રસીલી વાર્તાના સીમાડા રેઢા મૂકીને ચાલ્યા અશ્વિની ભટ્ટ

Published: 11th December, 2012 08:59 IST

જામનગરના ગુલાબબાગમાં જૈન ફિલૉસોફર અને ઉપાસક હંસબોધિ મહારાજસાહેબ ચાતુર્માસ કરતા. તેમને ગુજરાતી નવલકથા વાંચવાનો કોઈ આભડછેટ નહોતો.
(કાન્તિ ભટ્ટ)

હંસબોધિ મહારાજસાહેબ વાર્તાનાં પુસ્તકો મગાવતા. અશ્વિની ભટ્ટની નવલકથા ‘આખેટ’ તેમણે હપ્તાવાર વાંચેલી. આ રીતે વાચકોને વાર્તાથી પકડી રાખનારા લેખકોમાં ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય અને ચુનીલાલ મડિયા હતા. એ પછી અખબારોમાં ધારાવાહિક નવલકથાનો યુગ આવ્યો ત્યારે ચંદ્રકાન્ત બક્ષી, વિનેશ અંતાણી અને એ પહેલાં અશ્વિની ભટ્ટ સૌથી વધુ વંચાતા નવલકથાકાર હતા.

મુંબઈમાં સાહિત્યપ્રેમીઓ અવિનાશ પારેખ અને કેતન સંઘવી ‘અભિયાન’ સાપ્તાહિકના સ્થાપક હતા. તેઓ અશ્વિનીભાઈને ખૂબ જ નિકટથી જાણતા હતા. ૧૯૩૬ની ૧૨ જુલાઈએ હરપ્રસાદ ભટ્ટને ત્યાં જન્મેલા અશ્વિનીભાઈ ‘અભિયાન’ના પૂર્વસંપાદક કેતન સંઘવીના કહેવા પ્રમાણે અમદાવાદમાં ‘હર કી પૌડી’ નામના બંગલામાં રહેતા હતા. ખરા બ્રાહ્મણ એટલે સોફામાં બેસી ટેસથી સૂડી વડે સોપારી કાતરી પાન બનાવી સુગંધી તમાકુ નાખીને મોઢામાં મૂકતા. પિતાના નામ પરથી તેમણે બંગલાનું નામ જાણે ર્તીથસ્થાન હોય એમ હર કી પૌડી રાખેલું. હું ‘અભિયાન’ના તંત્રીમંડળમાં હતો ત્યારે ઘણા લોકો મને પૂછતા કે આ અશ્વિની ભટ્ટ કોણ છે? મેં અશ્વિની ભટ્ટને ફોન કર્યો કે તમે કોણ છો? તો તેમણે વિગતથી જવાબ આપ્યો હતો. જો અમદાવાદમાં નાટ્યપ્રવૃત્તિનો ઇતિહાસ લખવો હોય તો અશ્વિનીભાઈને ગુજરાતી નાટકના ઇતિહાસની પીએચ.ડી. આપી શકાય. હું તેમને ૨૮ વર્ષ પહેલાં પાલડીના બંગલામાં મળેલો. અશ્વિનીભાઈ જુવાનીથી જ નાટકિયો જીવ હતા. તેમના પિતા સાઇકોલૉજિસ્ટ હતા. અશ્વિનીભાઈએ પણ સાઇકોલૉજીના વિષય સાથે એમ.એ. કરેલું એટલે તે વાર્તાકાર કે નાટકકાર તરીકે વાચક અને પ્રેક્ષકની નાડ પારખતા.

અશ્વિનીભાઈ સાથે હું બે કલાક બેઠો, પણ મને ઊઠવાનું મન ન થાય એવા રસપ્રદ ટુચકા કહે કે લાગે કે બે મિનિટ જ બેઠા છો. અશ્વિની ભટ્ટ નાટકની પ્રવૃત્તિ કરતાં-કરતાં વિક્રમ પૉકેટ બુક્સવાળા માટે અનુવાદિત વાર્તા લખી આપતા. તેઓ સ્વભાવે એટલા બધા નર્મિળ બ્રાહ્મણ હતા કે નામ કે ધનની એષણા જ ન મળે. વિક્રમ પૉકેટ બુક્સ માટે ગાર્ડિનર નામના અંગ્રેજી વાર્તાલેખકની અનુવાદિત વાર્તા લખી આપતા અને જ્યારે ગાર્ડિનરની વાર્તા ખૂટી પડે અને વિક્રમ પૉકેટ બુક્સવાળા ઉઘરાણી કરે તો ગાર્ડિનરની સ્ટાઇલમાં જ મૌલિક વાર્તા લખી નાખતા. આવી ડઝનેક વાર્તાઓ તેમણે લખી, પણ એમાં વાર્તાકાર તરીકે ગાર્ડિનરનું નામ આવે. કેટલાક ગુજરાતી લેખકો પર આક્ષેપ થતો કે તેઓ ફ્રેન્ચ કે અંગ્રેજ લેખકની વાર્તાની તફડંચી કરે છે ત્યારે અશ્વિની ભટ્ટ ઊલટું કરતા. વાર્તા લખે પોતે પણ નામ ગાર્ડિનરનું આવે. પછી પ્રકાશકે કહ્યું કે આવું દાન ન કરો, તમારા નામે જ વાર્તા લખો. એ પછી અમદાવાદના દૈનિક ‘સંદેશ’માં તેમણે ‘આશકા માંડલ’ની નવલકથા હપ્તાવાર શરૂ કરી.

અશ્વિની ભટ્ટને લાંબે લસરકે નવલકથા લખવાની ટેવ હતી. અમદાવાદી તંત્રીને લાગ્યું કે વાર્તા લાંબી ચાલે છે એટલે અશ્વિનીભાઈને કહ્યું કે હવે વાર્તા પૂરી કરો. ત્યારે અશ્વિનીભાઈએ કહ્યું કે વાર્તા હજી અડધે જ પહોંચી છે. તો પણ તેમના પર દાદાગીરી કહો કે તંત્રીગીરી કહો એ થઈ. આમ વાર્તા અધૂરી જ રહી ગઈ. એનાથી વાચકોને ભયંકર આંચકો લાગ્યો. ભરૂચ અને જંબુસરથી વાચકોના કાગળો આવવા લાગ્યા ત્યારે ચીમનભાઈ પટેલની આંખ ઊઘડી અને ફરી નવલકથા શરૂ કરવી પડી. આ વાર્તાને કારણે જ સોમવારે અમદાવાદના એ દૈનિકનો ફેલાવો ખૂબ વધેલો. આવી જ વાત મને ‘અભિયાન’ના સ્થાપકોએ કહી કે અશ્વિનીભાઈની ‘આખેટ’ નામની વાર્તાને કારણે જ સાપ્તાહિકની ૩૦,૦૦૦ નકલોનો ફેલાવો વધેલો.

અશ્વિનીભાઈને તેમની કૃતિ માટે એટલોબધો અનુરાગ હતો કે ‘આખેટ’ નવલકથા શરૂ કરી ત્યાર પછી એક વરસમાં અમદાવાદથી મુંબઈની પચાસ વખત ટ્રેનમાં ટ્રિપ કરી. ટ્રેનમાં જ તે ‘આખેટ’નો હપ્તો લખી નાખતા. કેતન સંઘવીએ એક સરસ નાનકડી વાત મારા પ્રશ્નના જવાબમાં કહેલી. મેં તેમને પૂછ્યું કે અશ્વિનીભાઈ પાનમાં તમાકુ ખાતા? તો કેતન સંઘવી કહે કે અશ્વિનીભાઈ પાન એટલું મજેદાર બનાવતા કે તેમનાં પત્ની નીતિબહેન પણ એ મસાલેદાર પાન ખાવામાં પતિને કંપની આપતાં. મોટા ભાગે હર કી પૌડી બંગલાની લાઇટ રાત્રે બળતી જ હોય. મોડી રાત્રે અશ્વિનીભાઈ લખતા. તેમના બંગલાના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેતા. તેઓ એટલા મીઠા અને મળતાવડા તેમ જ માણસભૂખ્યા માનવ હતા કે કોઈ પણ સમયે તેઓ વાચકો કે નાટકના માણસોને મળતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK