Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છનું ઝળહળતું રતન ખીમજી બાપા

કચ્છનું ઝળહળતું રતન ખીમજી બાપા

05 November, 2019 04:19 PM IST | Mumbai
Vasant Maru

કચ્છનું ઝળહળતું રતન ખીમજી બાપા

ખીમજી બાપા

ખીમજી બાપા


અંદાજે ૧૫૦ વર્ષ પહેલાં અને હાલમાં પાકિસ્તાનના સિંધ અને પંજાબના વિવિધ વિસ્તારોમાં વિચરતા જૈન સાધુ આત્મારામજી મહારાજસાહેબે જૈનોને આધુનિક શિક્ષણ આપવાનું સ્વપ્ન જોયું હતું. આત્મારામજી સ્વપ્નદ્રષ્ટા સાધુ હતા. તેમને અંદાજ આવી ગયો હતો કે આવનાર સમયમાં અંગ્રેજો ભારતને આઝાદી આપશે ત્યારે શિક્ષણ દ્વારા જ સાધર્મિકોનો વિકાસ શક્ય બનશે. વયોવૃદ્ધ આત્મારામજી મહારાજસાહેબે શિક્ષણનું પોતાનું સ્વપ્ન પૂરું કરવાનું કાર્ય પોતાના શિષ્ય પ્રખર ક્રાન્તિકારી વિજયવલ્લભસૂરિ મ.સા.ને સોંપ્યું.

ગોવાલિયા ટૅન્ક ખાતે આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ નામની આધુનિક હૉસ્ટેલની શરૂઆત અંદાજે ૧૦૫ વર્ષ પહેલાં કરી હતી. એક જૈન સાધુભગવંત શિક્ષણનું કાર્ય કરે એ જૈન સમાજમાં ત‍દ્દન નવી વાત હતી. થોડાં વર્ષ પછી ખીમજીભાઈ નામના કચ્છી જુવાન આચાર્ય વિજયવલ્લભસૂરિજીના કાર્યથી પ્રભાવિત થઈ તેમના કાર્યમાં જોડાયા. સાહેબજીને ખીમજીભાઈનાં વ્યવસ્થાપનકાર્ય (મૅનેજમેન્ટ) તથા ફન્ડ ભેગું કરવાની આવડત પર બહુ ભરોસો બેસી ગયો. પરિણામે ગોવાલિયા ટૅન્ક પર શરૂ થયેલી ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ની આજે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ૧૨ જેટલી બૉય્‍સ હૉસ્ટેલ ઉપરાંત આઠેક ગર્લ્સ હૉસ્ટેલ છે. આ હૉસ્ટેલમાં ભણીને હજારો વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં ફેલાઈ ગયા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મબલક ફન્ડ આપી સંસ્થાને સધ્ધર બનાવી દીધી છે. મહાવીર જૈન વિદ્યાલયના સંઘર્ષકાળમાં કચ્છી માડુ ખીમજીભાઈ છેડાએ અદ્ભુત કાર્ય કરીને શિક્ષણક્ષેત્રે માતબર પ્રદાન કર્યું છે. આજે ત્રણ રાજ્યમાં ફેલાયેલી આ સંસ્થાની હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના સંસ્કારઘડતર માટે ધર્મનું શિક્ષણ ફરજિયાત છે, જેની પરીક્ષાનું સંચાલન જૈન ધર્મનાં પ્રકાંડપંડિત મુકેશભાઈ શાહ (મૂળ ઊણ ગામ - બનાસકાંઠા, હાલ અંધેરી) કરી રહ્યા છે. આચાર્ય વિજયવલ્લભસૂરિ પ્રેરિત હૉસ્પિટલ, હૉસ્ટેલ ઇત્યાદિ ૧૦૮ પ્રકલ્પો ભારતભરમાં ફેલાયેલા છે, જેમાં પાયાનુ કાર્ય ખીમજીબાપા અને તેમના સાથીદારોએ કર્યું. 



ખીમજીબાપાએ મુંબઈની જેમ કચ્છમાં પણ શિક્ષણક્ષેત્રે કાર્ય કર્યું છે. ભારતમાં બીજા નંબરના સૌથી મોટા કચ્છ જિલ્લામાં કાર્ય કરતી સારસ્વત સંસ્થાના તેઓ સેક્રેટરી હતા. સારસ્વત સંસ્થા કચ્છ જિલ્લામાં ૧૦૦ જેટલી સારસ્વત સ્કૂલોનું સંચાલન કરે છે.


khimji

કચ્છના મુંદ્રા તાલુકાના કુંદરોડી નામના તદ્દન નાનકડા ગામે કચ્છી સમાજને અનેક રત્નોની ભેટ ધરી છે. સંગીતકાર કલ્યાણજી-આણંદજી, પ્રસિદ્ધ દાનવીર ઉદ્યોગપતિ દામજીભાઈ ઍન્કરવાળા અને જાદવજીભાઈ ઍન્કરવાળા, આરોગ્ય ક્ષેત્રે કચ્છને વિશ્વના નકશા પર મૂકનાર બિદડા સર્વોદય ટ્રસ્ટના ચૅરમૅન વિજય છેડા કુંદરોડી ગામના છે. એટલું જ નહીં, મહાજન પરંપરાની બે મહાન સંસ્થાઓ શ્રી દેરાવાસી જૈન મહાજનના પ્રમુખ પન્નાલાલભાઈ છેડા અને સ્થાનકવાસી જૈન મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગંગર તેમ જ વ્યસનમુક્તિ અને ગૌવંશના પ્રખર પ્રચારક વિનેશ મામણિયા પણ કુંદરોડીના છે. આ નાનકડા ગામમાં ખેડૂતપિતા હેમરાજભાઈ અને માતા કુંવરબાઈના ઘરે ૧૦૧ વર્ષ પહેલાં ખીમજીબાપાનો જન્મ થયો હતો. પિતા હેમરાજભાઈએ મુંબઈ આવીને દાણાની દુકાન શરૂ કરી. ખીમજીબાપાનાં લગ્ન લક્ષ્મીબા સાથે થયાં પણ કમનસીબે લક્ષ્મીબહેન બે નાનાં સંતાન પન્નાલાલ અને મણિલાલને મૂકીને અવસાન પામ્યાં. ત્યારથી ખીમજીભાઈને સેવા દ્વારા જીવનને સાર્થક કરવાનો ઉમંગ જાગ્યો. પહેલાં દાણાની દુકાનમાંથી વ્યવસાયપરિવર્તન કરી સારું અર્થ ઉત્પાદન કરી લીધું અને સેવાની ભેખ બાંધી અને મહાવીર વિદ્યાલયથી તેમની સામાજિક પ્રવૃત્ત‌િઓનો આરંભ થયો.


૧૯૫૫માં ખીમજીબાપા મુંબઈના વેપારીઓના સંગઠન ધી બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ બન્યા. એ સમયે વ્યાપારીઓ માટે કપરો કાળ હતો. દેશે તાજી-તાજી સ્વતંત્રતા મેળવી હતી, પરંતુ વેપારીઓ લાઇસન્સ રાજમાં સપડાયા હતા. સરકારી બાબુઓ દ્વારા વેપારીઓની કનડગત થતી. ખીમજીબાપાએ એ માટે સારીએવી લડત ચલાવીને સફળતા મેળવી હતી. ૧૯૫૬માં ‘આમચી મુંબઈ’નાં તોફાન ફાટી નીકળ્યાં. ભાષાવાદના ખપ્પરમાં અસંખ્ય કચ્છી-ગુજરાતીઓ ભોગ બન્યા. ઘરો લૂંટાયાં, દુકાનોને આગ ચંપાઈ, પણ જાનના જોખમે ખીમજીબાપાએ અસંખ્ય પરિવારોને સલામત જગ્યાએ ખસેડવાનું કપરું કાર્ય કર્યું. ત્યારે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈની સરકારે આ કાર્ય પાર પાડવા ૬ સાર્જન્ટ અને ૧૦૦ સિપાઈઓની સહાય ખીમજીબાપાને આપીને હજારો લોકોનો જીવ બચાવ્યો. નવી નાળ મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ લાલજીભાઈ તેજસી વોરા પાસેથી ‘આમચી મુંબઈ’માં ખીમજીબાપાનાં પરાક્રમોની વાતો સાંભળી આ લખનારનું દિલ ધડકી ઊઠ્યું હતું.

ખીમજીબાપા જીવદયાના હિમાયતી હતા. અવારનવાર દુષ્કાળનો ભોગ બનતા કચ્છમાં અત્યારે ઘણી પાંજરાપોળો ચાલે છે. મહાવીર અહિંસા ધામના મહેન્દ્રભાઈ સંઘોઈ, વર્ધમાન જીવદયાના વસનજીભાઈ સોની ઇત્યાદિ જીવદયાપ્રેમીઓએ પોતાનું સમગ્ર જીવન મૂંગાં પશુઓને અર્પી દીધું છે, પણ વર્ષો પહેલાં પાંજરાપોળોનો નિભાવ અત્યંત મુશ્કેલ હતો એટલે ખીમજીબાપાએ પોતાના ખર્ચે, પોતાના મિત્ર વસંત ગાલા (નવી નાળ)ના સથવારે કુંદરોડીમાં પ્રાઇવેટ પાંજરાપોળ શરૂ કરી. ૫૦૦ પશુઓને આશરો આપ્યો. એ પાંજરાપોળની ગાયોએ આપેલા દૂધમાંથી માત્ર અને માત્ર છાશ બનાવીને કુંદરોડી અને આસપાસના વિસ્તારોમાં ‘વિનામૂલ્ય છાશ વિતરણ’ની વ્યવસ્થા ઊભી કરી. કારણ કે કચ્છી માડુ એક વાર અનાજ વગર જીવી શકે, પણ છાશ વગર જીવી ન શકે! એક વાર ખીમજીબાપાનાં બહેને દૂધની માગણી કરી ત્યારે બાપાએ કહ્યું, ‘બહેન. આ લે ઢીંગલા (પૈસા), બહારથી દૂધ લઈ લે. પાંજરાપોળનું દૂધ માત્ર ને માત્ર ગરીબો માટેની છાશ માટે છે!’

એ સમયે મુંબઈમાં અસંખ્ય મિલો ધમધમતી હતી. એની આડઅસરરૂપે ટીબીના અસાધ્ય રોગનો ભારે ઉત્પાત હતો એટલે ખીમજીબાપાએ તળેગાવમાં ટીબી સૅનિટોરિયમમાં કાયમી બિછાનાઓની વ્યવસ્થા કરી, એટલુ જ નહીં, વજ્રેશ્વરીમાં શ્રેયસાધક સંઘ દ્વારા આરામગૃહની સ્થાપના કરી.

મુંબઈ આવીને ભણવા માગતી કચ્છી કન્યાઓ માટે વીરજીભાઈ સાલિયાએ કન્યા છાત્રાલયની શરૂઆત કરી. ભુજપુરિયા શેઠના સથવારે ભાણબાઈ નેણસી કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી. એના આર્થિક સહયોગ માટે ખીમજીબાપાએ આયોજન કરીને સમાજની નિયાણીયોના જીવનમાં પ્રકાશપુંજ પાથરવાનું કાર્ય કર્યું.

આજીવન સેવાધારી ખીમજીબાપાએ જિંદગીના છેલ્લા બે દાયકામાં અનાજ કાયમી ત્યાગ કરીને દૂધ અને ક્યારેક ફળના આધારે જીવન વિતાવ્યું. પરગજુપણું એ કચ્છીઓની ખાસિયત છે અને બાપાની નસનસમાં પરગજુપણું વહેતું. માનવજીવનમાં જ્યાં સહાયની જરૂર પડે ત્યાં બાપા સેવા કરવા પહોંચી જતા. ૧૯૫૫ની આસપાસ સરસ્વતી નામની સ્ટીમર મુંબઈથી મુસાફરો લઈને કરાચીની ખેપ મારતી. કચ્છમાં જવા આ સ્ટીમરનો સારોએવો ઉપયોગ થતો, પણ સ્ટીમરના અધિકારીઓ દ્વારા કચ્છના પૅસેન્જરોને કનડવામાં આવતા, એટલે બાપાએ સ્ટીમરના સંચાલક સિંધિયા કંપનીના માલિકોને મળીને એ કનડગત દૂર કરાવી. ૧૯૫૬માં કચ્છમાં ભીષણ ધરતીકંપ થયો. આયોજનમાં કાબેલ ખીમજીબાપા પોતાના ખર્ચે ચાર્ટર્ડ પ્લેન કરીને રાહતકાર્ય માટે તાત્કાલિક કચ્છ પહોંચી ગયા. અંજારમાં થયેલી ખાનાખરાબીથી તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. ભૂકંપપીડિતો માટે રાહતકાર્યો, દવાઓ, પુનર્વસનની સજ્જડ વ્યવસ્થા ગોઠવી દીધી. કચ્છમાં પડતા દુષ્કાળ વખતે પણ માનવ અને પશુ રાહત માટે તેમણે કરેલાં કાર્યોને આજે પણ લોકો યાદ કરે છે.

વર્ષો પહેલાં મુંબઈમાં ઘર લેવું એટલે લોખંડના ચણા ચાવવા જેટલું અઘરું કામ હતું. બૅન્કલોન એ સમયે ખાસ પ્રચલિત નહોતી. બાપાએ ‘આત્મ વલ્લભ સોસાયટી’ દ્વારા ૨૭ બિલ્ડિંગો નાલાસોપારામાં બંધાવીને જરૂરિયાતમંદોને કાયમી ધોરણે ઘર આપવાનું કાર્ય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી અને રહેઠાણ યોજના પાર પાડી.

બાપા જીવનના છેલ્લા બે દાયકામાં કચ્છમાં ખૂબ સક્રિય રહ્યા. કચ્છના વિકાસ માટે અનેક કાર્યો કર્યાં. રતાડિયા રેડ ક્રૉસ સોસાયટી, પત્રી વિદ્યાર્થી ગૃહ, કચ્છ જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સમિતિ, બાંધકામ સમિતિ ઇત્યાદિમાં પ્રમુખપદે રહીને તેમણે કાર્યો કર્યાં. માંડવી કૉલેજ અને હૉસ્ટેલ શરૂ કરવા ભંડોળ ભેગું કર્યું. કચ્છમાં પ્રથમ દૂધની ડેરી શરૂ કરીને ડેરી ઉદ્યાગનો પાયો કચ્છમાં નાખ્યો. ૧૯૬૮માં કચ્છી સમાજમાં સમૂહલગ્ન માટે પહેલ નાખીને લગ્નપ્રસંગોમાં ચેતનાની ચિનગારી પ્રગટાવી. કચ્છ કૉન્ગ્રેસના મંત્રીપદે રહીને રાજકારણનું સામાજિકીકરણ કર્યું. કચ્છના માંડવી વિસ્તારમાં ધારાસભાની ચૂંટણી સુધ્ધાં લડ્યા. ‘શ્રી આત્માનંદ જૈન સભા’ને ઑફિસ માટે પોતાનું ધનજી સ્ટ્રીટનું નિવાસસ્થાન અર્પણ કરીને પોતાની દિલદારી બતાવી.

ખીમજીબાપાની જેમ જ તેમના પુત્ર પન્નાલાલભાઈ છેડા દેરાવાસી જૈન મહાજનના પ્રમુખપદે બિરાજીને પોતાને વારસામાં મળેલી વહીવટકુશળતાનો લાભ સમાજને આપી રહ્યા છે. સમાજ અને ધર્મના અભ્યાસુ પન્નાલાલભાઈ આજે ૭૯ વર્ષની ઉંમરે યુવાનો જેટલી સ્ફૂર્તિથી સમાજસેવાનાં કાર્યો કરે છે. ખીમજીબાપાના પરપૌત્ર તનય છેડા ઑસ્કરવિજેતા ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેયર’માં હીરોના બાળપણની ભૂમિકામાં અભિનય કરીને વિશ્વપ્રસિદ્ધ થયો. એ ઉપરાંત તેણે તેજસ્વી બાળકલાકાર તરીકે ‘ડૉન’, ‘તારે જમીન પર’, ‘માય નેમ ઇઝ ખાન’ જેવી ફિલ્મોમાં કલાનો કસબ બતાવ્યો છે. ૧૯૭૭માં અવસાન પામેલા ‘કુંદરોડીના ક્રાન્તિકારી અવધૂત’ ખીમજીબાપને ‘મિડ-ડે’ની ‘કચ્છી કૉર્નર’ વતીથી વંદન કરીને વિરમુય છું. અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 04:19 PM IST | Mumbai | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK