કથા-સપ્તાહ- સંસારી સાધ્વી-(ધાર-મઝધાર – ૪)

Published: 11th December, 2014 06:31 IST

‘બેટી, જરા આ બૉટલમાં પાણી ભરી આવ...’ ગિરનાર ઊતરતી વેળા, પ્રૌઢ સાધ્વીએ લગભગ રસ્તો આંતરી હેલીને વિનંતી કરી એ થોડું અજુગતું લાગ્યું, પણ એ વિશે વિચારવું નહોતું. વળી ભગવા રંગની હાજરી વિચિત્ર આંદોલન જન્માવે એ પહેલાં સાધ્વીજીને પાણી ધરી દેવા દે... આમેય મેં એભલ સમક્ષ આનંદીનો ઉલ્લેખ નથી કર્યો, તેમને મારી માનસિક સ્થિતિ વિશે શંકા જાગે એવું શું કામ કરવું!

હેલી પરબ તરફ ફંટાઈ કે એભલનો હાથ પકડી સાધ્વી સહેજ ખૂણામાં દોરી ગયાં.

‘મારી વાત ધ્યાનથી સાંભળો એભલ...’ તેમની ચેક્ટાથી ચોંકેલો એભલ તેમના શબ્દોએ વધુ ચમકયો, ‘તમારી પત્ની હેલી વિશે તમે શું જાણો છો?’ ડોક ધુણાવી મા અનસૂયાદેવીએ પ્રfન બદલ્યો, ‘હેલીનાં બે રૂપ છે એની તમને જાણ છે ખરી?’

એભલ બઘવાયો. બે રૂપ? એ વળી શું!

‘અંગ્રેજીમાં આને સ્પ્લટ પર્સનાલિટી કહે છે.’ તોય એભલ બ્લૅન્ક રહ્યો એટલે સાદી ભાષામાં સમજાવ્યું, ‘એક જ વ્યક્તિની અંદર બે કે ક્યારેક બેથીયે વધુ વ્યક્તિઓ વસતી હોય એવી આ ઘટના છે.’

‘વળગાડ? ’

‘નહીં...’ સાધ્વીએ ધીરજ ધરી, તો ‘સીતા ઔર ગીતા’ ફિલ્મ જોઈ છે? ’

સાધ્વીના મોંએ ફિલ્મનું ઉદાહરણ નવાઈભર્યું લાગે, પણ એભલને સમજાવાનો બીજો કોઈ માર્ગ મા અનસૂયાદેવીને સૂઝ્યો નહીં. એભલને ફિલ્મોનો ખાસ શોખ નહોતો, પરંતુ હેમામાલિનીની આ ક્લાસિક ફિલ્મ બેશક જોઈ હતી.

‘એમાં બે છોકરી છે, એક સરળ સીતા ને બીજી નટખટ ગીતા. પરંતુ બેઉ રોલ કરનાર હિરોઇન તો એક જ. ક્યારેક તે સીતાનો પાઠ ભજવે, ક્યારેક ગીતાનો. સ્પિલ્ટ પર્સનાલિટીવાળાનું પણ આવું જ હોય. વ્યક્તિ એક પણ ક્યારેક તે સીતા તરીકે વરતે અને ક્યારેક ગીતા તરીકે.’

‘બાપ રે... ’ એભલ ડઘાયો, ‘એટલે હેલીમાં કોઈ સહેલી પણ વસે છે એમ? ’

‘હવે તું સમજયો.’ મા સહેજ ગંભીર બન્યાં, ‘અને એ સહેલી સાધ્વી છે - આનંદી.’

હેં!

‘પણ તો પછી હેલી સાધુઓથી, ભગવાં વસ્ત્રોમાંથી ગભરાય છે કેમ?’ એભલે ઝડપથી મેળાના પ્રથમ દિનનો અનુભવ કહ્યો.

‘હવનનું વાતાવરણ જોઈ હેલીની અંદર છૂપી આનંદી સળવળવા માંડી હશે, હેલીને એ સમજાયું નહીં એટલે તે ગભરાઈ.’

‘આનો અર્થ એ કે હેલીને આનંદીનો અણસાર નથી?’ એભલનું મોં ખુલ્લું રહી ગયું. એમાં જોકે પત્નીએ પોતાનાથી કશું છુપાવ્યું નથી એની રાહત પણ મા અનસૂયાદેવીએ પારખી. છોકરો હેલીને ચાહે છે એમાં શક ન રહ્યો.

‘ãસ્પ્લટ પર્સનાલિટીમાં ક્યારેક આવુ પણ બને. હેલી-આનંદી એકમેકના અસ્તિત્વથી હજુ સુધી તો બેખબર જ છે.’

હે ભગવાન. એભલની બુદ્ધિ જવાબ દઈ ગઈ. થયું, મેળામાં મને મારો ભૂતકાળ ખૂલવાની ધાસ્તી હતી ત્યાં હેલીનું રહસ્ય ખૂલ્યું! એવું રહસ્ય જે હેલી ખુદ નથી જાણતી.. તો પછી આ સાધ્વીજીએ કેમનું જાણ્યું?

‘મારું નામ અનસૂયા. આનંદી ચાર દિવસની હતી ત્યારે તેની સોંપણી મને કરી તેની મા વત્સલાએ ગંગામૈયામાં જળસમાધિ લીધી...’ એભલની આંખમાં ઊઠતો પ્રfન પારખી ઉમેર્યું, ‘તે કુંવારી મા હતી. મુંબઈમાં નેમુ ઝવેરી નામના અમીરજાદાએ બિચારીને ફસાવેલી...’

નેમુ ઝવેરી. એભલ થડક્યો.

‘આનંદીની કથા લાંબી છે એભલ અને અત્યારે બધું કહેવાનો, ચર્ચવાનો અર્થ નથી. હેલી આવી રહી છે....’ સાવધ થતાં મા અનસૂયાદેવીએ ઇશારો આપ્યો, ‘તળેટીના શિવમંદિર પાસે અમે તંબુ તાણ્યા છે. ત્યાં આવીને મળી જા તો બધા ખુલાસા થઈ રહેશે. તમે હેલી-આનંદી વિશે જાણી શક્શો ને હું મારી દીકરીને કેવો ભરથાર મળ્યો એ ચકાસી લઈશ.’

એ જ વખતે હેલી આવી ચડી એટલે એભલે આંખોથી જ વાયદો કર્યો - હું જરૂર આવીશ!

€€€

પવર્‍ત ચડ્યાનો થાક લાગતો હોય એમ હોટેલ પહોંચી ગરમ પાણીથી નહાઈ હેલી પથારીમાં પડતું મૂકતાં જ ગાઢ નિદ્રામાં સરી પડી, પણ એભલને ઊંઘ આવે એમ નહોતી.

નેમુ ઝવેરી.

જીવન-કિતાબનાં ગતખંડનાં પાનાં ફરફરવા માંડ્યાં.

સૌરાષ્ટ્રમાં અનાથ તરીકે ઊછરેલો એભલ ઝાઝું ભણી ન શક્યો, બે પાંદડે થવાની આશામાં વીસેક વરસની ઉંમરે મુંબઈ ગયો ને પહેલી નોકરી નેમુ ઝવેરીને ત્યાં મળી.

અટક ભલે ઝવેરી રહી, નેમુભાઈનો કારોબાર ધીરાણનો હતો. ખાર ખાતેની તેમની કંપનીમાં પટાવાળા તરીકે એભલ ઝડપથી સેટ થઈ ગયો.

નેમુ શેઠનો, લગભગ એભલની જ ઉંમરનો એક દીકરો હતો... વૈભવ. ઑફિસમાં સૌ કહેતા કે શેઠનો વારસ આડી લાઈને ચડી ગયો છે, શરાબ-શબાબ પાછળ ખુવાર થાય છે. શેઠાણી રહ્યાં નહોતાં એટલે પુત્રને વારવાવાળું પણ કોઈ નહોતું. શેઠને તિજોરીમાંથી છાશવારે કમ થતા રૂપિયાની ચિંતા હતી, પણ એ પરાક્રમ દીકરાનું હોઈ શકે એની તો કલ્પનાય તેમનાથી થાય એમ નહોતી, કેમ કે દીકરાના અવગુણથી પોતે તો અંધારામાં જ હતા. સ્ટાફ શું કામ બાપ-દીકરાના મામલામાં પડે? આખરે જતેદહાડે ધંધો નાનાશેઠને જ મળવાનો, તેની ખોટી ખફગી શું કામ વહોરવી?

શેઠ દીકરા સાથે ઑફિસની તિજોરી પર કોઈ હાથ સાફ કરી રહ્યાની ચિંતા જતાવતા તો ઉસ્તાદ વૈભવે તેમને આડો રસ્તો દેખાડ્યો : મને તો આપણા પ્યુન પર વહેમ આવે છે. ખરેખર તો એક વાર પોતાને રૂપિયા કાઢતાં એભલ જોઈ ગયેલો એની દાઝ વૈભવે બાપના મનમાં વહેમ રોપીને વાળી.

વધુ એક વાર તિજોરીમાં સાત હજારની ઘટ પડતાં શેઠજીએ પૂછયા-કર્યા વગર એભલને આડે હાથ લેવા માંડ્યો : ચોર ક્યાંયનો! તને ચોરીની ટેવ પડી ગઈ છે... સ્ટાફ હતપ્રભ હતો. એભલનું જવાન લોહી ઊકળી બેઠું : શેઠ હોય તો તારા ઘરનો, તું ચોર કોને કહે છે, હેં? કહી ભાન ભૂલી કૅન્ટીન-ટેબલ પર પડેલું ચાકુ ઝવેરીના પેટમાં હુલાવી ભાગ્યો હતો, પછી ભાગતો જ રહ્યો. શેઠનો જીવ નહોતો ગયો, પોતે ખોટું કર્યાનું માનતો નહોતો, છતાં પોલીસની ગિરફ્તારીની ધાસ્તી રહેતી. મુંબઈ છોડી ગુજરાતમાં ઊતરી ગયો. નર્મદા તટે બેઠો હતો ત્યાં સાધુઓનો સંઘ જતો જોઈ સૂઝયું: ભગવાં ધારણ કરી લઉં તો કોઈ મને

પૂછવા-રોકવાવાળું ન રહે, સાધુનો સૌ આદર કરે...

અને એ રીતે વિશ્વાનંદના આશ્રમમાં પ્રવેશવાનું થયું.

જોકે મારે ક્યાં સાચેસાચ સાધુ થવું હતું? જુવાન વય હતી, અંગમાં ઉમંગ સળવળતો ને એ હાથવગા આનંદ પર કોઈની નજર રહેતી એ તો રોકાણના સાતમા મહીને નર્મિળનાથની વિકૃતિ પ્રગટી ત્યારે જાણ્યું. તેને તાબે ન થયો તો ફરી ચોરીનો આક્ષેપ મુકાયો. મગજ એવું તપ્યું કે સાચે જ લાખ રૂપિયાની તફડંચી કરી આશ્રમ ત્યજ્યો. રઝળપાટ દરમ્યાન સૂઝ્યું કે ચોરેલા રૂપિયામાંથી પશુધન ખરીદી રબારી તરીકે થાળે કેમ ન પડવું! આશ્રમમાં ગાય-ભેંસ દોહવાનો અનુભવ હતો, તેમની ચાકરી કરતાં રઘુ રબારી પાસેથી તેમની કોમ વિશે, રિવાજો વિશે ઘણી વાતો થતી. એ બધું તેને એભલ રબારી બનવામાં કામ લાગ્યું, ચાર ભેંસ ખરીદી તે દેવલા ગામે આવી થાળે પડ્યો. પછી હેલી જીવનમાં પ્રવેશી.

- અને આજે, લગ્નનાં બે વરસે જાણ થાય છે કે મેં જેને ચાકુનો ઘા મારેલો તે મારી પત્નીના પિતા છે! હેલી મારો ચોરીનો ગ્ાુનો માફ કરી જાણે, પરંતુ પિતાની હત્યાના પ્રયાસનો અપરાધ બક્ષે ખરી?

એભલ પાસે આનો જવાબ નહોતો!

€€€

સાંજે મેળો માણી કાલ બપોર સુધીમાં અહીંથી નીકળવું હતું.

‘મારું માન, તું થાકી ગઈ છે, આરામ કરવો હોય તો કાલનો દિવસ રોકાઈને મેળો જોશું. આજે માંડવાળ રાખ...’

ત્યારે તો હેલીએ માન્યું કે એભલ પણ થાક્યો હશે માટે આમ કહે છે, પણ...

‘હું બજારમાં આંટો મારી

આવું - ફળફળાદિ લઈ આવું. ’

અને હેલીને સ્ટ્રાઇક થયું કે એભલ મને મૂકીને એકલા ક્યાંક જવા માગે છે! એભલે આવું તો કદી નથી કર્યું. હેલીનો પત્નીભાવ જાગ્રત થયો. જાણું તો ખરી, એભલ ક્યાં જાય છે - શું કરે છે!

મા અનસૂયાદેવીને મળવા ઉતારે જતા એભલને બિલકુલ અંદાજ નહોતો કે હેલી પોતાની પાછળ જ નીકળી છે!

€€€

‘એભલરામ... ’

શિવમંદિર આગળના તંબુ પર મેળાનો વિસ્તાર વટાવી જવું પડે એમ હતું. રસ્તો પૂછી એભલ આગળ વધતો હતો ત્યાં પોતાના નામના સાદે બ્રેક લાગી, એવી જ પાછળ આવતી હેલીએ નજીકના ખૂમચાની આડશ લઈ લીધી : આ તો કોઈ સાધુ એભલને સંબોધી રહ્યો છે!

‘કોણ...’ નિકટ આવતા સાધુની ઓળખાણ કળાતાં એભલનાં જડબાં તંગ થયાં: નર્મિળનાથ તું! આખરે મેળામાં જેનો ભેટો થવાની આશંકા હતી તે ભટકાઈ જ ગયો.

‘લગ્ન મુબારક, બંધુ!’ હસ્તધનૂન કરવાના બહાને નર્મિળનાથે સ્પર્શ માણ્યો, ‘આ અઢી-ત્રણ વરસોમાં તારું શરીર થોડું વધ્યું. ભાભીનો જ પ્રતાપ. બહુ સુંદર છે ભાભી. જોકે બિચારાં જાણતાં નહીં હોય કે પોતાનો પતિ સાધુના વેશમાં શયતાન છે.’

‘મુદ્દાની વાત કર, નર્મિળનાથ ’

‘મુદ્દાની વાત નહીં, મુદ્દાની માગણી... આવ અહીં બેસીએ...’

બેઉ મેદાન પર જ બેઠા. તેમની શ્રવણમર્યાદામાં ગોઠવાઈ હેલીએ કાન સરવા રાખ્યા.

€€€

એભલે હોઠ કરડ્યો. નર્મિળનાથ નેમુ ઝવેરીનું સત્ય પણ જાણે છે, તેને મળ્યો છે ને તેની વાત સાચી માનું તો ઝવેરીએ મારી બાતમી પાઠવનારને લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે! આ

બે-અઢી વરસોમાં જાહેરાતનું મૂલ્ય કદાચ ન પણ રહ્યુ હોય, તોય પોલીસ-ફરિયાદ તો ઊભી જને... અને આ બધું હેલીથી છુપાવવા બદમાશ નર્મિળનાથની એક જ માગણી હોય : કામસુખ!

‘મને માનસિક રીતે તૈયાર થવા થોડો સમય આપ નર્મિળ... હોટેલ પરથી તો અમારું સરનામું પણ મેળવી લીધું છે એટલે તને ટાળવાનો અર્થ નથી એટલું તો મને સમજાય છે. બસ, થોડો સમય... ’ 

નર્મિળનાથ પણ સમજતો હતો કે બકરો બરાબર ફસાયો છે, જઈ-જઈને ક્યાં જવાનો?

‘ઠીક, પણ હું અઠવાડિયાથી વધુ રાહ નહીં જોઉં...’   

‘ભલે...’ તેને ટાળી એભલે ઝડપભેર સાધ્વીજીના તંબુ તરફ પ્રયાણ આદર્યું. મન નર્મિળનાથના ફણગાથી ક્ષુબ્ધ હતું, પરંતુ મા અનસૂયાદેવીને મળવું પણ જરૂરી હતું. એભલે ખાતરી ક્રી કે નર્મિળનાથ પાછળ નથી પડ્યોને.

€€€

મેં આ શું સાંભળ્યું!

એભલ ગયો, નર્મિળનાથ તેના ઉતારે ફંટાયો પરંતુ હેલી હાલી ન શકી. નર્મિળનાથની વિકૃત માગણીથી વિશેષ આઘાત એભલનાં રહસ્યોથી આવ્યો. કોઈક નેમુ ઝવેરી પર હુમલો, આશ્રમમાંથી ચોરી.... એભલે મને કશું જ કહ્યુ નથી, મને સાવ અંધારામાં રાખી. આટલું છળ? મારી લાગણી સાથે આવી રમત! સંસાર આવો જ હોય તો એને ત્યાગી સંન્યસ્ત અપનાવવું શું ખોટું!

હેલીની ભીતર વૈરાગ્યનો પવન ફૂંકાવા માંડયો. સાપ કાંચળી ઉતારી નવી ત્વચા ધારણ કરે એમ પોતાના જ વ્યક્તિત્વ પર કશુંક છવાતું લાગ્યું ને એ જ ઘડીએ કોઈએ સાદ પાડયો : આનંદી !

તે ફાટી આંખે સાદ પાડનારને જોઈ રહી.

(આવતીકાલે સમાપ્ત)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK