મોદી ને નાગ એક રસ્તે મળે તો મોદીથી આઘા રહેવું

Published: 9th December, 2012 05:25 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન પર કેશુબાપાનો વાર : કહ્યું કે મારા ઘરની દાળ ખાઈ દગાબાજી કરી
નરેન્દ્ર મોદી સામે જંગ છેડી ચૂકેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ હવે પોતાની બેઠક વિસાવદરમાં પ્રચાર કરવાને બદલે જીપીપીના અન્ય ઉમેદવારોને જિતાડવા માટે બહાર નીકYયા છે અને તેમણે સૌરાષ્ટ્રનો ચૂંટણી-પ્રવાસ શરૂ કર્યો છે.

ગુરુવારથી શરૂ થયેલા આ ચૂંટણી-પ્રવાસમાં તેમણે એક દિવસમાં છ જાહેર સભા કરી હતી તો શુક્રવારે તેમણે એક દિવસમાં કુલ સાત જાહેર સભા કરી હતી. શુક્રવારની જસદણની જાહેર સભામાં કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદીને કાળોતરા નાગથી પણ વધુ ડંખીલા અને ઝેરીલા કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જો રસ્તા પર જતા હો અને તમને મોદી અને નાગ એકસાથે સામા મળે તો નાગનો ભરોસો કરવો, પણ મોદીથી આઘા રહેવું. તેની ડંખ મારવાની આદત આજેય અકબંધ છે.’

કેશુભાઈએ એમ પણ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીને મારા ઘરની દાળ બહુ ભાવતી. એ ખાસ દાળ પીવા ઘરે આવતા. આ મોદીએ મારી દાળ ખાયને મારી સાથે જ દગાખોરી કરી. હવે એ ગુજરાતવાસીઓ સામે મીઠડો થઈને ગુજરાતીઓની પરસેવાની કમાણી ખાવા માંડ્યો છે.’

સિધુ પર બાપાએ કાઢી દાઝ


૨૦૦૭ના ઇલેક્શન સમયે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે ‘મૌત કે સૌદાગર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને નરેન્દ્ર મોદીએ એ એક શબ્દ પર આખું કૅમ્પેન કર્યું હતું. આ વખતે એવું કેશુભાઈ પટેલે કર્યું છે અને નવજોત સિંહ સિધુ તેમના માટે ઉચ્ચારેલા દેશદ્રોહી શબ્દનો ઉપયોગ કરીને ઍડ-કૅમ્પેન શરૂ કર્યું છે. આ ઍડમાં કેશુભાઈ પટેલે નવજોત સિંહ સિધુની સાથે નરેન્દ્ર મોદી પર પણ દાઝ કાઢી છે. જીપીપીના મહામંત્રી ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે ‘ગુજરાતના સૌથી નામાંકિત નેતા માટે બે કોડીના એક ખેલાડીએ આ પ્રકારના શબ્દો વાપર્યા હતા એ બધાને ખબર પડે એટલા માટે આ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. કસબને સાથ આપનારા અને અફઝલ ગુરુને મદદ કરનારાઓ દેશદ્રોહી કહેવાય. શું કેશુભાઈ પટેલ એવું કૃત્ય કરનારા નેતા છે? નવજોત સિંહ માફી નહીં માગે તો અમે તેને અનેક દિશાએથી ઘેરી લઈશું.’

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK