Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામ: દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામ: દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

03 February, 2021 01:37 PM IST | New Delhi
Agency

ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામ: દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

એકલા જમો રે...

વિપક્ષોને માત કરવામાં ઉસ્તાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની એનડીએ સરકાર માટે ખેડૂત આંદોલન છેલ્લાં ૬ વર્ષમાં આવેલો સૌથી મોટો પડકાર બન્યું છે. છેલ્લા બે કરતાં વધુ મહિનાથી દિલ્હીની સરહદે ચાલી રહેલા નવા કૃષિ કાયદા સામેના ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા ગઈ કાલે એક ખૂણામાં બેસીને ભોજન આરોગી રહ્યા છે. પાછળ સરકાર દ્વારા મૂકવામાં આવેલી આડશો. તસવીર : (પી.ટી.આઇ.)

એકલા જમો રે... વિપક્ષોને માત કરવામાં ઉસ્તાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની એનડીએ સરકાર માટે ખેડૂત આંદોલન છેલ્લાં ૬ વર્ષમાં આવેલો સૌથી મોટો પડકાર બન્યું છે. છેલ્લા બે કરતાં વધુ મહિનાથી દિલ્હીની સરહદે ચાલી રહેલા નવા કૃષિ કાયદા સામેના ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા ગઈ કાલે એક ખૂણામાં બેસીને ભોજન આરોગી રહ્યા છે. પાછળ સરકાર દ્વારા મૂકવામાં આવેલી આડશો. તસવીર : (પી.ટી.આઇ.)


કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધુ વેગ આપી આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ-પ્રદર્શન વધુ ઉગ્ર બને એવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બૅરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવનાં સ્થળો પર અને એની આસપાસના વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.

ખેડૂત સંગઠનોએ ૬ ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઇન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ૩ કલાક સુધી રાષ્ટ્રીય તેમ જ સ્ટેટ હાઇવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.



ખેડૂતોના ચક્કાજામ અંગે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે આપણે ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં શનિવાર ૬ ફેબ્રુઆરીએ ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ખેતરમાંથી નીકળીને રસ્તા પર બેસવું પડશે. તમામ રાજકીય પક્ષો જે ખેડૂત બિલનો વિરોધ કરી રહ્યા છે તેમણે આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા તમામ કાર્યકર્તાઓને અપીલ કરવી જોઈએ.


દિલ્હીની સરહદો પર ખેડૂતોનાં પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બૅરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરનાં બૅરિકેડ્સ ગોઠવાયાં છે.

દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્રબિન્દુ બન્યો છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશનરે સુરક્ષા-કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.


ઑક્ટોબર સુધી ચાલુ રહેશે આંદોલન : ટિકૈત

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ૭ મહિનાથી વધુ સમયથી ખેડૂતો દેશમાં આંદોલન કરી રહ્યા છે. બે મહિનાથી વધુ સમયથી ખેડૂતો દિલ્હીની જુદી-જુદી સીમાઓ પર ધરણાં પર બેઠાં છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા એક મોટું નિવેદન આવ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે તાજેતરના ભૂતકાળમાં આ આંદોલનનો અંત આવે એવી કોઈ આશા નથી. આ આંદોલન હજી ૭-૮ મહિના અને દિલ્હીની સરહદો પર ચાલી શકે છે.

દિલ્હી અને ઉત્તર પ્રદેશ (ગાઝીપુર સરહદ)ની સરહદો પર ખેડૂતોની હડતાલનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે મંગળવારે કહ્યું હતું કે અમે સરકારને કહ્યું છે કે ખેડૂતોનું આ આંદોલન ઑક્ટોબર સુધી ચાલશે. અમે હજી ઑક્ટોબર સુધી વાત કરી રહ્યા છીએ. ઑક્ટોબર પછી પણ આંદોલન ચાલી શકે છે, અમે પછીની તારીખો આપીશું. ટિકૈતે કહ્યું કે સરકાર સાથે વાતચીત પણ ચાલુ રહેશે, પરંતુ અમારું સૂત્ર એક જ રહેશે - ‘જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેચાય ત્યાં સુધી ઘરે પાછા નહીં ફરે.’

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2021 01:37 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK