કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 1 )

Published: 24th December, 2018 20:35 IST | sameet (purvesh) shroff

‘એમાં નવાઈ જેવું શું છે?’ હૉલમાં પ્રવેશતી લજ્જાએ પતિનો બબડાટ સાંભળીને વ્યંગ કરી લીધો, ‘સંસારમાં, આપણા જીવનમાં ઘણુંબધું બદલાતું હોય તો મુંબઈની ઠંડીને પણ જરાતરા તો બદલાવાનું મન થાય કે નહીં!’

માગસરના શીતળ વાયરાએ તેના બદનમાં હળવી થરથરાટી ફેલાવી દીધી. હજી તો સંધ્યા ઢળી ત્યાં આ હાલ છે, રાત જામતાં તો ઠંડી ઠૂઠવી નાખવાની! મુંબઈમાં આ વખતે ગજબની ઠંડી પડશે એવું વર્તાય છે!

અથર્વના હોઠ ફિક્કું મલકી પડ્યા. જીવનમાં ઘણુંબધું બદલાયાના વાણીવિલાસ પાછળનો પત્નીનો મર્મ મને તો બરાબર પરખાય છે! જિંદગીનાં કેટલાંક સત્યો ઠોકર ખાધા પછી જ ઊઘડતાં હશે? લજ્જા મને આવું કહી શકે એવું સપનામાં પણ ધાર્યું નહોતું. આમ તો અમારાં અરેન્જ્ડ મૅરેજ હતાં, પણ દામ્પત્યમાં આવું ક્યાંય વર્તાતું નહીં... અથર્વને સાંભરી ગયું...

‘અમારી લજ્જાનાં તો ભાગ્ય  ઊઘડી ગયાં.’

મલાડના કરિયાણાના વેપારીની એકની એક દીકરીને વરલીનું મોભાદાર સાસરું મળ્યું એનો હરખ જતાવવાનું મા-બાપ ચૂકતાં નહીં. ખુદ લજ્જા કહેતી : મને તો મારા નસીબ પર વિશ્વાસ નથી થતો!

અથર્વ મીઠું મલકતો. ના, પોતાનાં વખાણથી છકી જવું તેના સ્વભાવમાં નહોતું.

અને આમ જુઓ તો લક્ષ્મીની એવી એષણા પણ ક્યાં હતી તેને? પિતા દામોદરભાઈ શિક્ષક હતા, મા ગુણવંતીબહેન ગૃહિણી. ખારની ખોલીમાં મઘમઘતા તેમના સંસારમાં એકના એક લાડકવાયા માટે સંસ્કારમૂલ્યોના સિંચન અને હેતની હેલીની અછત નહોતી. અથર્વનો ઘાટ જ એવો ઘડાયો કે અવગુણ તેને સ્પર્શે નહીં. આત્મવિશ્વાસથી ઓપતો, ભણવામાં હોશિયાર, દેખાવમાં રૂડોરૂપાળો. પાડોશીઓ કહેતા : તમારો દીકરો કુટુંબનું નામ રોશન કરવાનો! આ સાંભળીને પિતાની છાતી ફૂલતી, મા દીકરાની નજર ઉતારતી.

અને છતાં સુખ તો નજરાયું... દામોદરભાઈને લકવો લાગી ગયો. અથર્વ ત્યારે હજી દસમામાં. પિતાની નોકરી ગઈ, ચાકરીમાં બચત ખર્ચાતી ગઈ. બોલી ન શકતા દામોદરભાઈ મૂંગાં અશ્રુ સારતા : મને જવા દો, મારી માયામાં રૂપિયા વહાવીને અથર્વનું ભાવિ ન રૂંધો!

પણ મા-દીકરો ગાંઠતાં નહીં : બીમારી અમને થઈ હોત તો તમે લોહી-પાણી એક ન કર્યા હોત અમારી સારવારમાં?

માએ તો જાણે તપસ્યા ઓઢી હતી. ઘરના કામ સાથે ટિફિન-સર્વિસ શરૂ કરી અને તોય પપ્પા માટે તો તે જાણે નવરીની નવરી.

‘મારું આત્મબળ તારા પપ્પા છે અથર્વ.’ મા ક્યારેક તેના ભાવવિશ્વમાં ખોવાતી. અથર્વને તે અદ્ભુત લાગતી. સહજીવનનો ચરિતાર્થ માતા-પિતાના દામ્પત્યમાં અનુભવાતો.

‘અને તું છેને મારો ભડવીર દીકરો. તારા રહેતાં અમારે શી ફિકર!’

આમાં દીકરાને જવાબદારીથી બેવડ વાળવાનો નહીં, પાનો ચડાવવાનો ભાવ રહેતો. કૉલેજમાં આવ્યા પછી અથર્વને પણ લાગવા માંડ્યું કે હવે બહુ થયું, મારે આપકમાઈ શરૂ કરીને માને એટલી નચિંતતા તો આપવી રહી... બસ, પછી તો જહાં ચાહ વહાં રાહ. બે-ત્રણ વરસ વિવિધ ક્ષેત્રના અનુભવ લઈને અથર્વïïએ નાના પાયે ધંધાની શરૂઆત માંડી ને ૨૪ની વયે તો પ્લાસ્ટિક મોલ્ડ બનાવતી કંપની સ્થાપી.

‘નવું સાહસ ફળ્યું પણ ખરું... ખારથી અમે વરલી શિફ્ટ થયા. અદ્યતન સારવારના પરિણામે પપ્પા વ્હીલચૅરમાં હરતા-ફરતા થયા, થોડુંઘણું બોલી શકતા એનો માને પરમ સંતોષ... એ જ મારી ખરી મૂડી.’ અથર્વïએ લજ્જાને કહેલું. એકાદ સગા દ્વારા તેમની મુલાકાત ગોઠવાઈ હતી.

‘માને મારાં લગ્નની બહુ હોંશ હતી, બટ... આયખું ઓછું પડ્યું. પપ્પાએ દેહ ત્યજ્યો એના ત્રીજા મહિને મમ્મી પણ રૂઠી. બેવડા આઘાતમાંથી ઊગરવા મેં જાતને વ્યાપારમાં અતિ વ્યસ્ત કરી દીધી. એક્સપાન્શનના પ્રોજેક્ટ્સ લીધા. હવે લાઇફમાં સેટલ થવું છે. ’

લજ્જા અભિભૂત બનેલી, ‘તમારી જીવનગાથા ઇન્સ્પાયરિંગ છે. જાણો છો, મારી લાઇફમાં પણ આવા જ ચડાવ-ઉતાર રહ્યા છે. પપ્પાનો પહેલાં મોટો કારોબાર હતો. પેડર રોડ પર અમારું ઘર હતું. નજીકના મહાલક્ષ્મી રેસકોર્સમાં ઘોડાની રેસ પર જુગાર રમવાની લતે તેમને પાયમાલ કરી મૂક્યા. બધું વેચી-સાટીને મલાડના નાનકડા ફ્લૅટમાં મૂવ થવું પડ્યું.’

લજ્જાએ નિ:શ્વાસ નાખેલો, ‘ત્યારે મારી ઉંમર માંડ આઠ-નવ વર્ષની હશે. છતાં એ ઠાઠ, એ જાહોજલાલી હું નથી ભૂલી. મા જુદું કહે છે : એ બહાને તારા પપ્પા ખોટી લતમાંથી મુક્ત થયા એ સુખ ઓછું છે?’

‘મા બિલકુલ સાચું કહે છે.’ અથર્વને દ્વિધા નહોતી. તેને નિહાળતી લજ્જાએ હળવેથી ડોક ધુણાવી, ‘વે...લ, યસ.’

અથર્વ ઝળહળી ઊઠ્યો. એ ઝળહળાટે લજ્જા મહોરી ઊઠી. તેનાં માબાપને તો અથર્વ ગમ્યો જ હતો. સગપણ થયું, લગ્ન લેવાયાં. ગોવાના એક્ઝૉટિક હનીમૂન પછી ત્રીસના પુરુષ અને ત્રેવીસની સ્ત્રીનો સંસાર સડસડાટ દોડવા લાગ્યો.

અથર્વ લજ્જાને રાણીની જેમ રાખતો. ઘરે સાધન-સગવડની કમી નહોતી ને નોકરચાકર તો હોય જ... વ્યાપારની અત્યંત વ્યસ્તતા વચ્ચેય પત્નીની નેઇલપૉલિશનો રંગ તેને યાદ રહેતો. રાત્રે સૂતાં ગમે એટલું મોડું થયું હોય, સવારે લજ્જાની આંખ ઊઘડે એ પહેલાં તેને બહુ ગમતાં ગુલાબનો તાજો ગુલદસ્તો જાતે લાવી તેના ઓશીકા પર મૂકવાનો એટલે મૂકવાનો : મારી રાણીની સવાર મઘમઘતી હોવી જોઈએ!

‘અર્થવ, ગઈ કાલે હું જ્વેલરી શૉપ ગયેલી...’

લજ્જા શૉપોહૉલિક હતી. અઢળક, કહો કે બેફામ શૉપિંગ કરતી. શરૂ-શરૂમાં કંઈ પણ લેતાં પહેલાં અથર્વને પૂછતી, પણ એ ટેવ અથર્વે જ ભુલાવી : ડોન્ટ આસ્ક મી. ક્રેડિટ કાર્ડ તને સોંપ્યું છે, તારે જે લેવું હોય એ લે.

લજ્જા એને પ્રણયપાશમાં ગૂંગળાવી દેતી : ઓહ અથર્વ, તમે તો તમે જ! કેવળ પૈસાને જ સુખ ન માનનારા અથર્વ માટે પત્ની સુખી છે એ જ સુખ હતું. લગ્નનાં પહેલાં ત્રણ વરસ તો સડસડાટ પસાર થઈ ગયાં, અડધું વિશ્વ દંપતીએ વેકેશન્સમાં ઘૂમી લીધું.

- પણ પાછલાં બે વરસથી પરિસ્થિતિ બદલાણી છે... ખરેખર તો મંદીનો વાવર ફેલાતાં પોતાના મહત્વાકાંક્ષી એક્સ્પાન્શન પ્રોજેક્ટ્સ અટવાતાં કંપની જાણે છેલ્લા શ્વાસે આવીને ઊભી છે...

અથર્વïએ ઊંડો શ્વાસ લીધો. બેશક આ ફૉલ ગ્રૅજ્યુઅલી આવ્યો અને એ દરેક તબક્કે કંપનીને ઉગારવાના મારા પ્રયત્નો બૂમરૅન્ગ જ પુરવાર થયા એ તકદીર નહીં તો બીજું શું? 

આની અસર વર્તાવા માંડી. કૉસ્ટ કટિંગરૂપે પહેલાં કંપનીના કામદારોની છટણી થઈ અને છેવટે એ રેલો નેછૂટકે ઘર સુધી પહોંચ્યો. ક્રેડિટ કાર્ડ સરેન્ડર કરવું પડ્યું, મર્સિડીઝ વેચી દેવી પડી. લજ્જા માટે આ બધું અસહ્ય હોવાની જાણ છતાં આવું કરવામાં મને શરમ-સંકોચ નહોતાં. પત્ની તરીકે મારા દુ:ખમાં લજ્જાનો સાથ હોય જ એવું મેં સ્વીકારી લીધેલું.

એ ધારણા ગલત હતી?

અથર્વને વળી આ પ્રશ્ન ચૂભ્યો. ના, શરૂ-શરૂમાં તો લજ્જા પાનો ચડાવતી રહી, પણ પરિસ્થિતિ વરવી બનતી ગઈ એમ તેનામાં પણ પલટો આવતો ગયો. સાફ કળાય નહીં એવો છતાં પૂરેપૂરો સમજાય એવો.

‘ખોટા મલાવા ન કરો.’ અથર્વ હજીયે સવારે ફૂલોનો ગુલદસ્તો લાવે એને હંમેશની જેમ છાતીએ ચાંપવાને બદલે તે તુચ્છકારથી ફગાવી દે, ‘આખું ઉપવન લૂંટાવી દેનારને ફૂલોથી મન બહેલાવવાનો હક જ નથી.’

અથર્વ સમસમી જતો. તોય મન મોટું રાખીને ક્યારેક હોટેલમાં ડિનર માટે જવાનું કહે તો સાંભળવું પડતું...

‘તાજમાં જમાડવાના તમારા દહાડા વયા ગયા. અરે, મહારાજનેય મારે રુખસદ આપવી પડી. ખાજો જે હું રાધું એ!’

છણકાભેર કહેવાતા શબ્દો એવા વસમા લાગે કે પીરસનાર અમૃત આપે તોય ઝેર જેવું લાગે!   

પતિ કમાતો હોય, બેમર્યાદ એશઆરામ આપતો હોય ત્યાં સુધી જ તેની કદર? અને મેં જુગારમાં દોલત લૂંટાવી હોય, બૂરી લતમાં પૈસો ઉડાવ્યો હોય તો પત્નીનાં મહેણાંટોણાંનો હું હકદાર; પણ વ્યાપારમાં આવેલી ઓટ જાહોજલાલી તાણી ગઈ એમાં મારો શું દોષ? આજે જ્યારે મને જીવનસાથી તરફથી હૂંફની, સ્નેહની મહત્તમ જરૂર છે ત્યારે મળે છે શું? તુચ્છકાર? જાણે મેં અક્ષમ્ય અપરાધ કર્યો હોય એવી ઘૃણા? અરે, માએ તો લકવાની બીમારીમાંય મારા પપ્પાને ઓછું નહોતું આવવા દીધું. ખુદ લજ્જાની મધરે પણ ક્યાં પતિની પડતીમાં સુખ નહોતું શોધ્યું? લજ્જા કેમ મને એ રીતે નથી સાચવતી!

અથર્વ સળવળતી અપેક્ષાને કાબૂમાં રાખતા મથતો : ઊલટું લજ્જાનો ઊભરો ઠલવાય જાય એ સારું જ છે! તે મને ન કહે તો કોને કહે? પછી સમજાતું કે સાવ એવુંય નહોતું.

‘યાર, તેં તો તારી વાઇફને દુ:ખી કરી મૂકી.’

અથર્વને અંગત મિત્ર નહોતા. ખાસ મિત્રવતુર્ળ પણ નહીં. છતાં વરલીની શ્રદ્ધા સોસાયટીની ચાર વિન્ગમાં ફેસ્ટિવલ ઇવેન્ટ્સ થતી રહેતી એટલે હમઉમþ જેવા ચાર-છ પાડોશીઓ સાથે ગ્રુપ જેવું બની ગયેલું. એકંદરે સૌ પામતા-પહોંચેલા. હરવા-ફરવાની શોખીન લજ્જા તો ગ્રુપની લેડીઝ મેમ્બર્સને તૈયાર કરીને વીક-એન્ડની ઉજાણીના પ્રોગ્રામ્સ પણ બનાવતી એમાં હવે હાથની ખેંચ વર્તાતાં એની બળતરા સખીઓ સમક્ષ ઊઘડી જતી ને એ જ્વાળા તેમના પતિદેવો દ્વારા અથર્વને દઝાડતી.

લજ્જા પણ ખરી છે. હું મારતો-પીટતો હોઉં એમ દુ:ખનો ઢંઢેરો પીટે છે! લોકોને કહેવાથી દુ:ખ દૂર થવાનું? ઊલટું લોકો મજા લેવાના. સોસાયટીના સાથીઓ જોડેનો આપણો સંબંધ ઘરના દરવાજા બહારનો ગણાય, તેમની સમક્ષ બારણાં ખોલી દેવામાં સમજદારી ક્યાં?

આવું બધું નહીં કહેવાયેલું ભીતર દરિયાના પેટાળમાં પ્લાસ્ટિક વેસ્ટની જેમ જમા થતું રહે છે. લગ્નનાં પહેલાં ત્રણ-ત્રણ વરસ મને પ્રણયરસમાં તરબોળ રાખનારી આ જ લજ્જા? ક્યારેક લાગતું કે તેને મારા પૈસાથી જ મતલબ હતી. જાણે લજ્જા માટે હું નોટ છાપતું મશીન હતો. એમાં ખરાબી આવતાં મશીન નકામું થઈ ગયું જેની ઘરમાં, જીવનમાં કોઈ જરૂર ન હોય! મન આવવા ખાતર પણ લજ્જાની વર્તણૂકનો અન્ય અર્થ નીકળતો નથી. આઘાત એ વાતનો લાગે કે લજ્જાને આની કોઈ શરમ પણ નહીં! માન્યું, પત્નીને, ઘરને આર્થિક પીઠબળ પૂÊરું પાડવાનો ધર્મ પતિનો ગણાય; પરંતુ સામે પત્નીનો કોઈ જ ધર્મ નહીં?

જીવ કોચવાતો. પત્નીની પોતે કલ્પેલી, સુખના દિવસોમાં જોયેલી મૂરત પાછલાં બે વરસની વાસ્તવિકતામાં એવી તો રહી જ નથી કે પછી એ જ તેનું ખરું રૂપ? મારા સ્વમાનને ઘા પત્ની થકી થાય છે એની પીડા મારા ઊર્મિતંત્રને છિન્નભિન્ન કરી મૂકે છે. ધારું તો હું પણ તેને કહી શકું એમ છું કે પતિનું ભાગ્ય પત્ની સાથે જોડાયેલું હોય છે. તારાં પગલાં જ અપશુકનિયાળ. પહેલા બાપને ગરીબ બનાવ્યો, હવે પતિને... અરે, આનાથીયે વસમાં વેણ ફટકારી શકાય, પણ મારા સંસ્કાર મને રોકે છે. લજ્જાને એનુંય બંધન નહીં?

તેના પિયરમાં અમારી પડતી છૂપી નથી એમ દીકરીના તેવર પણ છૂપા ન હોય. મા તેને સમજાવવાની કોશિશ કરે તો તેનેય તોડી પાડે : મારે મારો સંસાર કેમ સંભાળવો એ તારે મને કહેવાની જરૂર નથી. ડૅડીને લતે બરબાદ થયેલી ગૃહસ્થી તેં ચલાવી, મારાથી નહીં બને!

કદાચ આ જ મુદ્દો લજ્જાને જડ બનાવતો હશે. પિતાને ત્યાં છૂટેલી જાહોજલાલી પતિગૃહે પામવા ચાહી, પણ એય રિસાતાં તેનો પિત્તો હટવો સ્વાભાવિક છે : આવી દલીલ પણ હવે ખ૫તી નથી. આના પરથી એટલું તો પ્રતિપાદિત થાય જ છે કે તેને કેવળ જાહોજલાલીની જ ઝંખના હતી! સંસારમાં પૈસો જ મહત્વનો છે એવું બોલાય છે, પણ પતિથી પણ પૈસો મહત્વનો એ કેવો નિયમ! અરે, તે એવુંય નહીં વિચારતી હોય કે કાલે પરિસ્થિતિ બદલાતાં હું વળી અમીર થઈશ તો મને કહેવાયેલા શબ્દો, મારા સ્વમાને મુકાયેલા ડામ તે પાછા લઈ શકવાની છે? કે પછી હું હવે ઉપર જ નહીં આવું એવું ધારી લીધું હશે તેણે?

જવાબ હું જાણું છું, છતાં અજાણ રહેવા માગું છું. અમીરી જવાની ઘટનાએ પત્ની જેમ-જેમ ઊઘડતી જાય છે એમ અંતરથી દૂર થતી જાય છે. સ્નેહ નામશેષ થતો જાય છે, સ્પંદનો મૂરઝાતાં જાય છે. હૃદય ચીસ નાખે છે - આ સ્ત્રીને મેં ચાહી?

અથર્વએ નિ:શ્વાસ ખાળ્યો. સમાંતરે વ્યાપારમાં પ્રોજેક્ટ માટે લીધેલી લોનના હપ્તા નથી ભરાતા એટલે હવે પ્રૉપર્ટી છીનવાવાનો ભય છે. કંપનીનું બિલ્ડિંગ, આ ઘર... ડોન્ટ નો, ઘર છોડ્યાનું સાંભળીને લજ્જા કેવી પ્રતિક્રિયા આપશે! પરંતુ કહેવાની મારી તો ફરજ બને છે. 

‘લજ્જા, ઠંડીની જેમ વ્યાપારની મોસમ પણ ઘેરી બની છે...’ અથર્વએ નજરો મેળવી, ‘બહુ જલદી આપણે આ ઘર બદલવું પડશે.’

હેં! લજ્જા હચમચી ગઈ. પત્ની હાથમાં હાથ પકડીને સધિયારાના બે બોલ કહેશે તોય પૂરતું છે એટલી જ અપેક્ષા હજીયે ક્યાંય અથર્વની ભીતરમાં હતી પણ...

‘મને હતું જ... જીવતેજીવ તમે આ ભવમાં કંઈ કરી નથી શકવાના!’

જીવતેજીવ. બોલ્યા પછી લજ્જા પોતાના જ શબ્દે જરા ચમકી.

ચિત્તમાં અથર્વની કરોડો રૂપિયાની વીમા-પૉલિસી ઝબકી ગઈ. સાયબો જીવતો કરતાં મૂઓ સવા લાખનો સાબિત થાય એમ હતો! અહા.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK