તમે રસોડાનાં ક્વીન હો તો તમારા હાર્ટને ખતરો છે?

Published: 19th December, 2014 06:11 IST

વિદેશી રિસર્ચરો આવું કહી રહ્યા છે ત્યારે પોતાના પરિવાર માટે કુકિંગ કરવાના શારીરિક અને માનસિક ફાયદા, ગેરફાયદા વિશે જાણીએ આ ફીલ્ડના એક્સપર્ટ્સ પાસેથીસ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

અગાઉના સમયમાં સ્ત્રીઓનો મોટા ભાગનો સમય કિચનમાં પસાર થતો હતો એટલું જ નહીં, રસોડામાં માત્ર તેનું જ સામ્રાજ્ય હોવાથી તેને રસોડાની રાણીનું બિરુદ આપવામાં આવ્યું હતું. પણ આજે સમય બદલાઈ ગયો છે. હવે સ્ત્રીઓને આ બિરુદ નથી ગમતું એટલું જ નહીં, મોટા ભાગની સ્ત્રીઓને તો રસોઈ જ કરવી નથી ગમતી. પહેલાંની સ્ત્રીઓની જેમ આજની સ્ત્રીઓને આખો દિવસ રસોડામાં ગોંધાઈ રહેવું જરાય પસંદ નથી ત્યારે લંડનમાં થયેલું રિસર્ચ તેમની મરજીને વધુ બૂસ્ટ આપી શકે છે. ૨૭૦૦ સ્ત્રીઓ પર થયેલા એક રિસર્ચનું તારણ છે કે જે વ્યક્તિ રસોઈ બનાવવામાં વધુ સમય સ્પેન્ડ કરે છે તેમને હાર્ટના રોગોનું રિસ્ક વધુ રહે છે. સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે તમે પોતાના માટે રસોઈ બનાવો છો ત્યારે તમે એ વધુ ખાઓ છો, કારણ કે એ બનાવવા પાછળ તમે ઘણી મહેનત કરી હોય છે. આ મહેનતને લઈને જ તમે પોતે બનાવેલું વધુ ખાઈ લો છો જે તમારી હેલ્થની સમસ્યાઓ ઊભી કરે છે. લંડનમાં થયેલા આ રિસર્ચના સંદર્ભમાં અમે એક્સપર્ટ્સ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે મળ્યું એ વધુ ઉપયોગી બાબત છે. 

ભારતીય સંસ્કૃતિમાં રસોઈ એ માત્ર રસોઈ નથી, એમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ વણાયેલો હોય છે એવું કહેતાં જાણીતાં કુકરી એક્સપર્ટ મીતા ભરવાડા કહે છે, ‘રસોઈ બનાવવામાં આપણે જે મહેનત કરીએ છીએ એમાં આપણે મનથી પણ જોડાયેલાં હોઈએ છીએ. રસોઈ બનાવતી વખતે સ્ત્રીઓ ઘરની દરેક વ્યક્તિની પસંદ-નાપસંદનું પણ બરાબર ધ્યાન રાખે છે. પરિવાર પ્રત્યેનું બૉન્ડિંગ મજબૂત અહીંથી જ બને છે. આ રીતે સાઇકોલૉજિલી પણ આપણે ફૂડ સાથે જોડાયેલાં છીએ.’

રસોઈના આ બૉન્ડિંગને લઈને જ રસોઈ બનાવનાર અને ખાનાર બેયને સંતોષ અને આનંદની જે અનુભૂતિ થાય છે એને મીતાબહેન બીમારીઓ ભગાડવાનું સાધન માને છે.

લંડનમાં થયેલું આ રિસર્ચ ભારતીય સંસ્કૃતિમાં બંધ ન બેસી શકે એની વાત કરતાં મીતાબહેન કહે છે, ‘વિદેશીઓનું કલ્ચર ફૂડ-હૅબિટમાં પણ ઘણું અલગ પડે છે. ભારતીય સંસ્કૃતિ અને હવામાન પણ વાસી ફૂડ અલાઉ નથી કરતાં એથી ભારતમાં પૅક્ડ ફૂડ વધુ નથી ચાલતાં. આપણે ત્યાં એક વાર, બે વાર કે ત્રણ વાર નહીં; દિવસમાં ચાર વાર પણ સ્ત્રીઓ રસોઈ બનાવે છે. ભારતીય મહિલાઓ માટે રસોઈ બનાવવી એ રમતવાત છે, બહુ મોટો ટાસ્ક નથી. બીજું, વિદેશોમાં જે વર્ક-કલ્ચર છે એવું ભારતમાં નથી. અહીં માબાપની ઉંમર થાય તો તેઓ રિટાયર થઈ જાય છે. વિદેશમાં વસતા ભારતીયો પણ આ જ કારણસર રસોઈ નથી કરતા. આવું ભારતમાં નથી. વિદેશીઓ ખોરાકની ન્યુટ્રિશન-વૅલ્યુ બાબતે વધુ સજાગ હોવાના કારણે ફૂડનાં પૅકેટ્સ પર એમાં કેટલી કૅલરી અને કેટલી ફૅટ છે એ જણાવેલું હોય છે. એ રીતે પણ હેલ્ધી રહેવા તેઓ બહારથી લાવેલું ફૂડ ખાવાનું પ્રિફર કરે છે. ભારતમાં આમાંનું કંઈ નથી. વળી રસોઈ કરવી એને ભારતીય મહિલાઓ રમતવાત સમજે છે. રસોઈ કરીને તે પોતાના સ્ટ્રેસને ઓછો પણ કરી શકે છે.’

આ તો દેશ બદલાય એમ માન્યતા બદલાય એવું મીતા ભરવાડાનું માનવું છે.

પ્રિવેન્ટિવ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર તો આ રિસર્ચની સત્યતાનો છેદ ઉડાડતાં કહે છે, ‘આ બધાં અસોસિએશન-સ્ટડી હોય છે, તેમના તારણને કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી હોતું.’

જોકે ડાયટિશ્યન યોગિતા ગોરડિયા આ રિસર્ચને સમર્થન આપે છે. રસોઈ બનાવી-બનાવીને થાક્યા પછી વ્યક્તિ પોતાના માટેની રસોઈ બાબતે જે કૉમ્પ્રોમાઇઝ કરે છે એ તેની હેલ્થ પર જઈ પડે છે એમ જણાવતાં યોગિતાબહેન કહે છે, ‘રસોઈ બનાવતી વખતે તમે દરેક વસ્તુને થોડી ચાખો છો એટલું જ નહીં, મહેનત કરીને બનાવેલી વસ્તુ બધા જમતા હોય ત્યારે થોડી બચી જતી હોય તો એ તમે ખાઈ લો છો. આમ નૉર્મલ ફૂડ કરતાં તમારું ખાવાનું વધી જાય છે. એ જ રીતે બધાના ટેસ્ટનું ખાવાનું બનાવવામાં બનાવનારા પોતે એટલા થાકી જાય છે કે પોતાના ટેસ્ટનું બનાવવામાં કૉમ્પ્રોમાઇઝ કરે છે. આને કારણે તે જમે છે, પણ જમવાનો સંતોષ નહીં મળ્યો હોવાથી બહાર જાય ત્યારે કે જમી લીધા પછી પણ સંતોષ મળે એવું કંઈક ખાઈ લે છે. આ સાઇકોલૉજિકલ ઑન ગોઇંગ ફૅક્ટર છે જે તમારી હેલ્થ પર ખરાબ અસર કરે છે. ભારતીય અને એમાંય ગુજરાતી મહિલાઓ પરિવાર માટે ભલે રસોઈ બનાવે, પણ પોતાના માટે બનાવવામાં પાછી પાની કરે છે જે છેવટે તેની હેલ્થને જ નુકસાન કરે છે.’

કેટલીક વાર રસોઈ બનાવવાની આળસમાં સ્ત્રીઓ કોઈ એક ચીજ ખાઈ પેટ ભરી લે છે જે તેના શરીરની ન્યુટ્રિશન-રિક્વાયરમેન્ટને પૂરી નથી કરી શકતું. કોઈ એક જ ચીજ અને એમાંય કાર્બોહાઇડ્રેટની માત્રા જ વધુ લે છે અને આ ખોટ ઓવરઑલ તેની હેલ્થને બગાડે છે એમ જણાવતાં યોગિતાબહેન કહે છે, ‘કેટલીક સ્ત્રીઓને લાગે કે એ તો ખાતી જ નથી તો કૉલેસ્ટરોલ ક્યાંથી આવ્યું? પણ આ રીતે ધીમે-ધીમે તેની હેલ્થ પર અસર થતી રહે છે.’

 રસોઈ કરવી મોટા ભાગની સ્ત્રીઓને નથી ગમતી એમ જણાવતાં યોગિતાબહેન કહે છે, ‘શરૂઆતના સમયમાં તો ઠીક, પણ ચાલીસી પછી મોટા ભાગની સ્ત્રીઓને રસોઈ કરવી નથી ગમતી. પરંતુ પરિવાર માટે કરવી જ પડે છે અને એથી પોતાની પસંદની રસોઈમાં તે કૉમ્પ્રૉમાઇઝ કરે છે જે આગળ કહ્યું એમ તેની હેલ્થને ખરાબ અસર કરે છે. તેની જાણ બહાર ઘણીબધી કૅલરી અને ફૅટ તેના શરીરમાં જતાં રહ્યાં હોય છે.’

રસોડામાં વધુ સમય રહેવાથી જ માત્ર ઓવરઈટિંગ થાય એવું હરગિઝ નથી, એ માટેનાં ઘણાં કારણો હોઈ શકે છે એમ જણાવતાં ૧૫ વર્ષથી દાદરમાં સાઇકોથેરપિસ્ટ તરીકે કામ કરતાં રીમા શાહ કહે છે, ‘સાઇકોલૉજિકલ લૅન્ગ્વેજમાં ઓવરઈટિંગને કમ્ફર્ટ ઈટિંગ કહેવામાં આવે છે. એનાથી ઇમોશનલ કમ્ફર્ટ ફીલ થાય છે. વ્યક્તિ ઇમોશનલી લો હોય ત્યારે તે કંઈક એવું ખાવા લાગે જેનાથી તેને કમ્ફર્ટ મળે. એ વખતે એ નથી જોવાતું કે ભૂખ છે કે નહીં. સ્વીટ ખાવાથી મને વધુ સારું લાગતું હોય તો એ હું ખાઉં છું. બ્લડ-શુગર નૉર્મલ થવાથી તેને સારું લાગવા લાગે છે.’

કિચનમાં હોય તેઓ જ કમ્ફર્ટ ઈટિંગ કરે છે એવું નથી, જે લોકોને કંઈક કરવું છે પણ કિચનમાં વધુ રહેવાના કારણે થઈ નહીં શકતું હોવાથી તેઓ ઇમોશનલી ડિસ્ટર્બ થાય છે અને કમ્ફર્ટ ફીલ કરવા માટે ઈટિંગ કરે છે. આ કારણે કદાચ એવું હોઈ શકે કે કિચનમાં વધુ સમય રહેતી સ્ત્રીઓ રસોડાની બહાર નીકળવા ન મળે ત્યારે એવા વિચારે નેગેટિવ થઈ જાય છે કે હું તો અહીં બંધાઈ ગઈ છું, રસોડા બહાર જવા જ નથી મળતું વગેરે. આ નેગેટિવ ફીલિંગ તેને કામમાં સંતોષ નથી આપતી. એને લઈને ઇમોશનલી કમ્ફર્ટ ફીલ નહીં કરો. આ કમ્ફર્ટ માટે લોકો એથી જ વધુ ખાવા લાગે છે જે હેલ્થને નુકસાન કરે જ કરે.

તો છેવટે એટલું જ કહી શકાય કે રસોઈ કરવાની ગમે તો જ કરો, મહાપરાણે ન કરો. ઘરના બધા માટે જમવાનું બનાવો છો તો પોતાનું ભાવતું જમવાનું પણ બનાવો, કૉમ્પ્રોમાઇઝ એમાં જરાય નહીં ચાલે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK