કોરોના વાઇરસનો હાહાકારઃ કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીનાં મોતથી ખળભળાટ

Published: Mar 12, 2020, 10:51 IST | New Delhi

કેરળમાં છ તેમ જ કર્ણાટકમાં ચાર નવા કેસની પુષ્ટિ: કુલ 62 કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કારણે ગઈ કાલે ભારતમાં પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. કર્ણાટકના કલબુર્ગી-ગુલબર્ગા જિલ્લામાં કોવિડ-૧૯ના પૉઝિટિવ કેસ ધરાવતા વૃદ્ધનું મોત થયું છે.

માહિતી મુજબ કર્ણાટકમાં કોરોના વાઇરસના કારણે પ્રથમ શંકાસ્પદ મોત થયું છે. કર્ણાટક આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

ચીનથી શરૂ થયેલા કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે ભારતમાં પણ કોરોનાનો કૅર વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓની સંખ્યા હવે ૬૨ ઉપર પહોંચી છે. પુનામાં કોરોના વાઇરસના ૫ કેસ પૉઝિટિવ મળ્યા છે. પુણેમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ના બે દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ વધુ ૩ લોકોમાં તેનાં લક્ષણો જોવા મળ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે પુણેના પતિ અને પત્ની દુબઈથી ભારત પરત આવ્યાં ત્યારે કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. રાજસ્થાનના જયપુરમાં બુધવારે સંક્રમણનો વધુ એક કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક ૨૮ ફેબ્રુઆરીએ દુબઈથી પાછો આવ્યો હતો.

બાદમાં બન્નેના સંપર્કમાં આવેલા ૩ લોકોને પણ નાયડુ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુણેમાં અત્યાર સુધીમાં ૫ પૉઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૯ શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત કેરળમાં પણ વધુ બે નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૧૪ કેસની પુષ્ટિ થઈ છે. કર્ણાટકમાં પણ કોરોના વાઇરસના ૩ નવા કેસ નોંધાયા છે, જેથી ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૫૧ થઈ ગઈ છે.

કોરોના વાઇરસઃ આઇપીએલને રદ કરવા મદ્રાસ હાઈ કોર્ટમાં પિટિશન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર સંકટનાં વાદળો ઘેરાવાના શરૂ થયાં છે. અૅડ્વોકેટ જી. એલેક્સ બેંઝિગરે મદ્રાસ હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરીને કોરોના વાઇરસને લીધે આઇપીએલનું આયોજન રદ કરવા માગ કરી છે. અૅડ્વોકેટે પોતાની અરજીમાં અપીલ કરી છે કે હાઈ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તે બીસીસીઆઇને આઇપીએલનું આયોજન નહીં કરવાનું ફરમાન જારી કરે. આ વર્ષે ૨૯ માર્ચથી ૨૪ મે દરમ્યાન આઇપીએલ યોજાવાની છે. અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (આઇએફએફ)એ મિઝોરમના પાટનગર આઈઝોલમાં યોજાનાર હીરો સંતોષ ટ્રોફી ૨૦૧૯-૨૦ના ફાઇનલ રાઉન્ડ ટાળ્યો છે. આ મૅચ ૧૪થી ૨૭ એપ્રિલે રમાવાની હતી.

આ મામલે જસ્ટિસ એમ. એમ. સુંદ્રેશ અને કૃષ્ણન રામાસ્વામીની બેન્ચ ૧૨ માર્ચના સુનાવણી કરશે. ભારતમાં બુધવાર સુધીમાં કોરોના વાઇરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા ૬૧ થઈ હતી. સરકાર તેમ જ હેલ્થ એજન્સીઓ આ વાઇરસને નાથવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. મંગળવારે દેશભરમાં ૧૪ નવા કેસ સામે આવ્યા છે. જેમાં કેરળમાં આઠ, પુણે અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.

કેરળમાં સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૪ને પાર

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને મંગળવારે કહ્યું રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમણના ૧૪ મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેના ખતરાને જોતાં સાતમું ધોરણ સુધીના કલાસની પરીક્ષાઓ ૩૧ માર્ચ સુધી સ્થગિત રહેશે. જ્યારે ધોરણ ૮, ૯ અને ૧૦ની પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. ૩૧ માર્ચ સુધી ટયુશન ક્લાસ, આંગણવાડી, મદરેસા બંધ કરાવવામાં આવ્યાં છે. ૧૧-૩૧ માર્ચ સુધી થિયેટર બંધ રહેશે.

ભારતે ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિકોના વિઝા રદ કર્યા

ખતરનાક એવા કોરોના વાઇરસ ફેલાવા રોકવા માટે લેવાયેલાં પગલાંના ભાગરૂપે ભારત સરકારે તાત્કાલિક રીતે અસરમાં આવે એ રીતે ફ્રાન્સ, જર્મની અને સ્પેનમાંથી આવવા માગતા નાગરિકોને વિઝા આપવાનું હાલ સસ્પેન્ડ કર્યું છે. ૧૧ માર્ચે કે તે પહેલાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનના જે નાગરિકોના રેગ્યુલર વિઝા અને ઈ-વિઝા ભારત સરકારે મંજૂર કર્યા હતા એ તમામને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય દેશમાં કોરોના વાઇરસ ફેલાયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK