Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ 21

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ 21

22 April, 2019 01:31 PM IST |
રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ 21

કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ 21


કારને હળવો ઝટકો લાગ્યો. નમ્રતાની આંખો ખૂલી ગઈ ને અનાયાસે તેના ખોળામાં મુકાયેલા અસ્થિકુંભ પરની તેની જમણા હાથની પકડ મજબૂત થઈ ગઈ. અસ્થિકુંભની નાનકડી માટલી અને એના પર રેશમી લાલ કપડું વીંટળાયેલું હતું. એ માટલીને પોતાના ખોળામાં નમ્રતા પંપાળી રહી હતી. અસ્થિકુંભના તળિયે દિત્યા લખેલું હતું. કાર ચલાવતા ચિરાગે નમ્રતા તરફ નજર કરી, પણ ત્યાં વધુ જોઈ ન શક્યો એટલે તેણે બીજી તરફ મોં ફેરવી લીધું. મોબાઇલમાં રહેલી મૅપ ઍપ્લિકેશનના હિસાબે ત્રીસ મિનિટમાં કાર નાશિકમાં પ્રવેશ કરવાની હતી. કારની વિન્ડો પર ઝાકળનાં ટીપાંઓ બાઝેલાં હતાં. રસ્તાની બન્ને તરફ પહેલા વરસાદ પછીની ભીની લીલાશ પાંગરેલી હતી. નમ્રતા અસ્થિકુંભ પર જે સહજતાથી હથેળી ફેરવતી હતી એ સહજતા ચિરાગને નમ્રતાની પહેલી પ્રેગ્નન્સીની યાદ અપાવતી હતી...

....સાંજે ચિરાગ ઑફિસથી ઘેર આવ્યો. લિફ્ટનો દરવાજો બંધ કરી ચિરાગે ઘરના દરવાજા તરફ નજર કરી તો ડાર્ક પિન્ક કલરની પાતળી બૉર્ડર અને રૉયલ બ્લુ કલરની પ્લેન શિફોન સાડી પહેરેલી નમ્રતા દરવાજા પાસે ઉંબર પર ઊભી હતી. કપાળ પર નાનકડી ડાર્ક પિન્ક કલરની બિન્દી અને તાજા ધોયેલા શૅમ્પૂની તાજી ખુશ્બૂમાં લથબથ ખુલ્લી પીઠ પર બેફામ લહેરાતા ખુલ્લા વાળમાં નમ્રતા ખુશખુશાલ દેખાતી હતી.



ઓહ માય ગૉડ, તું અહીં મારા ઘેર મને કહ્યા વગર કેમ આવી ગઈ? મારી વાઇફ તને જોઈ જશે તો મને મારશે!


નમ્રતા ખડખડાટ હસી પડી અને તેણે ચિરાગના ખભા પર હળવી ટપલી મારી, વેરી ફની!

ઓહ નો... તું તો મારી વાઇફ છે... ધેન હું તો છેતરાઈ ગયો. ઓફ્ઓ, મને લાગ્યું કે તું મારી વાઇફ નથી, મારી કોઈ પ્રેમિકા છે જે તૈયાર થઈને મારી રાહ જુએ છે!


સ્ટૉપ ઇટ ચિરાગ, હું કંઈ એટલી કૅરલેસ નથી. કારણ વગર શું તૈયાર થઈને ફર્યા કરવાનું? નમ્રતાએ પોતાના બન્ને હાથ ચિરાગના ગળામાં પરોવી દીધા.

ઓહ યેસ કારણ વગર... અચાનક ચિરાગ જાણે કે ઝબકી ગયો. હેય વેઇટ... કારણ વગર તૈયાર શું થવાનું ને તું આજે તૈયાર થઈ છે. વેઇટ. બર્થ-ડે કે ઍનિવર્સરી પણ નથી તો પછી... વૉટ ઇઝ ધ ઓકેઝન?
નમ્રતા પોતાના ગુલાબી હોઠ ચિરાગના કાન પાસે લાવીને ધીરેથી બોલી, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ ચિરાગ, તમે પપ્પા બનવાના છો! ચિરાગ તો રીતસરનો હર્ષનો માર્યો ઊછળી પડ્યો અને નમ્રતાને ઊંચકીને લિફ્ટ પાસે પૅસેજમાં જ ગોળ-ગોળ ફરવા લાગ્યો. બાજુના ફ્લૅટવાળા બધા પોતપોતાનાં બારણાંઓ ખોલીને જોવા લાગ્યા કે કોણ બૂમો પાડી રહ્યું છે. નમ્રતા ચિરાગને અટકાવતી હતી તો ચિરાગ તેના ગાલ અને હાથને ચૂમવા લાગ્યો.

ચિરાગ, પ્લીઝ! બધા જુએ છે!

આઇ ડોન્ટ કૅર! આઍમ સો હૅપી નમ્રતા. તેં મને મારી જિંદગીની સૌથી મોટી ગિફ્ટ આપી છે. બન્ને જણ ભીની આંખે એકબીજાની સામે જોઈ રહ્યાં અને બન્નેના હાથ નમ્રતાના પેટ પર ધીરેથી મુકાયા...
...ચિરાગની આંખો ભરાઈ આવી. કાર ચલાવતાં-ચલાવતાં તેણે ચશ્માંની અંદર ઊભરાયેલી આંખોને નમ્રતા દેખે નહીં એ રીતે લૂછી લીધી. દિત્યાના આવવાની અને જતા રહેવાની ક્ષણો જાણે કે એક પલકારા સાથે જતી રહી. ફરક એટલો હતો કે એ સમયે દિત્યા ગર્ભમાં હતી ને આજે અસ્થિકુંભમાં. એ સમયે આવનાર સંતાનની કુંવારી કલ્પનાઓ કરી રાતદિવસ બન્ને જણ વાતો કર્યા કરતાં ને આજે જિવાઈ ચૂકેલી દરેક ક્ષણનો હિસાબ લઈને નીકળી પડ્યાં હતાં. કાર નાશિક શહેરમાં પ્રવેશી. રસ્તાઓ હમણાં જ વરસી ગયેલા વરસાદની હયાતીના ભીના અક્ષરોને સાચવીને બેઠા હતા. કાર ગોદાવરી નદીના કિનારે પાર્ક કરીને લિનનનો સફેદ કુરતો ને પાયજામો પહેરેલો ચિરાગ કારમાંથી બહાર નીકળ્યો ને નમ્રતાની તરફનો દરવાજો ખોલ્યો. કૉટનનો સફેદ લખનવી ડ્રેસ પહેરેલી નમ્રતા જ્યારે માથા પર ચિકન વર્કનો દુપટ્ટો ઓઢીને અસ્થિકુંભ સાથે કારમાંથી બહાર નીકળી ત્યારે ચિરાગને લાગ્યું જાણે નમ્રતાની ઉંમર મુંબઈથી નાશિક સુધીમાં એકાએક વધી ગઈ છે. આકાશમાં વાદળાંઓ ઘેરાયેલાં હતાં. વાતાવરણમાં થોડી ઠંડક અને ભેજ ભળેલાં હતાં. નમ્રતાનો હાથ પકડી ચિરાગ ગોદાવરી નદીના ઘાટનાં પગથિયાં ઊતરવા લાગ્યો. નદીના ઘાટ પાસે ઊભેલા તર્પણ વિધિ કરાવનાર બ્રાહ્મણે એ લોકોને નદીથી ઉપર એવા પાંચમા પગથિયે બેસાડ્યાં અને તર્પણ વિધિના મંત્રો ઉચ્ચારવા લાગ્યા. ગોદાવરી શાંત વહી રહી હતી.

નમ્રતા અને ચિરાગનું ધ્યાન માત્ર અસ્થિકુંભ તરફ હતું. બ્રાહ્મણે ગોદાવરી પૂજન કરાવ્યું અને ચિરાગ-નમ્રતાએ હાથ જોડ્યા.

મહર્ષિ ગૌતમની તપોભૂમિ એવી આ ધરતી તર્પણ માટે શ્રેષ્ઠ મનાય છે. આ નદીની પવિત્રતા દેવોને દુર્લભ છે અને એટલા માટે સૂર્ય જ્યારે સિંહ રાશિમાં પ્રવેશે છે ત્યારે અહીં ગોદાવરી કાંઠે સિંહસ્થ મહાકુંભનું આયોજન થાય છે. ગોદાવરીમાં વસિષ્ઠા, કૌશિકી, ગૌતમી, ભારદ્વાજી, આત્રેયી અને તુલ્યા જેવી સાત ધારાઓની પવિત્રતાનો સમાવેશ થયો છે..
સપ્તગોદાવરી સ્નાત્વા નિયતો નિયતાશન:
મહાપુણ્યમપ્રાપ્નોતિ દેવલોકે ચ ગચ્છતિ

શ્લોક પૂર્ણ કર્યા પછી બ્રાહ્મણે અસ્થિકુંભ પરનું લાલ રેશમી કપડું હટાવી લીધું. નમ્રતાએ આંખો બંધ કરી.

...ને તે સીધી હૉસ્પિટલ પહોંચી ગઈ. પેટમાં વેણ ઊપડ્યું હતું. અંદરનો જીવ બહારનું જગત જોવા બહાવરો થયો. ડૉક્ટર્સ નમ્રતાને ઊંડા શ્વાસ લેવાનું ને આંખો ખુલ્લી રાખવાનું કહેતા રહે છે. પેટમાં બધું ગોળ-ગોળ ફરી રહ્યું હોય એવું લાગે છે. તેણે ઊંડા શ્વાસ લીધા અને હૉસ્પિટલના બેડ પર સૂઈ રહી. ડૉક્ટર્સ અને નર્સની ટીમે તેને ઘેરી લીધી. આખા શરીરમાંથી જાણે પરસેવો નીતરી રહ્યો છે...
...નમ્રતાએ આંખો ખોલી ત્યારે બ્રાહ્મણે ચિરાગ અને નમ્રતાને પાણીમાં, કમર સુધીના પાણીમાં ઊતરવા તરફ ઇશારો કર્યો. અને શ્લોકનું પઠન કરતાં-કરતાં તે લોકો પગથિયાં ઊતરવા લાગ્યાં. અસ્થિકુંભ ચિરાગના હાથમાં હતો. નમ્રતા ચિરાગના જમણા હાથને કોણીના ભાગથી પકડીને પાછળ ચાલતી હતી. બન્ને જણ પગથિયાં પૂરાં કરી પાણીમાં પ્રવેશ્યાં. બ્રાહ્મણ ઊંચા અવાજે મંત્રો અને ગોદાવરીની ગાથા બોલી રહ્યા હતા.

પવિત્ર એવી આ ગોદાવરી નદીમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતામૈયાએ સ્વયં સ્નાન કરેલું છે...આ નદીના કિનારે સપ્તર્ષિઓએ વેદપાઠ કર્યા છે! પાણીમાં પગની પાનીઓ પ્રવેશી ત્યારે પાણી ઠંડું હોવાનું નમ્રતાએ અનુભવ્યું. તેણે ચિરાગનો હાથ વધારે સખ્તાઈથી પકડી લીધો ને ઉપર આકાશ તરફ જોયું તો વાદળાંઓ નીચે ઝળૂંબી રહ્યા હતા. તેણે આંખો જોશથી મીંચી દીધી...

...હૉસ્પિટલ બેડના ખૂણાને સખ્તાઈ નમ્રતાએ પકડી રાખ્યા. આંખો જોશથી મીંચી રાખેલીને નીચલા હોઠ પર દાંત દબાવી રાખ્યા. બે પગ વચ્ચેથી હલનચલન થયું. પોતાના ધબકારા જાણે કે સાવ થંભી ગયા. ગળે શોષ પડ્યો, પણ ચહેરા પર પારાવાર પેઇન વચ્ચે હરખ લીંપાઈ ગયો. ડૉક્ટરના કહેવા પ્રમાણે ઊંડા શ્વાસ લીધા અને પેટ પર તેણે અંદરથી જોર આપ્યું...

...નમ્રતાએ ઊંડા લીધેલા શ્વાસ છોડ્યા તો શ્વાસ ચિરાગની પીઠ સાથે અથડાયા. બન્ને જણ ગોઠણ સુધીના પાણીમાં પહોંચી ગયાં હતાં. ચિરાગે નમ્રતા સામે જોયું ને એ જ વખતે નમ્રતાએ આંખો ખોલી. ચિરાગે ઇશારાથી પૂછuું કે બધું ઑલરાઇટ છેને? જવાબમાં નમ્રતાએ પરાણે સ્મિત કરી માથું હલાવ્યું. ગોદાવરીના વહેણની વચ્ચે પોતાના અવાજના આરોહ-અવરોહને રમાડી રહેલા બ્રાહ્મણ વધારે જોશથી બોલવા લાગ્યા,

આ એ ગોદાવરીનું જળ છે જેણે મૃત ગાયને સજીવન કરેલી. મહર્ષિ ગૌતમે તો આ ગોદાવરીનો મહિમા ગાઈને પોતાનું જીવન સાર્થક કર્યું છે. ગૌતમની તપર્યાના લીધે જ આ નદી ગૌતમી તરીકે પણ ઓળખાય છે. ગોદાવરીના વહેણમાંથી પાણીની એક છાલક આવી. ચિરાગે અસ્થિકુંભને છાતી સુધી નજીક લીધો અને ગોદાવરીના પાણીના તળ તરફ જોતાં તેણે નમ્રતાને કહ્યું,

નમ્રતા, હું ઇચ્છું કે તું આંખો ખુલ્લી રાખ. આપણી દીકુના જતા રહેવાની આ છેલ્લી પ્રત્યક્ષ ક્ષણને તું તારી આંખોમાં સાચવી શકે તો મને વધુ ગમશે! આંખો ખુલ્લી રાખ...

આ પણ વાંચોઃ કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 20

આંખો ખુલ્લી રાખ નમ્રતા, આ ક્ષણ તો જીવનની સૌથી ખૂબસૂરત ક્ષણ છે. એક-એક મોમેન્ટની તારે તો સાક્ષી રહેવાનું હોય. ડૉક્ટરનો અવાજ સંભળાયો ને નમ્રતાના હોઠ મરકી ગયા. તેને બોલવું હતું, પણ પારાવાર ગમતીલી પીડા વચ્ચે તે કશું બોલી ન શકી. આંખો ખોલીને તેણે હકારમાં માથું હલાવ્યું ને તેણે જોયું કે નર્સ અને ડૉક્ટર્સ સામેની બાજુ ઊભા છે. એ લોકોના ચહેરા પર કશુંક જોઈ લીધાનો કે ધાર્યું પરિણામ સુખરૂપ આવી રહ્યું છે એ વાતનો રાજીપો છલકાતો હતો. તેણે અનુભવ્યું કે શરીરમાંથી કશુંક છૂટી પડી રહ્યું છે...

....કશુંક છૂટી રહ્યું છે. કમર સુધીના પાણીમાં પહોંચ્યા પછી અનુભવાયું કે મન ભારે થઈ આવ્યું છે. ચિરાગના હાથમાં જે અસ્થિકુંભ હતો એના તળિયા સુધી ગોદાવરીનું પાણી ઊછળીને સ્પર્શતું હતું. ચિરાગ અને નમ્રતાની આંખ વારંવાર ભીની થઈ જતી હતી. ગળામાં ડૂમા જેવું કશુંક અટવાયેલું હતું. આંખ ગોદાવરીના સામા કિનારાનાં દૃશ્યો ધૂંધળાં કરી મૂકતી હતી. બ્રાહ્મણે નમ્રતાના હાથમાં ચોખા આપ્યા અને પોતે હાથ ઊંચા કરી અસ્થિવિસર્જનની અંતિમ વિધિના શ્લોક બોલી રહ્યા હતા.

મૃત્યુના અધિપતિ કાલના મહાકાલ શિવજીએ ગોદાવરીને આ ધરતી પર બોલાવી હતી ને સદાય એ મોક્ષદાયી બની રહેશે એવું વરદાન આપ્યું છે... આ નદીના જળમાં અસ્થિવિસર્જન કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હરિ ઓમ હરિ...

ઓમ અસ્થિ કૃત્વા સમિધં તદષ્ટાપો, અસાદયન્ શરીરં બ્રહ્મ પ્રાવિશત્
ઓમ સૂર્યં ચક્ષુર્ગચ્છતુ વાતમાત્મા, ધ્યાં ચ ગચ્છ પૃથિવીં ચ ધર્મણા અપો વા ગચ્છ યદિ તત્ર તે, હિતમોષધીષુ પ્રતિ તિષ્ઠા શરીરે: સ્વાહા

એ પછી બ્રાહ્મણ હાથ જોડી થોડી વાર સુધી કશું ગણગણ્યા અને ચિરાગ-નમ્રતાની સામે તેમણે એ રીતે જોયું કે લો, આખરે એ વખત આવી ગયો. કમર સુધીની ગોદાવરી હિલોળા લેતી હતી ને ચિરાગ-નમ્રતાની છાતીમાં ડૂસકાંનું ઘોડાપૂર આવ્યું. છાતીમાંથી એક ધક્કો બહાર આવ્યો...

...કોઈએ અંદરથી ધક્કો માર્યો કે શું! નમ્રતાથી એક ચીસ નીકળી ગઈ. બે પગ વચ્ચેથી આયખામાંથી કશુંક ધીરેથી બહાર આવી ગયું. પેટમાં ચૂંક આવી. પીડાની રેખાઓ કપાળે સળ બનીને ઊપસી આવી, પણ એકઝાટકે જાણે ખાલી થઈ ગઈ. તે હાંફવા લાગી. ડૉક્ટર્સ અને નર્સ હરખાઈ ગયાં. થોડી વાર સુધી નમ્રતાએ આંખો બંધ કરી દીધી. બેડના છેડાને પકડી રાખેલી પકડ ઢીલી કરી ને તેણે ઊંડા શ્વાસ લીધા ત્યાં તેના કાને બાળકના રડવાનો અવાજ સંભળાયો. ભીની આંખો ધીરેથી ખૂલી તો હરખનું શુકનવંતું ખારું પાણી ગાલ પર રેલાયું. હોઠ મરક્યા ને નર્સે નવજાત બાળક નમ્રતાના જમણા પડખે મૂક્યું. નમ્રતાને બધું ધૂંધળું દેખાતું હતું ને બાળકના રડવાનો અવાજ મોટો થતો જતો હતો. નર્સનો ધીમો ચાંદીની ઘૂઘરીઓ રણકતી હોય એવો અવાજ સંભળાયો,

કૉન્ગ્રેચ્યુલેશન્સ, ઇટ્સ અ બેબી ગર્લ. તમારું પહેલું સંતાન, તમારી દીકરી, લો તમારા હાથમાં! આ શાશ્વત સુખ હતું. માગી લીધેલું સુખ. તેણે હાથ લાંબા કર્યા. બાળકનો રડવાનો અવાજ મોટો થયો. આંગળીઓ એ નવજાત શરીરને સ્પર્શી...

....નમ્રતાના આંગળીઓ અસ્થિકુંભને સ્પર્શી ને તેણે ભીની આંખ લૂછી. ચિરાગે ધીરેથી માટલી ઊંધી કરી અને એમાંથી અસ્થિ પાણીના શાંત પ્રવાહના ખોળામાં ઝિલાયાં! ડબૂક.. ડબૂક.. ડબૂક અવાજ થવા લાગ્યો ને અસ્થિકુંભમાંથી નીકળતી રાખ ગોદાવરીની છાતી પર લેપાતી ગઈ. બાળકના રડવાનો અવાજ, પગમાં વાગતી ચાંદીના ઝાંઝરી, મમ્મીતા... ડૅડી... હરખાતી તાળીઓના અવાજ... ડૅડી, મમ્મીતા મને ખિજાય છે... હૅપી બર્થ ડે... હનુદાદા... ખડખડાટ હાસ્ય ને હૉસ્પિટલમાં નવજાત શિશુનું સંભળાતું તીણું રુદન... ઑક્સિમીટરમાં સંભળાતું બીપ બીપ... પથારીમાં સૂતેલી દિત્યા તરફડતી રહી... કમાન આકારે તંગ થતું તેનું શરીર... વ્હીલચૅરનાં પૈડાંનો અવાજ... નાકમાંથી નીકળતું ધીમા નળની ધાર જેવું ઘાટું પ્રવાહી, સ્કૂલના ઘંટનો અવાજ, રિક્ષાનું હૉર્ન... વાંકડિયા વાળ, ઘરની દીવાલ પર નાનકડી આંગળીઓથી થતા ચીતરડા ભમરડા...મમ્મીતા....ડૅડી....ઑક્સિમીટરના અવાજ... તૂટતા શ્વાસ....અસ્થિઓનું પાણીમાં ડબૂક...ડબૂક અવાજ... મમ્મીતા, માલા લગન ક્યારે થશે... ચિરાગના હાથમાંથી ખાલી થયેલો અસ્થિકુંભ ધીરેથી પાણીની સપાટી પર પડ્યો. એક ગોળ ચક્કર લીધું માટલીએ, પાણી ભરાયું... એક ચક્કર બીજું લીધું ને અસ્થિકુંભ ગોદાવરીના જળમાં સમાઈ ગયો. બ્રાહ્મણે હાથ જોડી શાંતિ: શાંતિ: શાંતિ:ના મંત્રોચ્ચાર કર્યા. ચિરાગ-નમ્રતા ગોદાવરીના પાણીમાં કશુંક ફંફોસતાં રહ્યાં. ડૂસકાં આંખોની કિનારીએ આવીને બેઠાં. એકબીજાના હાથના અંકોડા લઈ પીડાથી નીતરતા પાણીમાંથી માંડ-માંડ નીકળી પાછલા પગથિયે જમીન પર જાણે રીતસરના ફસડાઈ પડ્યાં. એકબીજાની હથેળીમાં મોં સંતાડીને બન્ને જણ છુટ્ટા મોંએ મોટા અવાજે રોઈ પડ્યાં. તેમનાં હીબકાંઓથી ગોદાવરી થંભી ગઈ!

€ € €

શનિવારની સાંજ હતી. નમ્રતા હાથમાં ચાનો કપ લઈ બારી પાસે બેસેલી હતી. આજે ઘરમાં એકલી હતી. દિત્યાના અસ્થિવિસર્જનને પંદર દિવસથી પણ વધુ સમય પસાર થઈ ગયો હતો. ચિરાગ સતત સાથે રહેતો, પણ આજે આટલા દિવસે પહેલી વાર નમ્રતાના જ આગ્રહને વશ તે ઑફિસે ગયો હતો. શાકભાજી ને દૂધ લેવા સિવાય તે ઘરની બહાર નીકળી શકતી નહોતી. લોકોની સાથે ભળવાનો તે જેટલો પણ પ્રયત્ન કરતી એટલી ને એટલી તે એકલી પડી જતી. જાત સાથે વાતો ને ફરિયાદો કરી-કરીને તેને થાક લાગ્યો હતો. સોસાયટીની તેની બધી ફ્રેન્ડ્સ મોના, સોનિયા, ફાલ્ગુની ને બાકીનાં સગાંવહાલાં નમ્રતા સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતાં, પણ નમ્રતા પાસે ખાસ વાતો નીકળી નહોતી શકતી. કોઈ વાતનું જાણે સમાધાન શોધતી હોય એમ અંદર ને અંદર ખવાતી જતી હતી. ખાલી ઘર તેને જાણે ભેટીને બેસી રહેતું. દરિયાઈ પવન ખુલ્લી સ્લાઇડિંગ વિન્ડોમાંથી ડ્રૉઇંગ-રૂમમાં સીધો પ્રવેશતો હતો. તે સાંજને જોતી હતી એકીટશે. અચાનક ફોનમાં રિંગ વાગી. તેણે જોયું તો અમદાવાદથી તેની મમ્મી જશોદાબહેનનો કૉલ હતો.

આ પણ વાંચોઃ કંકુના સૂરજ આથમ્યા! - પ્રકરણ - 19

હા મમ્મી! સાતમા પાતાળમાંથી તે જાણે ઢસડાતાં બોલી.
કેમ છે તું બેટા, ઘણા સમયથી મારું મન ચુંથાતું હતું તો મને થયું કે તારી સાથે વાત કરી લઉં.
મજામાં છું મમ્મી! બસ, જુઓ બેઠી છું નિરાંતે! જશોદાબહેને અનુભવ્યું કે આ નિરાંત શબ્દ બોલવામાં નમ્રતાને તકલીફ પડી.
નમ્રતા, તારા મનમાં કશું હોય તો તું મને પૂછી શકે બેટા. મને સતત એવું લાગે છે કે કોઈ પ્રશ્ન છે તારી અંદર જે તને સતત તારાથીયે અળગી રાખે છે. થોડી વાર સુધી ચુપકીદી તોળાતી રહી.
મમ્મી, મને એમ થાય કે મારી દીકરીને જે બીમારી લાગુ પડી એ લાખો-કરોડોમાં કોઈ એકને થાય છે તો એ લાખો-કરોડોમાં મારી દીકરી જ કેમ? એક પછી એક મારાં ત્રણ સંતાનો... હું જ કેમ મમ્મી? લાખો-કરોડોમાં કોઈ એક કપલ તો અમે જ કેમ?

તે આગળ બોલી ન શકી, પણ તેનાં ડૂસકાં સામા છેડે બેસેલાં જશોદાબહેનની છાતીમાં જાણે કે ઊગી નીકળ્યાં. જશોદાબહેને તેને થોડો સમય રડી લેવા દીધું ને પછી સ્વસ્થ અને સ્થિર અવાજે બોલ્યાં,
નમ્રતા, આ તારી એકલીનો સવાલ નથી. મહાભારતમાં દ્રૌપદીનો પણ આ જ સવાલ હતો.

નમ્રતા આંસુ લૂછીને કૂંડામાં પાંગરેલા છોડની કૂંપળોને જોતી-જોતી જશોદાબેનના શબ્દોને ધ્યાનથી સાંભળવા લાગી.

કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીનું વjાાહરણ કર્યું એ પછી જ્યારે પહેલી વાર ક્રિષ્ન દ્રૌપદીને મળ્યા ત્યારે તેના પગ પકડીને છાતી વલોવાઈ જાય એવું હૈયાફાટ રડીને દ્રૌપદીને આ જ સવાલ પૂછેલો કે... હું મહારાજા દ્રુપદની પુત્રી, અãગ્નમાંથી જન્મેલી યાજ્ઞસેની, મહાસમર્થ પાંચ પાંડવની પત્ની, આર્યાવર્તના શ્રેષ્ઠ પુરુષ શ્રીકૃષ્ણની સખી કૃષ્ણા ને તો પણ મારી સાથે આવું અધમ કૃત્ય... આ નર્ક જેવી પીડા અસહ્ય છે કૃષ્ણ.

ત્યારે ભગવાને કહેલું કે પાંચાલી, આ પીડા એ નર્ક છે. સૌથી પહેલાં તો તું પીડાનો ત્યાગ કર. ઈશ્વરને ભોગ ધરાવે છે એમ તારી આ પીડા પણ ધરાવી દે. તારી પીડા જો તું ઈશ્વરનાં ચરણોમાં સોંપી દઈશ તો યાતનાના નર્કમાંથી મુક્ત થઈ જઈશ. દ્રૌપદી, બ્રહ્માંડમાં સુખ, દુ:ખ, પીડા ને ઉલ્લાસ સ્થિર છે. બ્રહ્માંડ પોતાની પીડાને, પોતાના સુખને નીચે પૃથ્વી પર મોકલે છે ને કોઈ એક યોગ્ય વ્યક્તિને પસંદ કરે છે જે એ પીડાને કે સુખને વેંઢારી બ્રહ્માંડને, બ્રહ્મને મુક્ત કરે...

તારો પ્રશ્ન છે કે તું જ કેમ? તો પાંચાલી, એનો ઉત્તર એ છે કે પ્રકૃતિ જાણતી હતી કે એની છાતીમાં ગોરંભાયેલી એ પીડાને સહી શકવાનું સામથ્યર્‍ માત્ર તારામાં હતું. આર્યાવર્તની કોઈ બીજી jાી હોત તો તે જીવી ન શકી હોત. તારામાં એ પીડાના વિષને ઘોળીને પી જવાનું સામથ્યર્‍ હતું એટલે એ પીડાને સ્વીકારીને તો તેં પ્રકૃતિને તારી આભારી બનાવી છે. એટલે પીડાને ત્યાગ કર તો પરમેશ્વર તારો ન્યાય કરી શકશે. તારી પાસે પીડા એટલે નથી આવી કે તું એ પીડાને લાયક હતી. તારી પાસે એ યાતના પ્રકૃતિએ એટલે મોકલી, કેમ કે તેનામાં સ્થિર થયેલી એ પીડાને તું જ ગાળી શકે એમ હતી. તારા થકી જ બ્રહ્માંડમાં સ્થિર એ કલ્પાંતને ઓગાળી શકાય એમ હતું. તું પ્રકૃતિના એક ચક્રનું નિમિત્ત હતી, જેને પાર પાડીને તું સાંગોપાંગ પાર ઊતરી છે એટલે તારાં સુખ-દુ:ખનું ધ્યાન હવે પરમેશ્વરે રાખવું પડશે, તારો ન્યાય-અન્યાય હવે પ્રકૃતિ તોળશે.

નમ્રતાને લાગ્યું કે કોઈ અત્યારે માથામાં હાથ ફેરવી રહ્યું છે ને પીઠ પર ફરતો હૂંફાળો હાથ જાણે છાતીનો બધો ભાર ધીરે-ધીરે પોતાનામાં સમાવી રહ્યું છે. તે આંખો બંધ કરી દીવાલને અઢેલીને બેસી રહી. કોઈ અદૃશ્ય હાથ જાણે તેને પંપાળી રહ્યો છે. તેને લાગ્યું કે પીડાનું કોઈ એક વસ્ત્ર તેની છાતી પરથી ધીરે-ધીરે ઊતરી રહ્યું છે અને તે ચિરાગનો હાથ પકડીને દરિયાની સપાટી પર સ્થિર ઊભી છે!
€ € €

સાંજ દરિયાની પેલે પાર લાલ પીળા રંગો પાથરીને મલકાતી હતી. મુંબઈનો દરિયો શાંત લાગતો હતો. દરિયાનાં મોજાં ચોક્કસ લય સાથે કિનારા પર આવીને રેતી પર હેતનાં સફેદ ફીણ પાથરીને પાછા જતાં રહેતાં હતાં. એકબીજાનો હાથ પકડીને ચિરાગ-નમ્રતા ખુલ્લા પગે દરિયાની ભીની રેતી પર ચાલી રહ્યાં હતાં. લાઇટ રેડ કલરના ચૂડીદાર પર પહેરેલો બાંધણીનો લાંબો લીલો દુપટ્ટો ને કોરા વાળની લટો પવનમાં ઊડાઊડ કરતાં હતાં. ડાર્ક બ્લુ કલરનું ડેનિમ શર્ટ અને લીવાઇસનું લાઇટ બ્લુ જીન્સ પહેરેલો ચિરાગ દરિયાનાં મોજાંની વચ્ચે-વચ્ચે પવનની સાથે ઊડાઊડ લીલી બાંધણીના દુપટ્ટાને સંભાળતી ને કાન પાછળ કોરી લટોને ધકેલવા મથતી નમ્રતાને જોઈ લેતો હતો. બન્ને જણ જે ભીની કેડી પરથી પસાર થઈ ચૂક્યાં હતાં એ કેડી પરના પાછળ છૂટી ગયેલા પગલાના નિશાનને દરિયો પોતાના ભરતીના પાલવથી ઢાંકી દેતો હતો. અચાનકથી ચિરાગ અટકી ગયો એટલે નમ્રતા ઉભી રહી ને પાછળ ફરી ચિરાગ તરફ જોઈ રહી. સાંજનો અજવાસ એના લાંબા વાળમાંથી ચળાઈને ચિરાગના ચહેરા પર લીંપાતો હતો.
નમ્રતા, જસલોક હૉસ્પિટલમાંથી ડૉ. અનાયતા હેગડેનો કૉલ આવ્યો એ પછી આપણી વચ્ચે કોઈ વાત નથી થઈ. મને તારું મંતવ્ય જાણવામાં રસ છે.

આઇ રિયલી ડોન્ટ નો ચિરાગ. ડૉ. અનાયતા આપણને અનધર બેબી માટે ચાન્સ લેવાનું કહે છે અને મારા મનમાં ખબર નહીં વિચારોનો વંટોળ ચાલે છે. ચિરાગ, એક સ્વસ્થ બાળકની આપણે આશા રાખવી જોઈએ?

ચિરાગે દરિયા તરફ જોયું. દરિયાના પેટાળનો તાગ મેળવીને જાણે જવાબ શોધતો હોય એમ તેણે માથું હલાવ્યું,

હું મારો પક્ષ રજૂ કરું તો મને ડર નથી લાગતો નમ્રતા, હું આશાવાદી છું. મને કોઈ ડર નથી. ડૉક્ટર્સની આખી ટીમ આપણી સાથે છે એટલે મને એવું લાગે છે કે એક તંદુરસ્ત બાળકની આપણી અપેક્ષા વધારે પડતી તો નથી જ!

નમ્રતાની આંખ સહેજ ભીની થઈ ને તેના હોઠ પર હરખ છલકાયો, ચિરાગ, તમારી આશાએ તો હું આશાવાદી બની છું. તમે મારી સાથે છો એટલે હું કોઈ પણ કસોટીમાંથી પાર ઊતરીશ. રસ્તો ગમ્મે એટલો લાંબો હોય, મુશ્કેલ હોય; પણ તમારો હાથ પકડી રાખીશ તો આંખ મીંચીને જન્મારો જીવી જઈશ. મને તમારા જવાબની જ રાહ હતી. એકબીજાની આંખોમાં આવનારા સમયના અજવાસને ભીની આંખે બન્ને જોઈ રહ્યા. ક્ષણો સ્થિર થઈ ને દરિયાની ભરતીનું પાણી બન્નેના પગની પાનીઓ પર પથરાઈ ગયું ત્યારે બન્નેનું ધ્યાન નીચે ભીની પાનીઓ પર પથરાયેલા સફેદ ફીણ તરફ ગયું ને એકાએક દિત્યા યાદ આવી. ભીના પગ પર ચોંટેલી રેતીને ખંખેરી બન્ને મુક્તપણે હસી શક્યાં. ભીની રેતી પર ચિરાગ અને નમ્રતાએ મોટું દિલ બનાવી એમાં દિત્યા લખ્યું અને સંતોષથી એકબીજાની પીઠનો આધાર લઈ બેસી રહ્યાં. દરિયામાંથી હરખાતી એક હૂંંફાળી ભરતી આવી. ચિરાગ અને નમ્રતા પર ભરતીની કૂણી છાલક ઢોળાઈ ને પગની પાનીઓ પર સફેદ ફીણની કિનારીઓ બાઝી ગઈ. જાણે દરિયાએ તેમને બાથમાં લીધાં. ભીની રેતી પર દિત્યા લખ્યું હતું એ શબ્દો પર સફેદ ફીણનો હરખ પથરાઈ ગયો. દરિયાનાં મોજાંઓને પહેરીને દિત્યા તાળીઓ પાડતી ખડખડાટ હસી પડી ને આથમતી સાંજ પર અજવાસ લીંપાયો!
(સમાપ્ત્)

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 01:31 PM IST | | રામ મોરી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK