કાચના સંબંધો અને જીવનની બીજી ગુજરાત યાત્રા

Published: Jan 28, 2020, 13:53 IST | Sanjay Goradia | Mumbai

અરવિંદ વેકરિયાએ રિપ્લેસમેન્ટમાં જ્યારે મારું નામ સૂચવ્યું ત્યારે શૈલેશ દવે ખડખડાટ હસ્યા હતા

કાચના સંબંધ
કાચના સંબંધ

‘આભાસ’, મારા પ્રોડક્શનનું પહેલું નાટક સુપર ફ્લૉપ અને એ પછી ભવન્સના ભાડાના જે પૈસા ભરવાના હતા એ ૩૨૦૦ રૂપિયા પણ ખિસ્સામાંથી ચોરાયા. પડે ત્યારે સઘળું પડે જેવો ઘાટ સર્જાયો હતો મારી સાથે. હવે હું કેવી રીતે ડૉક્ટરસાહેબને જઈને કહું કે તમે આપેલા રૂપિયા મારા ખિસ્સામાંથી ચોરાઈ ગયા, ભવન્સનું ભાડું ભરવાનું છે. કોઈનો લાભ લેવાય, ગેરલાભ નહીં. મેં નક્કી કર્યું કે હવે હું મારી રીતે ભવન્સનું ભાડું ભરીશ. મેં મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવાના શરૂ કર્યા અને એ ઉછીના પૈસાથી મેં ભાડું ભરી દીધું. હવે આ ઉછીના લીધેલા પૈસા મારે ચૂકવવાના હતા, જેના માટે મારે કામે લાગવાનું હતું અને કામ પણ તાત્કાલ‌િક શોધવાનું હતું.

એ સમયે શૈલેશ દવેનું એક નાટક ચાલતું હતું ‘કાચના સંબંધ’. નાટકના મુખ્ય કલાકારોમાં પદ્મારાણી, ચન્ના રૂપારેલ, અરવિંદ વેકરિયા, શૈલેશ દવે, સનત વ્યાસ, બકુલ ઠક્કર અને અપરા મહેતા હતાં. અરવિંદ વેકરિયા નાટકમાં અપરા મહેતાના હસબન્ડનું કૅરૅક્ટર કરતો હતો. નાટક ખૂબ જ સરસ ચાલતું હતું. એ વખતે ‘કાચના સંબંધ’ નાટકની ગુજરાતની ૨પ શોની ટૂર નક્કી થઈ હતી, પણ અરવિંદ વેકરિયા કૌટુંબિક કારણસર એ ટૂરમાં જોડાઈ શકે એમ નહોતો. મેં દાદુને (અરવિંદ વેકરિયાનું આ હુલામણું નામ છે) રિક્વેસ્ટ કરી કે શૈલેશભાઈને કહીને તું તારી જગ્યાએ મારું નામ સૂચવે તો હું ટૂરમાં જઈ શકું અને જો ટૂરમાં જવા મળે તો મને એ બહાને બે પૈસા મળે. મેં વિના સંકોચે કહ્યું કે અત્યારે મારી પાસે આવકનું કોઈ સાધન નથી, જો ૨પ શો કરવા મળે તો મારી કડકી દૂર થાય અને મેં જે ઉધારી કરી છે એ ઉધારી ચુકવાઈ જાય. મિત્રો, એક વાત યાદ રાખજો, જીવનમાં ક્યારેય વાસ્તવ‌િકતાને અવગણશો નહીં. વાસ્તવ‌િકતાને અવગણીને દંભ કરનારો પોતે જ પોતાના હાથે પોતાનું પતન નોતરી દે છે. હાથ ખેંચમાં હોય તો સ્વીકારવાનું અને આપણા લોકો હોય તેની પાસે કબૂલ પણ કરવાનું કે હાથ ખેંચમાં છે. ઘણા લોકો આવી અવસ્થામાં પોતાના પરિવારને પણ કશું કહેતા નથી. આ ખોટું છે. કહેવું જ જોઈએ. જો કહેશો તો જ તેમને પણ ખબર પડશે કે અત્યારે આ અવસ્થામાં કઈ રીતે રહેવાનું અને જીવવાનું છે.

ફરી આવી જઈએ નાટક ‘કાચના સંબંધ’ની વાત પર.

અરવિંદ વેક‌િયાએ મારું નામ શૈલેશ દવેને સૂચવ્યું, પણ દાદુની વાત સાંભળીને પહેલાં તો શૈલેશ દવે હસ્યા અને કહ્યું, ‘જરા વિચાર તો કર, તારી જગ્યાએ સંજય ગોરડિયો કેવો લાગશે?’

જોકે પછી તેમણે મંજૂરી આપી અને મારા માટે નવુંનક્કોર સફારી કે. કે. ટેલરમાં સીવડાવવામાં આવ્યું. આ નાટકના પ્રોડ્યુસર હતા પૉપ્યુલર કેટરર્સવાળા હરીશ શાહ, સ્વ. અજિત શાહ તથા પદ્મારાણી. મોટા ભાગે હરીશભાઈ પ્રોડક્શનની વાતમાં ક્યાંય આવે નહીં, અજિત જ વધારે ડીલ કરે. અજિત અને સનત વ્યાસ સાથે પર શો દોઢસો રૂપિયા નક્કી થયા અને આમ ૨પ શો માટે કાસ્ટિંગ કન્ફર્મ થયું.

ગુજરાતની ટૂરમાં બહુ મજા આવી. શેરી નાટકોની ટૂર પછી હું ફરી એક વાર લાંબી ટૂર પર ગુજરાત ગયો હતો. ટૂર દરમ્યાન શૈલેશભાઈ સાથે વાતો કરવાની અને તેમની કામ કરવાની શૈલ‌ી શીખવાની તક મળી. પદ્માબહેન સાથે આ મારું પહેલું નાટક હતું. તેમની વાતો સાંભળીને હું શીખવાનો પ્રયત્ન કરતો. માત્ર વાતો જ નહીં, તેમની વાતચીત કરવાની રીતથી માંડીને અન્ય સાથે રહેવાની રીતભાત સુધ્ધાંમાંથી હું કંઈકને કંઈક મેળવવાનો પ્રયત્ન કરતો, જે મને ભવિષયમાં ખૂબ કામ લાગવાનું હતું.

એ પછી ૧૯૮૬ના અરસામાં ઘણાં નવાં ગુજરાતી નાટકો થયાં અને એમાં અનેક નાટકો પ્રયોગાત્મક પણ થયાં. ‘સવિતા દામોદર પરાંજપે’ મરાઠી નાટક હતું, જેના ગુજરાતીના રાઇટ્સ શિરીષ પટેલ લઈ આવ્યા. આ ગુજરાતી નાટક ડિરેક્ટ કરવા માટે શિરીષ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયાને આમંત્રણ આપ્યું. એ સમયે સિદ્ધાર્થ રાંદેરિયા હજી ‘ધ સિદ્ધાર્થ રાંદેરિયા’ નહોતો બન્યો, તેની કરીઅરનો એ આરંભકાળ હતો. સિદ્ધાર્થ ખૂબ પ્રૉમિસિંગ ઍક્ટર ગણાતો એની બ‌િલુકલ ના નહીં પણ ગુજરાતી રંગભૂમિ પર આવ્યાને હજી તેને સાતેક વર્ષ થયાં હતાં. એ વખતે સિદ્ધાર્થ નાટકોની સાથોસાથ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ પણ કરતો. મનમાં એમ હશે કે નાટક કે ઍક્ટિંગની કરીઅર ન ચાલે તો પેટિયું રળવા આ કામ તો કરી શકાશે. એ વખતે ક્યાં કોઈને ખબર હતી કે બે હજારના દશકથી સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિ પર ચલણી નોટ બની જશે. આજે સિદ્ધાર્થના નાટકની અનાઉન્સમેન્ટ આવે ત્યાં નાટક હાઉસફુલ થઈ જાય છે, પણ એ વખતે બીજાને તો શું ખુદ સિદ્ધાર્થને પણ ખબર નહોતી કે તેનું નામ આ સ્તર પર પહોંચી જશે અને ગુજ્જુભાઈ શબ્દનો તે પર્યાય બની જશે.

સિદ્ધાર્થે ‘સવિતા દામોદર પરાંજપે’ ડિરેક્ટ કરવાનું નક્કી કર્યું. ડિરેક્ટર તરીકે તેનું આ પહેલું નાટક હતું. એમાં સિદ્ધાર્થ રોલ પણ કરવાનો હતો તો ગુજરાતી રંગભૂમિનાં મહારાણી અને શન‌િવારે જેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું એ સરિતા જોશી એમાં લીડ રોલ કરવાનાં હતાં. સરિતાબહેનના નામના એ સમયે બૉક્સ-ઑફિસ પર સિક્કા પડતા. રાજીવ મહેતા પણ એક મહત્ત્વના રોલમાં હતો. રાજીવ એટલે ‘ખ‌િચડી’નો પ્રફુલ્લ. આ નાટકનાં રિહર્સલ બિરલા ક્રીડા કેન્દ્રમાં પહેલા માળે થતાં હતાં. કહેવાની જરૂર નથી કે નાટક સુપરડુપર હિટ થયું. એ જ વર્ષે ઍક્ટર પરેશ રાવલ પણ ડિરેક્ટર તરીકે મેદાનમાં આવ્યા. ઍક્ટર તરીકે પરેશ રાવલનું નામ બહુ મોટું થઈ ગયું હતું, પણ ડિરેક્ટર તરીકે તે પહેલી વાર નાટક કરતા હતા. આ નાટકનું નામ હતું ‘આતંક’. રાઇટર હતો અંશુમાલી રૂપારેલ. એ પછી આવ્યું આઇએનટીનું નાટક ‘પૌરુષ’, સુરેશ રાજડા દિગ્દર્શિત આ નાટકમાં ટીકુ તલસાણિયા લીડ ઍક્ટર. આ બધાં નાટકો મેં જોયાં છે. બે જ કામ કરતાં મને આવડે. નાટક જોતાં અને નાટક બનાવતાં. બસ, વાત પૂરી. આ જ અરસામાં એક નાટક હતું ‘દસ્તો પિંજર ખાલ કબૂતર’. નાટકના દિગ્દર્શક દિનકર જાની અને પ્રોડ્યુસર ભરત મોહિની અને તીરથ વિદ્યાર્થી. બન્નેનું આ પહેલું નાટક અને પછી તો ભરતના અન્ય બે નાટકમાં પણ મેં કામ કર્યું. એ નાટકના લેખક હરીશ નાગ્રેચા. નાટકના લીડ કલાકાર દીપક ઘીવાલા અને રાગ‌િણી. આ જોડી એ સમયે ફુલ ફૉર્મમાં હતી. તેમના નામે જ ઑડિયન્સ આવી જાય. નાટકના અન્ય કલાકારોમાં એક સુભાષ ઠાકર અને બીજો સંજય ગોરડિયા. હા, આજના બહુ જાણીતા મિમિક્રી આર્ટિસ્ટ અને ડાયરાનો કલાકાર એવા સુભાષ ઠાકર. એ મારો અને સુભાષ ઠાકરનો સ્ટ્રગલનો પ‌િરિયડ હતો. કહેવાની જરૂર નથી કે આ નાટક સુપરફ્લૉપ થયું હતું.

sangofeedback@gmail.com

 

જોકસમ્રાટ

મુખીદાદાઃ આ વીંટી કેટલાની?

સોનીઃ પચીસ હજારની...

મુખીદાદાઃ અરે બાપ રે... આ બીજી મોટી વીંટી કેટલાની?

સોનીઃ બે વાર અરે બાપ રે...

 

ફૂડ ટિપ્સ

 

અમદાવાદમાં ‘બોલ્સ ઑફ બુદ્ધા’નો ટેસ્ટ માણી અમે અમદાવાદથી ભાવનગર અમારા નાટકના શો માટે ગયા. પહેલેથી જ મેં નક્કી કરી રાખ્યું હતું કે ભાવનગરથી તમારા માટે ભાવનગરના ફેમસ ભૂંગળા-બટાટાની સ્પેશ્યલ ફૂડ ટ‌િપ કરવી. મુંબઈકર માટે આ આઇટમ થોડી નવી છે અને જરા હસવું આવે એવી છે, પણ કાઠિયાવાડમાં આ આઇટમ બહુ ખવાય છે અને આખા કાઠ‌િયાવાડમાં ભાવનગર એની આ ડ‌િશ માટે વધારે ફેમસ છે.

અમદાવાદથી ભાવનગર શો હોય ત્યારે કેવું થાય કે અમદાવાદથી ભાવનગર જવા માટે અમે બપોરે નીકળીએ અને સાંજે સાત-સાડાસાતે ભાવનગર પહોંચીએ. પછી રાત્રે સાડાનવનો શો હોય એટલે શો પતાવીએ અને પછી ઑડિટોરિયમ પર જ ડ‌િનર કરી અમે પાછા અમદાવાદ આવવા માટે નીકળી જઈએ અને વહેલી સવારે અમદાવાદ આવી જઈએ. આમ મોટા ભાગના ક‌િસ્સામાં ભાવનગર રાતવાસો કરવાનું બને નહીં. ભૂંગળા-બટાટાની મેં તપાસ કરી તો ખબર પડી કે સાત વાગ્યે બધા ધંધો આટોપીને નીકળી જાય છે. હકીકતમાં આ નાસ્તો સવારનો છે એટલે બધા સવારથી બેઠા હોય. બીજું એ કે સવારે બાફેલા બટાટા રાત સુધીમાં ખરાબ પણ થઈ જાય. ટૂંકમાં ભૂંગળા-બટાટા તમારા સુધી લઈ આવવાની મારી ખ્વાહિશ અધૂરી રહી ગઈ. જોકે એક નવી વરાઇટી તો ભાવનગરમાંથી શોધી જ લીધી. મગનું સેવઉસળ. આ આઇટમ તમને બીજે ક્યાંય નહીં મળે એની ગૅરન્ટી.

સાંભળ્યું ત્યારે મને પણ નવાઈ લાગી, પણ અહીં જે ફોટો છે એ જલારામ મંદિરનો ફોટો છે. ભાવનગરના ખારગેટ વિસ્તારમાં આવેલા આ મંદિરની આજુબાજુમાં ઘણાબધા મગનું સેવઉસળ વહેંચે છે. હવે હું તમને કહું કે મગનું સેવઉસળ શું છે. મગનું આપણે જે પાણી પીતા હોઈએ છીએ એ જાડા પાણીમાં કે પછી જાડા ઓસામણમાં સફેદ વટાણા નાખી એનું ઉસળ બનાવે અને પછી એની ઉપર સેવ અને લસણની તીખી સફેદ ચટણી અને બીજી મીઠી ચટણી ઉમેરે. આ સેવઉસળ પાંઉ સાથે ખાવાનું. ગુજરાતમાં સેવઉસળ વડોદરાનું ખૂબ સરસ હોય છે, પણ આ મગનું સેવઉસળ પણ બહુ સરસ છે. એનો ટેસ્ટ એકદમ અલગ હતો. જલારામ મંદિર પાસે અંકિતનું જે મગનું સેવઉસળ મળે છે એનો ટેસ્ટ મેં કર્યો, એ સરસ હતો. આ ઉપરાંત પણ બેત્રણ બીજી દુકાનવાળા આ જ વરાઇટી વેચે છે. ભાવનગર જાઓ ત્યારે એક વખત આ મગના સેવઉસળનો ટેસ્ટ કરજો. સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને ટેસ્ટમાં એકદમ મસ્ત છે.

 

ગુજરાત યાત્રાનું નિમિત્ત ઃ ‘કાચના સંબંધ’ નાટકના કારણે મને ગુજરાતમાં પચીસ શો કરવા જવાની તક મળી અને એ તકને લીધે મને શૈલેશ દવે અને પદ્મારાણી સાથે રહેવાનો મોકો મળ્યો, જેણે મને અઢળક શીખવ્યું.

 

હેલ્થ પણ ટેસ્ટ પણઃ ભાવનગરના ખારગેટ વિસ્તારમાં જલારામ મંદિર. આ મંદિરની આજુબાજુમાં મળતાં મગના સેવઉસળ એક વાર ટેસ્ટ કરજો, તમને ભાવશે પણ ખૂબ અને મગ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે એટલે એનો લાભ પણ મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK