ગુજરાતની જીત મારી નહીં બીજેપીના કાર્યકરોની કમાલ : નરેન્દ્ર મોદી

Published: 26th December, 2012 05:38 IST

અમદાવાદમાં આજે મોદીની શપથવિધિ : જયલલિતા, અડવાણી, જેટલી સહિત ટોચના નેતાઓ અને ફિલ્મી હસ્તીઓ હાજર રહેશેગુજરાતમાં વ્યક્તિવાદ ચાલી રહ્યો છે એ વાતનો છેદ ઉડાવતાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બીજેપીના વિજય વિશે ગઈ કાલે ગાંધીનગરમાં કહ્યું હતું કે ‘આ બધું નરેન્દ્ર મોદીનું છે એ મોટામાં મોટો ભ્રમ છે, આ વિજય મોદીની કમાલ નથી, પણ બીજેપીના કાર્યકરોની કમાલ છે. કેટલાય અવરોધો-વિરોધો વચ્ચે કમળ ખીલતું જ જાય છે.’ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે નરેન્દ્ર મોદીની મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિ યોજાશે.

ગુજરાત વિધાનસભામાં વિજયની હૅટ-ટ્રિક કર્યા પછી ગઈ કાલે ગાંધીનગરમાં બીજેપીના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં વિધાનસભાના નેતા તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

નવા ચૂંટાયેલા ધારાસભ્યો સહિત ઉપસ્થિત સાંસદો, પ્રદેશ હોદેદ્દારો, શુભેચ્છકોને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ટીમ સ્પિરિટ કોને કહેવાય તેની ઉત્તમ બાબત ગુજરાત બીજેપીમાં ડગલે ને પગલે જોવા મળે છે. બીજેપીના વિજયમાં કાર્યકરોનો ફાળો મહત્વનો છે એ બાબત સમજાવતાં તેમણે કહ્યું હતું કે બીજેપીના કાર્યકરોએ લોકોની વચ્ચે વિશ્વાસ સંપાદન કર્યો છે, કાર્યકરોની તપસ્યાને કારણે વિશ્વાસનો એક સેતુ નિર્માણ થયો છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ચૂંટાયેલા લોકોની વધારે જવાબદારી છે કે નાના કાર્યકરોની લાગણીઓને સમજીએ, કાર્યકરો આપણી મૂડી છે, તેઓનો આદર થાય અને આ મૂડીમાં વૃદ્ધિ થાય છે.’

અરુણ જેટલીએ ચોથી વખત બીજેપીના વિધાનસભાના નેતા બનેલા નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં. આ બેઠકમાં બીજેપીના પ્રદેશ પ્રભારી બલવીર પુંજ, ભૂતપૂર્વ પ્રભારી ઓમ માથુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK