કાન્તિ મડિયા! ગુજરાતી રંગભૂમિ પર પંચામૃતની ગરજ સારે એવું નામ

Published: Jul 06, 2020, 16:59 IST | Pravin Solanki | Mumbai

૩ જુલાઈ, મડિયાની જન્મતિથિ, પરંતુ મડિયાની જન્મતિથિ અને પુણ્યતિથિ મને જુદી રીતે અભિપ્રેત છે.

કાંતિ મડિયા
કાંતિ મડિયા

યું કહતે હો કી કુછ બહેતર નહીં હોતા,
સચ તો યે હૈં કી જૈસા ચાહો વૈસા નહીં હોતા,
કોઈ આપકા સાથ ન દે તો ગમ ન કરો,
ખુદ સે બડા દુનિયા મેં કોઈ હમસફર નહીં હોતા

કાન્તિ મડિયા! પાંચ અક્ષરનું નામ. ગુજરાતી રંગભૂમિ પર પંચામૃતની ગરજ સારે એવું નામ. નાટ્યક્ષેત્રે તેમનું પ્રદાન ગુજરાતી રંગભૂમિના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે, એ નિર્વિવાદ છે.

મડિયામાં ખુમારી હતી, ખુદ્દારી હતી. જિદ્દી હતા, જક્કી હતા. અક્કડ હતા, અચલ હતા. ગુજરાતી રંગભૂમિના ડૉન હતા, તો રંગદેવતાની પૂજા કરતા સંત હતા. બધા માટે તેઓ ‘માસ્તર’ હતા, પણ મારા તેઓ ગુરુ હતા, મોટા ભાઈ સમાન હતા. મારી તલવાર હતા, મારી ઢાલ હતા.
એક સમારંભમાં કાન્તિ મડિયા માટે મેં કહેલી વાત અહીં ટાંકું છું... ‘કોઈએ માર્મિક રીતે કલાકાર શું છે એની જે વ્યાખ્યા કરી છે એ હું આપને જણાવું છું. અનાદિકાળથી કોઈ અભૂતપૂર્વ પળે કલાકાર વિધાતા સામે જૂગટું રમતાં પોતાનું રાજપાઠ હારી બેઠો હોય એવું લાગે છે. પોતાની તૃપ્તિ નામની રાજધાનીમાંથી તેને દેશવટો મળ્યો છે. તે હવે જઈને વસ્યો છે યુધિષ્ઠિરની જેમ કામ્યક વનમાં. અહીં અનેક કામનાનાં કમનીય ફૂલો ખીલે છે, પણ કલાકારને તૃપ્તિ થતી નથી. પોતાની અલકા સમી રાજધાનીનાં રોજ તેને સપનાં આવે છે. તેનું કમળવન કોઈ રાક્ષસી પૂરમાં ડૂબી ગયું છે, પણ એટલું સારું છે કે યુધિષ્ઠિરની માફક કલાનું અક્ષયપાત્ર તેને મળ્યું છે એટલે જ કોઈ શાશ્વત અતૃપ્તિનો વનવાસ વેઠતો હોવા છતાં કલાકાર પોતાની કલાના અક્ષયપાત્રમાંથી પોતાની વેદનાને આનંદરસમાં ઘોળીને જગતને આપે છે.
મડિયાના અક્ષયપાત્રમાંથી આનંદરસનાં અનેક અમીબિંદુઓ મળ્યાં હોવા છતાં તે પોતાની તૃપ્તિ નામની રાજધાની પાછી મેળવી શક્યા નહોતા, જેનો હું સાક્ષી છું.
કાન્તિ મડિયાનું જીવન નાટ્યાત્મક અને નાટકીય પણ હતું. ૨૦ વર્ષ મેં તેમની સાથે કામ કર્યું. ૨૬ નાટકો મેં તેમને માટે લખ્યાં. મેં વારંવાર કહ્યું છે ને આજે પુનરાવર્તન કરું છું કે લેખક તરીકે મને ‘નામ’ કાન્તિ મડિયાએ જ અપાવ્યું છે, કારણ કે તેઓ મને લખવા માટે કોઈ લક્ષ્મણરેખા ન દોરતા. છુટ્ટોદોર આપતા. કેટલા સેટ્સ, કેટલાં પાત્રો, કેટલા સીન એની કોઈ સીમા નહીં. સદા કહેતા, વારંવાર કહેતા કે ‘પ્રવીણ, તને જે ગમે, તને જે અભિપ્રેત હોય એ જ લખ. મારો કે પ્રેક્ષકોનો બિલકુલ ખ્યાલ ન રાખતો, નાટક માટે પ્રેક્ષકો હોય છે, પ્રેક્ષક માટે નાટક નહીં.’
આને કારણે જ હું ખરા અર્થમાં જેને નાટક કહી શકાય એવાં નાટકો આપી શક્યો. બાણશય્યા, કોઈ ભીંતેથી આયના ઉતારો, હવે પાંપણોમાં અદાલત ભરાશે, ચીતરેલા મોરલાનો ટહુકો, મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ, કાચિંડો, હવે તો વસંત થઈને આવો, આલા ખાચર, ધારો કે એક સાંજ આપણે મળ્યા’તા, કાગળના કિલ્લામાં ઝૂરે છે અસ્મિતા વગેરે વગેરે મારાં નાટકોને પ્રેક્ષકો આજે પણ યાદ કરે છે એનું કારણ જ મડિયા હતા.
ગુજરાતી રંગભૂમિ પ્રત્યેની ચાહના અનન્ય હતી. ગુજરાતી રંગભૂમિ માટે તેમને ગૌરવ હતું. મને બરાબર યાદ છે કે એક મરાઠી નાટ્ય સંમેલનમાં વિવિધ ભાષાના નાટ્ય-કસબીઓ હાજર હતા, હું અને મડિયા પણ. એક અન્યભાષી વક્તા ગુજરાતી રંગભૂમિ વિશે કંઈ ઘસાતું બોલ્યા અને મડિયા ઊછળીને ઊભા થઈ ગયા. ૧૫ મિનિટ સુધી પેલા વક્તાને ઝૂડી કાઢ્યા.
શું કહ્યું તેમણે પેલા વક્તાને? ‘સાહેબ, તમે કેટલાં ગુજરાતી નાટકો જોયાં છે? અત્યારે કયાં કયાં ગુજરાતી નાટકો રંગભૂમિ પર ચાલે છે એનાં નામ આપશો? ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ તમે વાંચ્યો છે? અરે, ગુજરાતી જવા દો, તમને તમારી રંગભૂમિનો ઇતિહાસ ખબર છે? મને ખબર છે અને સાહેબ, તમારી રંગભૂમિ પર બધાં સારાં જ નાટકો થાય છે? ખરાબ નથી થતાં? યાદી આપું? તમે બધાં મૌલિક નાટકો જ કર્યાં છે? ૬૦ ટકા નાટકો રૂપાંતરિત છે એની આપને જાણ છે? અમે તો મૂળ લેખકને ક્રેડિટ પણ આપીએ છીએ. તમે તો પોતાને લેખકમાં જ ખપાવો છો એ તો આપ જાણતા જ હશો. સાહેબ, આપણે બધાં અહીં રંગભૂમિના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ, ખણખોદ કરવા નહીં.’
પેલા ‘સાહેબ’ની સ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. મારી પણ એવી જ કંઈક સ્થિતિ હતી. મડિયા સાથે ક્યાંય સભા કે સંમેલનમાં જવાનું મને એ વખતે જોખમભર્યું લાગ્યું.
મડિયાની ખુમારી અને ખુદ્દારીના એટલાબધા કિસ્સા છે કે એક આખું પુસ્તક લખાય.
મડિયાના ઘરે હું બેઠો હતો. કોઈ સંસ્થાના સેક્રેટરીનો ફોન આવ્યો. થોડી વારમાં મડિયાનો ચહેરો મેં લાલપીળો થતો જોયો.પ છી ફોન પછાડીને મૂકી દીધો. મેં કહ્યું, ‘શું થયું?’ મડિયા રફ ભાષામાં બોલ્યા, ‘કોઈ મૂરખનો ફોન હતો. તેને આપણા નાટકનો ચૅરિટી શો રાખવો છે. મને પૂછે છે કે મડિયા તમારો ભાવ શું છે? હું શું બજારમાં બેઠો છું? મેં કહ્યું, તું પહેલાં ગુજરાતી શીખ પછી હું તને મારું નાટક આપીશ.’
આવો જ એક બીજો કિસ્સો છે. એક મંડળના ચૅરિટી શોમાં ઇન્ટરવલ પછી ભાષણ ખૂબ લાંબાં ચાલ્યાં. બપોરનો શો હતો. સાંજે અમારો બીજો શો હતો. એ તો ઠીક, પણ થિયેટરના નિયમ મુજબ અમારે ૬.૩૦ વાગ્યે નાટક પૂરું કરવું જ પડે અથવા અધૂરું મૂકવું પડે, કારણ કે ત્યાં પણ કોઈ બીજા નાટકનો સાંજનો શો હતો.
મડિયાએ સેક્રેટરીને કહ્યું, ‘જલદી ભાષણ પૂરું કરો નહીં તો અમારે નાટક અધૂરું મૂકવું પડશે.’ પેલાએ કહ્યું, ‘મડિયાસાહેબ, અમે ભાષણ માટે જ પ્રોગ્રામ કરીએ છીએ, નાટક ભલે અધૂરું રહે, અમે તમને પરેૂપૂરા પૈસા આપીશું.’
બસ! ખલ્લાસ! મડિયાનો પિત્તો ગયો. બરાડીને કહ્યું , ‘અમને શું ભાંડ-ભવાયા સમજો છો? પૈસા માટે નાટક કરીએ છીએ?’ કહીને પ્રેક્ષકો સામે ધસી ગયા. પ્રેક્ષકોને પૂછ્યું, ‘તમારે નાટક જોવું છે કે ભાષણ સાંભળવાં છે?’ બધેથી એક જ અવાજ આવ્યો ‘નાટક... નાટક...’ અંધાધૂંધી સર્જાઈ ગઈ. ભાષણ બંધ કરવાં પડ્યાં. મડિયાએ નાટક પૂરું કર્યું અને પૈસા લીધા વગર નીકળી ગયા.
લાયન્સ ક્લબની એક મીટિંગમાં હું મડિયાને મુખ્ય મહેમાન તરીકે લઈ ગયો. પ્રમુખે કહ્યું, ‘મડિયાસાહેબ બરાબર બધાને હસાવજો, મનોરંજન કરજો.’ મડિયા સ્વભાવ પ્રમાણે બોલ્યા, ‘હસાવજો એટલે? હું કાંઈ અહીં જોકર તરીકે આવ્યો છું? મનોરંજનમાં શું હું મુજરો કરું એમ ઇચ્છો છો? સાહેબ, તમારા બધા સભ્યો શિક્ષિત, ભણેલા-ગણેલા છે એમ હું માનું છું. મને રંગભૂમિ વિશે બોલવા દો, જે મારો વિષય છે અને આ વિષય પર બીજો કોઈ વક્તા આપ સૌને સારી રીતે નહીં સમજાવી શકે એવી મને ખાતરી છે.’
આવા હતા મડિયા. અહંકારી અને આખાબોલા, પરંતુ તેમના અહંકાર અને આખાબોલા પાછળ રંગભૂમિ એ જ એકમાત્ર કારણ હતું.
વિધિની વક્રતા જુઓ. મડિયાની જન્મતિથિ અને હમણાં જ સમાચાર મળે છે દીપક દવેના અવસાનના. અજબ છે કુદરતનો કરિશ્મા!
મારા પર જ નહીં, ગુજરાતી રંગભૂમિ પર કુદરત રૂઠી હોય એમ લાગે છે. સ્વર્ગની રંગભૂમિ શું એટલીબધી ગરીબ બની ગઈ છે કે પૃથ્વી પરના હોનહાર કલાકારોને એક પછી એક લઈ જાય છે.
દીપકે મારા ઘણાં નાટકોમાં કામ કર્યું છે. મારા ‘બાણશય્યા’ નાટકમાં તે કાંતિ મડિયાનો સહાયક દિગ્દર્શક હતો. તમે માનશો? ‘બાણશય્યા’ આખેઆખું નાટક તેને કંઠસ્થ હતું.
‘બાણશય્યા’ નાટક બંધ થયા પછી જ્યારે-જ્યારે તે મળે ત્યારે અચૂક બધા જ સંવાદો બોલી જાય. અમેરિકા ગયા પછી જ્યારે-જ્યારે ઇન્ડિયા આવે ત્યારે પણ આ સિલસિલો ચાલુ જ હોય.
છેલ્લી વાર ઇન્ડિયા આવ્યો ત્યારે તે મને ભવન - અંધેરીમાં મળવા આવ્યો. હું અને રાજુલ દીવાન બેઠા હતા. જેવો તે સંવાદ બોલવા ગયો કે તરત મેં તેના મોઢા પર હાથ રાખી દઈને કહ્યું, ‘ઘણા દિવસે મળ્યા છીએ, ઘણીબધી વાતો કરવી છે. તું આ વળગણ ક્યારે મૂકીશ.’ તો મને કહે, ‘ક્યારેય નહીં, કેમ કે મને એવું જ લાગ્યા કરે છે કે આ નાટક મારા ફાધર હરીન્દ્રભાઈએ લખ્યું છે.’
મારે માટે એ ગૌરવની ઘડી હતી. ખેર...
દીપક, તારાં અનેક સંસ્મરણો મારા હૃદયમાં છે. બધાં જ લખું તો પણ હળવા નહીં થવાય. એટલે મનમાં વાગોળીને, પચાવીને હું તને યાદ કરતો રહીશ. ઈશ્વરને જે ગમ્યું એ ખરું, પણ અમને કોઈને આ બિલકુલ નથી ગમ્યું, બલકે ઘણુંબધું ગુમાવ્યું છે. અસ્તુ.

સમાપન
મડિયા માટે મેં ખાસ લખેલી કૃતિ!
એક અજબનો માણસ હતો, એક અબજનો માણસ હતો;
આમ તો આપણે સૌ છીએ, પણ આ ગજબનો માણસ હતો;
ન હિન્દુ હતો, ન તે મુસલમાન હતો, ન સિખ કે ઈસાઈ હતો;
ધર્મ તેનો એક જ હતો, નાટકના મજહબનો એ માણસ હતો.
ભીંતેથી આયના ઉતારી, સૂતો એ બાણશય્યા પર
ચીતરેલા મોરલાને ટહુકા કરાવતો, મુઠ્ઠીઊંચેરો માણસ હતો.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK