કથા-સપ્તાહ- સંસારી સાધ્વી- (ધાર-મઝધાર – ૫)

Published: 12th December, 2014 06:48 IST

‘આજથી વીસ-બાવીસ વરસ અગાઉની વાત.’ તંબુમાં પ્રવેશેલા એભલને આવકારી  મા અનસૂયાદેવીએ કથા માંડી. હરિદ્વારના ઘાટ પર થયેલી વત્સલાની મુલાકાતથી શરૂ કરી, પરિણીત પુરુષે ધોખાથી પ્રણયવશ કરતાં આબરૂ-મા સવર્‍ કંઈ ગુમાવવાની વત્સલાની વ્યથા વર્ણવીને તે પોતાના દ્વારે ત્યજાયેલી ચાર દિવસની બાળકીની છાતીએ છોડેલી માતાની ચિઠ્ઠીના મુખ્ય મુદ્દે આવ્યા.


‘વત્સલાની ચોટ એટલી ગહેરી હતી કે સંસાર પ્રત્યે અનુરાગ ન રહ્યો, દીકરી વૈરાગ્યમાં જ ઊછરે એવી અપેક્ષા તેણે જતાવી... બીજી સાંજે વત્સલાની લાશ મળ્યાના ખબર ન્યુઝપેપરમાં જાણ્યા. નમાયી દીકરીને ઉછેરવા સાથે માની આખરી ઇચ્છા પૂર્ણ કરવામાં મેં મારી
ફરજ જોઈ.’
એભલ અભિભૂત હતો. સંસારી
માએ ચૂકેલો વિશ્વાસ સાધ્વી માએ
બરાબર પાળ્યો!
‘છતાં હું એક વાત ભૂલી એભલ કે રાગ માણ્યા વિના વૈરાગની પહેચાન ન હોય... ક્યાં ઈશ્વરની આસક્તિ સંન્યાસ માટે પ્રેરે, ક્યાં સંસારની ચોટ... કોઈ જન્મથી જ સાધુ કઈ રીતે બની શકે?’
સહેજ શ્વાસ લઈ અનસૂયાદેવીએ ફોડ પાડ્યો, ‘આનંદી આઠેક વરસની થઈ ત્યાં સુધી બધું બરાબર હતું. અમારી દિનચર્યા તેણે અપનાવી લીધેલી, જપ-તપમાં તે ઊલટભેર ભાગ લેતી, વિધિવત્ શિક્ષણ ભલે ન મળ્યું, આશ્રમમાં રહીને અપાય એટલું જ્ઞાન હું અવશ્ય આપતી.’
છતાં શિસ્તબદ્ધ પળાતી દિનચર્યામાં રમત-ગમતને સ્થાન નહોતું, આશ્રમના ચોગાનબહારની દુનિયા આનંદીના બાળપણે દીઠી નહોતી, સંન્યાસીએ તો સંસારથી અલિપ્ત જ રહેવાનું હોયને.
‘આનંદીને કોઈ વાંધો નહોતો. જે જોયું જ નહોતું, અનુભવ્યું જ નહોતું એની અધૂરપ પણ કેમ વર્તાય? ખેર, એક શ્રાવણ અમે મહાદેવનાં મંદિરોની યાત્રાએ નીકળ્યાં. આનંદીને મૂકીને હું  વરસોથી નીકળી નહોતી, તેણે યાત્રાનો ઉત્સાહ બતાવતાં હું તૈયાર થઈ. પગપાળા ફરવાનું હતું,
છતાં આઠ વરસની બાળકી ઉલ્લાસભેર કદમ મિલાવતી. ચારેક દિવસ તો બરાબર વીત્યાં, પાંચમી સવારે મેં જોયું તો આનંદી પડખે નહોતી.’
એભલ એકાગ્ર બન્યો.
‘શૂલપાણેશ્વરના મંદિરના પ્રાંગણમાં અમારું રોકાણ હતું. નજીકના ક્વૉર્ટરમાં સરદાર સરોવર ડૅમ જોવા આવેલા ૭-૮ પરિવારો ઊતર્યા હતા ને પરિસરના ઉદ્યાનમાં પોતાની વયનાં બાળકોને કિલ્લોલ કરતાં જોઈને ગેટના સળિયા પકડીને ઊભેલી આનંદી અચંબિત હતી.’
કેવો આનંદ... કેવી મસ્તી.... તેમનાં વસ્ત્રો તો જુઓ! અહીં પેલો છોકરો પડી જતાં પિતાએ કેવો તેને તેડી લીધો, ચૂમી લઈને તેને હસતો કર્યો! દૂધ નથી પીવું એટલે પેલી છોકરી માને કેવી થકવી નાખે છે, ને તોય મા-દીકરી હસતાં જ રહે છે!
વિસ્ફારિત નેત્રે તેમને તાકી કહેલી આનંદીને પહેલી વાર કશીક ઊણપ વર્તાઈ.
‘તેને શોધતી હું ગેટ આગળ પહોંચી ત્યારે પહેલો સવાલ તેણે કર્યો- મા, આશ્રમમાં આટલો આનંદ કેમ નથી હોતો!’ અનસૂયાદેવીએ સાંભર્યું, ‘આશ્રમમાં સૌ તેને મારી દીકરી કહેતા અને દરેકનો પિતા જગતપિતા હોય એ માન્યતા સ્વીકારી ચૂકેલી આનંદીની સમજ એક અનુભવે એવી વિસ્તરી કે તેના સવાલો મને ભારે પડી ગયા. વત્સલાની કંલકકથા તેને કહેવાની નહોતી એટલે એવું કહ્યું કે તારા પિતાના અવસાને મારું મન સંસારમાંથી ઊઠી ગયું ને આપણે સંન્યાસ અપનાવ્યો... અને તે બોલી હતી : આપણે સંસારમાં જ રહ્યા હોય તો! સંસારની ઉપાધિઓ વર્ણવીને મેં સંન્યાસના ફાયદા વર્ણવ્યા ત્યારે તે ચૂપ રહી, પરંતુ તેના નાનકડા મગજનું સમાધાન નહોતું થયું. બાળકને કેટલુંય સમજાવો કે ચૉકલેટ ખાવાથી દાંત બગડે, એથી કાંઈ તે ચૉકલેટની માયા ઓછી મૂકી દે! પ્રગટપણે તે કશું કહેતી નહીં, પરંતુ તેના અજાગ્રત મનમાં સંસાર પ્રત્યેનું ખેંચાણ બળવત્તર બનતું ગયું જે છેવટે તેને સ્પ્લટ પર્સનાલિટી સુધી દોરી ગયું.’
એનો પ્રથમ પડઘો દસમા વરસે પડ્યો. હોળીના તહેવાર દરમ્યાન આશ્રમના પ્રવેશદ્વારેથી પસાર થતી રંગનારાની ટોળી ભેગી તે ચુપકેથી ભળી ગઈ. ચાર દિવસ સુધી તેની તપાસ કરી જોઈ, પણ પરિણામ શૂન્ય! પાંચમી સવારે અનસૂયાદેવીએ જાગીને જોયું તો તે પ્રાંગણમાં પાઠ કરતી દેખાઈ. કેટલું પૂછયુ તેને- ક્યાં ગઈ’તી, કોણ લઈ ગયું’તું, પણ ધરાર જો આનંદીને કશું યાદ હોય! હું આશ્રમમાંથી ગઈ જ નથી એનું એક જ રટણ.
‘તે જૂઠ નહોતી બોલતી કે નાટક નહોતી કરતી એટલું તો પરખાયું... તો શું ચાર દિવસનો તેને સ્મૃતિભ્રંશ થયો? આનો જવાબ દિવાળીમાં સાંપડ્યો. આશ્રમમાં મુલાકાતીભેગી આવેલી નવેક વરસની છોકરી આનંદી પાસે દોડી ગઈ- હાય હેલી!’
એભલનાં નેત્રો સહેજ પહોળાં થયાં.
‘સારિકાને કેટલું સમજાવી કે આ હેલી નથી, આનંદી છે... ખુદ આનંદી અસમંજસમાં હતી, સારિકાને કદી મળ્યાનું તેને યાદ નહોતું, પરંતુ તે બાળકી બહુ મક્કમ નીકળી : આ આનંદી નથી, હેલી છે. અમે સાથે હોળી રમ્યાં છીએ...’
હોળીના ઉલ્લેખે મા અનસૂયાદેવી સહિત સૌ ચમક્યાં. સારિકા પાસે જાણ્યું કે હોળીના ઉત્સવ દરમ્યાન આનંદી ચાર દિવસ તેમના મહોલ્લામાં રહેલી, પાંચમા પરોઢિયે સાધુનો સંઘ પસાર થયો પછી તેને આજે અહીં દીઠી!
‘આનંદી રડમસ હતી. તેને સ્ટ્રેસ આપવાને બદલે અમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા ને છેવટે ડબલ પર્સનાલિટીનો નિષ્કર્ષ તારવ્યો... એક જ વ્યક્તિની અંદર સંસારી પણ જીવે છે ને સાધ્વી પણ.’
માએ ગળું ખંખેર્યું, ‘મારે તેને પરાણે સંન્યાસીની નહોતી બનાવી રાખવી એમ સંસારમાં કોના ભરોસે છોડું? આનંદીના ઉછેરની ફરજ મમતાના બંધનમાં ફેરવાઈ ચૂકી હતી, એટલા પૂરતી તમે મને પણ સંસારી કહી શકો. તેને ખાતર મેં સંન્યસ્ત છોડ્યું હોત, પરંતુ તેનામાં જ સંસારીભેગી સાધ્વી રહેતી હતી. એક નદીના બે કિનારા જેવા સંસાર- સંન્યાસના કયા કાંઠે લાંગરવું એની અવઢવમાં અમારી નાવ મઝધારમાં ઝોલાં ખાતી રહી ને જીવનપ્રવાહ સડસડાટ આગળ વધતો ગયો... આનંદી-હેલી એકમેકના અસ્તિત્વથી અજાણ હતાંને ડૉક્ટરની સલાહ પ્રમાણે તેને જાણ
કરવામાં શાણપણ નહોતું. આનંદી બી જાય, હું તેનો વિશ્વાસ ગુમાવી એવું બને.... ખાસ તો મેળો કે તહેવાર હોય ત્યારે આનંદીમાંની હેલી પ્રચ્છન્ïનમાંથી પ્રમુખ થઈ જતી. મને અંદેશો આવતો ગયો એમ હું તેને મારી નજરમાં તો રાખતી. મને મા કહેનારી આનંદીએ હેલી તરીકે પોતાને અનાથ સ્વીકારી લીધેલી.’
મા અનસૂયાદેવી છેલ્લા વળાંકે આવ્યાં, ‘આનંદી યૌવનમાં બેઠી પછી મને તેની ચિંતા રહેતી ને મને ધાસ્તી હતી એવું જ બન્યું. રાજકોટના આઠમના મેળા વિશે ક્યાંકથી જાણ્યું હશે. એ દિવસોમાં હું માંદી, એક બપોરે તે ગઈ તે આટલાં વરસે ગિરનારમાં દેખાઈ!’
એભલ સ્તબ્ધ હતો.
‘પત્નીની માનસિક હાલતની તમને તે જાણ હોવી ઘટે, બાકી તમને ડરાવવાનો આશય નથી હોં એભલ. હેલીમાં આનંદી જાગ્રત નથી થઈ એનો અર્થ એ કે સંસારમાં તે સુખી છે. માણસ સંસારમાં સુખી ત્યાં સુધી સંન્યાસનું વિચારતો પણ નથી. તમારો પ્યાર, ભરોસો આવો જ રહેશે તો આનંદી કદી પ્રભાવી નહીં બને એવી મને શ્રદ્ધા છે.’
‘પ્યાર, ભરોસો...’ એભલ ફિક્કું મલક્યો, ‘મા, હું આને લાયક ગણાઉં
પણ ખરો?’
મા અનસૂયાદેવી ચમક્યાં. એભલની કથા સાંભળતાં ગયાં એમ ચહેરા પર કરુણા લીંપાતી ગઈ.
‘નર્મિળનાથના બ્લૅકમેઇલિંગથી તારે ડરવાની જરૂર નથી.’
પોતાના આશ્રમથી નજીકના વિસ્તારમાં આવેલા વિશ્વાનંદના આશ્રમના મુખ્ય ચેલા નર્મિળનાથનાં અપલક્ષણ માથી છૂપાં નહોતાં, ‘સાધુસંઘના મઠાધિપતિને જાણ કરી હું તેને સીધોદોર કરી લઈશ. તું વિકૃતિને તાબે ન થયો બેટા, એ જ તારા સંસ્કાર સૂચવે છે. નર્મિળનાથને સબક શીખવાડવા તેં ધન ચોર્યું ને એનો ઉપયોગ પાછો પશુધન ખરીદવામાં કર્યો એટલે એય મારી દૃષ્ટિએ અપરાધ નથી.’
એભલની આંખમાં ઝળઝળિયાં બાઝ્યાં.
‘પણ મા, પત્નીના પિતા પર હીચકારો હુમલો કર્યો એનું શું? હેલી સાથે હું નજર કેમ મેળવીશ?’
‘નજર મેળવવાની લાયકાત તો નેમુની નહોતી બેટા. દગો તેણે આપ્યો, બલ્કે હું તો તારા હુમલામાં કુદરતનો ન્યાય જોઉં છું. જેના પાપે તારી પત્ની અનૌરસ જન્મી
તેને ચાકુ હુલાવીને તેં અજાણતાં જ દંડ ફટકાર્યો ગણાય.’
ક્ષમાનો ગુણ ધરાવતાં સાધ્વી માત્ર મારા સમાધાન માટે આમ ન જ કહે... એભલને કોઈ સંશય ન રહ્યો.
‘બાકી પોલીસ-ફરિયાદનો હવે અર્થ નથી, કેમ કે ફરિયાદ નોંધાવનાર નેમુ ઝવેરી હવે હયાત નથી.’
હેં!
‘આનંદીના જવાથી હું પરેશાન હતી એભલ... વત્સલાની ચિઠ્ઠી-ફોટા હજી મેં સાચવી રાખ્યાં છે, ક્યાંક એ આનંદીના હાથ લાગતાં તે વેર વાળવા મુંબઈ ગઈ હોય એવી શક્યતા મનમાં સળવળતાં ગયા વરસે હું મુંબઈનો આંટોફેરો ક્રી આવી. ત્યારે જાણ્યું કે શેઠજી નથી રહ્યા. બિચારા ઝવેરી. દીકરો આડે રસ્તે ફંટાયાની સમજ જાગી ત્યારે મોડું થઈ ચૂકેલું. વિલમાંથી તેને બાકાત કરવા જેટલા તે આળા થયા એમાં બાપ-દીકરા વચ્ચે બોલાચાલી થઈ ને પુત્રએ ગનની ગોળી ધરબી પિતાનું ઢીમ ઢાળી દીધું! દીકરો જેલમાં છે ને કરોડોની મિલકત સગાંવહાલાએ પચાવી પાડી છે. આને જ કરણીનું ફળ કહેતા હશે?’
માએ એભલને આશિષ પાઠવી.
‘મારી દીકરી જોડે સુખી રહેજે.’ કહીને મલક્યાં, ‘અને જલદી મને નાની બનવાના ખુશખબર આપ. પ્રેમની સાંકળને મજબૂત કરતો જા એભલ, સાધ્વીપણું એટલું જ હેલીથી દૂર રહેવાનું, સમજ્યો!’
એવો જ દ્વારે ઊભેલી તેને ઊબકો આવ્યો. ઉદરમાં અજબસો સળવળાટ અનુભવાયો ને તે અંદર દોડી ગઈ.
€ € €
નર્મિળનાથના બયાને પતિનાં રહસ્યો જાણીને આઘાત અનુભવતી હેલીને વૈરાગ જાગ્યો. આનંદીમાં ફેરબદલ થવાનું એ આરંભ બિંદુ હતું. ત્યાં આનંદીના નામની બૂમ પડી ને હેલી જાગૃત થઈ- આ...નં...દી! જોઉં તો ખરી તે કોણ છે? ત્યાં તો દૂર ઊભાં સાધ્વી પોતાને જ આનંદી તરીકે સંબોધી રહ્યાનું જાણીને ફાટી આંખે તેમને નિહાળી રહી.
ગિરનાર પર થયેલા હેલીના ભેટા વિશે સંઘમાં માએ કોઈને કહ્યું નહોતું. રબારણના વેશમાં આનંદીને જોઈને તે હેલી હોવાનું સમજી ચૂકેલાં મા ઉમાદેવીએ આનંદીના નામે તેને ગ્ાૂંચવી, ઉતારા સુધી દોરી માના દ્વારે છોડી ગયાં ને ખરેખર કશું ન સમજેલી હેલી અંદરથી આવતા અવાજે ચમકી- આજથી વીસ-પચીસ વરસ અગાઉની વાત છે, એભલ...
€ € €
મારામાં કોઈ આનંદી પણ વસે છે! હેલી સ્તબ્ધ હતી.
હેલીએ બધું સાંભળ્યું, તે સવર્‍ કંઈ જાણી ગઈ ! મા અને એભલ ડઘાઈ ગયાં.
‘ન સાંભળ્યું હોત મા તો એભલને કપટી ધારીને હું વૈરાગી બની ગઈ હોત. હવે સમજાયું, તેણે કંઈક છુપાવ્યું તો મારા પ્રેમ ખાતર, મને છેતરવા નહીં.’
માને વળગીને તે પતિ તરફ ફરી, ‘માએ સાચું કહ્યું, તમારો પ્યાર રહેશે એભલ તો આ સંસારી કદી સાધ્વી
નહીં બને.’
જન્મની કથા સાંભળી ચૂકેલી હેલીને ન મા માટે ફરિયાદ હતી, ન પિતા પ્રત્યે રોષ રહ્યો. મા કહે છે એમ વીત્યું એ વીત્યું.
આનંદી ન હોવા છતાં હેલીએ મારા કથનને સત્ય સ્વીકાર્યું એમાં મા અનસૂયાદેવીએ ઋણાનુબંધ જ જોયો. હેલીના મા સંબોધનમાં પણ આત્મીયતા તો આનંદીની જ હતીને!
એભલે પરમતૃપ્ત અનુભવી. બન્નેનું મિલન નિહાળીને તંબુની બહાર જતાં મા અનસૂયાદેવીએ વત્સલાને સાંભરી : સંન્યાસમાં નર્મિળનાથ જેવા પાખંડી હોય એમ સંસારમાં પણ કેવળ દ્રોહ નથી હોતો. તારી દીકરી મનગમતું સુખ પામી એનો તનેય આનંદ જ હશેને!
€ € €
ઉપસંહાર : એભલ-હેલીની જોડી અખંડ રહી, મા અનસૂયાને એનો સંતોષ. હા, નર્મિળનાથની અબળખા અધૂરી રહી. એભલને તેણે અઠવાડિયાની મુદત આપેલી, પણ એ દરમ્યાન મેળામાં વિકૃતિવશ અન્ય સાધુને છેડવાનો થયો, પેલાએ બુમરાણ મચાવતાં પોલીસ હરકતમાં આવી ને છોગામાં ચરસ ઝડપાતાં તે તો ગયો જેલમાં! ‘જેવી જેની કરણી.’ મા અનસૂયાદેવી કહે છે. ગુરુ વિશ્વાનંદને એથી જોમ મળ્યું, આશ્રમમાં સુધારાનો અવકાશ જન્મ્યો હતો એને એળે જવા ન દેવાય...
એભલની મેડીએ પ્રણયનાં તોફાન અવિરત ચાલુ રહ્યાં. બાળકોના કિલ્લોલથી સંસાર મઘમઘતો રહ્યો. છેવટે તો સંસાર હોય કે સંન્યાસ, માણસ સુખ અનુભવે
એ જ મહત્વનુંને!
(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK