હવે ખોખાણી લેનના રહેવાસીઓ પણ કરશે આંદોલન સ્ટૉલધારકો અને ફેરિયાઓ સામે

Published: 21st November, 2012 07:22 IST

વલ્લભબાગ લેનના રેસિડન્ટ્સને મળેલી સફળતામાંથી પ્રેરણા લઈને અહીંની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રસ્તા પર ઊતરશેઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનના રહેવાસીઓના ફેરિયાઓ અને સ્ટૉલધારકો સામેના આંદોલનથી પ્રેરિત થઈને ઈસ્ટમાં જ સ્ટેશન પાસે આવેલી ખોખાણી લેનના રહેવાસીઓએ પણ સુધરાઈ વિરુદ્ધ આંદોલન કરવાનો નર્ણિય કર્યો છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ છે કે રસ્તો સાંકડો હોવા છતાં આ વિસ્તારમાં ફેરિયાઓ, સ્ટૉલધારકો અને પાર્કિંગ ઝોનને કારણે કટોકટીના સમયે ઍમ્બ્યુલન્સ પણ મહામુસીબતે પ્રવેશી શકે છે અને સુધરાઈ સમક્ષ અનેક ફરિયાદો કર્યા પછી પણ આ સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો.

ખોખાણી લેનના રહેવાસી નીલેશ દવેએ રોડ સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હવે ભલમનસાઈનો જમાનો નથી. નાનો માણસ બે પૈસા રળે એમાં વિઘ્નરૂપ ન બનીએ એ વિચારીને રસ્તાની થોડી જગ્યા તેને આપવા જતાં તે ક્યારે એ જગ્યાનો માલિક બની જશે એ અનુભવે જ ખબર પડે. અમારો રસ્તો ખૂબ નાનો છે. માંડ આઠથી દસ ફૂટના આ રસ્તા પર સુધરાઈએ પહેલાં તો કેવી રીતે ચા અને ઢોસાવાળાના સ્ટૉલને પરવાનગી આપી એની અમને નવાઈ લાગે છે. આ બન્ને સ્ટૉલને લીધે રસ્તા પર લોકોનાં ટોળેટોળાં જામે છે જે રિક્ષા જેવા વાહનને પણ આવવામાં ત્રાસરૂપ બને છે. એમાં રસ્તાની એક બાજુને પાર્કિંગ ઝોન બનાવી દીધો છે. અધૂરામાં પૂરું, આ લેનની ફૂટપાથ પણ રાહદારીઓ માટે ચાલવા જેવી નથી. ગટરનાં ઢાકણાં તૂટેલાં છે. ખોખાણી લેનના નાકા પર એક મંદિર આવેલું છે અને ગલીમાં એક હૉસ્પિટલ પણ છે. રસ્તાની હાલત એવી છે કે હૉસ્પિટલમાં ક્યારેક ઍમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી. આમ છતાં સુધરાઈ તરફથી કોઈ જ કાર્યવાહી થતી નથી.’

આ સમસ્યાઓના નિવારણ માટે આ વિસ્તારના અન્ય રહેવાસી અનિલ શાહે આખા વિસ્તારના રહેવાસીઓની સહી લઈને સુધરાઈમાં ફરિયાદ કરી હોવા છતાં સુધરાઈ તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. અનિલ શાહે મિડ-ડે LOCALને તેમના વિસ્તારની વિસ્તૃત માહિતી આપ્યા બાદ કહ્યું હતું કે ‘એક બાજુ સ્ટૉલવાળાએ અને બીજી બાજુ પાણીપૂરીવાળા, ભેળપૂરીવાળા તથા અન્ય ફેરિયાઓએ અડ્ડો જમાવવાનો શરૂ કરી દીધો છે. સુધરાઈની ઓફિસ અમારી ગલીથી ૫૦ ફૂટના અંતરે પણ નથી છતાં સ્ટૉલવાળા અને ફેરિયાવાળા સામે કોઈ કાર્યવાહી થતી નથી. ફૂટપાથની ખરાબ હાલતને કારણે રાહદારીઓ એના પર ચાલી શકતા નથી. આ જોતાં વલ્લભબાગ લેનના રહેવાસીઓના આંદોલનથી પ્રેરાઈને અમે પણ દિવાળી પછી અમારા વિસ્તારની સમસ્યાઓનો ઉકેલ લાવવા આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK