહનલાલ ચોકસી રાજકોટ પહોંચ્યા એ જ દિવસે એટલે કે ૧૯૪૫ની બીજી ડિસેમ્બરે મોહનભાઈનું અવસાન થયું હતું. મોહનભાઈનાં સંતાનોએ છ હજાર રૂપિયાની થેલી મોહનલાલ ચોકસી પાસેથી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આમેય જૈન સમાજના લેખકો-પત્રકારો તરફ સમાજની સતત ઉપેક્ષા અને અવગણના જ જોવા મïળતી હોય છે. વાણિજ્ય રસિક જૈન સમાજને મોહનભાઈની અસાધારણ સાહિત્યસેવાની કંઈ જ પડી નહોતી. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યની કામગીરી આજેય મોહનભાઈ વિના ચાલી ન શકે એવો વિસ્તૃત અને સુદૃઢ પાયો તેમણે નાખ્યો હતો. એટલે હવે સમગ્ર જૈન સમાજનું કર્તવ્ય બની રહ્યું છે કે મોહનભાઈની સ્મૃતિમાં મોહનભાઈના નામે ‘જૈન ચૅર’ હોય, મોહનભાઈના નામે જૈન સાહિત્ય પ્રકાશનની વિસ્તૃત યોજના હોય. આ જ મોહનભાઈનું ખરું તર્પણ કહી શકાય. જૈન સમાજ મોહનભાઈનું ઋણ આ રીતે ચૂકવી શકશે ખરો?

First Published: 23rd December, 2018 20:40 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK