Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છના ઇતિહાસનું ત્યાગ અને બલિદાન માટે ન્યાય માગતું પાત્ર કેસરબાઈ

કચ્છના ઇતિહાસનું ત્યાગ અને બલિદાન માટે ન્યાય માગતું પાત્ર કેસરબાઈ

10 December, 2019 11:52 AM IST | Kutch
Naresh Antani

કચ્છના ઇતિહાસનું ત્યાગ અને બલિદાન માટે ન્યાય માગતું પાત્ર કેસરબાઈ

કેસરબાઈ

કેસરબાઈ


રાજનેતાઓની મહત્વાકાંક્ષા, શાસકોના અહમ્‌ અને અધિકારીઓનો સ્વાર્થ એક નિર્દોષ અબળાનો કેવો ભોગ લે છે તેનો પુરાવો કચ્છના ઇતિહાસમાં જોવા મળે છે. જો કે આ ઘટનાને રાજવી પરિવાર પ્રેરિત ઇતિહાસમાંથી સિફતપૂર્વક દૂર કરવામાં આવી છે. બહુ ઓછી જાણીતી આ ઘટનાને અહીં નોંધાવવાનો ઉપક્રમ છે.

જૂનાગઢના ચિતાખાના ચોકના શાહી કબ્રસ્તાનમાં જૂનાગઢના નવાબો અને તેના પરિવારજનોના કબરોની સાથે એક કબર પરનો રોજો છત વગરનો અને અધૂરાં બાંધકામવાળો ખંડેર દશામાં પડયો છે. આ મકબરો કચ્છના રાજકુંવરી રાવ રાયધણનાં પુત્રી, રાવ ભારમલજીનાં બહેન કેસરબાઈનો છે. આ અધૂરો રોજો અનેક કારણોસર આપણું ધ્યાન ખેંચે છે. ભાઈના હિત માટે બલિદાન આપનાર એક બહેનના ત્યાગનું આ રોજો પ્રતીક છે.



આ સમગ્ર ઘટનાની નોંધ કરીએ તે પહેલાં એ સમયે પ્રવર્તતા માહોલની થોડી વાત કરીએ તો, મધ્યયુગના રાજપૂત રાજાઓ પર એમની પુત્રીના લગ્ન કરવા માટે પાડોશના બળવાન મુસ્લિમ રાજાઓ દબાણ કરતા. આથી એમાંથી  બચવા માટે રાજપૂત રાજાઓએ એક મધ્યમાર્ગી અને વ્યવહારુ ઉકેલ શોધી કાઢયો હતો. આ રાજાઓ પોતાની એક મુસ્લિમ રખાત રાખતા હતા અને તેનાથી જન્મેલી પુત્રીને આ મુસ્લિમ રાજાઓ સાથે પરણાવી દેતા હતા. આ રીતે પણ કયારેક પુત્રી ન અવતરે તો કોઈની પુત્રીને દત્તક લઈ લેતા. મુસ્લિમ રાજાઓને જાણ ન થાય એ રીતે આ દત્તકવિધિને ગુપ્ત રાખવામાં આવતી.


કચ્છના ઇતિહાસમાં પણ આવા કેટલાક દાખલાઓ નોંધાયા છે. મહારાવ લખપતના કાકાને ખુર્મર નામની રખાત હતી, તેની સૌંદર્યવાન પુત્રીની વાત કર્નલ વોકરે બ્રિટિશ ગવર્નર ડંકનને તા.૧પ-૩-૧૮૧૮ના લખેલા પત્રમાં કરી હોવાની નોંધ ડૉ. ઈશ્વરલાલ ઓઝાએ પોતાના પીએચ.ડી. માટેના મહાનિબંધમાં કરી છે. લખપતજી પાછળ સતી થનાર રખાતોમાં ત્રણ બિનહિન્દુ ધર્મી પણ હતી. તો સિંધના શાસક ગુલામશાહ કલોરાને પણ કચ્છના જાડેજા ભાયાતની દત્તક લીધેલી મુસ્લિમ કન્યા પરણાવવામાં આવી હતી.

કચ્છના રાવ રાયધણજી (ઈ.સ.૧૭૭૮–૧૮૧૩) માત્ર ઇસ્લામ પરસ્ત જ નહીં પણ ધર્મઝનૂની પણ બની ગયા હતા આથી તેમને કેદ કરવામાં આવ્યા હતા જે વાત કચ્છના ઇતિહાસમાં જાણીતી છે. તેમના કેદવાસ દરમ્યાન તેમના નાના ભાઈ પૃથ્વીરાજ ભાઈજી બાવાને આગળ કરી બારભાયા રાજની યોજના અમલી કરી તે રીતે કચ્છનું સંચાલન કર્યું હતું એ વાત પણ જાણીતી છે. રાવ રાયધણનું ૩૦–૧૯–૧૮૧૩, વિ.સં. કારતક સુદ ૧૩, ૧૮૭૦ના અવસાન થયું ત્યારે કચ્છની રાજગાદી પર બેસવા યાદવાસ્થળી સર્જાવા લાગી. રાયધણને માનસિંહ નામનો પુત્ર અને આ લેખનું પ્રમુખ પાત્ર કેસરબાઈ નામની પુત્રી હતાં. માનસિંહે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાથી તેને મહંમદ અથવા ગીગુભા તરીકે પણ   ઓળખવામાં આવતો. આ બન્ને ભાઈ–બહેનોના જન્મ વિશે મતમતાંતર છે. કચ્છનો રાજયપ્રેરિત ઇતિહાસ માનસિંહ  અને કેસરબાઈને સુરુબા સોઢી નામની રાણીના સંતાન હોવાનું કહે છે. જ્યારે હેમિલ્ટનને લખે છે તે મુજબ રાયધણે ઈસ્લામ ધર્મ અગીકાર કર્યા પછી તમામ રાજપૂત રાણીઓ સાથે પોતાના સંબંધો તોડી નાખ્યા હતા, વળી રાયધણની     અગિયાર રાણીઓ પૈકી કોઈને પણ સંતાન નહોતું. રાવ રાયધણને જેઠી નામની એક સ્વરૂપવાન મુસ્લિમ રખાત હતી.  માનસિંહ અને કેસરબાઈ બન્ને આ મુસ્લિમ રખાતના સંતાન હતા. જેઠી રખાતનું નામ મુંબઈ અભિલેખાગારમાં રહેલી ગવર્નર ડંકનની ર૮ માર્ચ ૧૮૧રના પત્રમાં હોવાની વાત ડૉ. ઓઝાએ નોંધી છે.


કેસરબાઈ આ મુસ્લિમ રાણીની પુત્રી હતી તે વાત તેના જૂનાગઢના નવાબ સાથે કરાવાયેલા લગ્નથી જ પુરવાર થાય છે. માનસિંહ અને કેસરબાઈને ફકીર મહંમદ નામના વિશ્વાસુ વિદ્વાને શિક્ષણ આપ્યું હતું.

કેસરબાઈ વ્યવહારદક્ષ, બુદ્ધિશાળી, ચતુર અને સુંદર હતી, તે પોતાના ભાઈ માનસિંહ (મહંમદ) ને કચ્છની ગાદી પર બેસાડવા ઈચ્છતી હતી અને આ માટે તેણે જમાદાર ફતેહમહંમદના પુત્ર ઈબ્રાહિમ મિયાંને સાધી લીધો. આ ઈબ્રાહિમ મિયાંએ યેન કેન પ્રકારેણ માનસિંહને કચ્છની ગાદી પર બેસાડી દીધો. માનસિંહ ભારમલ નામ ધારણ કરી કચ્છની ગાદી પર બેઠો. આ કાર્યમાં તેની બહેન કેસરબાઈની ચાલ સંપૂર્ણ સફળ થઈ. એટલું જ નહીં પણ અંગ્રેજો સાથેના સંઘર્ષને કારણે ભારમલજીના હાલ ખરાબ થયા અને બ્રિટિશરોની કૂટનીતિના ભોગ બની તેને ભુજિયાની કોટડીમાં કેદ કરાયા ત્યારે પણ તેને આ કેદમાંથી છોડાવી સિંધ નસાડી દેવાનું કાવતરું પણ કેસરબાઈએ જ ઘડયું હતું. એક વાર તે તેમાં સફળ પણ થઈ હતી. પોતાના ભાઈ પ્રત્યે તેને આટલો ઉત્કટ પ્રેમ હતો.

કેસરબાઈ પોતાના ભાઈ માનસિંહ ઉર્ફે ભારમલ (મહંમદ)ની આ હાલત માટે દીવાન લક્ષ્મીદાસ કામદારને જવાબદાર લેખતી હતી, આથી લક્ષ્મીદાસ કામદાર કેસરબાઈને કોઈ પણ રીતે ભુજથી દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જ્યાં સુધી કેસરબાઈ ભુજમાં હોય ત્યાં સુધી કોઈ ભાયાત, અંગ્રેજ દરબારી કે કોઈની પણ તાકાત નહોતી કે કચ્છ તરફ કાંકરીચાળો કરે, ભાઈના શત્રુ માટે એકલી તે જ પૂરતી હતી. આથી લક્ષ્મીદાસ કામદાર તેને કચ્છમાંથી કઈ રીતે બહાર કરી શકાય તેની તજવીજમાં રહેતા. અંતે તેને સમજાવી–પટાવી જૂનાગઢના નવાબ બહાદુર ખાન સાથે લગ્ન કરવા રાજી કરી લેવામાં આવી. જો કે લગ્ન કચ્છ દરબારની સહમતીથી જ થયા હોવાની નોંધ મળે છે. જમાદાર ફતેહમહંમદના     શાસન વખતે કેસરબાઈનું સગપણ જૂનાગઢના નવાબના પુત્ર સાથે કરાયું હતું. એ સમયે જૂનાગઢના નવાબ તરીકે  હામદ ખાન હતો, તેનું અવસાન થતાં આ લગ્ન તે સમયે લઈ શકાયાં નહોતાં. આ પછી ખૂબ જ લાંબા વિરામ પછી લક્ષ્મીદાસ કામદારની ચકોર નજરને આ સગપણ યાદ આવ્યું, આથી તેણે આ જૂનો સંબંધ તાજો કરી સગપણ સમયના શાહજાદા અને પછીથી જૂનાગઢના નવાબ બનેલા બહાદુર ખાનને આ લગ્ન કરવા રાજી કર્યા. સૌરાષ્ટ્રના જાણીતા ઇતિહાસકાર શંભુપ્રસાદભાઈ દેસાઈ આ લગ્નની પુષ્ટિ તો કરે છે, પણ તેમાં તેઓ લખે છે કે સુંદરજી શિવજી સોદાગરના પ્રયાસોથી કચ્છના રાવ ભારમલજીની મુસ્લિમ રખાતની પુત્રી કેસરબાઈના લગ્ન ઈ.સ.૧૮ર૦માં નવાબ બહાદુર ખાન સાથે થયાં હતાં. શંભુપ્રસાદભાઈએ કેસરબાઈને ભારમલજીની બહેનને બદલે પુત્રી લેખાવી છે.

આ લગ્નમાં કચ્છના શાહ સોદાગર સુંદરજી શિવજીએ પણ ખાસી ભૂમિકા ભજવી હતી, તે સમયે સુંદરજી જૂનાગઢના દીવાનપદે હતા. તેની ઈચ્છા કચ્છને કેન્દ્રમાં રાખી પોરબંદર, ઓખા મંડળ, જૂનાગઢ અને નવાનગર વગેરેને  બ્રિટિશ હકૂમત હેઠળનું એક સંયુકત રાજ્ય બનાવવાની હતી. આ માટે જ તેણે આ લગ્નમાં ઊંડો રસ દાખવ્યો હોવાનું પણ કહેવાય છે.

લગ્નોત્સવનો આંખે જોયો અહેવાલ પણ ઇતિહાસમાં નોંધાયો છે. આ અવસરે જૂનાગઢના નવાબે ઉદારતાપૂર્વક પોતાનો ખજાનો ખોલી નાખ્યો હતો. આસપાસના પરગણાંના નૃત્યકારો, ગવૈયા, તાયફા, વહીંવચા, ભાટ, ચારણ, ફકીર, સૈયદ અને શેખોને ઈનામ અકરામ આપી રાજી કરવામાં આવ્યા હતા. દરેકને પોતાની ધારણા કરતાં વધારે મળ્યું તેથી ખુશીનો માહોલ હતો. બક્ષિસમાં રોકડ નાણું, માલ, ઘોડા, ઊંટ, રથ, ગાય, ઘેંટા, દાસ–દાસીઓ, સોનેરી બુટાદાર પોશાક, સોનાના દાગીના વગેરે સરંજામ મોકલવામાં આવ્યો હતો. તેની કિંમત એ સમયની પાંચ લાખ જામશાઈ કોરી હતી.

આ લગ્નમાં દેશ–વિદેશથી અનેક મહેમાનોને નિમંત્રવામાં આવ્યા હતા. કાઠિયાવાડના બ્રિટિશ સરકારના રાજકીય પ્રતિનિધિ કૅપ્ટન બોર્નવેલે પણ ખાસ હાજરી આપી હતી. તેઓ પોતાની સાથે સ્થાનિક પ્રતિનિધિ તરીકે અમદાવાદના નાગર ગૃહસ્થ છોટાલાલ બાપાલાલને પણ લાવ્યા હતા. તેઓ માટે ખાસ જેતપુરમાં કૅમ્પ રાખવામાં આવ્યો હતો.

આમ, અંતે એક શતરંજના મહોરા તરીકે કેસરબાઈને પરણાવીને જૂનાગઢ મોકલી આપી કચ્છના તત્કાલીન વહીવટદારોએ પોતા માટે મેદાન મોકળું કરી લીધું હતું. જો કે કેસરબાઈના મનમાં તો સદૈવ કચ્છ અને પોતાના ભાઈના કલ્યાણની વાતો જ રમતી, પરિણામે તે જૂનાગઢના એ વાતાવરણમાં ગોઠવાઈ શકી નહીં. કેસરબાઈને જૂનાગઢનું  જનાનખાનું પણ અનુકૂળ ન આવ્યું. પોતે બુદ્ધિશાળી અને ચકોર હતી તેથી તેને એ સમજતાં વાર ન લાગી કે તેને જે  પ્રલોભનો અને જે સ્વપ્નો બતાવાયાં હતાં તે રણમાં દેખાતાં પાણી જ હતાં. જનાનખાનાની અન્ય રાણીઓને પણ તે કાંટાની જેમ ખટકવા માંડી હતી. પરિણામે ડૉ. ઓઝા જેમ્સ બર્ન્સનો હવાલો આપીને નોંધે છે એ પ્રમાણે કેસરબાઈનું મૃત્યુ   જૂનાગઢના દરબારમાં શંકાસ્પદ રીતે થયું હતું. કેસરબાઈનું મૃત્યુ ઈ.સ. ૧૮ર૪માં થયું હતું અને એ પછી પાંચ વર્ષે તેણે કચ્છમાં સાંભળેલી વાતો પરથી લખ્યું છે કે કેસરબાઈની મોજડીમાં ઝેર ભરી તેને મારી નાખવામાં આવી હતી.

કેસરબાઈના મૃત્યુના સમાચાર ભુજમાં પહોંચતાં રાવ ભારમલ અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયા. તેમણે પોતાની બહેન અને જૂનાગઢની બેગમ કેસરબાઈનો મકબરો બનાવવા માટે કચ્છથી ખાસ કારીગરો મોકલ્યા, પરંતુ  જૂનાગઢના નવાબને કચ્છના મહારાવની આ ઈચ્છા પોતાના અપમાન સમી લાગી, આથી તેણે મકબરા પરના રોજાનું ચણતર કામ અધૂરું મૂકી બંધ કરાવી દીધું. આમ કેસરબાઈનો રોજો અધૂરો જ ચણાયો. આજે પણ જૂનાગઢના ચિતાખાના ચોકના કબ્રસ્તાનમાં કેસરબાઈનો રોજો અધૂરો ખંડેર હાલતમાં છે. ડૉ. ઈશ્વરલાલ ઓઝાને કબ્રસ્તાનના મુજાવરના દાદીએ તેમના સંશોધન દરમ્યાન આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું તે મુજબ કેસરબાઈના મરણ પછી તેના રોજાનું ચણતર કામ કચ્છના મહારાવે આરંભ્યું હતું પણ તેમાં નવાબને પોતાનું અપમાન લાગ્યું તેથી તેણે રોજાનું ચણતરકાર્ય બંધ કરાવ્યું. તેનું સ્થાપત્ય કચ્છી શૈલીનું દેખાય છે તેથી તે કચ્છના રાવે જ કરાવ્યું હોવાની વાતને પુષ્ટિ આપે છે.

રાજનેતાઓની મહત્વાકાંક્ષા, શાસકોના અહમ્ અને અધિકારીઓનો સ્વાર્થ એક નિર્દોષ અબળાનો કેવો ભોગ લે છે તેનો પુરાવો કેસરબાઈનું લગ્ન અને તેનું શંકાસ્પદ મરણ બન્ને છે. આ પછી પોતાના અહમ્ ખાતર જૂનાગઢના  નવાબે રોજો અધૂરો મુકાવ્યો એ તો પરાકાષ્ટા છે. આમ આ અધૂરો રોજો અનેક કારણોસર આપણું ધ્યાન ખેંચે છે. ભાઈના હિત માટે બલિદાન આપનાર એક બહેનના ત્યાગનું આ રોજો પ્રતીક છે.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 11:52 AM IST | Kutch | Naresh Antani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK