કથા-સપ્તાહ- સંસારી સાધ્વી- (ધાર-મઝધાર - ૩ )

Published: 10th December, 2014 06:15 IST

મહાશિવરાત્રિ નિમિત્તના મેળામાં ઊમટેલો માનવ-મહેરામણ જોઈ એભલ-હેલી ચકિત બન્યાં.


‘મેળો માણવા જાવ છો તો બે-ચાર દિવસની નિરાંત લઈને જજો. ગિરનાર ચડવાનું ચૂકતાં નહીં. તળેટીમાં ઘણી ધરમશાળા છે, ત્યાં રૂમ ન મળે તો હોટેલમાં રહેજો...’  ગામમાંથી ઘણાએ આવી સલાહ આપેલી. પશુધનની જાળવણી પાડોશીને સોંપી છે એટલે એભલ-હેલીને નવરાશ માણવાનો ઉમંગ પણ છે. હેલીને ધરમશાળામાં ઊતરવું હતું, પણ એભલે હોટલમાં રૂમ રાખી : ધરમશાળાની રૂમમાં પણ માણવા જેવું એકાંત નહીં સાંપડે!
‘તમને આવું જ સૂઝે છે.’  હેલીએ ચૂંટી ખણેલી. એ વાત જુદી કે હોટેલની રૂમમાં દાખલ થતાં હેલીએ જ એભલને પરવશ કર્યો!
પછી થોડું ઊંઘી બપોરે ચારેક વાગ્યે બેઉ મેળામાં પહોંચ્યાં હતાં.
‘કેટલું લોક! ’ હેલીએ એભલનો હાથ પકડ્યો, ‘મને છોડી ક્યાંય જતા નહીં હો.’
એભલે અંકોડા ભીડ્યા, એમાં હેલીને સાંત્વના પાઠવવાની પણ ચેષ્ટા હતી.
ધારીને જુઓ તો અહીંની માનવમેદનીમાં નાગાબાવા સહિતનાં સાધુ-સાધ્વીઓની અવરજવર નજરે પડતી હતી.
‘ચાલો, પહેલાં પેલા ચગડોળમાં જઈએ...’ હેલીના ઉમળકાએ ઉચાટ ખંખેરી એભલે પણ ઉમંગમાં ચગડોળ તરફ ડગ માંડ્યા.
€ € €
આથેલા બોરનું પડીકું લઈ પૈસા ચૂકવતી હેલી સહેજ સહેમી. મેદાનની આ તરફ કેટલાક સાધુઓ હવન કરી રહ્યા હતા.
હવનનો અગ્નિ, મંત્રોચ્ચાર, સાધુઓના ભગવા વેશે હેલીને જાણે જકડી લીધી. દિમાગ પર હથોડા વીંઝાતા હતા, મનમાં ન પરખાય, ન સમજાય એવાં આંદોલનો સર્જા‍તાં હતાં. 
એ આંખો મીંચી ગઈ. ક્યાંકથી કોઈ સ્વર પડઘાતો હતો, પણ શબ્દ પકડાતો નહોતો. તેના કપાળે તાણ ઊપજતી ગઈ. છેવટે એ શબ્દ સાફ બન્યો, અને- 
‘હે...લી...’ એભલ તેને હલબલાવતો હતો. 
‘હં?’ લાંબી ઊંઘમાંથી ઝબકી હોય એમ હેલીએ પાંપણ પટપટાવી, અસ્ફૂટ સ્વરે બબડી, ‘આ..નં..દી...’ એકાએક થાકી જવાયું.
‘શું થયું હેલી?’ એભલને ચિંતા થઈ. થોડી મિનિટ પહેલાં ઉલ્લાસથી મેળો માણનારી એકદમ કેમ ઢીલી પડી ગઈ!
શું થયું એ તો હેલીને પણ ક્યાં પૂરેપુરૂ સમજાયું?
‘આ સાધુ, આ મંત્રો, તેમનાં ભગવાં વસ્ત્રો... મને તેમની બીક લાગે છે એભલ, કશી ન સમજાય એવી લાગણી થાય છે.... મને ઉતારે લઈ જાઓ, એભલ, આ બધાથી દૂર લઈ જાઓ...  જલદી...’ હેલીની ઉતાવળમાં હળવી ધ્રુજારી હતી.
એભલે પગ તો ઉપાડ્યા, પણ ગડમથલ બરકરાર રહી. હેલી સાધુ-સમાજથી ડરી ગઈ? લગ્નનાં બે વરસોમાં સાધુઓ ભેગા થવાનું કદી બન્યું નહીં. મેળામાં મને મારા ભૂતકાળનું પુન:સંધાન થવાની ધાસ્તી હતી, ત્યાં હેલીનું વણદીઠું પાસું ઊઘડ્યું. હેલીના વર્તન પરથી તો લાગે છે કે સાધુની બીક લાગતી હોવાનું તેને પોતાને પણ કદાચ આજે જ પરખાયું...  
હેલીને જો જાણ થાય કે મારા જીવનના એક તબક્કે હું પણ ભગવાં વસ્ત્રો પહેરી ચૂક્યો છું, સાધુજીવન જીવી ચૂક્યો છું તો!
રૂમ પર જઈ, હેલીને સ્ાુવડાવ્યા પછી ક્યાંય સુધી એભલ વિચારમગ્ન રહ્યો.
€ € €
બીજી સવારે હેલી પ્રફુલ્લિત મૂડમાં ઊઠી. ગઈ કાલે બનેલું યાદ રાખવું ન હોય એમ હેલી વર્તી તો એભલે પણ બધુ ભૂલવામાં સાર જોયો. જીપ કરી બેઉ સાસણગીર ફરી આવ્યાં, સિંહદર્શનનો લહાવો લીધો.
સાંજં પાંચે વાગ્યે હોટેલ પરત થયાં, થોડો આરામ કરી મેળો માણવા નીકળ્યાં. આજે હું અજીબ રીતે નહીં વર્તું - હેલીએ મનોમન ગાંઠ વાળી. હેલીને સાધુનો કોઈ વસમો અનુભવ ન હોય તો સારું! એભલે મૂક ધારણા કરી.
€ € €
આહ !
મેળામાં છેવાડેનો ખૂણો શોધી ચિલમ ફૂંકતા બાબા નિર્મળનાથના દિમાગમાં નશાની ધમધમાટી બોલી ગઈ : સાધુ બનવાની ખરી લિજ્જત જ આ છે! ચિલમને પ્રસાદી સમજીને ફૂંકો, સમસ્યાના નિરાકરણ માટે શરણે આવતી મહિલાને બેફામ ભોગવો, ને ઇચ્છા થાય ત્યારે જાતભાઈને પણ ભોગવી લો તો સાધુને કોણ પૂછનારું છે!
અને તરબતર થતી તેની આંખો ચમકી : અરે... આ કોણ.. આ જુવાન એભલરામ તો નહીં!
ઓળખાણ પાકી થતાં લોહી ધગવા લાગ્યું, ભીતર ક્યાંક સનસનાટી બોલી ગઈ. અઢી-ત્રણેક વરસ અગાઉનું દૃશ્ય નજર સામે તરવરવા માંડ્યું : 
ભરૂચ નજીક, નર્મદા તટે બાબા વિશ્વાનંદજીના આશ્રમની એ રૂમ... મધરાતનો સમય.
કંબલ ઓઢી સૂતા એભલને કશીક અણખટ થઈ. પોતાના શરીર પર કોઈનો હાથ ફરી રહ્યો હતો અને... હળવા સિસકારાભેર તેનાં નેત્રો ખૂલી ગયાં. ચોંકી જવાયું, ‘નિર્મળ તું! આ શું કરે છે...’ એભલનો મિજાજ હટ્યો.
‘એ જ જે તું ઘણી વાર છાનુંછૂપું કરતો હોય છે...’ નિર્મળ ગંદુ હસ્યો, ‘જો, માત્ર હાથ જ બદલાયો છે.’
એભલ સમસમી ઊઠયો. નિર્મળ મારી જાસૂસી કરે છે ? પોતાની અંગત ક્ષણો પર કોઈની નજર હોય એ કલ્પના જ કેટલી બેહૂદી હતી.
એભલ ક્ષુબ્ધ હતો. આશ્રમમાં ગુરુ વિશ્વાનંદજી પછી નંબર ટૂ ગણાતા નિર્મળનાથની ધાક વર્તાતી. એવુંય કહેવાતું કે ગુરુજીને સાઇડટ્રૅક કરી આશ્રમની ધનસંપત્તિનો હવાલો નિર્મળનાથે લઈ લીધો છે. ચાલીસેક વરસના નિર્મળનાથથી  સૌ  ચેતીને ચાલતા. જોકે એ આવો વિકૃત હશે એની એભલને નહોતી ખબર. પણ એથી હું તેને તાબે નહીં થાઉં.   
બેઠા થઈ એભલે નિર્મળનાથને ધક્કો માર્યો હતો, ‘તારો તમાશો ન થવા દેવો હોય નિર્મળ તો અબી હાલ રૂમની બહાર નીકળ.’
એભલના સ્વરમાં બોલેલું પાળવાનો જુસ્સો હતો. નિર્મળનાથની ઉત્તેજના ઠરી ગઈ, ‘ વિચારી લે એભલ, મારી સાથે દુશ્મની વહોરી તું આશ્રમમાં શાંતિથી નહીં રહી શકે. ’
‘જાય છે કે...’ એભલે પંજો ઉગામતાં નિર્મળનાથ ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. 
પણ પછી એભલની મુશ્કેલીઓ વધી ગઈ. નિર્મળનાથ તેને અથાક પરિશ્રમનાં કામ સોંપતો, તીખી આલોચના કરતો. એક દિવસ આશ્રમની તિજોરીમાંથી ‘ચોરાયેલા’ દસ હજાર રૂપિયાની થોકડી એભલના બિસ્તરમાંથી મળી આવી! ગુરુજીએ ખુલ્લા ચોગાનમાં જમાવેલી બેઠકમાં એભલે નિર્મળનાં કરતૂત ઉજાગર કરવાને બદલે એક જ દલીલ પકડી રાખી : ‘મારે ચોરી જ કરવી હોય તો આખી તિજોરી સફાચટ ન કરું! લાખોની રકમને બદલે ફક્ત દસ હજાર લઈને એય મારા જ બિસ્તરમાં છુપાવું એટલો મૂરખ માનો છો મને? હું અપરાધી નથી, મને ફસાવાની સાજિશ છે આ.’
વયોવૃદ્ધ વિશ્વાનંદ સમજી તો ગયા, પરંતુ લાચાર હતા. નિર્મળનાથને રોકવાનું તેમને સામથ્યર્‍ રહ્યુ નહોતું. સત્તા વાપરવા જાય તો ચેલાઓ જ પોતાને નજરકેદ કરી નાખે એવી સ્થિતિ હતી. આશ્રમરૂપી સંસાર જમાવી પોતે સાધુત્વના માગેર્થી દૂર નીકળી આવ્યાનું ઉંમરના આ તબક્કે સમજાતું હતું, પણ પસ્તાવાનો વખત પણ નીકળી ચૂકેલો. ભીષ્મની જેમ લાચાર બની વિનીપાત જોયા વિના આરો નહોતો.
એભલના કિસ્સામાં પણ વિશ્વાનંદનો અભિપ્રાય જાણવાની તમા દાખવ્યા વિના નિર્મળનાથે ફેંસલો સુણાવેલો, ‘તારા વિરુદ્ધ સાજિશ રચવી પડે એટલું તારું મહત્વ જ નથી, ચોરટા. કાલ સવારે પોલીસ તેડાવી પહેલું કામ તને કાયદાને હવાલે કરવાનું કરીશું. ’
એભલ હચમચી ઊઠયો. નિર્મળનાથ વગધારી હતો. પોલીસને ફોડીને તે મને દોજખનો અનુભવ કરાવી શકે, ને એમાં જો મારો ભૂતકાળ ઊખળ્યો તો એનો રેલો મુંબઈના નેમુ ઝવેરી સુધી લંબાય.. 
નિર્મળનાથ ધારત તો પોલીસ ત્યારે જ બોલાવી શકત, રાતની મુદત તેણે જાણી કરીને રાખી. રાતે તે એભલના કક્ષમાં જઈ માગ મૂકવાના હતા : મને રીઝવીશ તો તને ઊની આંચ નહીં આવવા દઉં.. મધરાતે તે ગયા પણ ખરા, પરંતુ એભલની પથારી ખાલી હતી! તે આશ્રમમાં ક્યાંય નહોતો, ને જતાં પહેલાં તિજોરીમાંથી ખરેખર લાખ રૂપિયાની કૅશ તફડાવી ગયો હતો!
નિર્મળનાથ માટે આ શિકસ્ત જેવીતેવી નહોતી. એભલ વિશે પોલીસ-ફરિયાદ તો ન કરી, પણ પોતાના માણસોને તેની તપાસમાં દોડાવ્યા, પરિણામ શૂન્ય. એભલ ભલે ન મળ્યો, તેની રૂમમાં તપાસ કરતાં જૅકપૉટ લાગ્યો. નાસવાની ઉતાવળમાં એભલ પોતાનું જૂનું વૉલેટ અહીં ભૂલી ગયેલો, એમાંથી મુંબઈના નેમુ ઝવેરીનું સરનામું મળ્યું હતું... કોણ હશે આ ઝવેરી? એભલ સાથે તેનો શું સંબંધ?
તપાસ કરવા નિર્મળનાથ રૂબરૂ મુંબઈ ગયા હતા. એભલ કદાચ ત્યાં પહોંચ્યો હોય એવી શક્યતા પણ મનમાં રમતી હતી.
ઝવેરીને મળ્યા પછી જાણ્યું કે એ શક્ય જ નહોતું. ઝવેરીને ચાકુ મારી ભાગેલો એભલ ફરી દ્દેની પાસે તો ન જ આવે! મુંબઈથી છટકેલો અનાથ એવો એ પોલીસના પંજાથી બચવા સાધુ બની અમારા આશ્રમમાં છુપાયો ને અમને ચકમો આપી એભલ આજે મેળામાં નજરે ચડે છે!
ચિલમ ફગાવી નિર્મળનાથ એની પાછળ પડ્યા. જાણી લીધું કે જોડે  તેની પત્ની છે, ને બેઉ કાલ સવારે ગિરનાર ચડવાનાં છે... નિર્મળનાથની મુઠ્ઠી વળી :  શોખથી ગિરનાર ચડી લે બેટમજી, પુણ્ય કમાઈને પાછો આવ એટલે તારાં પાપની ગઠરી ખોલું છું હું!
€ € €
અદ્ભુત... અલૌકિક...
આભમાં કેસરિયાં કિરણો ફૂટી રહ્યાં ત્યાં સુધીમાં ગિરનારનાં હજાર પગથિયાં ચડી ચૂકેલાં એભલ-હેલી કુદરતી દૃશ્યો-ગુફાઓ નિહાળી દંગ થઈ ગયાં, ને આ તો હજુ શરૂઆત હતી!
પોરો ખાવા બેઉ પાળીએ બેઠાં ત્યાં જ તેમને નિહાળી પગથિયાં ચડતાં સાધ્વી થંભી ગયાં, મનાતું ન હોય એમ તાકી રહ્યાં. તેમના હોઠ ફફડ્યા : આ...નં...દી...!   
નજીકથી પસાર થવા છતાં આનંદીએ પોતાને ન ઓળખ્યાં એમાં સમજવા જોગ સાધ્વી મા અનસૂયાદેવીને સમજાઈ ગયું. આનંદીના ગળામાં મંગળસૂત્ર, માંગમાં સિંદૂર નિરખી તેની જોડેનો પુરુષ તેનો પતિ હોવામાં સંશય નહોતો... હવે?
€ € €
જય ગિરનાર!
પવર્‍તની ટોચે પહોંચી એભલ-હેલી નતમસ્તક થઈ રહ્યાં. ગુજરાતના ગૌરવ સમા ગિરનારની ગાથા, સોલંકી વંશનો ઇતિહાસ સાંભરવાનું તો તેમનું ગજું નહોતું, પણ શિખરે પહોંચ્યા પછી દિવ્ય અનુભવની લાગણી જરૂર થઈ. મંદિરે દર્શન કરી રહ્યાં ત્યાં સુધીમાં ભીડ વધવા લાગી હતી.
પોતાના પર એક સાધ્વીની નજર છે એનાથી બેઉ બેખબર હતાં ને એ મા અનસૂયાદેવી ગૂંચવાતાં, મૂંઝાતાં હતાં: મારે આનંદીના પતિને કહી દેવું જોઈએ ખરું કે તું જેને સંસારી માને છે એ ખરેખર તો સાધ્વી છે.
(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK