કેશુભાઈ પટેલે RSS અને VHPની માગી મદદ

Published: 24th October, 2012 04:52 IST

અમદાવાદમાં બાપા અને ગોરધન ઝડફિયા સંઘના અગ્રણીઓને મળ્યાં
વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુર જઈને આરએસએસનો સહકાર માગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે સંઘના સ્વયંસેવકને નાતે  કેશુભાઈ પટેલે અમદાવાદસ્થિત આરએસએસ તેમ જ વીએચપીના અગ્રણીઓને મળીને ચૂંટણીમાં તેમનો સહકાર માગ્યો છે.

બીજેપી સાથે છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટી રચનાર સિનિયર લીડર કેશુભાઈ પટેલે આમ અચાનક જ સંઘ અને વીએચપી સાથે બેઠક યોજતાં રાજકીય ક્ષેત્રે હલચલ મચી છે. ખાસ કરીને આ બેઠકમાં શું થયું એ જાણવા માટે બીજેપી ઉત્સુક રહી હતી. કેશુભાઈ પટેલ અને કેશુભાઈની પાર્ટીના અગ્રણી ગોરધન ઝડફિયા બન્ને અમદાવાદમાં ગઈ કાલે સંઘ કાર્યાલયમાં દામલેજી અને અન્ય પ્રદેશ અગ્રણીઓને મળ્યાં હતા અને બેઠક યોજી હતી. ત્યાર બાદ આ બન્ને નેતાઓ પાલડી ખાતે આવેલી વીએચપી કાર્યાલય ખાતે અગ્રણીઓને મળ્યાં હતા અને તેમની વચ્ચે લગભગ પોણો કલાક બેઠકનો દોર ચાલ્યો હતો. આરએસએસ અને વીએચપી હવે કેશુભાઈ પટેલ સાથે કેવું વલણ અપનાવે છે તેની ઉપર રાજકીય પક્ષો સાથે સૌકોઈને નજર મંડાઈ છે.

વીએચપીના કાર્યકારી અધ્યક્ષ કૌશિક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હા, કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયા કાર્યાલયમાં આવ્યા હતા અને સહયોગ આપવા અપીલ કરી હતી. શું વીએચપી કેશુભાઈ પટેલની પાર્ટીને સપોર્ટ કરશે? આ પ્રશ્નના ઉત્તરમાં કૌશિક મહેતાએ કહ્યું હતું કે ‘અમે હિન્દુત્વ માટે કામ કરી રહ્યા છીએ. વીએચપીનાં દ્વાર ખુલ્લાં છે અને સંઘ કહેશે એમ કરીશું.’

વીએચપીના સંયુક્ત મહામંત્રી રણછોડ ભરવાડે આ મુલાકાત વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સંકળાયેલા છીએ અને વીએચપી હિન્દુત્વને જાગરણ કરવાનું કામ કરતું હોય છે અને કરશે. આ મુલાકાત બાબતે કે ગુજરાત પરિવર્તન પાર્ટીના અગ્રણી ગોરધન ઝડફિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે સંઘના સ્વયંસેવકો છીએ અને એ નાતે અમે આરએસએસ અને વીએચપીના અગ્રણીઓને મળ્યાં હતા. ભાસ્કરરાવ દામલેજીની નાદુરસ્ત તબિયત વિશે ખબરઅંતર પૂછ્યા હતા અને પ્રાંત પ્રચારક પ્રવીણ ઓતિયા સાથે પણ મુલાકાત કરી હતી.

આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

વીએચપી = વિશ્વ હિન્દુ પરિષદ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK