Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કસારા પાસે થયેલી બે ટ્રેનોની ટક્કરને ટાળવા મોટરમૅન પાસે પૂરતો સમય હતો

કસારા પાસે થયેલી બે ટ્રેનોની ટક્કરને ટાળવા મોટરમૅન પાસે પૂરતો સમય હતો

30 July, 2012 05:36 AM IST |

કસારા પાસે થયેલી બે ટ્રેનોની ટક્કરને ટાળવા મોટરમૅન પાસે પૂરતો સમય હતો

કસારા પાસે થયેલી બે ટ્રેનોની ટક્કરને ટાળવા મોટરમૅન પાસે પૂરતો સમય હતો


train-clashજો રેલવેનાં સૂત્રોની વાત માનીએ તો ૧૯ જુલાઈએ કસારા સ્ટેશન નજીક ઉંબરમાલી પાસે વિદર્ભ એક્સપ્રેસ તથા સીએસટી જતી લોકલ વચ્ચે થયેલા અકસ્માતને ટાળી શકાયો હોત. જો ડીરેલ થયેલી લોકલ ટ્રેનના ડ્રાઇવરે સમય ગુમાવ્યા વગર સામેથી આવતી પૅસેન્જર ટ્રેનને સંભવિત ખતરાની જાણકારી આપવા માટે ફ્લૅશ લાઇટનો ઉપયોગ કર્યો હોત તો આ બનાવ ન મળ્યો હોત. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રૅક પર ઇમર્જન્સી ફ્લૅશર શરૂ કરવા માટે મોટરમૅન આર. કે. રૉય પાસે પાંચ મિનિટનો સમય હતો જેથી વિદર્ભ એક્સપ્રેસના ડ્રાઇવરને ટ્રેનને રોકવા માટેનો જરૂરી સમય મળી ગયો હોત અને પરિણામે આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

રેલવેના સિનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કટોકટી સમયે લેવામાં આવતા ઉપાયો કરવા માટે ડ્રાઇવર પાસે પાંચ મિનિટ હતી. અગાઉ માત્ર ૧.૧૭ મિનિટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સીએસટી જતી ટ્રેને ૯.૧૬ વાગ્યે કસારા છોડ્યું હતું તેમ જ પથ્થરને અથડાઈને ડીરેલ થતાં પહેલાં એણે પાંચ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.



દુર્ઘટના-સ્થળનું અંતર કાપતાં લોકલને માત્ર પાંચથી છ મિનિટ લાગી હતી. પોતાનું નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે ‘દુર્ઘટના ૯.૩૧ વાગ્યે બની. ૯.૧૬ વાગ્યે લોકલ ટ્રેને કસારા છોડ્યું હતું. દુઘર્ટના-સ્થળનું અંતર કાપતાં ટ્રેનને પાંચથી છ મિનિટ લાગી હતી તેથી મોટરમૅન પાસે ફ્લૅશર શરૂ કરવા માટે પૂરતો સમય હતો.’


અકસ્માત બાદ રેલવે-અધિકારીઓએ કહ્યું હતું કે વિદર્ભ એક્સપ્રેસ અથડાઈ ત્યારે લોકલ ટ્રેનમાં પૅસેન્જરો નહોતા. વળી તેમણે એવું પણ કહ્યું હતું કે મોટરમૅન પાસે માત્ર ૧ મિનિટ અને ૧૭ સેકન્ડ જ હતી. કસારા સ્ટેશનના સ્ટેશન-માસ્તર તથા અન્ય કર્મચારીઓએ કહ્યું હતું કે દરરોજ લોકલ ટ્રેન કસારા છોડે છે ત્યારે એમાં ૬૦થી ૭૦ પૅસેન્જરો હોય છે.  

સત્ય જાણવા માટે ‘મિડ-ડે’એ કેટલાક અધિકારીઓ તથા મુસાફરો સાથે વાતચીત કરી હતી. આંતરિક તથા બાહ્ય ઈજાનો ભોગ બનનારી રશીદા કલીમ શેખે કહ્યું હતું કે ‘હું કસારાથી મારી કાકી તથા પુત્ર સાથે પ્રવાસ કરી રહી હતી. અમે હજી શાંતિથી બેસવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યાં તો ટ્રેન હાલકડોલક થઈ અને અમે ઘાયલ થઈ ગયાં.’


કસારાથી પોતાના પરિવારના અન્ય સભ્યો સાથે નાઝિયા રફીક ટિટવાલા જવા માટે બેસી હતી. તેણે કહ્યું હતું કે ‘કસારાથી ટ્રેન ઊપડી એની પાંચ જ મિનિટમાં અકસ્માત થયો હતો. અમે ટ્રેનમાંથી તરત જ નીચે ઊતરી ગયાં અને અમારા પરિવારજનોને ફોન કરી રહ્યા હતા ત્યાં તો સામેની દિશામાંથી આવતી ટ્રેન અમારી ટ્રેન સાથે અથડાઈ અને લોખંડના ટ્રૅક જેવું કંઈક મારી દાદી સાથે અથડાયું અને એ તરત જ મરી ગઈ. બન્ને અકસ્માત વચ્ચે ૮થી ૧૦ મિનિટનો સમય હતો.’

રેલવેના સિનિયર અધિકારીઓએ કહ્યું હતું કે ‘એક જ મિનિટમાં ડીરેલ થયેલી લોકલ ટ્રેનના તમામ મુસાફરોને ઉતારી ન શકાય. અકસ્માત સમયે ટ્રેન સમયસર હતી.’

જલદી રિપોર્ટ રજૂ થશે

આ સમગ્ર અકસ્માતની તપાસ કરી રહેલા કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) ચેતન બક્ષીએ કહ્યું હતું કે ‘સીઆરએસ ટીમને પણ જાણવા મળ્યું છે કે બન્ને ટ્રેનો વચ્ચેની ટક્કર પહેલાં ચાર મિનિટનો સમય હતો. ઘટનાસ્થળ પરથી મળેલા તમામ વિગતોની અમે ચકાસણી કરી રહ્યા છીએ. તેનો રિપોર્ટ જલદીથી રજૂ કરવામાં આવશે.’

સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. સિંહે કહ્યું હતું કે લોકલ ડીરેલ થયા બાદ મોટરમૅને ઇમર્જન્સી ફ્લૅશર શરૂ કર્યું હતું તેમ જ ફાયર ક્રૅકર સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે એમ કરી શકે એ પહેલાં જ વિદર્ભ એક્સપ્રેસ ત્યાં પહોચી ગઈ હતી. ફ્લૅશર જોયા બાદ વિદર્ભ એક્સપ્રેસના ડ્રાઇવરે પણ ઇમર્જન્સી બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો.’

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2012 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK