પિતાની હત્યાની ૨૭મી વરસીએ પુત્ર વિધાનસભ્ય બન્યો

Published: 21st December, 2012 03:36 IST

ગૉડમધર સંતોક જાડેજાના દીકરા કાંધલના પપ્પા સરમણ મુંજાની ૨૦ ડિસેમ્બરે જ હત્યા થઈ હતી : એનસીપીના ૯ ઉમેદવારોમાંથી બે જ જીત્યાગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં કુતિયાણા બેઠક પરથી એનસીપીની ટિકિટ પર ઇલેક્શન લડનારા ગૉડમધર સંતોક જાડેજાનો દીકરો કાંધલ જાડેજા ગઈ કાલે બીજેપીના કરસન ઓડેદરા સામે ૧૮,૪૭૪ મતથી જીતી ગયો હતો. કાંધલ જાડેજાના પપ્પા અને સૌરાષ્ટ્રના એક સમયના કુખ્યાત ડૉન સરમણ મુંજાની હત્યા ૧૯૮૫માં એટલે કે ૨૭ વર્ષ પહેલાં ૨૦ ડિસેમ્બરે પોરબંદરમાં થઈ હતી. આ હિસાબે કાંધલ જાડેજા પપ્પાની પુણ્યતિથિના દિવસે વિધાનસભ્ય બન્યો હતો. કાંધલ જાડેજા પર મારામારી, મર્ડર, ખૂનની ધમકી, હત્યાનો પ્રયાસ, ધાકધમકી જેવા અલગ-અલગ ૪૫થી વધુ કેસ થઈ ચૂક્યા છે. કાંધલ જાડેજાએ કહ્યું હતું કે રાજકારણ મને નવો રસ્તો દેખાડશે અને આ રસ્તાથી હું હવે સમાજસેવા તરફ આગળ વધવાનો છું.

કૉન્ગ્રેસ સાથે ટાઇ-અપ કરીને ગુજરાત વિધાનસભાનું ઇલેકશન લડી રહેલી એનસીપીને કૉન્ગ્રેસે ગુજરાતમાં કુલ નવ બેઠક આપી હતી. આ નવમાંથી સાત બેઠક પર એનસીપી હારી છે. કુતિયાણા ઉપરાંત એનસીપી આ વખતે દક્ષિણ ગુજરાતની ઉમરેઠ બેઠક પણ જીતી છે. ઉમરેઠ બેઠક પરથી એનસીપીના પ્રેસિડન્ટ જયંત પટેલ બીજેપીના ગોવિંદ પરમાર સામે ૧૩૯૪ મતથી જીત્યા હતા. જયંત પટેલે કહ્યું હતું કે ‘નવમાંથી બે બેઠક મળી છે એટલે એ અમારી દૃષ્ટિએ સારું રિઝલ્ટ છે. આવતી વખતે અમે પચાસ ટકા બેઠક પર જઈશું એનો અમને વિશ્વાસ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK