ભેજાબાજ ડ્રાઇવર

Published: 6th November, 2012 05:16 IST

કારની ડિકીમાં બે ચોરને બિલ્ડિંગમાં લઈ ગયો અને પછી ૨૬ લાખની ચોરી કરી : એક ચોર અને ડ્રાઇવરની ધરપકડ, બીજો હજી ફરારમે મહિનામાં ખાર (વેસ્ટ)માં ૧૪મા રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં થયેલી ચોરી માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચના કુર્લાના પોલીસ-અધિકારીઓએ એ જ બિલ્ડિંગમાં ડ્રાઇવરની નોકરી કરતા અને કારની ડિકીમાં બે ચોરને બિલ્ડિંગ સુધી પહોંચાડનારા ૨૮ વર્ષના ભોલા જયસ્વાલને તેના એક સાગરીત સાથે પકડી લીધો છે. એ ઘટનામાં બન્ને ચોરોએ ત્રણ ફ્લૅટનાં તાળાં તોડીને ૨૬,૦૦,૦૦૦ રૂપિયાની મતા ચોરી લીધી હતી અને નાસી ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અનઘા સાતવસે, કૉન્સ્ટબલ સંતોષ પાટીલ, મિલિંદ સાવંત અને શિવાજી વાયદંડેએ ડ્રાઇવર ભોલા જયસ્વાલ અને તેના સાગરીત સચીન્દ્ર શર્માને હિન્દુજા હૉસ્પિટલ પાસેથી પકડી લીધા હતા અને તેમને ખાર પોલીસને હવાલે કર્યા હતા. આ બાબતે માહિતી આપતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘ભોલા જયસ્વાલ એ જ બિલ્ડિંગમાં નોકરી કરતો હોવાથી તેને જાણ હતી કે બિલ્ડિંગની સિક્યૉરિટી બહુ ટાઇટ છે. એટલે તેણે ઘટનાના દિવસે તેના બે સાગરીતોને ડિકીમાં છુપાવી દીધા હતા અને ત્યાર પછી તેમને બિલ્ડિંગના પાંચમા માળે લઈ ગયો હતો. ભોલા તેના બન્ને સાગરીતોને છોડીને સિક્યૉરિટી પાસે આવી વાતોએ વળગ્યો હતો. બન્ને ચોરોએ ત્યાર પછી ત્રણ ફ્લૅટનાં તાળાં તોડી એમાંથી ૨૬,૦૦,૦૦૦ રૂપિયાની મતા ચોરી લીધી હતી, પણ જ્યારે તેઓ ત્રીજા ફ્લૅટના કબાટનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એના અવાજથી બિલ્ડિંગના જાગી ગયેલા કોઈ રહેવાસીએ સિક્યૉરિટીને ફોન કરીને પૂછ્યું હતું કે પાંચમા માળે આટલી રાતે કોઈ રિનોવેશનનુ કામ ચાલી રહ્યું છે? ત્યારે સિક્યૉરિટી એ ચેક કરવા ઉપર ગયો હતો. એ વખતે ભોલાએ તેના બન્ને સાગરીતોને ફોન કરીને અલર્ટ કરી દીધા હતા. એ બન્ને ત્યાર પછી દાદરાથી ત્રીજા માળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગના રિપેરિંગ માટે ઊભા કરવામાં આવેલા બામ્બુના માંચડા પરથી બાજુના બિલ્ડિંગમાં સરકી જઈ નાસી છૂટ્યાં હતા. તેમનો જે સાગરીત હજી નથી પકડાયો એ રીઢો ગુનેગાર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK