પોતાના જલસા માટે ભેગી કરેલી રકમ દાનમાં આપી દીધી આ મહિલાઓએ

Updated: 19th May, 2020 18:21 IST | Varsha Chitalia | Mumbai

કાંદિવલીની નિસર્ગ કિટી ટીમની લેડિઝ ટીમે સોસાયટીના સ્ટાફ માટે એક મહિનો ચાલે એટલાં અનાજ-શાકભાજીની વ્યવસ્થા કરી આપી

 ભૂતકાળમાં પણ જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે તેમણે કિટી રકમનો મોટો હિસ્સો સમાજ માટે વાપર્યો છે.
ભૂતકાળમાં પણ જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે તેમણે કિટી રકમનો મોટો હિસ્સો સમાજ માટે વાપર્યો છે.

લૉકડાઉનના કારણે જરૂરિયાતમંદોને સહાય આપવા અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. જો કે કાંદિવલીની નિસર્ગ કિટી ગ્રુપની ૧૬ મહિલાઓનું માનવું છે કે ચૅરિટી બિગેન્સ એટ હૉમ. આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી આ ગૃહિણીઓએ પોતાના રિફ્રેશમેન્ટ અને જલસા માટે ભેગી કરેલી રકમ સોસાયટીના વૉચમૅન, ગાર્ડનર અને હાઉસ કીપિંગ મળીને પંદરેક જણના સ્ટાફ પાછળ વાપરી નાખી છે.
ડે નાઇટ સોસાયટીમાં જ રહેતા ત્રણ વૉચમૅન માટે થોડા સમય પહેલાં કમ્પાઉન્ડના ડેડ એરિયામાં નાનું કીચન બનાવી આપવામાં આવ્યું હતું એ અત્યારે બહુ કામ લાગ્યું એમ જણાવતા કિટી મેમ્બર હેમાલી વોરા કહે છે ‘અમારી પાંચ હજારની કિટી છે. આ ઉપરાંત જેના ઘરે કિટી હોય એ એક હજાર એક્સ્ટ્રા આપે. કિટીના અંતે જમા થયેલા રૂપિયામાં રિસોર્ટ કે વન નાઇટ સ્ટે જેવા પ્રોગ્રામ બનાવી જલસો કરીએ છીએ. હાલમાં દેશ મહામારી અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો હોય ત્યારે આપણાથી એન્જોય કેમ થાય. મજૂરોની દશા જોઈને હૃદય દ્રવી ઊઠે. પોસ્ટ લૉકડાઉન સલામતીની દૃષ્ટિએ આ રાઉન્ડની બાકી રહેલી કિટી પાર્ટી થવાની ન હોવાથી મેમ્બરોએ પોતાનું કૉન્ટ્રિબ્યુશન એડવાન્સમાં આપવાની તૈયારી બતાવી. બહાર જઈને મદદ કરવા કરતાં દિવસ-રાત આપણી માટે કામ કરતા લોકોને મદદ કરવાનું નક્કી થયું. આખા સ્ટાફ માટે એક મહિનો રસોઈ બની શકે એટલું કરિયાણું ભરી આપ્યું. કાંદા-બટેટાનો તો કોથળો ભરી નાખ્યો જેથી તેમને તકલીફ ન થાય.’
દરેક સોસાયટીમાં આવી કિટી ચાલતી હોય છે. થોડા મહિના મોજ-મસ્તી કરવાની જગ્યાએ સમાજને મદદરૂપ થવું જોઈએ એવી ભાવના ધરાવતી આ મહિલાઓ સોસાયટી સ્ટાફ માટે છેલ્લા એક મહિનાથી સવાર-સાંજની ચા બનાવી આપે છે. દરેક સ્ટાફ મેમ્બર પર્સનલ હાઇજીનને અનુસરે એ બાબત ચોક્સાઈ રાખે છે. શાકભાજી માથે રહીને ગરમ પાણીમાં ધોવડાવે છે. ભૂતકાળમાં પણ જ્યારે કુદરતી આપદા આવી છે ત્યારે તેમણે કિટી રકમનો મોટો હિસ્સો સમાજ માટે વાપર્યો છે. થોડા વખત પહેલાં વૃદ્ધાશ્રમમાં એડલ્ટ ડાઇપર અને દવાઓ આપી હતી.

First Published: 15th May, 2020 16:06 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK