Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિચારો પણ ખરી જતા હોત તો!

વિચારો પણ ખરી જતા હોત તો!

08 July, 2020 10:07 PM IST | Mumbai
Sejal Ponda

વિચારો પણ ખરી જતા હોત તો!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જેમ દીવામાંથી દીવો પ્રગટે એમ વિચારમાંથી બીજો વિચાર પ્રગટે છે. એટલે તરત ખોટા વિચારને ખંખેરી સકારાત્મક વિચાર કરવા જોઈએ. ખરાબ વિચાર આવતા હોય ત્યારે મન કોઈ ગમતી પ્રવૃત્તિમાં પરોવાઈ જાય તો એ વિચાર આપોઆપ ડિલીટ થઈ જાય છે

આજકાલ
વાળ સખત ઊતરે છે
સવારે ગાદલાની આસપાસ, તકિયામાં,
જમીન પર
વાળ જ વાળ દેખાય છે
જોઈને જીવ બળી જાય છે
એવું લાગે છે મારા વિચારોએ
મારા વાળની એક એક કોશિકાઓ પર
કબજો જમાવ્યો છે
વિચારોનો બોજો
વાળ ઉઠાવી નથી શકતા
અને ખરવા લાગે છે
વાળ ખરે છે એની સાથે
વિચારો પણ
ખરી જતા હોત તો!
તો હું મુક્ત થઈ ગઈ હોત
આપણે બંધન શબ્દને સ્ત્રી સાથે જોડી દીધો છે
અને મુક્તિ શબ્દને પુરુષ સાથે
પણ કોઈ વ્યક્તિની
ખરા અર્થમાં મુક્તિ
ત્યારે જ થાય છે
જ્યારે એને
ખરાબ, ખોટા, નકારાત્મક,
સ્વાર્થી, વિનાશી, ઘાતકી,
વિચારોથી મુક્તિ મળે છે
મારા વાળને અરીસામાં જોઉં છું
ત્યારે વિચારો શરૂ થઈ જાય છે
મારે મુક્ત થવું છે
વિચારોથી મુક્તિ જ મને
એક સારી વ્યક્તિ બનાવી શકે છે



વિચારો વિચારો વિચારો. આ વિચારોને અટકાવવાનું કામ સૌથી અઘરું છે. એક વિચાર ઉદ્ભવે એની સાથે બીજો, ત્રીજો, ચોથો એમ અનેક વિચારોની આવજનજાવન શરૂ થઈ જાય છે. બોલવામાં ક્યાં અટકવું, સાંભળવામાં ક્યાં અટકવું. વ્યવહારમાં ક્યાં અટકવું એની આપણને સમજ હોય એમ વિચારોમાં ક્યાં અટકવું એ માટે સાવધ રહેવું પડે. જે વ્યક્તિ સભાનતાથી જીવે છે તેને તકલીફો આવતી નથી એવું નથી, પણ સભાનતા હોય તો માણસ ભાન નથી ભૂલતો અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. ઉપાય શોધી શકે છે.
મુસીબતના સમયે જે વ્યક્તિનું મન-મગજ નકરાત્મક, ઘાતકી વિચારોથી ભરેલું હોય તેને શું કરવું એનું ભાન નથી રહેતું. કોઈ રસ્તાઓ સૂઝતા નથી. જેવો એક નકારાત્મક વિચાર આવે કે એની પાછળ એની આખી પલટન હાજર થઈ જાય છે. પછી એ વિચારો આપણા પર હાવી થઈ જાય છે અને આપણે વિચારોની એક પછી એક બેડીમાં જકડાતા જઈએ છીએ. વિચારોનું ગૂંચળું વળી જાય છે, જેમાંથી નીકળવું અઘરું હોય છે.
નકારાત્મક વિચારો જીવનમાં વધારે જોખમ ઊભાં કરે છે. એ સમયે વિચારોના ખમૈયા આવશ્યક બની જાય છે. જરા ઑબ્ઝર્વ કરજો. કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં આપણી સાથે કંઈ ખરાબ કર્યું હોય તો આજની ક્ષણે એ વ્યક્તિનો વિચાર આવતાં જ એ વ્યક્તિ માટે તરત ખરાબ વિચાર આવવા લાગે છે. પહેલો વિચાર આવશે કે એ વ્યક્તિ ખરાબ હતી, તેણે મને ઘા આપ્યો છે. તેની આખી જિંદગી તેણે ખોટાં જ કામ કર્યાં હશે, બધાને છેતર્યા હશે.
એક વ્યક્તિ માટે આવેલો એક ખરાબ વિચાર આપણને બીજા અનેક ખોટા વિચારો કરવા મજબૂર કરી દે છે. આ બધું અજાણતાં જ બને છે અને આપણે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા થઈ જઈએ છીએ.
નિરાશા, હતાશા માણસને ઘાતકી વિચારો તરફ ધકેલે છે. હવે શું થશે? મારી પાસે કોઈ ઉપાય નથી.. આવા વિચારો સર્જાતાં એ પછી એની હારમાળા સર્જાતી જાય છે અને માણસ પોતાને એટલો નિઃસહાય સમજવા લાગે છે કે તે પોતે સાવ એકલો હોવાની અનુભૂતિ કરે છે.
દરેક માણસે હારને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. માણસ સમજણો થાય કે તેણે એક વાત પચાવી લેવી જોઈએ કે દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે. એ આવશે જ અને મારે હિંમતભેર એનો સામનો કરવો જ પડશે. એના વગર છૂટકો જ નથી. પરિવર્તન સંસારનો નિયમ છે. જેમ મુશ્કેલી આવી છે એ જતી પણ રહેશે. સુખ હોય કે દુઃખ, ક્યારેય કાયમ ટકતું નથી. આ જગતમાં કશું જ કાયમ છે જ નહીં. જીવનમાં બધું જ મળી શકે એમ પણ નથી. અધૂરપ હોય તો જિંદગી જીવવાનું કારણ મળે. આ વિચારો જ્યારે માણસ પોતાની અંદર પચાવી લે છે ત્યારે મુશ્કેલીના સમયે સામનો કરવા તૈયાર અને સજાગ રહે છે. અધૂરપ સાથે જીવવા તૈયાર થતો જાય છે.
માણસે પોતાના વિચારો પ્રત્યે જાગૃત રહેવું. વિચારોની જાગૃતતાને જીવવાનો એક ભાગ બનાવી દેવો જોઈએ. જેવો કોઈ નકારાત્મક, ઘાતકી, સ્વાર્થી, વિનાશી, ખોટો વિચાર આવે કે તરત એ વિચારનો અહેસાસ કરી લેવો જોઈએ અને જાતને સમજાવવી જોઈએ કે આ વિચાર બીજા ખરાબ વિચારોને લઈ આવશે. મારે આમાંથી મુક્ત થવું હોય તો આ વિચારને ફગાવી દેવો પડશે. નકારાત્મ વિચાર ફગાવવા માટે માણસે પોતાનું ધ્યાન બીજી તરફ લગાડવું જોઈએ. જેમ દીવામાંથી દીવો પ્રગટે એમ વિચારમાંથી બીજો વિચાર પ્રગટે છે. એટલે તરત ખોટા વિચારને ખંખેરી સકારાત્મક વિચાર કરવા જોઈએ. ખરાબ વિચાર આવતા હોય ત્યારે મન કોઈ ગમતી પ્રવૃત્તિમાં પરોવાઈ જાય તો એ વિચાર આપોઆપ ડિલીટ થઈ જાય છે.
ખોટા વિચાર આવતા હોય ત્યારે જે પ્રવૃત્તિ ગમતી હોય એ શરૂ કરી દેવાની. સંગીત ગમતું હોય તો એ સાંભળવાનું, ડાન્સ ગમતો હોય તો એ કરવાનો, કોઈની સાથે વાત કરવી હોય એ કરી લેવાની. ટૂંકમાં ઘાતકી વિચારને તોડનાર પ્રવૃત્તિ જો કરવામાં આવે તો વિચારોની હારમાળા આપોઆપ અટકી જાય છે.
ખરાબ વિચારોની મુક્તિનો આનંદ અનેરો હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, વિચારોના બંધનમાંથી છૂટે છે ત્યારે ખરા અર્થમાં મુક્ત થાય છે. હળવો થાય છે. જીવન જીવવા માટે હળવાશ અગત્યની છે. જીવન જીવવા માટે મુક્તિ જરૂરી છે. બંધન માત્ર સમાજનાં જ નથી હોતાં, વિચારોનાં બંધન પણ હોય છે. અને વિચારોના બંધનથી માણસ પોતે જ પોતાને મુક્ત કરી શકવાની તાકાત ધરાવે છે.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 10:07 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK