ગુજરાત સરકારની પોલ ખોલવાનો કેશુભાઈનો માસ્ટર પ્લાન

Published: 20th August, 2012 02:55 IST

અમદાવાદ-ગાંધીનગરના સંમેલનમાં આ ધડાકો કરવાની ગણતરી હોવાથી અત્યારે આની સાબિતીઓ એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે

keshubhai-avidenceગુજરાતમાં જામનગર, ભાવનગર, સુરત, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને જૂનાગઢમાં પરિવર્તન-સંમેલન અને અમદાવાદમાં પરિવર્તન મહાસંમેલન કરવાની જાહેરાત કરનારા ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ પટેલે ગુજરાતના અમદાવાદ શહેરમાં હજી સુધી મહાસંમેલન નથી કર્યું એ માટે કૉન્ગ્રેસ સહિત બીજેપીના તમામ આગેવાનોને નવાઈ લાગી રહી છે. હકીકત એ છે કે અમદાવાદના સંમેલન પહેલાં કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરેલા એવા નક્કર કૌભાંડના પુરાવાઓ એકઠા કરવા માગે છે જેથી ગુજરાત સરકાર જવાબ આપવાની હોંશમાં પણ ન રહે. ગુજરાત પરિવર્તન પાર્ટીના એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદનું મહાસંમેલન સપ્ટેમ્બર-એન્ડમાં થાય એવા ચાન્સ છે. એ સંમેલનની અસર છેક ઇલેક્શન સુધી બીજેપી અને મોદી પર દેખાશે. આનાથી વધુ કોઈ વિગત હું આપી ન શકું.’

સપ્ટેમ્બરના એ મહાસંમેલનમાં એક લાખ કાર્યકરો એકત્રિત કરવાની તૈયારી જીપીપીએ અત્યારથી શરૂ કરી દીધી છે. ઇલેક્શનની તારીખ જાહેર થયા પછી અમદાવાદમાં સંમેલન કરવું એવી કેશુભાઈની પણ ઇચ્છા છે. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ઇલેક્શન-કૅમ્પેનના ભાગરૂપે અને કમિટમેન્ટ હતું એ મુજબ અમદાવાદનું મહાસંમેલન કરવામાં આવશે.

કેશુભાઈ પટેલ અને તેમના નેતાઓએ અત્યારે ઇલેક્શન-ફન્ડ માટે અલગ-અલગ મીટિંગ પણ શરૂ કરી છે. આ મીટિંગ જરૂરી હોવાથી અત્યારના સમયે સંમેલન માટે સમય બગાડવો પાર્ટીને પોસાય એમ ન હોવાથી મહાસંમેલનને ટાળવામાં આવી રહ્યું છે. જોકે જે શહેરોમાં મીટિંગ હશે એ શહેરમાં નાનાં સંમેલનો કરવાનું ચાલુ રહેશે. આ યોજનાના ભાગરૂપે આ અઠવાડિયે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં એક-એક સંમેલન કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK