કથા-સપ્તાહ- જંગ-જેહાદ (ન્યાય-અન્યાય - ૫)

Published: 5th December, 2014 05:35 IST

‘વૉટ ઍન આર્ટિસ્ટ!’


જહાંગીર આર્ટ ગૅલરીમાં યુવાન ચિત્રકાર અવિનાશ ગાંધીનાં ચિત્રોનું આ ત્રીજું પ્રદર્શન છે. આજે તેનું નામ દેશના પ્રથમ પંક્તિના ચિત્રકારોમાં લેવામાં આવે છે, તેના નામે આર્ટ-ગૅલરી છલકાય છે.  
આ તમારા જ આર્શીવાદ પપ્પા-મમ્મી! પોતાની સફળતાનું શ્રેય અવિનાશ પેરન્ટ્્સને આપે છે. પિતાના મૃત્યુનાં આ પાંચ વરસમાં આઘાતને કળ વળી છે, નોકરીની જરૂર નથી રહી, પોતે ફુલટાઇમ પેઇન્ટિંગમાં ડૂબીને જીવનની મોજ માણે છે. પૈસો છે, પ્રતિષ્ઠા છે, નાલાસોપારાથી પોતે વરલી મૂવ થયો છે; પરંતુ અવિનાશ માટે આ બધું ગૌણ છે. કળાને સમર્પિત રહેવું એ જ મુખ્ય.
‘અમે તો જાણતા જ હતા કે તું એક દી નામ કાઢવાનો...’
પ્રદર્શનની પહેલી સાંજે પતિ ભેગાં આવેલાં શશિકલાબહેને વાત કાઢવાનો મોકો ઝડપી લીધો, ‘તારા પિતાનું પુણ્ય. બાકી જાણે છેને, તારા દુશ્મનની શું દશા થઈ? દીકરી ગાંડી થતાં ધંધોધાપો છોડીને ઘરે બેસી ગયા છે મુકુંદરાય...’
આમ તો સમાજમાં આ કિસ્સો પુરાણો થઈ ગયેલો, પણ શશિકલા તક મળ્યે એને ઉખેળવાનું ચૂકતાં નહીં. સુબોધભાઈના આત્મવિલોપન છતાં અવિનાશે શેઠશ્રી વિરુદ્ધ ઍક્શન લેવામાં રસ ન દાખવ્યો ત્યારે ચીડ ઊપજેલી. એની થોડી જ વારમાં શેઠશ્રી તરફથી ચેક ને રાજીનામું આવતાં જંગ જીત્યાની ખુશી થયેલી. નરેશના પ્રમુખ બનવામાં કોઈ વિઘ્ન ન રહ્યું! પરંતુ એથી વધુ ખુશી દિવ્યાંગનાના ચિત્તભ્રમનું જાણીને થયેલી. આમ નૉર્મલ દેખાતી દિવ્યાંગના આગના ચમકારાએ ભયભીત, પાગલ જેવી થઈ જાય છે એ સાંભળ્યું ત્યારે ટાઢક થયેલી : મારા અયનને ઠુકરાવનારી એ જ લાગની હતી!
ત્રણ વરસ અગાઉ અયનના લગ્ન લીધાં. ત્યાં સુધીમાં વ્યાપાર સમેટી ચૂકેલા મુકુંદરાયે પોતાની દુનિયા દીકરી પૂરતી સીમિત કરી દીધી હતી. દાંત-નખ ગુમાવનારા સિંહનો શો ડર? એમ વિચારી શશિકલા બેધડક શેઠશ્રીની કૂથલી કરતાં થયાં; એક હદ સુધી લોકોને આમાં રસ પડે, પણ દર વખતે એકનો એક આલાપ કંટાળો ઊપજાવે એમ અવિનાશે બગાસું ખાધું. શશિકલા સમજી ગયાં, વાત બદલી, ‘તું પરણ્યો કે નહીં?’
કળામાં ડૂબેલા માણસને લગ્નની ફુરસદ જ ક્યાં હતી?
‘હમણાં મારો મૅરેજનો ઇરાદો નથી.’ સ્મિત ફરમાવતો અવિનાશ હોલમાં પ્રવેશતાં આગંતુકને ભાળીને સ્થિર થયો. મુકુંદરાયને સાક્ષાત્ જોઈ શશિકલાની પણ જીભ ઝલાઈ ગઈ.
જોકે તેમના તરફ લક્ષ્ય આપ્યા વિના મુકુંદરાય પ્રદર્શન જોવા વળ્યા. એટલે ભોંઠા પડવા જેવું લાગ્યું.
‘જોયું- રસ્સી બળી પણ વળ ન ગયા!’ શશિકલાએ મોં મચકોડ્યું, ‘ન્યાતની શેઠાણી ઊભી છે એનોય મલાજો નહીં!’
અવિનાશે હસવું ખાળ્યું. અન્ય ગ્રાહકો આવતાં તે વ્યસ્ત બન્યો. નરેશ-શશિકલા-મુકુંદરાય ભુલાઈ પણ ગયા. કલાક પછી ફ્રી પડ્યો એવું જ ચોંકી જવાયું.
સામે મૃદુસ્મિત ફરકાવતાં મુકુંદરાય ઊભા હતા.
………
‘તારી માફી માગવી હતી બેટા,
સુબોધના મૃત્યુનો શોક વ્યક્ત કરવો હતો.’ થોડી ઘણી ઔપચારિક વાતો પછી મુકુંદરાયે પોતાના આગમનનો ફોડ પાડ્યો, ‘પણ પગે બેડી લાગી જતી. કયું મોં લઈને તને મળું?’
હૉલના ખૂણે ખુરશી લઈને બેઉ ગોઠવાયા હતા.
‘સાથે એ પણ એટલું જ સાચું અવિનાશ કે સુબોધના આત્મદાહની ગહેરી ચોટ મારી દીકરીને લાગી
ન હોત તો મને એનો આટલો પસ્તાવો પણ ન હોત.’
તેમની નિખાલસતામાં વ્યથા હતી.
‘મારે તો દીકરીને પરણાવવી હતી... સંસારમાં સુખી જોવી હતી... શું થઈ ગઈ મારી પ્રિન્સેસ આજે!’
દિવ્યાંગનામાં આમ કશું કહેવાપણું નહોતું. બાપ-દીકરીનાં લાડપ્યાર અકબંધ હતાં, પિતાની કાળજી એ લેતી. અરે, વ્યાપાર બંધ શું કામ કર્યો એવુંય પૂછતી... ને બીજી પળે અગ્નિનો સ્પાર્ક દેખાતાં ચીસાચીસ કરી મૂકતી. સવર્‍ કંઈ ઠીક હોવાનો ભ્રમ ભાંગી જતો. થોડો સમય નર્સ રાખી, પણ પછી તો પિતા જ પુત્રીની કાળજી રાખતા. દીકરીને ભૂતાવળ પજવે નહીં એ માટે તો વાલકેfવરનો બંગલો વેચીને મલબાર હિલ શિફ્ટ થયા, પરંતુ એથી કાયમનો સુધારો શક્ય નહોતો. સાઇકિયાટ્રિસ્ટની દવાથી ફરક વર્તાતો-ન વર્તાતો ને ફરી એ જ આગનો ભય હાવી થઈ રહેતો.
‘મારા ગુમાનની, મારી ભૂલની સજા ચૂકવી રહ્યો છું. છાપામાં તારી પ્રગતિ વાંચીને રાજી થાઉં. એક વાર દિવુને કહ્યું કે સુબોધનો દીકરો ક્યાં પહોંચી ગયો! જવાબમાં તે બોલી : જુઓ પપ્પા... સુબોધઅંકલ સળગી રહ્યા છે!’
અરેરે...
‘અંકલ, હું કંઈ કામ આવી શકું.’
‘તેં આટલું પૂછ્યું બેટા, મને માફી મળી ગઈ.’ હૈયું હળવું થયું હોય એમ મુકુંદરાય ઊઠuા. દીકરીને એકલી મૂકીને પોતે ભાગ્યે જ નીકળતા. ઘરે પહોંચવાની અધીરાઈમાં ભુલાઈ ગયેલું સાંભર્યું હોય એમ તે પ્રવેશદ્વારેથી વળી ભીતર આવ્યા.
‘એક અરજ છે, અવિનાશ.’ તેમનો સ્વર સહેજ ધ્રૂજ્યો, ‘તારા પિતાને જીવતેજીવ સળગાવવામાં નિમિત્ત બનનારને તું અગ્નિદાહ આપીશ?’
અવિનાશ સ્તબ્ધ બન્યો.
‘પુત્ર ન હોવાનો કદી મને ગમ નહોતો... મધુમતી (પત્ની)ને કહેતોય ખરો કે મર્યા પછી મને આગ મારી દીકરી ચાંપશે...’ મુકુંદરાયની પાંપણ ભીંજાઈ, ‘પણ સ્મશાનમાં તે આગ જોતાં ભડકી જશે ને તેને છાની રાખનારો હું નહીં હોઉં! આવું થવા ન દેશો.’
મુકુંદરાય ભાંગી પડ્યા.
પોતે જેના મૃત્યુમાં નિમિત્ત બન્યા તેનો જ પુત્ર અગ્નિદાહ મૂકે એવી ઇચ્છા જતાવવી પ્રાયિત્તની પરાકાષ્ઠા કહેવાય... અવિનાશે પિતાની આજ્ઞા માની બદલાનું ઝનૂન કદી રાખ્યું નહોતું, આજે રહીસહી કડવાશ પણ નાશ પામી.
‘ચિંતા ન કરશો વડીલ. તમારી અરથીને આગ હું આપીશ.’
………
દિવ્યાંગનાએ અગ્નિ મૂક્યો.
ભડભડ જ્વાળા પિતાના પાર્થિવ દેહને બાળવા લાગી.
બધાએ તેને વિનવી હતી : તું સ્મશાને ન જઈશ, છ મહિના અગાઉ તારા પિતાએ જ પોતાને અગ્નિ દેવાની ભલામણ અવિનાશને કરી છે, તે હાજર છે, તૈયાર પણ છે... નાહક ત્યાં આગ જોઈને તને ચિત્તભ્રમનો અટૅક આવશે એવુંય કહી નાખ્યું હતું લોકોએ. પહેલી વાર ઘરે પધારેલા અવિનાશે દિવ્યાંગનાને સમજાવી હતી, પણ તેણે એક જ રઢ પકડેલી : મારા પપ્પાના અંતિમ સંસ્કાર હું જ કરવાની. તે કાંઈ નાવારસ ઓછા હતા? હું તેમની પ્રિન્સેસ જીવું છું હજી!
હાર્ટ-ફેલના પ્રતાપે મુકુંદરાય ઓચિંતા ઊકલી ગયા. આમ જુઓ તો બહુ શાંતિથી જીવ ગયો તેમનો. મુકુંદરાયને ફરી મળવાનું નહોતું બન્યું, પણ તેમની ઇચ્છા અવિનાશે સગાંવહાલાંમાં જણાવી દીધી. સુબોધનો દીકરો મુકુંદરાયનો આટલો અંગત હશે એની નરેશ-શશિકલા જેવાનેય કલ્પના નહોતી. જોકે દિવ્યાંગના ધરાર ન માની. ગમે તેમ તોય એક સમયના સમાજશ્રેષ્ઠી એટલે બધું ભૂલીને સ્મશાનમાં આવેલા પુરુષોને એવું હતું કે અગ્નિ જોતાં જ દિવ્યાંગના માનસિક સંતુલન ગુમાવવાની... પણ સૌના અચરજ વચ્ચે એવું કંઈ બન્યું નહીં. ત્યારે માની લેવાયું કે ક્યારેક એક આઘાતનો ઇલાજ બીજો આઘાત હોય એમ પિતાના મૃત્યુએ દીકરીનો ચિત્તભ્રમ મટાવી દીધો!
અવિનાશને પણ હતું કે દિવ્યાંગના હમણાં ફાટી પડવાની... તેને સંભાળી લેવી હોય એમ તે તેની નજીક જ ઊભો હતો, પણ તે તો આંખોથી શોક વહાવતી નિલમૂર્તિ જેવી ખડી જ રહી. આગનો ડર ક્યાંય નહોતો. દિવ્યાંગના સાજી થયાનો હરખ જ હોય, પણ એકાએક અવિનાશને ઝબકારો થયો.
ચિતાની રાખ ઠરવા આવી. દિવ્યાંગના હજી એમ જ ઊભી હતી. અવિનાશે ઇશારાથી કુટુંબના પુરુષોને કહી દીધું કે હું તેને લઈને આવું છું,
તમે નીકળો! છેવટે અવિનાશ-દિવ્યાંગના જ રહ્યાં.
‘માફી માગી લીધી પિતાની?’
દિવ્યાંગનાની પાંપણ ફરકી. અવિનાશની આંખોમાં ટપકતી હમદર્દી સ્પર્શી હોય એમ તેણે ધ્રુસકું નાખ્યું, અવિનાશે તેને બાથ ભીડી, ‘રડી લે દિવ્યાંગના, તારો શોક વહાવી દે...’
………
સુબોધભાઈના આત્મદાહે દિવ્યાંગના બેહોશ બની. એથીયે વધુ આઘાત પિતાના કૃત્યનો લાગ્યો હતો : એક માણસ સળગી ઊઠે એ હદનો અન્યાય મારા પિતા કરી જ કેમ શકે?
દિવ્યાંગના જાણતી-સમજતી કે વ્યાપાર-સત્તામાં સત્યવાદી ન જ રહેવાય, ઘણી તડજોડ કરવી પડે. પપ્પા પણ અપવાદ કેમ હોય? સુબોધભાઈના પગલાએ પુરવાર કરી દીધું કે તેમના આક્ષેપમાં તથ્ય હતું. વેપારી ટૅક્સ ચોરી કરે એ સમજાય, પણ નિર્દોષના પૈસા ચાંઉ કરી જવાના? ને પછી સદંતર નામક્કર જવું! સત્તાનું આ કેવું ગુમાન! મને પણ તેમણે સત્ય ન કહ્યું. ભલે, પણ માણસ મરવાની અણીએ આવી જાય ત્યારેય તેમનો આતમ ન જાગ્યો એ દિવ્યાંગનાથી બરદાસ્ત ન થયુ : પિતાની છબીમાં પડેલી તિરાડ એક જ રીતે સંધાય એમ હતી - તેમનો પ્રશ્ચાત્તાપ નિહાળી! 
‘તમારા પિતાએ જંગ છેડ્યો અવિનાશ, મેં મારા પિતામાં પ્રાયિત્ત જન્માવવા જેહાદ છેડી. ન્યાતમાં રાજીનામા કે ચેકની ચુકવણી તો સ્વાર્થપ્રેરિત હતી, મને કંઈ થાય તો જ પપ્પાને પસ્તાવો જાગે... તેમને ત્યજતાં જીવ ન ચાલ્યો- મારા જતાં તેમણે કંઈ ખોટું પગલું ઉઠાવ્યું તો! મારે તેમની કાળજી તો રાખવી જ હતી, એમ સાચા હૃદયનો પસ્તાવો જગાડવા એક જ માર્ગ સૂઝ્યો- ચિત્તભ્રમનો! ‘આગ-આ...ગ’ની મારી દરેક ચીસ, દરેક બનાવ નાટક હતું, ને હું એની અભિનેત્રી. પિતામાં નામશેષ થઈ રહેલી માણસાઈ જગાવવા પુત્રી આટલું તો કરી શકેને?’
અવિનાશ નિરુત્તર હતો. સૌએ જેને આઘાત માન્યો એ ખરેખર તો પ્રતિઘાત હતો... દિવ્યાંગનાએ પાંપણ લૂછી.
‘મારી અવદશાએ મેં પપ્પાને પારાવાર પીડાતા જોયા છે. સુબોધઅંકલ સાથે ખોટું કર્યાનો પપ્પાનો પસ્તાવો મેં અનુભવ્યો છે. જિંદગી ફરી તક આપતી હોય તો એ ભૂલ સુધારવી હતી તેમણે. ધૅટ્્સ માય ફાધર. મારા માટે એ પૂરતું હતું. મારી મૂક જેહાદનો તેમને અંદેશો નહોતો. ત્યાં સુધી કે સાઇકિયાટ્રિસ્ટ પણ મારું નાટક ન પારખી શક્યા... ક્યારેક થતું, હવે બહું થયું, હવે સાજી થઈ જાઉં... મને પરણાવવાનું પપ્પાનું અરમાન અધૂરું ન રહે, મૃત્યુ સમયે મારી તેમને ચિંતા ન રહે. પણ હું મોડી પડી. અવિનાશ, સાચું કહું તો મારી કૅર કરતા પપ્પા એવા વહાલા લાગતા કે સાજા થવાનું મન ન થાય! તેમણે કેમ જવામાં ઉતાવળ કરી? હું તેમને સત્ય કહી ન શકી.’  
‘પોતાનું માણસ અચાનક જતું રહે ત્યારે કશુંક તો અડધું-અધૂરું છૂટવાની વ્યથા રહેવાની જ. તારા પિતાના અન્યાય સામે જંગે ચડેલા મારા પિતાને મેં ગુમાવ્યા તો તેં તારા પિતામાં એનો જ પસ્તાવો જગાડવા જેહાદ છેડી- તારું કૃત્ય પિતાનો દ્રોહ નહોતો. પિતાને અખૂટ ચાહનારી દીકરી જ આ વિચારી શકે, આવું કંઈક કરી શકે. તેમનો પસ્તાવો સાચો હતો દિવ્યાંગના, તારા પ્રયત્નો પણ ખોટા નહોતા. જાણે-અજાણે એથી મારા પિતાની રૂહને પણ શાંતિ મળી હશે.’
અવિનાશે તેનો હાથ પકડ્યો, ‘આત્માને કોઈ ભેદ નથી નડતા. તારા પર તેમનું ગૌરવ વધ્યું જ હોય. જંગ-જેહાદ આજે પૂરાં થયાં, હવે નવી શરૂઆત માંડીએ.’
તેમના ભિડાયેલા અંકોડા જ નવા સંબંધના, નવી શરૂઆતની સાક્ષી પૂરતા હતા. લોકોને એનાં કુતૂહલ-કૂથલી કરવા દો; આપણે તેમને શુભેચ્છા જ પાઠવીએ.
(સમાપ્ત)

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK