કેજરીવાલ ને સની લીઓની ઇન્ટરનેટ પર સૌથી હિટ

Published: 15th December, 2012 08:07 IST

યાહૂના રિપોર્ટ મુજબ બન્ને આ વર્ષના સૌથી મોટા ન્યુઝમેકર અને મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી
ઇન્ટરનેટ પર કઈ હસ્તી કે વિષય માટે સૌથી વધારે સર્ચ થાય છે તેને આધારે લોકોના મૂડનો અણસાર મળતો હોય છે. અગ્રણી ઇન્ટરનેટ સર્ચ એન્જિન યાહુના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સૌથી વધારે ભારતીયોએ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને પૉર્ન ઍક્ટ્રેસ સની લીઓની માટે ઑનલાઇન સર્ચ કર્યું હતું. યાહૂ દ્વારા બહાર પાડવામાં આવેલા યર ઇન રિવ્યુ-૨૦૧૨ નામના અહેવાલ મુજબ આ વર્ષના ન્યુઝમેકર્સના લિસ્ટમાં અરવિંદ કેજરીવાલ ટૉપ પર છે જ્યારે સની લીઓની મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી છે.

યાહૂના અહેવાલ મુજબ આ વર્ષના ટોચના ન્યુઝમેકરમાં કેજરીવાલે તેમના ગુરુ અણ્ણા હઝારેને પણ પાછળ રાખી દીધા છે. યાદીમાં કેજરીવાલ પછીના ક્રમે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી છે. એ પછી ગલ્ર્સ એજ્યુકેશન માટે હિંમતપૂવર્ક અવાજ ઉઠાવનાર અને તાલિબાનના અટૅકનો ભોગ બનેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફઝઈ છે. ટોચના ન્યુઝમેકર્સની યાદીમાં મલાલા પછીના ક્રમે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનું નામ છે. અહેવાલ મુજબ આ વર્ષે પણ જુદા-જુદા વિવાદો તથા બૉલીવુડ ગૉસિપ જેવા વિષયોને લઈને લોકોએ સૌથી વધારે સર્ચ કર્યું હતું. યાહુના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં ભારતીય મૂળની કૅનેડિયન પૉર્ન ઍક્ટ્રેસ સની લીઓની મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી છે. જોકે જ્યારે સેલિબ્રિટી ન્યુઝની વાત આવે છે ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનની પ્રેગ્નન્સીને લગતા સમાચારો માટે સૌથી વધારે સર્ચ થયું હતું. મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટીમાં સની લીઓની પછીના ક્રમે પૂનમ પાન્ડે, કરીના કપૂર અને સૈફ અલી ખાન તથા શર્લિન ચોપડાનું નામ આવે છે. ક્રિકેટરોની વાત કરીએ તો સૌથી વધારે સર્ચ વિરાટ કોહલી માટે થઈ હતી. કોહલી પછીના ક્રમે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, કેવિન પીટરસન અને સચિન તેન્ડુલકર છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK