પાકિસ્તાનના ગામડાનો છોકરો બની ગયો આતંકવાદનો ચહેરો

Published: 22nd November, 2012 05:41 IST

મુંબઈ પર થયેલા ભયાવહ આતંકવાદી હુમલાનો તે ચહેરો હતો. કાર્ગો પૅન્ટ, બ્લુ શર્ટ અને હાથમાં બંદૂક લઈને જતા આ ચહેરાએ પાકિસ્તાનમાં રચવામાં આવેલા કાવતરાને ખુલ્લું પાડ્યું હતું.

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે સીએસટી સ્ટેશન પર આડેધડ ગોળીબાર કરતો તે સીસીટીવી કૅમેરામાં નજરે પણ પડતો હતો. ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે લશ્કર-એ-તય્યબા (એલઈટી)એ મોકલેલા ૧૦ આતંકવાદીઓમાંથી એકમાત્ર તે જ જીવતો પકડાયો હતો. ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હતી.

પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સના ઓકારા જિલ્લાના ફરીદકોટ ગામનો તે રહેવાસી હતો. કેસ ચાલતો હતો ત્યારે તે પોતાની જાતને દેશભક્ત ગણાવતો હતો. તેને પોતાના કૃત્ય બદલ કોઈ પસ્તાવો પણ નહોતો. જોકે એલઈટી દ્વારા તેનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું હતું એટલે તેણે રોબોની માફક કામ કર્યું હતું એવું પણ તેણે દયાની અરજી કરતી વખતે કહ્યું હતું. તે બેકાર હાલતમાં ફરતો હતો ત્યારે એલઈટીના પ્રભાવમાં આવ્યો હતો. મુંબઈ પર હુમલો કરવા માટે જે યુવાનોની પસંદગી કરવામાં આવી હતી એમાંનો તે એક હતો. તેના પિતા ફેરિયા હતા.

તેને પકડવામાં આવ્યો ત્યારે તે પોતાનો જીવ બચાવવા મેડિકલ સ્ટાફને વિનંતી કરતો હતો. બાદમાં પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવારની સુરક્ષા માટે તેને પણ મારી નાખવામાં આવે એવી વિનંતી કરતો હતો. ૨૦૦૫માં પિતાએ ઈદ દરમ્યાન તેને નવાં કપડાં ન લઈ આપ્યાં એ બદલ ઝઘડો કરી ઘર છોડીને તે નાસી ગયો હતો તેમ જ પોતાના મિત્ર મુઝફ્ફ્રલાલ ખાન સાથે નાના-મોટા ગુનાઓ કરતો હતો. ૨૦૦૭માં રાવલપિંડીમાં શસ્ત્રો ખરીદવા ગયો ત્યારે જમાત ઉદ દાવાના સંપર્કમાં આવ્યો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૪ યુવકો સાથે તેને પણ લશ્કરી તાલીમ આપવામાં આવી હતી. આ હુમલામાં ભાગ લેવા બદલ ઝકી ઉર રહેમાન લકવીએ તેના પરિવારને ૧,૫૦,૦૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું.

મુંબઈ પરના હુમલાના છ મહિના પહેલાં તે તેના ગામમાં આવ્યો હતો. ગામના છોકરાઓને પોતે જે તાલીમ લીધી હતી એનો નમૂનો પણ રજૂ કર્યો હતો.

લશ્કર-એ-તય્યબાએ કસબને હીરો ગણાવ્યો

કસબને ફાંસી અપાયા બાદ પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કસબને હીરો ગણાવ્યો હતો. ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં હુમલો કરાવનાર પાકિસ્તાની આતંકવાદી સંગઠનના એક કમાન્ડરે આંતરરાષ્ટ્રીય ન્યુઝ એજન્સી રોઇટરને ટેલિફોન દ્વારા પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કસબ હીરો હતો અને તેણે વધુ ફાઇટરોને પોતાના રસ્તે ચાલવા માટેની પ્રેરણા આપી છે.

પાકિસ્તાની તાલિબાને કસબની ફાંસીને લઈને આઘાત વ્યક્ત કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા એહસાનુલ્લા એહસાને કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે આ ઘટના આઘાતજનક છે. ભારતની ધરતી પર તેને ફાંસી આપવામાં આવી એ મુસ્લિમો માટે મોટું નુકસાન છે.’

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK