84 વર્ષના શાંતા પટેલ કોઈ નિયમો નથી પાળતાં તેમ છતાં એકદમ સ્વસ્થ છે

Published: 17th October, 2011 20:29 IST

આવી જીવનશૈલી ધરાવતાં ૭૮ વર્ષનાં શાંતા પટેલ તંદુરસ્ત હોવાની સાથે એટલાં જ વ્યસ્ત પણ છે. તેઓ પેઇંગ ગેસ્ટ તરીકે તેમની સાથે રહેતી પંદર જુવાન છોકરીઓને સાચવે, તેમના જમવા-ખાવાની વ્યવસ્થા કરે અને તેમણે જાતે સ્થાપેલા મહિલા ગૃહઉદ્યોગનું સુપરવિઝન પણ કરે છે(પીપલ લાઈવ - Fit n Fine 75 + )

- રૂપાલી શાહ

શ્યામ શાંત ચહેરો, એકવડિયો-સાગના સોટા જેવો બાંધો અને ટટ્ટાર ચાલ ધરાવતાં શાંતા પટેલને મળીએ એટલે પહેલી નજરે જ તેમનો જુસ્સો અને તરવરાટ આપણને આકર્ષી જાય. અત્યારે કાંદિવલીમાં રહેતા ૭૮ વર્ષનાં શાંતાબહેન જીવનના સૂર્યાસ્તને આરે આવીને ઊભાં છે, પણ સમાજ માટે કંઈક કરી છૂટવાનો તેમનો જુસ્સો હજી આજે પણ સત્તર વર્ષની નવયૌવનાને શરમવો એવો છે.

સતત સક્રિય

પોતાની દિનચર્યા વિશે શાંતાબહેન કહે છે, ‘મારા ઘરમાં પંદર જેટલી છોકરીઓ પેઇંગ ગેસ્ટ રહે છે. સવાર આખી તે લોકોની પાછળ ધમધમતી રહે છે અને બપોર પછી હું મારા મહિલા ગૃહઉદ્યોગનાં નાનાં-મોટાં કામ માટે નીકળી પડું છું.’

પોતાની તંદુરસ્તીની વાત કરતાં શાંતાબહેન કહે છે, ‘હું કોઈ પણ જાતના નિયમમાં નથી માનતી. નથી કોઈ યોગ કે એક્સરસાઇઝ કરતી. હા, મને એકમાત્ર તમાકુનું વ્યસન છે. ઈશ્વરની કૃપા અને સાદું-સાત્વિક ભોજન જ મારી તંદુરસ્તીનો રાઝ છે.’

અતીતનાં સંસ્મરણો

નાનપણમાં માત્ર અઢી વર્ષની ઉંમરે જ માતાની છત્રછાયા ગુમાવી. અનેક ઉતાર-ચડાવ જોઈ ચૂકેલાં શાંતાબહેન બાળપણનાં સ્મરણો મમળાવતાં કહે છે, ‘ગુજરાતના એક નાનકડા ગામમાં મારું મોસાળ. ત્યાં નાના-નાની અને માસી પાસે ઊછરી છું. સાતમી સુધી ભણી.’

સોળ વર્ષની ઉંમરે તો તેમના લગ્ન થઈ ગયાં હતાં, જોકે તેમનું પ્રથમ લગ્નજીવન નિષ્ફળ નિવડ્યું અને એમાં તેમને ભણવાનું મહત્વ સમજાયું. અને તેમણે મુંબઈ આવી પીટીસીની ટ્રેઇનિંગ લીધી. બીએમસીની પ્રાથમિક સ્કૂલમાં નોકરી મળી, જે સતત ત્રીસ વર્ષ સુધી કરી. મુંબઈ જેવા મોટા શહેરમાં આવી વસવાનું અને હૉસ્ટેલમાં રહીને ભણવાનું કામ કંઈ આસાન નહોતું. ઘણી જહેમત ઉઠાવ્યા પછી તેઓ આ માયાવી નગરીમાં ઠરીઠામ થયાં. એ જ અરસામાં તેમના ફરી લગ્ન થયાં.

મહિલા ગૃહઉદ્યોગ

શાંતાબહેને પોતાના જીવનમાં જોયેલા સંઘર્ષને કારણે જ તેમના મનમાં ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે કંઈક કરી છૂટવાનો વિચાર સ્ફુર્યો. એ વિચારોનું વટવૃક્ષ એટલે જ શ્રી જલારામ મહિલા ગૃહઉદ્યોગ. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં વીસ નવેમ્બર ૧૯૭૬માં શરૂ થયેલું આ અભિયાન આજે પણ કાળની કસોટી પર ખરું ઊતર્યું છે.

ભૂતકાળની યાદો હજીયે શાંતાબહેનની આંખોમાં તરવરે છે એ વિશે  તેઓ કહે છે, ‘આ કામમાં મારા પતિનું ખૂબ પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં તો હું એકલા હાથે જ પાંચ-પાંચ કિલો પાપડનો લોટ બાંધી દેતી. સવારના ચાર વાગ્યામાં ઊઠી જતી અને થોડા-થોડા પાપડ વણતી. નોકરી તો ચાલુ જ હતી અને ઘરની રસોઈ તો ખરી જ. જોકે એકલા પાપડ વણી લેવાથી કામ પૂરું નહોતું થઈ જતું. એનું વજન કરવું, પૅકિંગ કરી પાર્લા, સાંતાક્રુઝની દુકાનોમાં પહોંચતા કરવાના જેવી અનેક બાબતો પર ધ્યાન રાખવું પડતું.’

ચોકસાઈ પણ

વધુ ઑર્ડર હોય કે પહોંચી ન વળાતું હોય તો કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વગર પલાંઠી વાળીને શાંતાબહેન બહેનોને મદદ કરવા બેસી જાય છે. આજે તો આ ગૃહઉદ્યોગમાં પાપડ, ખાખરા, ફરસાણ ઉપરાંત ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવતી રોટલીઓના ઑર્ડર પણ મોટે પાયે આવે છે. જોકે વિલે પાર્લે‍થી શરૂ થયેલી આ સફર હવે આજે કાંદિવલી (ઈસ્ટ)ની મોટી જગ્યામાં જોરશોરથી ધમધમી રહી છે. એટલું જ નહીં, એક સાંધો ત્યાં તેર તૂટે એવી આવક ધરાવતા ગરીબ પરિવારમાંથી કામ કરવા આવતી સ્ત્રીઓને સંતાનોના લગ્ન વખતે, જરૂરિયાત કે માંદગી ટાણે વગર વ્યાજે મદદ કરવા પણ શાંતાબહેન એટલાં જ તત્પર રહે છે. નવા સ્ટવ, તવા કે નવી સાધનસામગ્રી જેવી ઝીણામાં ઝીણી બાબતો પર પણ તેઓ જ દેખરેખ રાખે છે.

એકલતાનો ઉપાય

મહિલા ગૃહઉદ્યોગની ગાડી પાટા પર પૂરપાટ દોડવા માંડી હતી. એ જ અરસામાં ૧૯૯૮માં શાંતાબહેનના પતિનું મૃત્યુ થયું. વાતનો દોર આગળ વધારતાં શાંતાબહેન કહે છે, ‘એકલતા સાલે નહીં અને આવક પણ ચાલુ રહે એટલે મેં ઘરમાં જ કૉલેજ જતી છોકરીઓને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવાનું શરૂ કર્યું.’

પાર્લાથી કાંદિવલી રહેવા ગયા પછી પણ માઉથ પબ્લિસિટીને જોરે જ તેમને ત્યાં પેઇંગ ગેસ્ટ છોકરીઓ આવતી રહી છે. મહિને સાવ નજીવી રકમમાં રહેવા, ખાવા અને સૂવાની સગવડ અને પ્રેમાળ માતા જેવા સ્વભાવને લીધે છોકરીઓનું જીવન વિશિષ્ટ અને સમૃદ્ધ બન્યું છે. અહીં ધર્મ નથી નડતો. મલયાલમ, મુસલમાન, ગુજરાતી કે મહારાષ્ટ્રિયન કોઈ પણ પેઇંગ ગેસ્ટ છોકરી આવકાર્ય છે. પારકાને પોતાના બનાવી લેવાના તેમના ગુણે જ તેમનું ઘર હંમેશાં કિલ્લોલતું રાખ્યું છે, પણ પંદર જેટલી છોકરીઓનું ધ્યાન રાખવાનું અને તેમની ખાવા-પીવાની વ્યવસ્થા?

‘લો, આજ સવારની જ વાત કરું. રસોઈવાળાં બહેને અચાનક જ ગુટલી મારી દીધી. આવું તો અવારનવાર ચાલતું રહે’ એવું કહેતાં શાંતાબહેને પંદર છોકરીઓના ચા-નાસ્તા અને શાક-પરાંઠાં આનંદથી હસતાં-રમતાં બનાવી દીધાં’ અને ઉમેરે છે, ‘દીકરીઓ ખૂબ જ પ્રેમાળ અને મને મદદરૂપ થાય તેવી છે એટલે કશું અઘરું નથી લાગતું.’

જલારામબાપા અને રામ-કૃષ્ણમાં ભરપૂર આસ્થા ધરાવતાં શાંતાબહેનનો જીવનમંત્ર એક જ છે - માનવતા. તેમને જોઈને એમ જ થાય કે ખરેખર ઇચ્છાઓ સાકાર કરવા ઉંમર કે સમયનો કોઈ બાધ નથી નડતો.

સપનું સાકાર

શાંતાબહેનને ઘણાં વર્ષોથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા હતી. કાંદિવલી (ઈસ્ટ)માં આવેલા તેમના મહિલા ગૃહઉદ્યોગની જગ્યા પર તેમણે નવું વિશાળ બાંધકામ કરાવ્યું છે, જેમાં ઉપર અને નીચેનો માળ મળીને ત્રણ વિભાગ પાડી વિદ્યાર્થીઓ માટે વાચનાલય અને સિનિયર સિટિઝન્સને સમય પસાર કરવા વિસામો મળી રહે એવું સ્થાન ઊભું કર્યું છે. જેનું નામ છે જલારામ વાચનાલય અને જલારામ વિસામો. જેનું ઉદ્ઘાટન દિવાળી પછી થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK